Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મેયરને ચપ્પલના શોરૂમનું ઉદ્ઘાટન વધુ વહાલું?:માયા માવાણીને 16’દિમાં 40 કાર્યક્રમ માટે સમય મળ્યો પણ નાસીરનગરના લોકોને મળવાનો નહીં; કાળઝાળ ગરમીમાં માસૂમો લાલચોળ

    6 days ago

    સુરતના નાસીરનગરમાં થયેલા ભૂતિયા ડિમોલિશનને આજે 15 જૂને 16 દિવસ વીતી ગયા છે, પરંતુ સ્થાનિક તંત્ર અને શાસક પક્ષની ક્રૂરતા તેમજ ઉદાસીનતાની પરાકાષ્ઠા સામે આવી રહી છે. આ 16 દિવસમાં શહેરના પ્રથમ નાગરિક એટલે કે, સુરત મેયર માયા માવાણીએ અંદાજે 40 જેટલા સરકારી અને ખાનગી ઝાકઝમાળવાળા કાર્યક્રમોમાં હાજરી આપી છે, જેમાં ચપ્પલના શોરૂમના ઉદ્ઘાટન જેવા પ્રસંગો પણ સામેલ છે. પરંતુ, અત્યંત દુઃખદ બાબત એ છે કે પોતાના જ વિસ્તારના આ બેઘર બનેલા 100 પરિવારની આંખના આસુ લૂછવા માટે મેયર સાહેબા હજુ સુધી નાસીરનગર પહોંચી શક્યા નથી. એક તરફ ગરીબોના આશિયાના ઉજ્જડ થઈ ગયા છે, તો બીજી તરફ આ જ નાસીરનગરની બાજુમાં બની રહેલા બે મોટા પ્રોજેક્ટ્સની 'દુઆ સેરેમની'ના ઇન્વિટેશન કાર્ડ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાઇરલ થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ ગરીબોને ન્યાય આપવા કે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે હજુ સુધી કોઈ પણ નક્કર એક્શન લેવામાં આવ્યા નથી, જેને કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અસહ્ય ગરમી અને માસૂમ બાળકોના શરીર પર ઉઠેલા ફોલ્લા હાલમાં પડી રહેલી કાળઝાળ અને ભીષણ ગરમી આ વિસ્થાપિત પરિવારો માટે કાળ સાબિત થઈ રહી છે. ઘરની છત છીનવાઈ જતાં રસ્તા કિનારે ઝાડના છાંયડે રહેતા નાના-નાના માસૂમો આ કઠોર ઋતુનો સૌથી પહેલો ભોગ બન્યા છે. પ્રચંડ તાપ અને બફારાના કારણે બાળકોના આખા શરીર પર અસહ્ય ગરમી (અળાઈઓ) નીકળી ગઈ છે, જેના લીધે તેમના આખા શરીર લાલચોળ થઈ ગયા છે. ગરમી અને ખંજવાળની પીડા એટલી હદે અસહ્ય છે કે લાચાર માતા-પિતા પોતાના વહાલસોયા બાળકોને શરીર પર કપડાં પણ પહેરાવી શકતા નથી. ખુલ્લા શરીરે રડતા આ બાળકોની સ્થિતિ જોઈને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય દ્રવી ઊઠે, પરંતુ તંત્રના બહેરા કાન સુધી આ માસૂમોની ચીસ હજુ સુધી પહોંચી શકી નથી. કાટમાળમાં ભવિષ્ય શોધતી અલ્ફિયા, પુસ્તકો કાઢવાનો સમય પણ ન આપ્યો ડિમોલિશનની આ આખી પ્રક્રિયા એટલી અચાનક અને ક્રૂરતાપૂર્વક કરવામાં આવી કે આ પરિવારોને પોતાના ઘરનો સામાન સરખો કરવાનો પણ મોકો ન મળ્યો. વહીવટી તંત્ર દ્વારા બાળકોને એટલો સમય પણ આપવામાં ન આવ્યો કે તેઓ પોતાના શાળાના પુસ્તકો, દફતર કે યુનિફોર્મ બહાર કાઢી શકે. પરિણામે બધું જ કાટમાળ નીચે દબાઈ ગયું છે. 12 વર્ષની માસૂમ બાળકી અલ્ફિયા આજે ધોમધખતા તાપમાં તૂટેલી દીવાલો અને પથ્થરોના ઢગલામાંથી પોતાના પુસ્તકો શોધી રહી છે, જેથી તે ફરી શાળાએ જઈ શકે. સરકારના 'બેટી બચાવો, બેટી પઢાવો'ના મોટા-મોટા સૂત્રો પર સવાલ ઉઠાવતી અલ્ફિયા પૂછે છે કે, "જ્યારે માથા પર છત જ ન હોય, પુસ્તકો જ કાટમાળમાં દબાઈ ગયા હોય, ત્યારે દીકરીઓ ભણશે કેવી રીતે?" આ સવાલ માત્ર અલ્ફિયાનો નથી, પણ શિક્ષણથી વંચિત થઈ ગયેલા એ તમામ બાળકોનો છે, જેમનું ભવિષ્ય તંત્રના બુલડોઝર નીચે કચડાઈ ગયું છે. શું નાસીરનગર સુરત બહાર આવેલો કોઈ અલગ દેશ છે? આજે સુરતનો નાગરિક સોશિયલ મીડિયા અને રસ્તા પર એક જ સવાલ પૂછી રહ્યો છે કે, "શું નાસીરનગર સુરત શહેરની બહાર આવેલો કોઈ જુદો દેશ છે?" જો એવું ન હોય તો લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આટલા હદ સુધી નિર્દય કેવી રીતે હોઈ શકે? નાસીરનગરમાં 100 જેટલા પરિવારો, જેમાં સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકો સામેલ છે. તેઓ કાળઝાળ ગરમી અને ખુલ્લા આકાશ નીચે દિવસો કાપી રહ્યા છે. ભાજપના એક પણ નાના-મોટા નેતા કે કાર્યકર્તા આ પીડિતોના આંસુ લૂછવા અથવા તેમની ખબર-અંતર પૂછવા માટે પણ ડોકાયા નથી. વોટ બેંકના રાજકારણ સમયે ગલીઓએ ગલીઓ ખૂંદતા નેતાઓ આજે એસી ઓફિસોમાંથી બહાર નીકળવા તૈયાર નથી. મેયરનું આશ્વાસન પણ હવામાં ઓગળ્યું, 3 દિવસમાં કોઈ વ્યવસ્થા નહીં આક્રોશ વધતા ત્રણ દિવસ પહેલા મેયર માયા માવાણીએ મીડિયા સમક્ષ આવીને મોટું આશ્વાસન આપ્યું હતું કે, તેઓ આ નાસીરનગરના બેઘર બનેલા લોકોને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે, પરંતુ આ આશ્વાસન માત્ર રાજકીય સ્ટંટ સાબિત થયું છે. આજે ત્રણ દિવસ પૂરા થઈ ગયા હોવા છતાં સુરત મહાનગરપાલિકા દ્વારા આ પરિવારો માટે રહેવાની, ખાવા-પીવાની કે શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરવામાં આવી નથી. નેતાઓના જૂઠા વચનો પર ભરોસો રાખીને બેઠેલા ગરીબ પરિવારો હવે પોતાને ઠગાયેલા અનુભવી રહ્યા છે. સરકારી ઉપેક્ષા, ધાર્મિક એકતા અને ભવિષ્યની ચિંતા આ કપરા સમયમાં સરકારી તંત્ર ભલે મોઢું ફેરવીને બેઠું હોય, પરંતુ સ્થાનિક સ્તરે માનવતા હજુ જીવતી છે. હમીદા બી ઇકબાલ શાહ જણાવે છે કે, હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મના સામાન્ય લોકો જાતિ-જ્ઞાતિના ભેદભાવ ભૂલીને તેમની મદદ માટે ખાવા-પીવાની સામગ્રી લઈને આવી રહ્યા છે. પરંતુ સરકાર કે વહીવટી તંત્ર તરફથી કોઈ ડોકાવા પણ તૈયાર નથી. હમીદાબી ભારે હૈયે સવાલ કરે છે કે, "શું ગરીબ કે મુસ્લિમ હોવું એ જ અમારો ગુનો છે?" જ્યારે ચૂંટણીઓ આવે છે કે સરકારી કાર્ડ બનાવવાના હોય ત્યારે આ જ જનતા લાઈનોમાં ઊભી રહે છે, પણ આજે જ્યારે તેઓ સંકટમાં છે ત્યારે કોઈ પૂછવા વાળું નથી. હમીદાબીના સાસુ પણ ગંભીર બીમાર છે. હવે જ્યારે ચોમાસું માથા પર છે અને વિસ્તારમાં ગંદકી તેમજ મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે ન્યુમોનિયા જેવી ઘાતક બીમારીઓ ફાટી નીકળવાનો ડર છે. પીડિતોની માત્ર એક જ માંગ છે કે તેમને ખાવા-પીવા કરતાં રહેવા માટે માથા પર પાકી છત આપવામાં આવે, અને જો આ પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ રહેશે? વીડિયોમાં પાપ છતું થયું, છતાં SMC-પોલીસના જવાબદારો સામે કાર્યવાહી કેમ નહીં? આ સમગ્ર ડિમોલિશન વિવાદમાં સૌથી આઘાતજનક બાબત એ છે કે, સોશિયલ મીડિયા પર ફરતા થયેલા વીડિયોમાં સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને ડિમોલેશન કરાવતા સ્પષ્ટપણે નજરે પડે છે. કાયદાના ધજાગરા ઉડાવીને ગરીબોના ઘર તોડી પાડવાની આ ગેરકાયદે પ્રક્રિયા કેમેરામાં કેદ થઈ ચૂકી છે. આમ છતાં, 16 દિવસનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં બંને વિભાગના વડાઓ દ્વારા પોતાના મળતિયા અને જવાબદાર અધિકારીઓ સામે અત્યાર સુધી કોઈ પણ પ્રકારના શિક્ષાત્મક પગલાં કે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી નથી, જે તંત્રની મિલીભગત છતી કરે છે. નાના બાળકો ખુલ્લા આકાશ નીચે, તંત્રની સંવેદનશીલતા સાવ મરી પરવારી છેલ્લા 16 દિવસથી નાસીરનગરના પરિવારો અને તેમના માસૂમ બાળકો રસ્તા પર રઝળી રહ્યા છે. ચોમાસાની ઋતુ નજીક છે અને કાળઝાળ ગરમી વચ્ચે આ પરિવારો કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, તેની કલ્પના માત્ર ધ્રુજારી લાવે તેવી છે. મેયર સહિત ભાજપના શાસકો એટલા સંવેદનહીન બની ગયા છે કે તેમને આ નાના બાળકોની આંતરડી કકળતી દેખાતી નથી. સુરત મહાનગરપાલિકા જે સ્માર્ટ સિટીના દાવા કરે છે, તે સ્માર્ટ સિટીની અસલી અને વરવી વાસ્તવિકતા આ નાસીરનગરમાં જોવા મળી રહી છે, જ્યાં માણસાઈ સાવ મરી પરવારી છે. SMCના સુજલ, જયાંક અને પોલીસના રાજદિપસિંહ-અતુલ સોનાના પાપે 100 પરિવારો રોડ પર નાસીરનગરના આ નરક સમાન હાલત માટે જવાબદાર કોણ? સ્થાનિકો અને સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકાના અધિકારી સુજલ પ્રજાપતિ, જયાંક રામજીવાલા તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના રાજદિપસિંહ નકુમ અને પી.આઈ. અતુલ સોનાના પાપે આજે 100 જેટલા પરિવારો રસ્તા પર આવી ગયા છે. આ ચાર અધિકારીઓની જોહુકમી અને કથિત આકાઓના ઈશારે કરાયેલી કામગીરીને કારણે સેંકડો લોકો ઘરવિહોણા બન્યા છે. આટલું મોટું પાપ કર્યા પછી પણ આ અધિકારીઓ શાનથી ફરી રહ્યા છે અને ભોગ બનનારાઓ માટે રહેવાની કોઈ વ્યવસ્થા હજુ સુધી થઈ શકી નથી. નાની વાતોમાં રીલ્સ બનાવતી સુરત પોલીસ મદદ કરવા માટે કેમ ગાયબ? સુરત પોલીસ સામાન્ય દિવસોમાં નાની-નાની કામગીરી બતાવીને સોશિયલ મીડિયા પર વાહવાહ મેળવવા અને સિંઘમ જેવી છાપ ઊભી કરવા માટે અવનવી રીલ્સ બનાવવામાં વ્યસ્ત હોય છે. સોશિયલ મીડિયા પર પોલીસની સક્રિયતા જોરદાર હોય છે, પરંતુ આ વખતે નાસીરનગરમાં જ્યારે પીડિતોને સાચી મદદની જરૂર હતી, ત્યારે પોલીસ ક્યાંય દેખાતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે મદદ કરવાનું તો દૂર, અરે... પોતાની કામગીરીનો પ્રચાર કરવા રીલ્સ બનાવવા માટે પણ પોલીસ આ વિસ્તારમાં ફરકી નથી, કારણ કે અહીં ખાખીનો અસલી ચહેરો ખુલ્લો પડી જવાનો ડર છે. દુઆ સેરેમનીના બે એક સરખા ઇન્વિટેશન વાયરલ, અંદરખાને કઈ રમત રમાઈ રહી છે? આ આખી ઘટના વચ્ચે નાસીરનગરની બાજુમાં જ બની રહેલા બે મોટા પાલિયા પ્રોજેક્ટ્સની 'દુઆ સેરેમની' ના ઇન્વિટેશન કાર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેક શંકા-કુશંકાઓ જન્મી છે. આગામી 23 જૂન, રવિવારે સવારે 10:00 વાગ્યે યોજાનારી આ સેરેમનીના બંને કાર્ડની ડિઝાઇન, લેઆઉટ અને ફોર્મેટ બિલકુલ એક સરખા છે. એક કાર્ડમાં નિમંત્રક તરીકે શૈલેષભાઈ બગદાણા અને સંજયભાઈ લાખાણીના નામ છે, જ્યારે બીજા કાર્ડમાં નદીમ રિફાઈ અને અશફાક રિફાઈના નામ ચમકી રહ્યા છે. કાર્ડની એક સરખી ડિઝાઇન એ વાતની સાક્ષી પૂરે છે કે આ ડિમોલેશન પાછળ કોઈ મોટો બિલ્ડર લોબીનો કારસો અને લેન્ડ ગ્રેબિંગની રમત રમાઈ રહી છે, જેના માટે ગરીબોના આશિયાના બલી ચડાવી દેવાયા છે. તંત્ર આ બાબતે મૌન રહીને કોને છાવરી રહ્યું છે તે મોટો સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા મેયર મેદાને:રાજકોટ મનપા દ્વારા 1 વર્ષ ફૂડ વિભાગની અભૂતપૂર્વ અને કડક મેગાડ્રાઇવ યોજવાની કરી જાહેરાત, ભેળસેળ કરનારાઓને આતંકીઓ સાથે સરખાવ્યા
    Next Article
    1 PM Gujarati News LIVE | 1 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment