Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌરવ તિવારી કેસ-1:ભારતના પ્રથમ પેરાનોર્મલ ઈન્વેસ્ટિગેટરનું મોત કેવી રીતે થયું?

    5 days ago

    રાજ ભાસ્કર ગયા મહિને 16 ડિસેમ્બર, 2025ના રોજ એમેઝોન પ્રાઇમ પર ‘ભય: ધ ગૌરવ તિવારી મિસ્ટ્રી’ નામની વેબસિરીઝ રિલીઝ થઈ. આ કહાની સત્ય ઘટના પર આધારિત છે. આજે એ કહાનીના મુખ્ય કિરદાર ગૌરવની વાત કરીએ. ગૌરવ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો તેજસ્વી છોકરો હતો. તેના માતા-પિતા મૂળ બિહારના પટનાના હતાં અને દિલ્હી આવીને વસેલાં. દિલ્હીના દ્વારકા વિસ્તારના સેક્ટર-19માં તેમનું ઘર. ગૌરવનો જન્મ 2 સપ્ટેમ્બર, 1984ના રોજ થયો હતો. માતા-પિતાની ઈચ્છા હતી કે દીકરો પાઇલટ બને, એટલે ભણી-ગણીને 21 વર્ષની ઉંમરે ગૌરવ અમેરિકા ગયો અને ત્યાં તેની પાઈલટની ટ્રેનિંગ શરૂ થઈ. બધું જ બરાબર ચાલતું હતું, પણ નિયતિએ તેના માટે કંઈક અલગ જ વિચારી રાખ્યું હતું. અમેરિકામાં તે જે એપાર્ટમેન્ટમાં રહેતો હતો, ત્યાં તેને વિચિત્ર અનુભવો થવા લાગ્યા. શરૂઆતમાં તેને લાગ્યું કે આ માત્ર મનનો વહેમ છે, પણ ધીમે-ધીમે અવાજો સ્પષ્ટ થવા લાગ્યા. એક રાત્રે ગૌરવે હિંમત ભેગી કરી શૂન્યાવકાશમાં પૂછ્યું, ‘કોણ છે ત્યાં?’ કોઈ જવાબ ન મળ્યો, પણ ઠંડા પવનનું એક એવું ઝાપટું તેની પાસેથી પસાર થઈ ગયું કે તેના રુવાડાં ઊભાં થઈ ગયાં. બસ, એ ક્ષણથી ગૌરવ બદલાઈ ગયો. તેણે આકાશમાં ઊડવાનું સપનું છોડી દીધું અને પાતાળનાં રહસ્યો, એટલે કે પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેશનને પોતાનો રસ્તો બનાવ્યો. 2009માં તે ભારત પાછો આવી ગયો અને પરિવારને કહ્યું, ‘આ દુનિયામાં ભૂત-પ્રેત અને આત્માઓ વિશે ખૂબ વાતો થાય છે, મારે હવે એની શોધ કરવી છે.’ આ સાંભળી સૌને સખત આઘાત લાગ્યો. પિતાએ તેને સમજાવ્યો, ‘બેટા, ભૂત-પ્રેત જેવું કંઈ હોતું નથી.’ ગૌરવે બહુ શાંતિથી જવાબ આપ્યો, ‘પપ્પા, જે આંખે દેખાતું ન હોય તેનું અસ્તિત્વ ન હોય એવું જરૂરી નથી! મારે એ જ અસ્તિત્વને વિજ્ઞાનના તથ્યોથી સાબિત કરવું છે.’ એ જ વર્ષે એટલે કે 2009માં તેણે ‘ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી’ની સ્થાપના કરી. તેણે આત્માઓનું અસ્તિત્વ શોધવા માટે આધુનિક ટેક્નોલોજીનો સહારો લીધો. K2 મીટર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ડિટેક્ટર અને થર્મલ કેમેરા જેવાં આધુનિક ગેજેટ્સ તેના સાથીદાર બન્યાં. તે સ્મશાનમાં જતો, કબ્રસ્તાનમાં રાત વિતાવતો અને વર્ષોથી બંધ પડેલાં ખંડેરોમાં આત્માઓ સાથે સંવાદ કરવાનો પ્રયત્ન કરતો. તેણે ભારત અને વિદેશમાં મળીને કુલ 6000થી વધુ ડરામણી જગ્યાઓની તપાસ કરી હતી. તેને સૌથી ભયાનક અનુભવ ઓસ્ટ્રેલિયાના એક મડદાઘરમાં થયો હતો. તે મડદાઘરમાં આખી રાત લાશ બનીને 50થી વધુ અસલી લાશો વચ્ચે સ્ટ્રેચર પર સૂતો રહ્યો. રૂમનું તાપમાન માઈનસમાં હતું. ગૌરવનો દાવો હતો કે એ રાત્રે તેણે વિચિત્ર અવાજો સાંભળ્યા હતા અને કેમેરામાં એવી આકૃતિઓ જોઈ હતી જે જીવતા માણસની નહોતી. ધીરે-ધીરે ગૌરવ પેરાનોર્મલ દુનિયાનો ‘સ્ટાર’ બની ગયો. તે ભારતના સૌથી પહેલા પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટર તરીકે પ્રખ્યાત થયો. લોકો તેને ‘ઘોસ્ટ હંટર’ કહેતા. તેણે MTVના ‘ગર્લ્સ નાઈટ આઉટ’, ‘હન્ટેડ વીકેન્ડ્સ વિથ સની લિયોન’ સહિત ઓસ્ટ્રેલિયાની અનેક ભૂતિયા સિરીઝમાં કામ કર્યું. એટલું જ નહીં, બોલિવૂડની ફિલ્મ ‘16 ડિસેમ્બર’ અને ‘ટેન્ગો ચાર્લી’માં પણ ગૌરવ દેખાયો હતો. ન્યૂઝચેનલોમાં પણ તે છવાઈ ગયો હતો. પરંતુ, જેમ-જેમ તે આ દુનિયામાં ઊંડો ઉતરતો ગયો, તેમ-તેમ તેની આસપાસનો અંધકાર ઘટ્ટ થવા લાગ્યો. 2015માં ગૌરવનાં લગ્ન આર્યા સાથે થયાં. ગૌરવનું કામ હંમેશાં રાત્રે જ રહેતું. તે મોડી રાત્રે ઘરે આવતો ત્યારે તેની પત્ની ઘણીવાર તેને ટોકતી, ‘ગૌરવ, આ બધું હવે બંધ કરી દો. આ અંધકાર તમારા પર હાવી થઈ રહ્યો છે.’ ગૌરવ હસીને કહેતો, ‘આર્યા, આ આત્માઓ ભલી હોય છે, તે નુકસાન નથી પહોંચાડતી.’ પણ કદાચ ગૌરવ ખોટો હતો. આત્માઓની તો ખબર નથી, પણ આવી પ્રવૃત્તિઓને કારણે મન અને મગજ પર ગંભીર અસર થાય છે તે નક્કી છે. થોડા દિવસો પછી ગૌરવ સાથે એક વિચિત્ર ઘટના બની. 6 જુલાઈ, 2016નો દિવસ હતો. રાતના સમયે ગૌરવ જનકપુરી વિસ્તારમાં એક રહસ્યમય કેસ સોલ્વ કરવા ગયો હતો. એક યુવતીનો દાવો હતો કે તેની આસપાસ 12 આત્માઓ ફરે છે. ગૌરવે ત્યાં કલાકો વિતાવ્યા અને રાત્રે દોઢ વાગ્યે જ્યારે ઘરે પાછો ફર્યો ત્યારે તે બહુ વિચિત્ર હાલતમાં હતો. તે બરાબર બોલી પણ નહોતો શકતો. પત્નીએ તેની હાલત જોઈને ફરીવાર આ દુનિયા છોડી દેવા કહ્યું, જે બાબતે બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ અને ગૌરવ સૂઈ ગયો. 7 જુલાઈની સવારે ગૌરવ ઊઠ્યો, નાસ્તો કર્યો અને લેપટોપ પર ઈમેલ ચેક કર્યા. બધું જ સામાન્ય લાગતું હતું. સવારના 11 વાગ્યા હતા ત્યારે ગૌરવ અચાનક ઊઠીને બાથરૂમમાં ગયો. પત્ની અને માતા-પિતા ઘરે જ હતાં. થોડી જ વારમાં બાથરૂમમાંથી ‘ધડામ...!’ અવાજ આવ્યો. જાણે કોઈ ભારે વસ્તુ જમીન પર પટકાઈ હોય! આર્યા તરત જ દોડી અને દરવાજો ખખડાવ્યો, પણ અંદરથી કોઈ જવાબ ન મળ્યો. પરિવારજનોએ દરવાજો તોડી નાખ્યો. અંદરનું દૃશ્ય જોઈ બધાંની ચીસ નીકળી ગઈ. ગૌરવ જમીન પર બેભાન પડ્યો હતો, તેની આંખો ફાટી ગઈ હતી અને તેની ગરદન પર એક ઘટ્ટ કાળા રંગનું નિશાન હતું. ગૌરવ તિવારીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ત્યાં સુધીમાં તેના પ્રાણપંખેરું ઊડી ગયું હતું. ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આત્માઓ સાથે વાત કરનાર પોતે જ હવે એક આત્મા બની ગયો હતો. સવાલ એ છે કે ગૌરવના ગળા પરનું એ કાળું નિશાન શેનું હતું? શું આ કોઈ માનવીય કાવતરું હતું કે પછી પેરાનોર્મલ દુનિયાનો બદલો? ગૌરવ તિવારીના મોતની આ મિસ્ટ્રી પરથી પડદો ઊઠશે આવતા એપિસોડમાં. (ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    આજ-કાલ:અર્નેસ્ટ શેકલટનએક અજેય સાહસી
    Next Article
    સહજ સંવાદ:રામમનોહર લોહિયા અને રમા મિત્રાની અનોખી પ્રણય-કથા!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment