Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલ-ગલ્ફના તણાવથી સુરતમાં પાણી પણ મોંઘુ થયું!:10ની પાણીની બોટલ 15ની તો જારના ભાવ 125થી 180એ પહોંચ્યા, પ્લાસ્ટિક મોંઘું થતા વેપારીઓ અને પ્લાન્ટ સંચાલકોએ વધારો ઝિંક્યો

    11 hours ago

    ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ એક કોરડો વીંઝાયો છે. મિનરલ વોટર વેચતા વેપારીઓ અને પ્લાન્ટ સંચાલકોએ પાણીના ભાવમાં વધારો કર્યો છે. આ વધારા પાછળ મુખ્ય કારણ ઇઝરાયેલ અને ગલ્ફ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધ જેવી સ્થિતિ છે, જેના કારણે પ્લાસ્ટિકના રો-મટીરિયલના ભાવ આસમાને પહોંચ્યા છે. પ્લાસ્ટિકના જારના ભાવમાં 40% થી વધુનો ઉછાળો મિનરલ વોટરના વ્યવસાયમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા 20 લિટરના પ્લાસ્ટિક જારના ભાવમાં મોટો ભડકો થયો છે. માત્ર 7 દિવસ પહેલા જે પ્લાસ્ટિકનો જાર 125માં મળતો હતો, તેનો ભાવ હવે વધીને 180 થઈ ગયો છે. એટલે કે માત્ર એક અઠવાડિયામાં 55નો સીધો વધારો ઝીંકાયો છે. આ ભાવવધારાને કારણે મિનરલ વોટર પ્લાન્ટ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. 10ની પાણીની બોટલ હવે 15માં મળશે સામાન્ય રીતે મુસાફરી દરમિયાન કે બજારમાં મળતી 10ની મિનરલ વોટરની નાની બોટલ હવે 15માં વેચાઈ રહી છે. પ્લાસ્ટિકના દાણા મોંઘા થતા બોટલ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી ગઈ છે. ગેસની અછત અને ટ્રાન્સપોર્ટેશનના વધતા ખર્ચને કારણે છૂટક વેચાણમાં 5નો વધારો નોંધાયો છે, જેની સીધી અસર મધ્યમ વર્ગના ખિસ્સા પર પડી રહી છે. ગલ્ફ કન્ટ્રી અને ઇઝરાયેલ વચ્ચેનો તણાવ જવાબદાર વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવ નક્કી કરવામાં ગલ્ફ કન્ટ્રીઝ (ખાડી દેશો) મહત્વનો ભાગ ભજવે છે. ઇઝરાયેલ અને પડોશી દેશો વચ્ચેના સંઘર્ષને કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. પ્લાસ્ટિક બનાવવા માટે જરૂરી પેટ્રોકેમિકલ્સ આ દેશોમાંથી આવતા હોવાથી તેની અછત સર્જાઈ છે. પરિણામે, સ્થાનિક બજારમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ મોંઘી થઈ રહી છે. સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર અસર સુરત એક ઔદ્યોગિક શહેર છે, જ્યાં હજારોની સંખ્યામાં ટેક્સટાઇલ અને ડાયમંડ યુનિટ્સ આવેલા છે. આ એકમોમાં દરરોજ લાખોની સંખ્યામાં 20 લિટરના પાણીના જાર મોકલવામાં આવે છે. પાણીના ભાવ અને જારના ભાવ વધતા હવે કારખાનાના માલિકો અને વેપારીઓ માટે આ ખર્ચ મેનેજ કરવો મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને શ્રમિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી હવે મોંઘી પડશે. ઉનાળાની સિઝનમાં જનતાને બેવડો ફટકો માર્ચ મહિનાથી જ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે પાણીની માંગમાં પણ વધારો થયો છે. એક તરફ પાણીની અછત સર્જાય તેવી ભીતિ છે, તો બીજી તરફ ઉપલબ્ધ પાણીના ભાવ પણ વધી રહ્યા છે. ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોનું કહેવું છે કે જો પાણી જેવી પ્રાથમિક જરૂરિયાત પણ મોંઘી થશે તો ઘર ચલાવવું મુશ્કેલ બનશે. વેપારીઓ પણ કબૂલી રહ્યા છે કે મજબૂરીમાં આ ભાવવધારો ગ્રાહકો પર નાખવો પડી રહ્યો છે. વેપારીઓ અને સામાન્ય લોકોની હાલત કફોડી પ્લાસ્ટિકના જાર અને બોટલોના ભાવમાં અચાનક થયેલા વધારાથી વેપારીઓ પણ મૂંઝવણમાં છે. સાત દિવસમાં આવેલો 55નો વધારો અકલ્પનીય છે. હાલમાં સુરતના ઔદ્યોગિક વિસ્તારોથી લઈ રહેણાંક વિસ્તારો સુધી પીવાના પાણીના ભાવ ચર્ચાનો વિષય બન્યા છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિતિ શાંત નહીં થાય, તો પાણીના ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. વેપારી હિતેશ વણઝારાએ જણાવ્યું હતું કે, અમારે એક ટાઇમ પર આ જે 20 લિટરની બોટલ છે, એ 110થી 115 રૂપિયામાં મળતી હતી અને આજની તારીખમાં અમારે 180 રૂપિયાનો ભાવ સાંભળવામાં આવ્યો છે. કાલે અમે 155માં ખરીદી હતી બોટલ અને આજે ભાવ 180 રૂપિયા છે. ડીલરને તો હવે નુકસાન જ છે કેમ કે જે બોટલ એ લોકો 125 રૂપિયામાં ખરીદતા હતા એ લોકોને સીધો 50 રૂપિયાનો વધારો મળ્યો છે, તો હવે ડીલરોને તો નુકસાન જ છે ને. એક બોટલ પર 50 રૂપિયા વધી જાય એટલે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 19 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઇનનું ખાતમુહૂર્ત:વર્ષો જૂની જળબંબાકારની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે
    Next Article
    વિપક્ષે પાલનપુર નગરપાલિકા સભામાં નકલી નોટો ઉછાળી:વિકાસકાર્યોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો; પ્રમુખે કહ્યું- ડુપ્લીકેટ માણસોએ ડુપ્લીકેટ નોટો ઉછાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment