Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી જમીન પર હીરા જોટવાનું ગેરકાયદે 'શિક્ષણ સામ્રાજ્ય':ગૌચરની જમીનને સરકારી ખરાબો કરાવી, તેના પર ઊભી થઈ અર્જુન એકેડમી; 1થી 12 ધોરણ માટે માત્ર 20 જ રૂમ!!

    19 hours ago

    ગુજરાતમાં ભાજપના રાજમાં કોંગ્રેસના એક પરિવારનો ગજબનો દબદબો છે. આ પરિવારે “મોડલ સ્કૂલ-કોલેજ” ખોલી છે! જેમાં ધોરણ 1થી 12 સુધી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં ભણાવાય છે. એટલું જ નહીં, BA, B.Com, BCA, BSW, BRS, LLB, MRS, MSW, M.Com, B.Ed, PTC, PGDCA, જેવા UG અને PG કોર્સ તેમજ મેડિકલ લેબોરેટરી ટેકનોલોજી તથા યોગ વિદ્યામાં ડિપ્લોમા સુધીના 15 જેટલા કોર્સ ચાલે છે. જે જગ્યાએ આટલા બધા કોર્સ ચાલતા હોય અને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હોય તો કોઈને પણ વિચાર આવે કે એક ભવ્ય શૈક્ષણિક સંકુલની વાત થતી હશે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આટલું મોટું શૈક્ષણિક સામ્રાજ્ય માત્ર 20 ઓરડામાં જ સિમિત છે. કદાચ કોઈને એમ થાય કે ભલે કોર્સ વધારે છે પણ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી હશે. જો કે એવું પણ નથી. આ તમામ વિગતો દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવી છે. જો કે વાત ઓછા ઓરડા અને વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી જ સિમિત નથી. અમને કેટલાક ડોક્યુમેન્ટ મળી આવ્યા, ત્યાર બાદ અમે આ શૈક્ષણિક સંકુલમાં તપાસ કરી, યુનિવર્સિટી સુધી પણ પહોંચ્યા. દરેક તબક્કે અમારી સામે એવા ખુલાસા થતાં ગયા, જે વિચારવા માટે મજબૂર કરી દે કે ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કઈ હદે બગડી છે. કારણ કે જે જમીન પર આ સંકુલ બન્યું છે ત્યાંથી માંડીને જે રીતે તમે વિવિધ કોર્સની મંજૂરી મળતી ગઈ એ આખી પ્રક્રિયા સવાલોના ઘેરામાં છે. સૌથી પહેલા શૈક્ષણિક સંકુલની જમીન વિશે અમે તપાસ કરી. વર્ષ 2004ની વાત છે. જ્યારે કેન્દ્રમાં મનમોહનસિંહની સરકાર હતી. ગુજરાતના ગીર સોમનાથમાં વેરાવળ પાસે આવેલા સુપાસીમાં આ જમીન 1 નવેમ્બર, 2004 સુધી ગૌરચનો ભાગ હતી. પરંતુ એ દિવસથી ગૌચરને અન્ય જગ્યાએ ગણાવી આ જમીનને સરકારી ખરાબા તરીકે બતાવવામાં આવી. પછી જમીનને શૈક્ષણિક હેતુ માટે કલેક્ટર દ્વારા એક ટ્રસ્ટને 30 વર્ષ માટે 1 રૂપિયાના ભાડા પટ્ટે આપવામાં આવી. જેને નામ મળી ગયું અર્જુન એજ્યુકેશન એકેડમી. આ શૈક્ષણિક સંસ્થા વૃંદાવન કેળવણી મંડળ ટ્રસ્ટ ચલાવે છે. ટ્રસ્ટના પ્રમુખ કોંગ્રેસના નેતા હીરાભાઈ જોટવા છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ જમીન ગૌચરથી ખરાબાની અને ત્યાર બાદ સંકુલને 2004માં મળી એ ઘટનાક્રમ સમયે ટ્રસ્ટના પ્રમુખ હીરા જોટવા જ ગામના સરપંચ હતા. ટ્રસ્ટમાં મંત્રી નગાજણભાઈ અરજણભાઈ જાદલ છે જે હીરા જોટવાના ભાઈ છે. ખજાનચી ભેનીબેન અરજણભાઈ વાલા છે જે હીરા જોટવાના માતા છે. સભ્ય હર્ષાબહેન તેમના પત્ની છે અને અન્ય એક સભ્ય હેમાબેન તેમના બહેન છે. હવે નીચે આપેલી બે સેટેલાઇટ તસવીર જુઓ. એક તસવીર 2010ની છે, જ્યારે બીજી તસવીર 2025ની છે. 15 વર્ષ થવા છતાં પણ આ શૈક્ષણિક સંકુલના બાંધકામમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી. પરંતુ સમયાંતરે અહીંયાં ભણાવવામાં આવતા કોર્સની સંખ્યા વધતી ગઈ. જે એક મોટો સવાલ ઉભો કરે છે. ભાડાપટ્ટાના કરારમાં એક જગ્યાએ આ જમીન શૈક્ષણિક હેતુ, હોસ્ટેલ અને રમત-ગમતના મેદાન માટે હોવાનું લખાયું છે. પરંતુ અન્ય એક પાના પર આ જમીન હોસ્ટેલ અને રમત-ગમત સાથે માત્ર પ્રાથમિક શિક્ષણના બાંધકામ માટે આપી હોવાનું લખાયું છે. એટલે જમીનના હેતુને લઈને થોડીક અસમંજસ જેવું છે. પરંતુ આ “ગ્રે એરિયા”નો લાભ સંસ્થાએ ભરપૂર રીતે લીધો અને સમયાંતરે નવા વર્ગો ઉભા કરી નાખ્યા. આ થઈ જમીનના હેતુની વાત. જ્યારે સરકારે આ જમીન પાણી કરતા પણ સસ્તા ભાવે આપી ત્યારે કેટલીક શરતો રાખી હતી. જેમાંની 4 શરતો ખૂબ મહત્વની છે. શરત નંબર 3: સ્કુલ-શાળા બાંધકામના નકશા કલેક્ટર પાસે મંજુર કરાવવાના રહેશે અને તેમની પૂર્વ મંજૂરી સિવાય તેમાં ફેરફાર નહીં કરી શકાય. શરત નંબર 5: સંસ્થાના જે હેતુ માટે જમીન આપી છે તે હેતુ માટે જ ઉપયોગ કરવાનો રહેશે, તેમાં ફેરફાર થશે નહીં. શરત નંબર 6: આ જમીનમાંથી સંસ્થા નફો લઈ શકશે નહીં તથા નફાકારક ઉપયોગ કરી શકશે નહીં. શરત નંબર 10: જો આમાંથી કોઈ શરતનો ભંગ થશે તો સરકાર કોઈ વળતર વગર જમીન પરત લઈ શકશે. આ શરતોને જોતા સવાલ એ ઉઠે છે કે શાળાના બાંધકામના નકશા કલેક્ટર પાસેથી મંજૂર કરાવવા. અહીં કોલેજનો તો ઉલ્લેખ જ નથી. પરંતુ તેમ છતાં કોલેજ ઉભી કરી દેવાઈ. તો શું એમાં “શૈક્ષણિક હેતુ” શબ્દનો છટકબારી તરીકે ઉપયોગ થયો છે? UGCના નિયમો કરતા સંસ્થા પાસે ઓછી જમીન સંકુલના બાંધકામના નકશા મંંજૂર કરાવવાના હતા પરંતુ ભાડા કરારની શરત મુજબ આ નકશો મંજૂર કરાવવામાં ન આવ્યો હોવાનો આરોપ છે. સૌથી મહત્વની વાત, વર્ષ 2016માં અર્જુન એજ્યુકેશન એકેડમીને B.Com માટે મંજૂરી આપવામાં આવી હતી. UGCના નિયમ મુજબ જે તે સંસ્થામાં UG કોર્સ ચાલુ થયાના ત્રણ વર્ષ બાદ જ તેને સલગ્ન PG કોર્સની મંજૂરી મળે. પરંતુ એક અરજીમાં આરોપ છે કે અર્જુન એજ્યુકેશન એકેડમીને બીજા જ વર્ષે M.Com કોલેજની મંજૂરી મળી ગઈ. આ ઉપરાંત UGCના નિયમ મુજબ કોલેજ પાસે વિવિધ કોર્સની મંજૂરી માટે 5 એકર જમીન હોવી ફરજિયાત છે પરંતુ આ સંકુલ પાસે કુલ જગ્યા 5527.70 ચોરસ મીટર છે. જે માંડ 1.4 એકર જેટલું થાય છે. વળી એમાં શાળાનું સંકુલ પણ આવી ગયું. પરંતુ જ્યારે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોલેજના વિવિધ કોર્સની મંજૂરી આપવામાં આવી ત્યારે કોલેજે UGCના નિયમોનું પાલન કર્યુ હોવાનું લખવામાં આવ્યું છે. અત્યાર સુધી કાગળ પર થયેલી રમત વિશે અમને જાણકારી મળી હતી. હવે સમય હતો ગ્રાઉન્ડ રિયાલિટી જાણવાનો. 20 ઓરડાના આ સંકુલમાં ધોરણ 1થી 12ના ગુજરાતી-અંગ્રેજી માધ્યમ અને અલગ-અલગ 15 કોર્સના વિદ્યાર્થીઓ કેવી રીતે સમાતા હશે? ભણાવવાથી લઈને પરીક્ષા લેવા સુધીની વ્યવસ્થા કેવી હોય છે? એને કેટલી ફી લેવામાં આવે છે? આવા અનેક સવાલો અમારા મનમાં હતા. જાણવા મળ્યું કે સૌરાષ્ટ્રભરમાંથી અનેક વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે. કેટલાય વિદ્યાર્થીઓ માટે આ સંકુલ ફેવરિટ છે. અમે અનેક વિદ્યાર્થીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. પરંતુ અર્જુન એજ્યુકેશન એકેડમી વિશે ઉભા થયેલા ત્રણ મોટા સવાલ પર કેમેરા સામે કાંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો. જો કે આડકતરી રીતે પૂછતા કેટલાકે કહ્યું, તમારે દેવશી બાપાને જ મળવું પડશે. દેવશી બાપા એટલે દેવશીભાઈ જોટવા જે અર્જુન શૈક્ષણિક સંકુલનું સંચાલન કરે છે. ઘણા પ્રયત્ન બાદ અમારી એક વિદ્યાર્થી સાથે વાતચીત થઈ. જેને નામ અને ઓળખ છુપાવવાની શરતે કોલેજ વિશે સ્ફોટક ખુલાસા કર્યા. આ વિદ્યાર્થી અર્જુન કોલેજમાંથી BAનો અભ્યાસ કર્યો હતો. અમે પૂછ્યું કે કેવી રીતે કોલેજ ચાલે છે દરરોજ જવું ફરજિયાત હોય છે? વિદ્યાર્થીએ કહ્યું, ના… કોલેજમાં જવાનું નથી હોતું. પરંતુ જે સેમેસ્ટરની ફી હોય તેના કરતા બમણી ફી ભરવાની હોય છે. એટલે એ લોકો એડમિશન લઈ લે છે. અમે આ વિદ્યાર્થીને પરીક્ષા વખતની સ્થિતિ વિશે પૂછ્યું. તો તેણે જણાવ્યું, પરીક્ષામાં કોઈ ચિંતા નથી હોતી. તેઓ ફુલ ચોરી કરવા દે છે. સાહિત્ય સાથે લઈને જવાનું અને તેઓ ઉપર ઉભા રહીને ચોરી કરાવે છે. નિયત ફી કરતા ડબલ ફીમાં ચોરી કરાવી અને પાસ કરાવવાની આડકતરી રીતે જવાબદારી હોય છે. જો કે ફીની પહોંચ અડધી રકમની જ આપવામાં આવે છે. વિદ્યાર્થીને બેઠક વ્યવસ્થાનું પૂછ્યું તો તેણે કહ્યું, દરેક કોર્સની પરીક્ષા એકસાથે નથી હોતી એટલે તકલીફ પડતી નથી. આ ઉપરાંત જે દિવસે કોલેજની પરીક્ષા હોય અને ત્યારે રજાનો દિવસ ન હોય તો પણ શાળામાં રજા જાહેર કરી દેવાય છે એટલે ઓરડા ઓછા ન પડે. અમે સ્કવૉડ વિશે પૂછ્યું તો વિદ્યાર્થીએ 2017ના એક ગંભીર બનાવનો ઉલ્લેખ કરતા જણાવ્યું, આ લોકો ઓફિસમાં બેસાડીને તેમને પણ “મેનેજ” કરી લે છે. એકવાર પ્રામાણિક અધિકારી સ્ક્વોડમાં આવ્યા તો સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસે જ અધિકારીઓ સાથે મારામારી કરાવી હતી. મારી નજર સામે જ તેમને મારવામાં આવ્યા હતા. સુપાસીના શૈક્ષણિક સંકુલમાં ભૂતકાળમાં બનેલો એક બનાવ વિદ્યાર્થીના દાવાને મજબૂતી આપે છે. 2017માં પરીક્ષા દરમિયાન ચોરી કરતા અટકાવવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચેકિંગ સ્ક્વોડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં કોલેજ સંચાલક દેવશીભાઈ જોટવા અને અન્ય 15થી 20 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. મહિપાલસિંહ જાડેજાએ પોલીસ ફરિયાદમાં લખાવેલી વિગત પ્રમાણે તેઓ ગોંડલની કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા, તેમની નિમણૂક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BA સેમેસ્ટર-5ની પરીક્ષામાં ચેકિંગ સ્ક્વોડના ટીમ લીડર તરીકે કરવામાં આવી હતી. 9 ઓક્ટોબર, 2017ના રોજ તેઓ સુપાસીની અર્જુન આર્ટસ કોલેજમાં તપાસ માટે ગયા હતા. તપાસ દરમિયાન કોલેજ સંચાલકે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, તેમ છતાં સ્ક્વોડે કડક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને ચોરી કરવા દીધી નહોતી. પરીક્ષા પૂર્ણ થયા બાદ જ્યારે સ્ક્વોડની ટીમ પરત ફરી રહી હતી, ત્યારે સુપાસી બસ સ્ટેન્ડ પાસે અને ત્યારબાદ પાણીધ્રા-કોયલાણા વચ્ચે હુમલાખોરોએ ત્રણ વાહનો સ્વીફ્ટ, ક્રેટા અને સ્કોર્પીયો મારફતે તેમની કારને આંતરી હતી. 15થી 20 જેટલા માણસોએ લાકડી, પાઇપ અને બેઝબોલ સ્ટમ્પ જેવા હથિયારો વડે મહિપાલસિંહ અને દિલીપભાઈ ડાંગર પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ બાદ ઇજાગ્રસ્તોને કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે IPCની અલગ-અલગ 8 કલમો અને GPAની કલમ 135 હેઠળ ગુનો નોંધ્યો હતો. અર્જુન એજ્યુકેશન એકેડમી વિશે થયેલા એક-એક ખુલાસા ચોંકાવનારા હતા. એટલે ઇન્વેસ્ટિગેશના આગળના તબક્કામાં અમે સુપાસીના શૈક્ષણિક સંકુલમાં પહોંચ્યા. અમે સગી આંખે એ જ હકીકત જોઈ જેના વિશે અત્યાર સુધી સૂત્રો તેમજ ડોક્યુમેન્ટ મારફતે જાણ્યું હતું. માત્ર 20 ઓરડાનું જ સંકુલ હતું. જેમાં ઓફિસ અને સ્ટાફ રૂમ પણ આવી ગયો. સંકુલમાં CCTV કેમેરા તો હતા પરંતુ ફાયરસેફ્ટીના કોઈ સાધનો અમને દેખાયા ન હતા. અમે મુલાકાત લીધી ત્યારે સંચાલક દેવશી જોટવા પણ ત્યાં જ બેઠા હતા. તેમની સાથે ચાર-પાંચ લોકો પણ હતા. તેમણે શૈક્ષણિક સંકુલમાં ગેરરીતિ, શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના રોલ વિશે જાણે “વટ” બતાવતા હોય એમ ઘણી ઓફ ધી રેકોર્ડ વાતો કરી. એટલું જ નહીં, આ વિસ્તારમાં પોતાનો દબદબો કઈ હદે છે એના દાખલા પણ આપી દીધા. દેવશી જોટવાનું વ્યક્તિત્વ અને વર્તન ઘણું કહી જતું હતું. હવે ઇન્વેસ્ટિગેશનના છેલ્લા પડાવમાં અમે વિદ્યાર્થીઓની સંખ્યા, કોલેજને નિયમોનું ઉલ્લંઘન કરીને મળેલી માન્યતા સહિતની સત્તાવાર જાણકારી મેળવવા માટે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને મળવાનું નક્કી કર્યું. પ્રતાપ ચૌહાણ છેલ્લા 8 મહિનાથી ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પદે છે. તેઓ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ડીન રહી ચૂક્યા છે. તેમની સાથેની મુલાકાત દરમિયાન અમે અમે તેમને કેટલાક સવાલ કર્યા. દિવ્ય ભાસ્કર- ગ્રેજ્યુએશન શરૂ થયાના માત્ર એક વર્ષમાં જ માસ્ટરની પરમિશન કેવી રીતે મળી? વાઇસ ચાન્સેલર- આ અંગે અમને ફરિયાદ નથી મળી પરંતુ આ સંકુલ અંગેની અન્ય ફરિયાદ એક RTI દ્વારા થઈ છે. પરંતુ તે વ્યક્તિગત છે કે જનહિતની તે અંગે અમારી તપાસ ચાલે છે. જો એક વર્ષમાં માસ્ટરની પરમિશન મળી છે તે જે-તે સમયના કુલપતિ જે.પી.મયાણીએ આપી હશે. આ નિર્ણયને પણ ઘણા વર્ષ થઈ ગયા છે. જો આમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃતિ હશે તો અમે તેના પર ચોક્કસ પગલા લઈશું. મારે આ અંગે જે.પી.મયાણી સાથે પણ વાત કરવી પડશે. દિવ્ય ભાસ્કર-સંકુલની જગ્યા જે હેતુ માટે આપવામાં આવી હતી તેનો હેતું ફેર થયો હોવાના આરોપ છે. શું કહેશો? વાઇસ ચાન્સેલર- આ અંગે અમારી તપાસ છે અમે રિપોર્ટ આપ્યો છે. જગ્યાની ફાળવણી ક્લેકટરના આદેશથી થઈ છે. ક્લેકટર ઓફિસમાંથી પણ તપાસ ચાલી રહી છે. દિવ્ય ભાસ્કર- જો નિયમ મુજબ સંકુલ ન હોય તો કોલેજની પરમિશન કેવી રીતે મળી? વાઇસ ચાન્સેલર- પરમિશન આપવાના નિર્ણય સમયે યુનિવર્સિટીની કમિટી ત્યાં ગઈ હશે અને નિયમ મુજબ બધા દસ્તાવેજો રજૂ કર્યા પછી જ પરમિશન મળી હશે. જો કોઈ દસ્તાવેજો ખોટા રજૂ કર્યા હશે તો તે અંગેની તપાસ બાદ ચોક્કસ કાર્યવાહી કરાશે. દિવ્ય ભાસ્કર- શું કોઈક રીતે રાજકીય દબાણ છે? વાઇસ ચાન્સેલર- યુનિવર્સિટીએ રાજકારણથી દૂર રહીને કામ કરવું જોઈએ. મને ક્યારેય કોઈ દબાણ નથી આવ્યું. અમે આ સમગ્ર મામલે અર્જુન શૈક્ષણિક સંકુલનું સંચાલન સંભાળતા દેવશીભાઈ જોટવા સાથે પણ વાતચીત કરી અને તેમનો ખુલાસો પૂછવાનો પ્રયાસ કર્યો. દિવ્ય ભાસ્કર- અમારે કોલેજને લઈને કેટલીક વાત પૂછવી છે. દેવશી જોટવા- તમે કોલેજને લગતી વાત યુનિવર્સિટીમાં પૂછી આવ્યા છો એ મને જાણ છે. તમારી પાસે જે લોકોએ માહિતી આપે છે એવું કંઈ નથી દિવ્ય ભાસ્કર- યુનિવર્સિટીના નિયમ પ્રમાણે પાંચ એકર જમીન જોઈએ. દેવશી જોટવા- એ નિયમ વર્ષ 2012 પછીનો છે, અત્યારનો નથી અને ગુજરાતની દરેક કોલેજનો પ્રશ્ન છે. દિવ્ય ભાસ્કર- 2017માં સ્ક્વોડ સાથે મારામારીનો બનાવ બન્યો હતો, તે શું ઘટના હતી? દેવશી જોટવા- એ ઘટના કોલેજથી 35 કિલોમીટર દૂર હાઇવે ઉપર બની હતી. એ ઘટનાને કોલેજ સાથે કોઈ લેવાદેવા નથી. દિવ્ય ભાસ્કર- ઓરડામાં આટલું બધું કેવી રીતે મેનેજ કરો છો? દેવશી જોટવા- આ બધી વાત હું તમને રૂબરૂ મળીને કરીશ. આ મુદ્દે અમે હીરા જોટવાનો પણ ખુલાસો પૂછ્યો. તેમણે જણાવ્યું, જે તે સમયે જમીન ડિવેસ્ટ કરવાનો અધિકાર હતો. 6 એકર અને 6 ગુંઠા જમીન હતી, એમાંથી 3 એકર ગામતળને આપી અને બાકીની જમીન મારી સંસ્થાને મળી. હું સરપંચ હતો એ વાત સાચી પણ મારી સહીથી એ જમીન ન મળે, સરકારે આપી છે. જ્યારે અમને જમીન મળી ત્યારે કોલેજ માટે 5 એકર જમીનનો નિયમ ન હતો. એટલું જ નહીં કુલ ઓરડાની સંખ્યા 37 છે. (સ્ટોરી ઇનપુટ- વનરાજ ચૌહાણ)
    Click here to Read More
    Previous Article
    ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી, CCTV:બાપુનગરથી લોહીલુહાણ ઈજાગ્રસ્તને સાથી સ્ટુડન્ટ રીક્ષામાં લઈ ગયો'તો, અમદાવાદમાં સગીરોના મારામારીના બનાવોમાં વધારો
    Next Article
    ખેતીના હિસાબની માથાકૂટમાં હીરાના વેપારી પર જીવલેણ હુમલો:ચાર શખસે ખેડૂતની કારને રસ્તામાં આંતરી જીવલેણ હુમલો કર્યો; લાખોની લૂંટ ચલાવી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment