Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચકચારી લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો:રાજકોટ પોલીસની 10-15 ટીમોએ 3-4 જિલ્લા અને 2 રાજ્યોની પોલીસની મદદથી 9 કલાકમાં 10 આરોપીને ઝડપી પાડ્યા, શૂઝ અને સીટ-કવરમાં છુપાવ્યું તું સોનું

    8 hours ago

    રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલી તન્વી ગોલ્ડ રિફાઇનરી બહાર 14 ઑક્ટોબર, 2026ના રોજ લાલજી સરધારા પર ફાયરિંગ કરી અંદાજે 1 કિલો સોનું અને 3 કિલો ચાંદી લૂંટી લેવાની ચકચારી ઘટના સામે આવી હતી. રાજકોટ શહેર પોલીસની 10-15 ટીમોએ 3-4 જિલ્લા અને 2 રાજ્યોની પોલીસની મદદથી માત્ર 9 કલાકમાં ઉત્તર પ્રદેશની ગેંગના તમામ 10 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પોલીસથી બચવા સોનું શૂઝ અને સીટ-કવરમાં છુપાવ્યું હતું. પોલીસે રૂ. 1.52 કરોડથી વધુનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. ગુનાનો મુખ્ય સૂત્રધાર તન્વી ગોલ્ડનો પૂર્વ કર્મચારી અવિનાશ સિંહ ઉર્ફે લંકેશ હતો, જ્યારે હાલના કર્મચારી શૈલેષ સિંહે બાતમી આપી હતી. જોકે પોલીસે આરોપીઓને પકડવા માટે AI ટેક્નોલોજીની મદદ લઈને ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી નાખતા ગૃહમંત્રીએ પણ પોલીસની પીઠ થાબડી હતી. જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે રાજકોટ પોલીસની 10 થી 15 ટીમોએ 3 થી 4 જિલ્લાઓ અને 2 રાજ્યોની પોલીસના સહયોગથી ઉત્તર પ્રદેશની આ કુખ્યાત ગેંગના કુલ 10 આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. આ ગુનાને અંજામ આપવા માટે આરોપીઓએ ખૂબ ઝીણવટભર્યું કાવતરું ઘડ્યું હતું. પોલીસની પકડથી બચવા માટે આરોપીઓએ લૂંટેલું સોનું તેમના શૂઝ (બૂટ) અને કારના સીટ-કવરમાં ખૂબ જ ચાલાકીપૂર્વક છુપાવ્યું હતું. જોકે, પોલીસની સતર્કતા અને ટેક્નોલોજીના સચોટ ઉપયોગના કારણે આરોપીઓના આ તમામ પેંતરા નિષ્ફળ નીવડ્યા હતા અને પોલીસે લૂંટમાં ગયેલા સોના-ચાંદી સહિતનો રૂ. 1.52 કરોડથી વધુનો મુદ્દામાલ 100% રિકવર કરી લીધો છે. આંતરિક માહિતી અને મુખ્ય સૂત્રધારની ભૂમિકા જોઈન્ટ પોલીસ કમિશ્નરે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ તપાસમાં એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે આ લૂંટ કોઈ સામાન્ય અપરાધ નહોતો, પરંતુ કંપનીની અંદરની માહિતીના આધારે આયોજનબદ્ધ રીતે પાર પાડવામાં આવ્યો હતો. તન્વી ગોલ્ડ રિફાઇનરીમાં અગાઉ આશરે 5 થી 6 મહિના પૂર્વે નોકરી કરી ચૂકેલો અવિનાશ સિંહ ઉર્ફે અશ્વિની સિંહ ઉર્ફે લંકેશ આ સમગ્ર ગુનાનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. જ્યારે શૈલેષકુમાર ખેરવા (જેને શૈલેન્દ્ર સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે) નામનો શખ્સ તન્વી ગોલ્ડમાં હાલ કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. શૈલેષકુમાર ખેરવાએ જ લાલજી સરધારા ક્યારે અને કયા સમયે રિફાઇનરીમાંથી બહાર નીકળવાના છે તેની પળેપળની આંતરિક માહિતી મુખ્ય સૂત્રધાર અવિનાશ સિંહને પૂરી પાડી હતી. શૈલેષકુમારને પૂરેપૂરો વિશ્વાસ હતો કે પોલીસ આ ગુના સુધી ક્યારેય પહોંચી શકશે નહીં અને તેની સંડોવણી ગુપ્ત રહેશે જેથી તેની નોકરી પણ સુરક્ષિત રહેશે. પરંતુ રાજકોટ પોલીસની ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તપાસે તેની આ ભ્રમણા ભાંગી નાખી હતી અને તેની કથિત ભૂમિકાનો પર્દાફાશ કરી દીધો હતો. મુખ્ય સૂત્રધાર લંકેશના દિમાગમાં અગાઉથી જ આ લૂંટનો પ્લાન તૈયાર હતો અને તેણે રસ્તામાં કોઈ પણ વ્યક્તિ વચ્ચે આવશે તો તેને સીધી જ મોતને ઘાટ ઉત્તરવાની સ્પષ્ટ સૂચના પોતાના સાગરિતોને આપી હતી. ફાયરિંગ અને નાકાબંધી તથા ધરપકડની વિગતો આ લૂંટના બનાવ દરમિયાન ફાયરિંગ કરવાની મુખ્ય જવાબદારી અનુરાગ સિંહ રાજપૂતે સંભાળી હતી. પોલીસ તપાસમાં પુષ્ટિ થઈ છે કે આરોપી અનુરાગ સિંહે લાલજી સરધારા પર ત્રણ રાઉન્ડ સચોટ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ગંભીર દુર્ઘટના ઘટી હતી. ફાયરિંગની આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ તાત્કાલિક સોના-ચાંદીનો મુદ્દામાલ લઈને અલગ-અલગ વાહનોમાં ફરાર થઈ ગયા હતા. જેમાં લૂંટને અંજામ આપવા માટે આવેલા ચાર મુખ્ય આરોપીઓ અગાઉથી જ 13 અને 14 ઑક્ટોબરના રોજ રાજકોટ આવી પહોંચ્યા હતા. ગુના બાદ આશરો લેવા અને પકડાઈ ન જાય તેના માટે આરોપીઓએ ચોટીલા પહોંચીને પોતાની કાર બદલી નાખી હતી. બાદમાં તેઓ બનાસકાંઠા થઈને રાજસ્થાન તરફ ભાગી છૂટ્યા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલાક આરોપીઓ આઇશર વાહન મારફતે ચોટીલાથી મોરબી ગયા હતા. જોકે કારના નંબર અને આરોપીઓની અવરજવરના રૂટની કડીઓ જોડીને પોલીસે રાજસ્થાન પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં રાજસ્થાનના પિંડવાડા અને ઉદયપુરમાંથી 6 આરોપીઓ, મોરબીમાંથી 3 અને રાજકોટમાંથી 1 આરોપી મળીને કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ ઉત્તર પ્રદેશના ચાંદૌલી, ગાજીપુર અને મઉ જિલ્લા તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોની હોવાનું બહાર આવ્યું છે. જોઈન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે તહેવારોમાં આવી ઘટના ફરી ન બને તે માટે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં શહેરના સમગ્ર વિસ્તારને અલગ-અલગ 'બીટ'માં વહેંચવામાં આવ્યો છે. એક ચોકીની અંતર્ગત ચારથી પાંચ બીટ નક્કી કરવામાં આવી છે અને દરેક બીટ માટે એક કોન્સ્ટેબલ, એક હેડ કોન્સ્ટેબલ તેમજ હોમગાર્ડના જવાનોની નિયુક્તિ કરવામાં આવી છે. આ તમામ જવાનો દ્વારા વિસ્તારમાં સઘન 'બીટવાઇઝ પેટ્રોલિંગ' (ગેરંટી યુક્ત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ) શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા આગામી ચાર-પાંચ દિવસમાં એક અત્યંત આધુનિક 'ઇ-બીટ સિસ્ટમ' (E-Beat System) લાગુ કરવામાં આવી રહી છે. આ નવી ડિજિટલ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ પોલીસ કર્મચારીઓનું ચેકિંગ કરવાથી માંડીને સુરક્ષા રેકોર્ડ જાળવવા સુધીની તમામ કામગીરી ઓનલાઈન અને પારદર્શક રીતે મેન્ટેન થશે, જેથી ગુનાખોરી પર વધુ મજબૂત અંકુશ રાખી શકાશે. ઝડપાયેલા આરોપીઓનાં નામ 1. અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપૂત (ઉ.વ. 27) 2. અનુરાગસીંગ ઓમપ્રકાશસીંગ રાજપૂત (ઉ.વ. 21) 3. વિસાલસીંગ વિનોદસીંગ રાજપૂત (ઉ.વ. 23) 4. શીવમ ગીરીશચંદ્ર ગૃપ્તા (ઉ.વ. 19) 5. વેદાંત કાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે (ઉ.વ. 28) 6. પનવકુમાર શિવપ્રસાદ ચૌબે (ઉ.વ. 39) 7. અરવીંદ ઉર્ફે નીરજ હરીશંકર તીવારી (ઉ.વ. 35) 8. શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવાર (ઉ.વ. 31) 9. અજીતકુમાર રામશપથ પાંડે (ઉ.વ. 24) 10. શિવમ અશોક પાંડે (ઉ.વ. 26) આરોપીઓની મોડસ ઓપરેન્ડી આરોપીઓએ રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કારખાનાની રિફાઇનરીમાંથી સોના-ચાંદીનો રિફાઇન માલ (સોનાના ઢાળિયા અને ચાંદીનો ડસ્ટ પાવડર) થેલામાં ભરીને નજીકના શો-રૂમ જવા માટે મેનેજર એક્ટિવા મોટરસાઇકલ પર બેસવા જઈ રહ્યા હતા ત્યારે આ ઇસમો મરૂન રંગની ટાટા ટિગોર ફોરવ્હીલ કારમાં આવ્યા હતા. તેમાંથી બે અજાણ્યા આરોપીઓ નીચે ઉતરીને સોના-ચાંદી ભરેલો થેલો છીનવી લીધો હતો. જ્યારે મેનેજર અને સિક્યુરિટી ગાર્ડે પ્રતિકાર કર્યો, ત્યારે આરોપીઓએ લાલજીભાઈ સરધારા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરી ગંભીર ઇજા પહોંચાડી હતી, જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. લૂંટ કર્યા બાદ આરોપીઓ ગાડી લઈને 120ની ઝડપે નાસી છૂટ્યા હતા અને લૂંટનો મુદ્દામાલ અન્ય આરોપીઓ કિયા સોનેટ કારમાં લઈને ભાગ્યા હતા. ગુનાહિત ઇતિહાસ શૈલેષકુમાર કર્મવીરભાઇ ખરવાર: પાલવાલ પોલીસ સ્ટેશન, હરિયાણા ખાતે ગુ.ર.નં-0321/2026 બી.એન.એસ. કલમ-110, 333, 351(3) મુજબનો ગુનો નોંધાયેલ છે. અજીતકુમાર રામશપથ પાંડે: કેદવા પોલીસ સ્ટેશન, ડિસ્ટ્રિક્ટ ચંદૌલી (યુ.પી.) ખાતે વર્ષ 2025માં ખૂનની કોશિશના ગુનામાં પકડાયેલ છે. અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપૂત: કેદવા પોલીસ સ્ટેશન, ડિસ્ટ્રિક્ટ ચંદૌલી (યુ.પી.) ખાતે વર્ષ 2025માં ખૂનની કોશિશના ગુનામાં તથા વર્ષ 2018માં મારામારીના બે ગુનાઓમાં પકડાયેલ છે. અનુરાગસીંગ ઓમપ્રકાશસીંગ રાજપૂત: બહરિયાબાદ પોલીસ સ્ટેશન (યુ.પી.) ખાતે સપરાધ મનુષ્ય વધના ગુનામાં પકડાયેલ છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના કાર્યક્રમમાં MLA રાઉલજી ગુસ્સે:રિબન કાપ્યા વિના જ ચાલ્યા ગયા, બોલ્યા- એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓને જગાવીશું
    Next Article
    બેરોજગાર યુવાનોની ઉગ્ર લડતની ચીમકી:ગાંધીનગરમાં વીજ કંપનીઓમાં કાયમી ભરતી, જગ્યાઓ વધારવાની માગ સાથે ઉમેદવારોના ધરણાં પ્રદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment