Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મેયર મેદાને:રાજકોટ મનપા દ્વારા 1 વર્ષ ફૂડ વિભાગની અભૂતપૂર્વ અને કડક મેગાડ્રાઇવ યોજવાની કરી જાહેરાત, ભેળસેળ કરનારાઓને આતંકીઓ સાથે સરખાવ્યા

    6 days ago

    રાજકોટમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા ખુદ મેયર મેદાનમાં ઉતર્યા છે. અને લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડાં કરતા તત્વો સામે અત્યાર સુધીની સૌથી મોટી અને કડક કાર્યવાહીની જાહેરાત કરી છે. રાજકોટના મેયર ડો. નેહલ શુક્લએ ભેળસેળયુક્ત ખોરાકનું વેચાણ અને ઉત્પાદન કરતા લેભાગુ તત્વોને આતંકીઓ સાથે સરખાવ્યા છે. અને ખુલ્લી ચેતવણી પણ આપી છે. કે શહેરમાં આજથી જ પૂરા 1 વર્ષ માટે એક વ્યાપક મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવશે, જે અંતર્ગત હવેથી શહેરના તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાશે. જે કોઈ સ્થળે ભેળસેળ થતી હોવાનું સામે આવશે તે બધા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકોટને સંપૂર્ણ ભેળસેળમુક્ત બનાવવાનો અને નાગરિકોને શુદ્ધ આહાર પૂરો પાડવાનો હોવાનો દાવો મેયરે કર્યો છે. મેયર ડો. નેહલ શુક્લએ ભેળસેળિયા તત્વો પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમની સરખામણી સીધી આતંકીઓ સાથે કરી દીધી હતી. તેમણે કડક શબ્દોમાં વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, લોકોના સ્વાસ્થ્ય કે જિંદગી સાથે રમત રમીને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો કોઈ આતંકી ષડયંત્ર જેટલું જ મોટું પાપ કરી રહ્યા છે. આ પ્રકારની રાષ્ટ્રવિરોધી અને માનવતાવિરોધી પ્રવૃત્તિ હવે ચલાવી લેવામાં નહીં આવે. આગામી 1 વર્ષ સુધી RMC નો ફૂડ વિભાગ કોઈપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના સતત કડક કાર્યવાહી ચાલુ રાખશે, જેથી આવા તત્વોમાં કાયદાનો ભય ઊભો થાય. આ મેગા ડ્રાઇવને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા મુખ્યત્વે 3 કેટેગરીમાં વહેંચણી કરીને સમગ્ર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત માત્ર હોટલ કે રેસ્ટોરન્ટ જ નહીં, પરંતુ તૈયાર ખાદ્ય ખોરાકથી લઈને રોજિંદા વપરાશના અનાજ સુધીના તમામ નાના-મોટા વેપારીઓને ત્યાં નમૂના લેવામાં આવશે. ઉપરાંત, ભૂતકાળમાં સેમ્પલના રિપોર્ટ આવવામાં થતા વિલંબને નિવારવા માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. હવેથી લેબોરેટરીમાં સેમ્પલ લીધા બાદ ખૂબ જ ઝડપથી નમૂનાનું પરિક્ષણ (ટેસ્ટિંગ) થાય અને તેનો રિપોર્ટ ત્વરિત જાહેર થાય તે માટેની વિશેષ વહીવટી કાર્યવાહી અને વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેથી ગુનેગારો સામે ઝડપથી કાયદાકીય સકંજો કસી શકાય. મહાનગરપાલિકાની આ લડત માત્ર તંત્ર પૂરતી સીમિત ન રહેતા લોકભાગીદારી વધે તે માટે મેયર દ્વારા રાજકોટની જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવી છે. તેમણે નાગરિકોને આહવાન કર્યું છે કે જો તેમની આસપાસ કે શહેરમાં ક્યાંય પણ ભેળસેળ કરતા લેભાગુ તત્વો સક્રિય હોય અથવા તો ખોરાકમાં ભેળસેળ થતી હોવાની કોઈ શંકાસ્પદ માહિતી મળે, તો તુરંત જ તેની જાણ RMC ના તંત્રને કરવામાં આવે. લોકો દ્વારા આપવામાં આવતી માહિતીના આધારે તંત્ર દ્વારા તાત્કાલિક દરોડા પાડીને કડક પગલાં ભરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓ પોતાના વધુ નફા માટે જાણી-અજાણી રીતે ભેળસેળ કરીને દરેક પરિવારના નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધીના તમામ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, જે એક રીતે નાનું આતંકવાદી કાવતરું કે એટેક સમાન જ છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે અને આ ભેળસેળને અટકાવવા માટે માત્ર ૧૫ દિવસ કે ૧ મહિનો નહીં, પરંતુ આખું વર્ષ આ એન્ટી ડ્રાઈવ (ઝુંબેશ) ચલાવવામાં આવશે. આરોગ્ય વિભાગ અને તેની સાથે સંકળાયેલા અન્ય વિભાગો દ્વારા આ મામલે ખૂબ જ કડક પગલાં લેવામાં આવશે. જેમાં સ્થળ પર જ દંડ કરવાથી લઈને દુકાનો સીલ કરવા સુધીની તમામ કાયદાકીય કાર્યવાહીઓનો સમાવેશ થાય છે. મેયર ડો. નેહલ શુક્લે મીડિયાના માધ્યમથી આવા વેપારીઓને સ્પષ્ટ ચેતવણી અને વિનંતી કરતા કહ્યું છે કે, તેઓ આ ભેળસેળ અટકાવે, કારણ કે આ એક ખૂબ જ ખરાબ ટ્રેન્ડ છે અને તેમના પોતાના બાળકો પણ ક્યાંક બહાર આવું ખાતા જ હશે. તંત્ર દ્વારા રાજકોટના લોકોને ભેળસેળયુક્ત ખોરાકથી મુક્તિ અપાવવા માટે એક દૃઢ સંકલ્પ કરવામાં આવ્યો છે અને આજથી જ આ કડક ઝુંબેશની શરૂઆત કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, આ માત્ર કોઈ ટૂંકા ગાળાની ડ્રાઈવ નથી પરંતુ આખું વર્ષ ચાલનારી એક સઘન ઝુંબેશ છે. શહેરમાં આવેલા તમામ ખાણીપીણીના આઉટલેટ્સ, રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ તેમજ હોકર ઝોન સહિતના તમામ નાના-મોટા ખાણીપીણીના વેપારીઓને આ ઝુંબેશ હેઠળ આવરી લેવામાં આવશે. હાલ પ્રાયોગિક ધોરણે કામગીરી માટે 8 અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે, જેમાં આગામી સમયમાં જરૂરિયાત મુજબ વધારો કરીને કામગીરીને વધુ સુદ્રઢ કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને ખોરાકમાં ભેળસેળ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવશે. મહાપાલિકાને મળેલા દંડ અને સીલિંગના પાવર્સનો ઉપયોગ કરી આવા કેસોમાં આકરા પગલાં ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ખોરાકની ગુણવત્તા તપાસવા માટે ટેસ્ટિંગની પ્રક્રિયા પણ વધુ વ્યાપક બનાવવામાં આવશે. ફૂડ સેફ્ટી એ નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત હોવાથી કોર્પોરેશને આ બાબતને અગ્રતા આપી છે. મ્યુનિસિપલ કમિશનરે આ કેમ્પેઈનને સફળ બનાવવા માટે શહેરના તમામ લોકો અને વેપારીઓ પાસે સહકારની અપેક્ષા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    તિથલ બીચ પર અધિક માસ સોમવતી અમાસ:હજારો શ્રદ્ધાળુઓએ પિતૃતર્પણ કરી સ્નાન કર્યું
    Next Article
    સુરત મેયરને ચપ્પલના શોરૂમનું ઉદ્ઘાટન વધુ વહાલું?:માયા માવાણીને 16’દિમાં 40 કાર્યક્રમ માટે સમય મળ્યો પણ નાસીરનગરના લોકોને મળવાનો નહીં; કાળઝાળ ગરમીમાં માસૂમો લાલચોળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment