Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૈસા ફેંકો એટલે ધો.10-12 અને કોલેજમાં પાસ થવાની ફુલ ગેરન્ટી:22 હજારથી 65 હજાર ફી, શિક્ષણમંત્રીના સોરઠમાં ચાલતા કાળા કારોબારનો ભાસ્કર સ્ટિંગમાં ખુલાસો

    12 hours ago

    ગુજરાતમાં ચાલતા શિક્ષણના વેપલામાં હવે જૂનાગઢ પણ બાકી રહ્યું નથી. જે જિલ્લાના પ્રભારી ખુદ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા છે, તે જ જૂનાગઢમાં હવે આ શિક્ષણનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે.શિક્ષણ જગતને કલંકિત કરતી આ ગંભીર બાબતનો પર્દાફાશ દિવ્ય ભાસ્કરે એક સ્ટિંગ ઓપરેશન દ્વારા કર્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણના નામે મોટો વેપલો ચાલતો હોવાની જાણ દિવ્ય ભાસ્કરની ટીમને મળી હતી. જેના આધારે તપાસ કરી ત્યારે શિક્ષણ માફિયાઓ કેવી રીતે ખુલ્લેઆમ ડિગ્રીઓ અને માર્ક્સ વેચી રહ્યા છે તેનો ઘટસ્ફોટ થયો છે. માત્ર પૈસા ફેંકો અને પરીક્ષા પાસ કરોનો ખેલ સમગ્ર રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કરી દીધા છે. આ સમગ્ર કૌભાંડની શરૂઆત એક ચોંકાવનારી ઘટનાથી થઈ હતી. ધોરણ 12 પાસ કરેલા એક વિદ્યાર્થીના વાલી પર જૂનાગઢની 'ગુજરાત એજ્યુકેશન' નામની સંસ્થામાંથી એક યુવતીનો ફોન આવે છે. ફોન પર યુવતી વાલીને લાલચ આપતા જણાવે છે કે, તમારો દીકરો ધોરણ 12માં પાસ થઈ ગયો છે, તો શું તેને કોલેજમાં આગળ એડમિશન અપાવવું છે? જો એડમિશન લેવું હોય તો અમારો સંપર્ક કરજો. અમે કોલેજના તમામ પ્રકારના કોર્સ કરાવી આપીએ છીએ અને તેમાં પાસ થવાની 100 ટકા લેખિત ગેરંટી આપીએ છીએ. આ સંસ્થાની ઓફર એટલી હદે શરમાવી દે તેવી હતી કે વિદ્યાર્થીએ ક્યારેય કોલેજ જવાની જરૂર જ નથી. માત્ર પરીક્ષા આપવા જવાનું રહેશે અને ત્યાં તેને યુનિવર્સિટી તરફથી જ માઇક્રો કોપી આપવામાં આવશે, જેમાંથી જોઈને વિદ્યાર્થીએ પેપર લખી નાખવાનું રહેશે. ‘જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે સીધું સંકલન સેટ હોય છે’ વાલી સાથેની આ વાતચીતમાં સંસ્થાની જ એક યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે અમારું જુદી જુદી યુનિવર્સિટીઓ સાથે સીધું સંકલન સેટ હોય છે. આથી અલગ-અલગ યુનિવર્સિટીઓમાં કોર્સ મુજબ ચોક્કસ ફી નક્કી કરવામાં આવી છે. આ તમામ પ્રકારની ગોઠવણ અને ફીની વિગતવાર માહિતી મેળવવા માટે વાલીને જૂનાગઢ રેલવે સ્ટેશનની પાછળ આવેલા મેરી ગોલ્ડ કોમ્પ્લેક્સમાં સ્થિત 'ગુજરાત એજ્યુકેશન'ની ઓફિસે આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સંસ્થાના સર્વેસર્વા તરીકે દર્શન મેસવાણિયા નામના સાહેબ કાર્યરત હોવાનું પણ જણાવ્યું હતું. જ્યારે આ વાલીએ ફોન પર પૂછ્યું કે શું તમે પાસ થવાની લેખિતમાં ગેરંટી આપશો, ત્યારે ઓફિસમાંથી બોલતી યુવતીએ આત્મવિશ્વાસ સાથે હા પાડી અને સાહેબ રૂબરૂમાં લેખિત ગેરંટી આપી દેશે તેવો ભરોસો આપ્યો હતો. ત્યાર બાદ દિવ્ય ભાસ્કરની ટીમે પુરાવા એકત્રિત કરવા માટે કમર કસી અને મેરીગોલ્ડ કોમ્પ્લેક્સ ખાતે આવેલી ગુજરાત એજ્યુકેશનની ઓફિસમાં પહોંચીને આ સમગ્ર બાબત એક સ્ટિંગ ઓપરેશન દ્વારા કેમેરામાં કેદ કરી લીધી. દિવ્ય ભાસ્કરના આ કેમેરા સ્ટિંગમાં ઓફિસના એડમિનિસ્ટ્રેશનમાં બેઠેલી યુવતીએ જે ખુલાસા કર્યા તે સાંભળીને કોઈપણ ચોંકી ઉઠે તેમ છે. એડમિનનું કામ સંભાળતી યુવતીએ ગ્રાહક બનેલા રિપોર્ટરને માહિતી આપતા જણાવ્યું કે જો બી.એ. (BA)માં એડમિશન લેવું હોય તો તેની કુલ ફી 35,000 થશે. આ માટે વિદ્યાર્થીએ સુરેન્દ્રનગરની યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા જવું પડશે અને ત્યાં પાસ થવાની સંપૂર્ણ ગેરંટી સંસ્થાની રહેશે, કારણ કે પરીક્ષાના સમયે ત્યાં વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ માઇક્રો કોપી પૂરી પાડવામાં આવશે અને તેમાંથી જોઈને જ પેપર લખી પરીક્ષા પાસ કરી શકાશે. સુરેન્દ્રનગર યુનિ.માં પરીક્ષા સમયે રહેવા જમવાની પણ વ્યવસ્થા કરી દે સ્ટિંગ ઓપરેશનમાં એ પણ સામે આવ્યું છે કે આ સંસ્થા માત્ર કોલેજ જ નહીં, પણ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ 100 ટકા પાસ કરાવવાનો કાળો કારોબાર ચલાવે છે. કોઈપણ કોર્સમાં માઇક્રો કોપી દ્વારા ચોરી કરાવીને વિદ્યાર્થીને પાસ કરાવી દેવાની ખાતરી આપવામાં આવતી હતી. આ શિક્ષણ માફિયાઓની ગોઠવણ એટલી હદ સુધીની પાકી છે કે સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં પાંચ દિવસની પરીક્ષા આપવા માટે જતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં રોકાવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ હોસ્ટેલમાં એક દિવસના માત્ર 200 રૂપિયાના નજીવા દરે રહેવા અને જમવાની ઉત્તમ સગવડ પણ પૂરી પાડવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને ચોરી કરવામાં કોઈ અગવડ ન પડે. જવાબોનું મટિરિયલ અગાઉથી જ વિદ્યાર્થીને આપી દેવાનો દાવો સૌથી ગંભીર કહી શકાય તેવી બાબત એ છે કે યુનિવર્સિટી તરફથી જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના હોય છે, તેનું અગાઉથી જ તૈયાર મટીરીયલ વિદ્યાર્થીને સીધું આપી દેવામાં આવે છે. વિદ્યાર્થીઓએ માત્ર એ માઇક્રો કોપી સામે રાખીને ઉત્તરો નકલ કરીને પેપરમાં ઉતારવાના હોય છે. આ કાળા કારોબારના સંચાલકો દાવો કરે છે કે અમારું યુનિવર્સિટી પ્રશાસન સાથે સીધું આંતરિક સંકલન સેટ થયેલું હોવાથી જ અમે પાસ થવાની ગેરંટી આપવા સક્ષમ છીએ. CBSE માટે વંથલી અને શાપુર જેવા કેન્દ્રોની ફાળવણી આ ઉપરાંત, જો કોઈ વિદ્યાર્થીને સીબીએસઈ (CBSE) કેન્દ્રીય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરવું હોય તો તેની પરીક્ષા જૂનાગઢમાં જ લેવાશે, જેની ફી 22,000 રૂપિયા નક્કી કરાઈ છે. જેમાં પાંચેય પેપરમાં માઇક્રો કોપી આપીને પાસ કરાશે. તેવી જ રીતે ધોરણ 12 આર્ટસ કે કોમર્સ માટે 25,000 રૂપિયા અને મુશ્કેલ ગણાતો સાયન્સ પ્રવાહ પાસ કરવા માટે 35,000ની મસમોટી રકમ વસૂલવામાં આવે છે. આ પરીક્ષાઓ માટે જૂનાગઢ જિલ્લાના જ વંથલી અને શાપુર જેવા કેન્દ્રો ફાળવવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે. વિદ્યાર્થીને ખાલી લખતા અને વાંચતા આવડવે એટલે પાસ થવાનું પાક્કું દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે ઓફિસની બહાર નીકળ્યા બાદ વધુ પાકા પુરાવા એકત્ર કરવા ગુજરાત એજ્યુકેશન એડમિનિસ્ટ્રેશનના સત્તાવાર નંબર પર ફરીથી કોલ કર્યો હતો. આ ટેલિફોનિક વાતચીતમાં જ્યારે ધોરણ 12 પાસ વિદ્યાર્થીને કોલેજના ઉચ્ચ અભ્યાસમાં એડમિશન અપાવવા બાબતે પૂછપરછ કરવામાં આવી, ત્યારે ત્યાંથી વધુ વિગતો આપતા જણાવ્યું કે હા, જૂનાગઢ જિલ્લાની જ કોઈપણ કોલેજમાં માત્ર પરીક્ષા આપવા જવાનું રહેશે અને વિદ્યાર્થી સરળતાથી પાસ થઈ જશે. સંસ્થાની શરત માત્ર એટલી જ છે કે વિદ્યાર્થીને પ્રાથમિક સ્તરે લખતા અને વાંચતા આવડતું હોવું જોઈએ, કારણ કે યુનિવર્સિટીના પરીક્ષા હોલની અંદરથી જ તેને તૈયાર માઇક્રો કોપી આપવામાં આવશે અને તેણે માત્ર જોઈને પેપર લખવાનું રહેશે. કોલેજે ગયા વિના જ MBA કરાવી દેવાની ખાતરી આ શિક્ષણ માફિયાઓ માત્ર સામાન્ય કોર્સ જ નહીં પરંતુ એમબીએ (MBA) જેવા પ્રોફેશનલ અને પ્રતિષ્ઠિત માસ્ટર ડિગ્રી કોર્સનો પણ વેપાર કરી રહ્યા છે. એમબીએના બે વર્ષના કોર્સ માટે પાસિંગ ગેરંટી સાથે 65,000 ફી વસૂલવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીએ ક્યારેય પણ કોલેજના પગથિયાં ચડવાના રહેતા નથી અને સીધી જ પરીક્ષા આપવાની હોય છે, જ્યાં તેને માઇક્રોસ્કોપીમાંથી જોઈને પેપર લખવાની સુવિધા મળે છે. સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓનું એડમિશન કન્ફર્મ થયા બાદ તેમને એક ખાસ વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવે છે અને જ્યારે પણ કોલેજ કે બોર્ડની પરીક્ષાઓ નજીક આવે ત્યારે સંસ્થા સામેથી ફોન કરીને તમામ વિગતો પૂરી પાડે છે. આ જાહેર ખબરથી ભરમાવું નહીં, એડમિશનના નામે ઉઘાડી લૂંટ ચલાવે છે પરીક્ષા ખંડમાં જ બેઠા-બેઠા 80 માર્ક્સનું તૈયાર સોલ્યુશન પૂરું પાડી દે આ જ રીતે, જો કોઈ વિદ્યાર્થી ધોરણ 12માં નાપાસ થયો હોય અને તેણે ફરીથી આર્ટસ કે કોમર્સ પ્રવાહમાં પરીક્ષા પાસ કરવી હોય, તો તેની ફી 23,000 રૂપિયા લેવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ જિલ્લાની અંદર જ માત્ર 10 કિલો મીટરના અંતરે પરીક્ષા સેન્ટરની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જ્યાં વિદ્યાર્થીને પરીક્ષા ખંડમાં જ બેઠા-બેઠા 80 માર્ક્સનું તૈયાર સોલ્યુશન પૂરું પાડવામાં આવે છે, જે તેણે બેઠું ઉતારવાનું હોય છે. વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ કે ચેકિંગનો ડર રહેશે નહીં એવી હૈયાધારણા ચાલુ વર્ષે ઓક્ટોબરની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં આ સંસ્થા ખાતે જોરશોરથી ચાલી રહી છે, જેનું પરિણામ ડિસેમ્બર મહિનામાં આવી જશે તેવી ખાતરી અપાઈ છે. સંસ્થાના સંચાલકો દાવો કરે છે કે ત્યાં વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ કે ચેકિંગનો ડર રહેશે નહીં, કારણ કે જે-તે પરીક્ષા કેન્દ્ર પર સંસ્થાના પોતાના સાહેબો જ સુપરવાઇઝર તરીકે ફરજ પર હાજર હોય છે. પરીક્ષા કેન્દ્રો અને કોલેજો સાથેના આ મજબૂત આંતરિક સંકલનના જોરે જ તેઓ વાલીઓ પાસેથી આટલી મોટી રકમ વસૂલીને શિક્ષણ ધામોને કલંકિત કરી રહ્યા છે. શિક્ષણ મંત્રીના પ્રભારી જિલ્લામાં જ ચાલતો આ ખુલ્લેઆમ કાળો કારોબાર હવે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ અંગે ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું કે, યુનિવર્સિટી પ્રમાણે ફી અલગ-અલગ હોય છે. તેઓ એક અંદાજ આપતા જણાવે છે કે અમુક યુનિવર્સિટીમાં પ્રતિ સેમેસ્ટરના 8000 થી 10,000 રૂપિયા જેટલી ફી હોય છે, જ્યારે અમુકમાં સેમેસ્ટર દીઠ 15,000 રૂપિયા જેટલી ફી ચૂકવવી પડે છે. ‘વિદ્યાર્થી ભલે ભણવામાં નબળો હોય, પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી’ ​વિદ્યાર્થીના અભ્યાસ અને એડમિશન અંગે ખાતરી આપતા દર્શન મેસવાણીયાએ કહ્યું કે વિદ્યાર્થી ભલે ભણવામાં નબળો હોય, પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિદ્યાર્થી માત્ર પરીક્ષા આપવા આવે અને તે સરળતાથી પાસ થઈ જાય તે રીતનું આખું આયોજન ગોઠવાઈ જશે. આ તમામ બાબતોની વિગતવાર ચર્ચા કરવા માટે તેઓ રૂબરૂ જૂનાગઢ આવવુ પડશે. મેં બી.કોમ., એમ.કોમ. અને એલ.એલ.બી. (B.Com, M.Com, LLB) કરેલું છે. વાલીઓ એડમિશન માટે કોલેજના સત્તાવાર હેલ્પ સેન્ટરનો જ સંપર્ક કરે: કુલપતિ આ સમગ્ર મામલે દિવ્ય ભાસ્કરે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ​હું તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને અપીલ કરું છું કે તેઓ એડમિશન માટે કોલેજના સત્તાવાર હેલ્પ સેન્ટરનો જ સંપર્ક કરે. સમગ્ર રાજ્યના લેવલ પર એક જ સમાન પદ્ધતિથી ચાલતી 'જીકાસ' (GCAS)ની પોર્ટલ પ્રક્રિયા મારફત જ એડમિશન લેવું હિતાવહ છે. કોઈપણ ખાનગી કોચિંગ ક્લાસ કે પ્રાઇવેટ પાર્ટી યુનિવર્સિટીના નામે નાણાંની લેવડદેવડ કરીને એડમિશન અપાવવાનો દાવો કરે તો તે નિયમોની તદ્દન વિરુદ્ધ છે. ‘જે કોઈ સંડોવાયેલું હશે તેની સખત કાર્યવાહી કરવામાં આવશે’ ​અમારા ધ્યાનમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે વિદ્યાર્થીઓની ઓડિયો ક્લિપ આવી છે. જે કોઈપણ તત્વો યુનિવર્સિટીના નામે આવી એજન્ટપ્રથા ચલાવતા કરતા હશે, તેમના વિરુદ્ધ સખત કાયદાકીય કાર્યવાહી કરીને પોલીસમાં FIR નોંધાવવામાં આવશે. આવા ચાર જિલ્લાના વિસ્તારમાં ચાલતા લેભાગુ કેન્દ્રો પર યુનિવર્સિટી સત્તામંડળના સભ્યો જાતે જઈને દરોડા પાડશે. વાલીઓ કે વિદ્યાર્થીઓ પાસે આવી કોઈ માહિતી હોય તો અમારી વેબસાઈટ પર આપેલા કુલપતિના નંબર પર સીધો સંપર્ક કરી જાણ કરવા વિનંતી છે. ​ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હાલમાં એક્સટર્નલ કોર્સની વ્યવસ્થા ઉપલબ્ધ નથી, કારણ કે UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) તરફથી હજુ સુધી ODL(ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ) ની મંજૂરી મળી નથી. જે અન્ય યુનિવર્સિટીઓમાં આવી વ્યવસ્થા છે, ત્યાં પણ સત્તાવાર પોર્ટલ પર જ ફોર્મ ભરવાનું હોય છે. ખાનગી લોકો દ્વારા કોલેજે ગયા વગર સીધા એડમિશન આપવાના દાવા ખોટા છે. અગાઉ વિવાદમાં આવેલી સુપાસીની અર્જુન કોલેજ અંગે તપાસ પંચ નીમીને, 25 વર્ષ જૂના જમીનના નિયમોની ચકાસણી કરી સરકારને અહેવાલ સોંપવામાં આવ્યો છે, જેમના પર નિયમ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠાના ચડોતરમાં જનકલ્યાણ શિબિર યોજાઈ:સરકારી યોજનાઓની માહિતી અને સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાઈ
    Next Article
    'ખેડૂતોના ઘઉંના ટેકાના ભાવ કરતાં ભંગારની કિંમત વધુ':વંથલી યાર્ડમાં બારદાનની અછતથી ઘઉંની ખરીદી ખોરવાઈ, 48 કલાકથી લાઈનમાં ઊભેલા ખેડૂતોનો આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment