Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં:દાતાઓએ લાખો રૂપિયાનાં ખર્ચે આપેલી રિક્ષાઓ સેલરમાં ધૂળ ખાય છે, 10 પૈકી 2-3 ચાલુ રીક્ષામાં પણ દર્દીઓને બદલે સામાન ફેરવાતો હોવાનો પર્દાફાશ

    12 hours ago

    સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર પોતાના કથળેલા વહીવટ અને દર્દીઓ પ્રત્યેની ઘોર સંવેદનહીનતાને કારણે વિવાદના વમળમાં ફસાઈ છે. આ સરકારી હોસ્પિટલમાં દરરોજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અને શહેરમાંથી હજારો ગરીબ દર્દીઓ મફત અને યોગ્ય સારવાર મેળવવાની આશાએ આવે છે. આવા લાચાર દર્દીઓની સુવિધામાં વધારો થાય તેમજ હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં તેમને એક વિભાગમાંથી બીજા વિભાગમાં જવામાં તકલીફ ન પડે, તેવા શુદ્ધ આશયથી શહેરની વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને મોટા દાતાઓ દ્વારા લાખો રૂપિયાની કિંમતની રિક્ષાઓ હોસ્પિટલ તંત્રને દાન સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી. જોકે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની ઘોર બેદરકારીને કારણે દાતાઓના પવિત્ર દાનની સરેઆમ અવગણના થઈ રહી છે અને કિંમતી વાહનો ધૂળ ખાઈ રહ્યા છે. રાજકોટ સિવિલમાં આવતા ગરીબ-અશક્ત દર્દીઓની વ્હારે આવીને બાલાજી વેફર્સ પ્રા.લી. જેવી નામાંકિત સંસ્થાઓએ પોતાના સ્વખર્ચે ડીઝલ તેમજ બેટરીથી ચાલતી 10 જેટલી ઈ-રિક્ષાઓ હોસ્પિટલ મેનેજમેન્ટને સોંપી હતી. આ ભેટ આપવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ્ય એ હતો કે પી.ડી.યુ. હોસ્પિટલના કેમ્પસની અંદર જ દર્દીઓનું મફતમાં આંતરિક વહન થઈ શકે અને ગંભીર હાલતમાં રહેલા દર્દીઓને વ્હીલચેર કે સ્ટ્રેચર માટે કલાકો સુધી રાહ ન જોવી પડે. દાતાઓએ આ રિક્ષાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો જેથી ઓપરેશન થિયેટર, જનાના વોર્ડ, એક્સ-રે વિભાગ કે ઓપીડી વચ્ચે દર્દીઓની હેરફેર સરળ બને. પરંતુ સિવિલ હોસ્પિટલના વહીવટદારો માટે જાણે આ મફતમાં મળેલી સામગ્રીની કોઈ કિંમત જ ન હોય તેમ, આ તમામ આયોજન પર પાણી ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ હોસ્પિટલને દાનમાં મળેલી અંદાજે 10 જેટલી રિક્ષાઓમાંથી વર્તમાન સમયમાં માંડ 2 કે 3 રિક્ષા હોસ્પિટલમાં ચાલતી જોવા મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે રિક્ષાઓ માંડ-માંડ કાર્યરત રાખવામાં આવી છે, તેનો લાભ પણ હોસ્પિટલમાં આવતા ગંભીર દર્દીઓને બિલકુલ મળતો નથી. આ ચાલુ રિક્ષાઓમાં દર્દીઓને બેસાડવાના બદલે હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા માલસામાનની હેરફેર કરવામાં આવી રહી છે. રિક્ષાની અંદર દર્દીની જગ્યાએ મોટા-મોટા પાર્સલો, કાર્ટન બોક્સ, દવાઓના ખોખાં તેમજ ચા અને દૂધના કેન લાદીને કેમ્પસમાં ફેરવવામાં આવી રહ્યા છે, જે દાતાઓના મૂળ આશયની સરેઆમ મજાક સમાન છે. બીજી તરફ, બાકીની તમામ કિંમતી રિક્ષાઓને સિવિલ હોસ્પિટલના પાર્કિંગનાં ખૂણામાં બિનવારસી હાલતમાં સડવા માટે છોડી દેવામાં આવ્યા છે. ભોંયરામાં પાર્ક કરાયેલી આ રિક્ષાઓ પર ધૂળના જાડા થર જામી ગયા છે, તેના ટાયરોમાંથી હવા નીકળી ગઈ છે અને યોગ્ય જાળવણીના અભાવે મોંઘા વાહનો ભંગારમાં ફેરવાઈ રહ્યા છે. તંત્ર દ્વારા યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો માત્ર સિવિલ જ નહીં તેની સામે આવેલી જનાના હોસ્પિટલમાં પ્રસુતિ માટે આવતી ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓની માટે આ રિક્ષાઓ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે. પરંતુ તંત્રની આડોડાઈને કારણે આ વાહનો કટાઈ રહ્યા છે અને દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલની લાલિયાવાડીનો સૌથી મોટો ભોગ ગરીબ દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓ બની રહ્યા છે. જ્યારે પણ કોઈ અશક્ત દર્દી કે તેના પરિવારજનો દ્વારા હોસ્પિટલ સ્ટાફ પાસે આ રિક્ષાની માંગણી કરવામાં આવે છે, ત્યારે સ્ટાફ તરફથી અત્યંત ઉદ્ધત અને નકારાત્મક જવાબો આપવામાં આવે છે. કાં તો રિક્ષા બગડેલી હોવાનું બહાનું આગળ ધરી દેવાય છે અથવા તો ડ્રાઈવર હાજર ન હોવાનું કહીને હાથ ઊંચા કરી લેવામાં આવે છે. આના પરિણામે, ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ અને લાચાર મહિલાઓને નાછૂટકે પોતાના ટાંટિયા તોડીને, પગ ઘસડીને કે સગાઓના સહારે એક બિલ્ડિંગથી બીજી બિલ્ડિંગ સુધી ચાલીને જવું પડે છે. સમગ્ર મામલે રોગી કલ્યાણ સમિતિનાં સભ્ય રાજાભાઈ ચાવડાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ રિક્ષાઓ પૈકી અમુક રોગી કલ્યાણ સમિતિની ગ્રાન્ટ દ્વારા પણ આપવામાં આવી છે. છતાં પણ તેનો યોગ્ય ઉપયોગ થતો નહીં હોવાથી આ મામલે આરોગ્ય મંત્રી સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. અને ટૂંક સમયમાં આ રિક્ષાઓ ગરીબ અને અશક્ત દર્દીઓ માટે કામમાં લેવામાં આવે તે માટેનાં પ્રયાસો પોતે કર્યા છે. શક્ય તેટલી જલ્દી આ રિક્ષાઓનું સમારકામ કરાવી તેનો દર્દી માટે ઉપયોગ શરૂ કરવાનો દાવો તેમણે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા પણ દર વર્ષે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની શ્રેષ્ઠ સારવાર અને આધુનિક સુવિધાઓ વિકસાવવા માટે કરોડોની ગ્રાન્ટો પાણીની જેમ વહાવવામાં આવે છે. આમ છતાં, સ્થાનિક સ્તરે મોનિટરિંગ કરવાની કે કોઈ ચોક્કસ જવાબદારી નક્કી કરવાની કોઈ તંત્ર પાસે વ્યવસ્થા જ નથી. હોસ્પિટલ કેમ્પસમાં જાણે 'ઘરના ધોરાજી' જેવો અંધેર વહીવટ ચાલી રહ્યો છે, જ્યાં કોઈ નિયમ કે કોઈની પૂછપરછ કરનાર નથી. જો સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતે તપાસ સમિતિ નીમીને કડક પગલાં લેવામાં નહીં આવે, તો ભવિષ્યમાં કોઈપણ દાનવીર કે સેવાભાવી સંસ્થા સરકારી હોસ્પિટલને મદદ કરતા પહેલાં સો વાર વિચાર કરશે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા રેલવે સ્ટેશન પર મહિલા TTE- મુસાફર વચ્ચે મારામારી:ટિકિટ ચેકિંગ સમયે બાળકને ધક્કો મારી લાફો માર્યો, છેડતીના કેસમાં ફસાવવાની ધમકી આપ્યાનો પરિવારનો આક્ષેપ
    Next Article
    જૂનાગઢમાં 18 વર્ષીય યુવતીએ ગળેફાંસો ખાધો:પરિવાર પર આભ તૂટી પડ્યું, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment