Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહોર્રમના ભોજન સમારંભમાં મારામારી, VIDEO:થાળમાં 8 વ્યક્તિ પૂરા કરવા મુદ્દે વિવાદ; વ્હોરા સમાજના તન્ઝીમના સેવકોએ પરિવારને ઢોર માર માર્યો

    1 day ago

    સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં આવેલી શેહાબી કોલોની ચલમ વાડ ખાતે મહોર્રમ માસ નિમિત્તે પવિત્ર દિવસ અને રાત્રિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારના રોજ બનેલી આ ઘટનામાં એક પરિવારના 7 સભ્યો ત્યાં ભોજન માટે પહોંચ્યા હતા. જોકે, પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ત્યાં વ્યવસ્થા સંભાળતા તન્ઝીમના સેવકોએ નિયમનું ઓઠું ધરીને જીદ પકડી હતી કે જ્યાં સુધી થાળમાં પૂરા 8 લોકો ન થાય ત્યાં સુધી ભોજન પીરસવામાં આવશે નહીં. આ પરિવારે લાંબા સમય સુધી આઠમી વ્યક્તિની રાહ જોઈ, પરંતુ કોઈ ન મળતાં અને ભારે વિલંબ થતાં આખરે તેમણે ભોજનનો ત્યાગ કરીને જમ્યા વિના જ ઘરે પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. પરિવાર પર સેવકોનો હુમલો અને લોકોનો વળતો પ્રહાર પરિવાર જ્યારે જમ્યા વગર બહાર નીકળી રહ્યો હતો, ત્યારે તન્ઝીમના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમના પર તૂટી પડ્યા હતા. તન્ઝીમ આપણી છે તેમ કહીને સેવકોએ પરિવારના સભ્યોને ઢોર માર માર્યો હતો, જેમાં કેટલાક લોકોને માથા અને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પરિવાર પર થઈ રહેલો આ અત્યાચાર જોઈને ત્યાં હાજર અન્ય સમાજના લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ક્રૂર બનેલા તન્ઝીમના સેવકોને હાજર લોકોએ પાઠ ભણાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઈજાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા, સમાજના આગેવાનોએ કરાવ્યું સમાધાન આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભોગ બનનાર પરિવારના સભ્યો સારવાર લીધા બાદ ન્યાયની આશાએ સલાબતપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. મામલો ગંભીર બનતાં જ દાઉદી વ્હોરા સમાજના મોટા આગેવાનો તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આગેવાનોએ વચ્ચે પડીને બંને પક્ષોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. આખરે આગેવાનોની મધ્યસ્થી સફળ રહી હતી અને સલાબતપુરા પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન લેખ મેળવીને મામલો થાળે પાડ્યો હતો અને કોઈ સત્તાવાર ગુનો નોંધ્યા વિના બંને પક્ષોને જવા દીધા હતા. તન્ઝીમના સંચાલકો સામે સમાજમાં ભારે આક્રોશ પોલીસ સ્ટેશનમાં ભલે કાયદાકીય સમાધાન થઈ ગયું હોય, પરંતુ સોશિયલ મીડિયામાં મારામારીનો વીડિયો વાઇરલ થતાં દાઉદી વ્હોરા સમાજના સામાન્ય લોકોમાં તન્ઝીમના સંચાલકો અને સેવકો સામે ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. ત્યાં ભોજન માટે આવેલા લોકો સાથે આવું અમાનવીય વર્તન અને મારપીટ કરવામાં આવતા સમાજની છબી ખરડાઈ હોવાની વ્યાપક ચર્ચાઓ ચાલી રહી છે. લોકો હવે સોશિયલ મીડિયા પર આવા ઉદ્ધત સેવકો સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવી કરોડોની લૂંટ:2.47 કરોડ રોકડા, 5થી 7 તોલા સોનું લઈ બુકાનીધારી શખસો ફરાર; રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દોડી આવ્યા
    Next Article
    હિંમતનગર નગરપાલિકામાં પ્રી-મોન્સૂન કામગીરી અંગે બેઠક:બાંધકામ સમિતિ ચેરમેનની અધ્યક્ષતામાં તંત્ર-કોન્ટ્રાક્ટરોને સંકલનનો અનુરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment