Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરેલી સુમિત્રા જીવતી થઈ, કહ્યું, ‘હું શિવા છું’:પ્રેતાત્માએ કબજો કર્યો હતો કે મૃત યુવતીનો પુનર્જન્મ થયેલો? કેસ સોલ્વ કરવા આવ્યા USના સંશોધકો

    3 days ago

    ‘આજથી ત્રણ દિવસ પછી હું મરી જઇશ’ 19 જુલાઈ, 1985 શરીફપુરા ગામ, ફર્રુખાબાદ, ઉત્તર પ્રદેશ આજથી ચાર દાયકા પહેલાંના સાવ ખોબા જેવડા શરીફપુરા ગામની કલ્પના કરો, જ્યાં હજી ઇલેક્ટ્રિસિટી નથી પહોંચી, હોસ્પિટલ કે ડૉક્ટર નથી. નાની-મોટી તકલીફો માટે ગામલોકોએ નજીકના ફર્રુખાબાદ શહેરમાં જવું પડે છે. ત્યાંના ચોમાસાની એક ભેજવાળી બપોરે એક આખો પરિવાર તેમના માટીના ઘરના આંગણામાં ફફડતાં હૈયે ચૂપચાપ બેઠો હતો, કારણ કે ત્રણ દિવસ પહેલાં આ જ ઘરની સત્તર વર્ષની પુત્રવધૂએ કંઈક એવું કહ્યું હતું જેનાથી બધાની ફેં ફાટી ગઈ હતી. પુત્રવધૂએ આકાશ તરફ પોતાના બંને હાથ ઊંચા કરીને મોટા અવાજે જાહેર કરેલુંઃ ‘આજથી ત્રણ દિવસ પછી, હું મરી જઈશ.’ સત્તર વર્ષની યુવતીને આકાશમાંથી કોણ બોલાવતું હતું? તે તારીખ આજે હતી. એ સત્તર વર્ષની નાનકડી પુત્રવધૂ, જેના ખોળામાં એક દીકરો રમતો હતો, તે હતી સુમિત્રા સિંહ. છેલ્લા કેટલાક મહિનાઓથી તેને ગમે ત્યારે વિચિત્ર હુમલા આવતા હતા. જ્યારે તેને આવો હુમલો આવે ત્યારે તે પોતાના ગમે તે સ્થિતિમાં હોય ત્યાં જ સજ્જડ રીતે ઊભી રહી જતી, બંને હાથ હવામાં ઊંચા કરી દેતી, આંખોના ડોળા ઉપર ચડી જતા, દાંત જોરજોરથી કચકચવા માંડતા અને જાણે તે કોઈ બીજી જ દુનિયામાં પહોંચી ગઈ હોય તેવું લાગતું. અને પાંચ-દસ મિનિટ પછી અચાનક તે નોર્મલ થઈ જતી અને તેની સાથે શું થયું તે કશું જ તેને યાદ નહોતું રહેતું. મોતની ભવિષ્યવાણીનો દિવસ આવ્યો અને… આજે તેણે કરેલી પોતાના મોતની ભવિષ્યવાણીનો દિવસ હતો. સવારથી એણે એવું કશું કામ નહોતું કર્યું જેનાથી તેના જીવને જોખમ હોય. સાંજ પડવા આવી. પરિવારને પણ હાશકારો થવા લાગ્યો કે ચલો, એ કહેવાતી મોતની આગાહી ખોટી પડશે. ત્યાં સાંજના સુમારે સુમિત્રાની એક બહેનપણી તેને મળવા આવી. જેવો સુમિત્રાએ પોતાના ઘરની બહાર પગ મૂક્યો ત્યાં જ અચાનક તેને એવો જ ‘હુમલો’ આવ્યો અને તેને બેભાન થઈને પડી ગઈ. તેની બહેનપણીએ ચીસાચીસ કરીને લોકોને એકઠા કર્યા. અંતિમવિધિ પહેલાં જ સુમિત્રાનો દેહ સળવળવા માંડ્યો પરંતુ ત્યાં તો સુમિત્રાના શ્વાસ બંધ થઈ ગયેલા. ગામના વૈદ્યે આવીને નાડી-ધબકારા ચેક કર્યાં. સુમિત્રાના શરીરમાં ચેતનાનો કોઈ સંચાર નહોતો. તેને મૃત્યુ પામેલી જાહેર કરવામાં આવી. સૌએ ભારે આઘાત, રડારોળ અને ભય વચ્ચે સુમિત્રાની અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરી. ફળિયામાં નનામી આવી ગઈ, લોકો એકઠા થયા. સ્ત્રીઓએ વિધિ પ્રમાણે સુમિત્રાના મૃતદેહને ઘરની અંદર છેલ્લું સ્નાન કરાવીને તેની સાડી બદલાવી. ત્યાં જ અચાનક સ્ત્રીઓએ ચીસો પાડી. સૌ દોડતાં અંદર આવ્યા તો સૌની આંખો પહોળી થઈ ગઈ. સુમિત્રા ફરીથી ‘જીવતી’ થઈ રહી હતી. પહેલાં તેના શરીરમાં હલનચલન થયું અને પછી તેણે આંખો ખોલી અને તેને બેઠી થઈ ગઈ! *** જેને કદી જોઈ નહોતી, તેની રજેરજની વિગતો કેવી રીતે જાણી ગઈ? આજના ‘ખાખી કવર’માં વાત કરીએ આજથી ચાર દાયકા પહેલાં ઉત્તર પ્રદેશમાં બનેલા એવા કેસની, જેણે માત્ર ભારત જ નહીં, બલકે છેક અમેરિકન યુનિવર્સિટીના સંશોધકોને પણ માથું ખંજવાળતા કરી મૂકેલા. સુમિત્રા નામની એક સત્તર વર્ષની યુવતી મૃત્યુ પામી, પાંચ મિનિટથી વધુ સમય સુધી તે મૃત રહી અને પછી અચાનક જીવતી થઈ! એટલું જ નહીં, જીવતી થયા પછી એણે દાવો કર્યો કે તેને પોતાના અગાઉના જન્મની તમામ વાતો અને કોણે તેની હત્યા કરેલી તે બધું જ યાદ છે! આ કેસની રજેરજની વિગતો વિશે અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીએ એક ડિટેલ્ડ રિપોર્ટ પણ પબ્લિશ કર્યો હતો. *** ‘મને મારાં સાસરિયાંએ મારી નાખી હતી’ મોતની નિદ્રામાં સૂઈ ગયા પછી સુમિત્રા ફરી જીવતી થઈ અને એણે કોઇનેય ઓળખવાનો ઇનકાર કરી દીધો. સુમિત્રાએ હઠ પકડી, ‘હું સુમિત્રા નથી. મારું નામ શિવા છે. હું દિબિયાપુરમાં રહેતી હતી. મારાં સાસરિયાંએ મને મારી નાખી હતી. મારાં બે બાળકો રિંકુ અને ટિંકુ છે, મને તેમની પાસે લઈ જાઓ.’ સુમિત્રાના આ વર્તનથી આઘાત પામેલા ઘરના લોકોને બીજો આઘાત એ લાગ્યો કે તેણે પોતાના નવજાત બાળકને પણ ઓળખવાનો કે ઇવન પોતાની પાસે રાખવાનો ઇનકાર કરી દીધો. કોણ હતી એ સુમિત્રા? શું હતી તેની સ્ટોરી? 13 વર્ષની સુમિત્રાનાં લગ્ન થયાં, 16 વર્ષે બાળક સુમિત્રાના પિતા છોટે સિંહ પેટિયું રળવા માટે સાઠના દાયકામાં ઉત્તર પ્રદેશથી કાપડની મિલમાં કામ કરવા માટે અમદાવાદ આવેલા. અમદાવાદમાં જ 1968માં સુમિત્રાનો જન્મ થયેલો. સુમિત્રા અગિયાર વર્ષની થઈ ત્યાં જ તેના પર ટ્રેજેડી ત્રાટકી. 1979માં તેની માતા ગંગા દેવીનું અવસાન થયું. સુમિત્રાને મૈનપુરી જિલ્લાના બીરપુર ગામે તેના કાકાને ત્યાં મોકલી દેવાઈ. તે ક્યારેય શાળાએ ગઈ નહોતી. તેના કાકાની દીકરી ફૂલમાલાએ ઘરે જ તેને થોડું ઘણું લખતાં વાંચતાં શીખવ્યું. સુમિત્રા રામાયણ વાંચી લેતી અને ભાંગ્યા તૂટ્યા અક્ષરોમાં પત્ર લખી લેતી. 1981માં તેર વર્ષની હતી ત્યારે સુમિત્રાને શરીફપુરાના જગદીશ સિંહ સાથે પરણાવી દેવાઈ. પિતાની જેમ તેનો પતિ પણ કામ માટે તેનાથી દૂર દિલ્હી રહેતો હતો અને મહિનાઓ સુધી ઘરે આવતો નહોતો. ત્રણ વર્ષ બાદ ડિસેમ્બર, 1984માં તેને એક દીકરો થયો, પહેલીવાર સુમિત્રાને સુખનો સૂરજ જોવા મળ્યો. ‘મારા શરીરમાં સંતોષી માતા આવે છે’ પરંતુ આ ખુશી લાંબો સમય ન ટકી. 1985ની શરૂઆતમાં જ સુમિત્રાને ભેદી હુમલા આવવા લાગ્યા. ક્યારેક તો તે આખો દિવસ સુધી આ હુમલાની અસરમાં રહેતી! હુમલા દરમિયાન શું થતું તે તો સુમિત્રાને યાદ નહોતું રહેતું, પણ ક્યારેક તે કહેતી કે ‘સંતોષી માતા’ તેેના શરીરમાં આવે છે. પરંતુ બે વાર તો તેના શરીરમાં ‘પ્રેતાત્મા’એ પ્રવેશ કર્યો. એકવાર શરીફપુરાની કૂવામાં પડીને આપઘાત કરનારી સ્ત્રીનો આત્મા અને બીજી વાર બીજા રાજ્યના એક પુરુષનો આત્મા આવ્યો. ઘરના લોકોએ ડૉક્ટરોને બતાવવાને બદલે કહેવાતા તાંત્રિકોને બતાવ્યું, વિધિઓ કરી, પણ હુમલા બંધ ન થયા. આખરે જુલાઈ 1985માં સુમિત્રાએ પોતાના મોતની જાહેરાત કરી. ‘હું સુમિત્રા નથી, હું શિવા છું’ ‘મર્યા પછી’ સુમિત્રાનું શરીર પુનર્જીવિત થયું, પણ તે સંપૂર્ણપણે બદલાઈ ગયેલી. તેણે કહ્યું કે તે કોઈ સુમિત્રાને ઓળખતી નથી, તે દિબિયાપુરની શિવા ત્રિપાઠી છે. તેણે પોતાના પતિ જગદીશને ‘ઠાકુર સાહેબ’ કહેવાનું ચાલુ કર્યું. પોતાના દીકરાને જગદીશની પહેલી પત્નીનો દીકરો કહેવાનું ચાલુ કર્યું. તેની સાડી પહેરવાની ઢબ બદલાઈ ગઈ. અત્યાર સુધી ઉઘાડા પગે ફરતી સુમિત્રા હવે ચંપલ પહેર્યાં વિના બહાર નહોતી નીકળતી. તે સવારે ચાર વાગ્યે ઊઠીને ‘બ્રાહ્મણ’ પરિવારની જેમ પૂજાપાઠ કરવા માંડી. ‘યમરાજાએ મને બીજાં સાત વર્ષ જીવવા માટે આપ્યાં છે’ છાશવારે તેણે જીદ કરવા માંડી કે, ‘મને દિબિયાપુર લઈ જાઓ, મારે મારાં ટિંકુ અને રિંકુને મળવું છે.’ આ દરમિયાન સુમિત્રાએ પોતાના ‘મૃત્યુ પછીની’ એક ઘટના પણ કહી સંભળાવી. તેના કહેવા પ્રમાણે, ‘મૃત્યુ પછી હું યમરાજના દરબારમાં પહોંચી ગઈ હતી. ત્યાં સંતોષી માતાએ મને ચોરીછૂપે ભોજન કરાવ્યું હતું. મેં બહુ આજીજી કરી પછી યમરાજે મને વધુ સાત વર્ષનું આયુષ્ય આપ્યું, એટલે હું પાછી ફરી.’ કોણ હતી શિવા ત્રિપાઠી? શિવા ત્રિપાઠીનો જન્મ 24 ઓક્ટોબર, 1962ના રોજ ઇટાવા જિલ્લાના સેવાપુરમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા રામ સિયા ત્રિપાઠી કોલેજ લેક્ચરર હતા. જ્યારે સમાજ છોકરીઓને ભણાવવાનું જરૂરી નહોતો સમજતો, તેવા સમયમાં શિવાએ હોમ સાયન્સમાં બી.એ. કર્યું હતું. સાડા અઢાર વર્ષની ઉંમરે તેણે દિબિયાપુરના છેદીલાલ સાથે લગ્ન કર્યાં. તેમને બે પુત્ર ટિંકુ અને રિંકુ થયા. પરંતુ ભણેલીગણેલી અને પોતાના અધિકારો વિશે જાગ્રત પુત્રવધૂ સાસરિયાંઓને ખટકવા લાગી. તેને ઓછા દહેજ માટે હેરાન કરવાનું શરૂ થયું. એકવાર તો તેની સાસુએ શિવાને કહ્યું કે, ‘ગળે ફાંસો ખાઇને મરી જા એટલે મારા દીકરાનો જાન છૂટે.’ શિવાના સસરાએ પણ તેના પિતા રામ સિયા ત્રિપાઠીને પત્ર લખીને કહેલું કે તમે તમારી દીકરીને સાસરેથી પાછી લઇ જાઓ. રેલવેના ટ્રેક પરથી મળ્યો શિવાનો મૃતદેહ મે 1985ના અંત સુધીમાં આ કલેશ ચરમસીમાએ પહોંચ્યો. શિવાને એક સંબંધીનાં લગ્નમાં જવાની હા પાડ્યા પછી સાસરિયાં ફરી ગયાં. 18 મેએ શિવાના કાકા તેને મળવા આવ્યા ત્યારે તેમને ખબર પડી કે સાસરિયાંએ તેને માર માર્યો છે. તે પછીયે પિયરિયાં શિવાને લઈ ન ગયાં. પરિણામ ભયંકર આવ્યું. બીજા દિવસે સવારે એટલે કે 19 મેના રોજ સમાચાર આવ્યા કે શિવાએ ટ્રેન નીચે કૂદીને આપઘાત કરી લીધો છે. દિબિયાપુરને અડીને આવેલા ફફૂંદ રેલવે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી તેનો મૃતદેહ મળી આવ્યો. જોવા જેવી વાત એ હતી કે સાસરિયાંના કહેવા પ્રમાણે ટ્રેન નીચે આવીને શિવાનું મૃત્યુ થયું હોવા છતાં તેનો મૃતદેહ અકબંધ હતો. તેના માથાના પાછળના ભાગે એક ઇજા હતી. પોસ્ટ મોર્ટમ પહેલાં શિવાના અંતિમ સંસ્કાર કેમ કરી દેવાયા? શિવાના કાકાને આ વાત શંકાસ્પદ લાગી અને તેમણે સાસરિયાંને કહ્યું કે ચાર કલાકમાં તેના પિતા આવી જશે, તે પછી તમે અંતિમ સંસ્કાર કરજો. પરંતુ ઉતાવળમાં પોલીસે પંચનામું કર્યું અને રાત્રે અગિયાર વાગ્યે તેના અગ્નિસંસ્કાર કરી નાખવામાં આવ્યા. તેના પિતા દિબિયાપુર પહોંચ્યા ત્યાં સુધીમાં એમની દીકરીના અસ્થિ સિવાય કંઈ બચ્યું નહોતું. ગામમાં છાને ખૂણે એવી વાતો ચાલતી હતી કે પરિવારજનોએ શિવાને મારી નાખીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી, અમુક લોકોએ તેનો મૃતદેહ સ્ટેશને લઈ જવાતા જોયો પણ હતો. પરંતુ પાછળથી આવા કોઈ સાક્ષીઓ આગળ આવ્યા નહીં. શિવાના પિતા રામ સિયા ત્રિપાઠીએ સાસરિયાં વિરુદ્ધ હત્યા અને દહેજ માટે પ્રતાડનાનો કેસ દાખલ કર્યો. પતિ અને સસરાથી ધરપકડ થઈ, પરંતુ થોડા સમયમાં પુરાવાના અભાવે છૂટી ગયા. બે વર્ષમાં તો તેના કેસમાં ભીનું સંકેલાઈ ગયું. ‘તમારી મરેલી દીકરીનો પુનર્જન્મ થયો છે’ હવે સવાલ એ હતો કે દિબિયાપુરમાં થયેલા આ મૃત્યુ પછી લગભગ અભણ એવી સુમિત્રાના શરીરમાં તે શિવાનો પુનર્જન્મ કઈ રીતે થઈ શકે? પરંતુ ટીવી-ઇન્ટરનેટ પહેલાંના એ જમાનામાં પણ અફવાઓ તો ફટાફટ ફેલાતી હતી. તે ક્રમમાં શિવાના પિતા સુધી વાત પહોંચી કે તેમની મૃત્યુ પામેલી દીકરીનો કોઈ સુમિત્રા નામની યુવતીના શરીરમાં ‘પુનર્જન્મ’ થયો છે. પહેલાં તો તેમણે પોતાના એક સગાને મોકલીને ચેક કરાવ્યું, પછી લગભગ ત્રણેક મહિના પછી તેઓ શરીફપુરાની ગલીઓમાં પ્રવેશ્યા. મૃતક શિવાના પિતાને વળગી પડી સુમિત્રા 20 ઓક્ટોબર, 1985 મૃત્યુ પામેલી શિવાના પિતા રામ સિયા ત્રિપાઠી અત્યંત શિક્ષિત હતા, પ્રોફેસર હતા. એટલે તેમને આ વાત પર વિશ્વાસ નહોતો. છતાં તેમની અંદર રહેલો એક પિતાનો જીવ તેમને સુમિત્રા સુધી ખેંચી લાવ્યો. જેવા તેઓ સુમિત્રાના ઘર પાસે પહોંચ્યા, કે તરત જ અંદરથી સુમિત્રા દોડતી આવી અને ‘પિતાજી’ કહેતી તેમને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી. તેમણે સુમિત્રાને છાની રાખી, પણ પછી પોતાની કસોટીઓ શરૂ કરી. રામ સિયા ત્રિપાઠીએ સુમિત્રાને સવાલો પૂછવા માંડ્યા. ‘બેટી, અગર તુમ શિવા હો તો મુઝે બતાઓ, હમ તુમ્હેં ઘર મેં ક્યા કેહ કર બુલાતે થે?’ સુમિત્રાએ પટ્ દઇને જવાબ આપ્યો, ‘અરુણા અને શિવા શંકર’. શિવાના પિતાની આંખો પહોળી થઈ ગઈ. સુમિત્રા શિવાના પરિવારજનોની તસવીરો શી રીતે ઓળખતી હતી? પછી તેમણે પોતાની સાથે લાવેલું ફેમિલીનું ફોટો આલ્બમ ખોલ્યું. તેમાંથી 1967નો એટલે કે લગભગ અઢાર વર્ષ જૂનો ફોટોગ્રાફ કાઢ્યો. તે વખતે તો સુમિત્રાનો જન્મ પણ નહોતો થયો. તે તસવીરમાં છ લોકો હતા. રામ સિયા ત્રિપાઠીએ પૂછ્યું કે આ લોકો કોણ છે. શિવાએ એક એક વ્યક્તિ પર આંગળી મૂકીને એક્ઝેક્ટ સાચા જવાબો આપીને લોકોને ઓળખી બતાવ્યા. ઇવન તેણે ફોટોમાં દેખાતી પાંચ વર્ષની નાનકડી બાળકી પર આંગળી મૂકીને કહ્યું કે, ‘આ હું છું!’ કુલ આઠ તસવીરોમાં દેખાતા સત્તર ચહેરામાંથી તેણે કોઈ ખચકાટ વિના બાર ચહેરા ઓળખી બતાવ્યા. એક તસવીરમાં નાનકડો ટિંકુ દેખાતો હતો, જેને જોઇને સુમિત્રા રડી પડી. કહ્યું, ‘મારા ટિંકુ અને રિંકુ ક્યાં છે?’ પછી એક સ્ત્રીનો ફોટો જોઇને સુમિત્રા અચાનક ગુસ્સામાં લાલચોળ થઈ ગઈ. તે બરાડો પાડી ઊઠી, ‘આ ચુડેલ રમાકાંતિ છે, મારી જેઠાણી. એણે જ મને માથામાં ઇંટ મારીને મારી નાખી હતી.’ મૃતક શિવાના પિતા રામ સિયા ત્રિપાઠીએ પાછળથી કહ્યું કે આ એક વાક્યથી તેમના મનમાં રહેલી શંકાઓ દૂર થઈ ગઈ. કોઇનેય ખબર નહોતી તેવી 19 વાતો સુમિત્રાને ખબર હતી! આ પછી સુમિત્રા ઇટાવા ગઈ. ત્યાં રામ સિયાએ તેની વધુ એક કસોટી કરી. તેમણે સુમિત્રાને કહ્યું કે, ‘સામે જે સ્ત્રીઓનું ટોળું ઊભું છે તેમાં શિવાની માતા પણ છે. તેની પાસે જા.’ સુમિત્રાએ ભારપૂર્વક કહ્યું, ‘ના, આમાંથી એકેય સ્ત્રી મારી માતા નથી.’ સુમિત્રા રડતી રડતી પોતાના ઘરની અંદર ગઈ, શિવાની માતાને ઓળખી કાઢી અને તેને વળગી પડી. દાઢી વધારીને આવેલા શિવાના એક મામા અને શિવાની નાનપણની બહેનપણીને પણ સુમિત્રા ઓળખી ગઈ. બહેનપણીને રડતાં રડતાં કહે, ‘શું કરું જિજ્જી, હું મરીને ઠાકુરોના ઘરમાં આવી ગઈ છું, હું લાચાર છું.’ આ રીતે સુમિત્રાએ શિવાના પરિવારના 23 સભ્યો અને પરિચિતોને આબાદ ઓળખી બતાવ્યા. પાછળથી આ કેસની તપાસ કરવા આવેલા ઇન્વેસ્ટિગેટરોએ એવી 19 બાબતોનું લિસ્ટ બનાવ્યું, જે અગાઉ ક્યારેય અખબારોમાં કે લોકોની વચ્ચે આવ્યું નહોતું. તેમાં મૃતક શિવાની વસ્તુઓથી લઇને તેની સ્કૂલ અને તેનાં ભાઈ-બહેન, સગાં વગેરેનો સમાવેશ થતો હતો. આ બધું જ સુમિત્રાએ ઓળખી બતાવેલું. જોકે ચોંકાવનારી વાત એ હતી કે પોતાને શિવાનો પુનર્જન્મ કહેતી શિવાએ તેના પતિ જગદીશ, કે તેનાં સાસરિયાંને ઓળખવાનો ઇનકાર કરી દીધો. અર્ધશિક્ષિત યુવતી ધડાધડ પત્રો લખવા માંડી ઓગસ્ટમાં રક્ષાબંધન આવી. સુમિત્રાનો ભાઈ તેને લેવા આવ્યો અને રાખડી બાંધવા આજીજી કરી. સુમિત્રાએ જવાબમાં રડતાં રડતાં કહ્યું કે, ‘અહીં મારો કોઈ ભાઈ નથી.’ અગાઉ જિંદગીમાં જવલ્લે જ કોઈ પત્ર લખનારી સુમિત્રાએ શિવાના પિતાને પત્રો લખવાના શરૂ કર્યા. ડઝનબંધ પત્રોમાં શિવા તરીકે સુમિત્રા કહેતી, ‘મને અહીં રહેવું નથી ગમતું, મને લઈ જાઓ. મારો વિશ્વાસ કરો, હું જ તમારી શિવા છું.’ પાછળથી ઇન્વેસ્ટિગેટરોને પણ આશ્ચર્ય થયું કે જે છોકરી ભાગ્યે જ કશું લખી-વાંચી શકતી તે અચાનક અસ્ખલિત હિન્દીમાં પત્રો કેવી રીતે લખતી થઈ ગઈ?! જ્યારે વૈજ્ઞાનિકો આવ્યા અત્યંત ચર્ચાસ્પદ બનેલી આ ઘટના તે વખતનાં હિન્દી અને અંગ્રેજી અખબારોમાં છપાઈ. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં છપાયેલો રિપોર્ટ અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ ડૉ. ઇયાન સ્ટિવન્સન પાસે પહોંચ્યો. બીજી તરફ બેંગલોરના NIMHANS (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સ)ના ડૉ. સતવંત પસરિચાને પણ આ કિસ્સાની જાણ થઈ. આ ઉપરાંત પરમેશ્વર દયાલ નામના મનોચિકિત્સકે પણ આ ઘટનાક્રમ પર સંશોધન આદર્યું. તમામે પોતપોતાની રીતે આ સમગ્ર ઘટનાક્રમ પર મેડિકલ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું. માનસિક બીમારી, પ્રેતાત્માનો કબજો કે પુનર્જન્મનો કેસ? લગભગ બે વર્ષ સુધી તેઓ ઇટાવા, મૈનપુરી, ફર્રુખાબાદ અને હરદોઈનાં ગામડાંઓમાં ફરતા રહ્યા અને શિવા તથા સુમિત્રા બંને પરિવારોના થઇને કુલ 53 લોકોના ઇન્ટરવ્યૂ કર્યા. તેમનો એક સહિયારો રિપોર્ટ માર્ચ, 1987માં ‘જર્નલ ઑફ સાયન્ટિફિક એક્સપ્લોરેશન’માં પ્રકાશિત થયો. તેમણે ચાર અલગ અલગ શક્યતાઓની તપાસ કરીઃ ચીટિંગ (છેતરપિંડી), ભુલાઈ ગયેલી માહિતીમાંથી સર્જાયેલું નવું જ વ્યક્તિત્વ, અલૌકિક જ્ઞાન ધરાવતું નવું જ એક વ્યક્તિત્વ અને સુમિત્રાના શરીર પર શિવાના આત્માનો કબજો. તેમની દલીલ હતી કે ગામડાની એક અર્ધ-શિક્ષિત યુવતી એકલે હાથે સો કિલોમીટર દૂર આવેલા કોઈ ગામના અન્ય એક પરિવાર પાસેથી આવી સંવેદનશીલ વિગતો કઢાવી શકે નહીં. શિવાના સાસરિયાંને તો શિવા તરીકે સુમિત્રા પોતે જ હત્યારા ગણાવી રહી હતી, એટલે તેમનો હાથ પણ હોઈ શકે નહીં. ઇન્વેસ્ટિગેટરોએ લખ્યું કે શિવાના આત્માનો સુમિત્રાના શરીરમાં પ્રવેશ થયો હોય તે જ સૌથી ‘લોજિકલ’ સમજૂતિ લાગતી હતી, જોકે આની પાછળનું સાયન્ટિફિક કારણ તેઓ સમજાવી શકે તેમ નહોતા. પાછળથી જેમ્સ મેટલોક નામના એક્સપર્ટે આવા કિસ્સાઓ માટે ‘રિપ્લેસમેન્ટ રિઇન્કાર્નેશન’ નામનો શબ્દપ્રયોગ બનાવ્યો. આ મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડરનો કેસ હતો? પરંતુ મેઇન સ્ટ્રીમ સાયન્સ પુનર્જન્મ અને આત્મા વગેરેને સ્વીકારતું નથી. આ રિપોર્ટને નકારતા ઇન્ટરનેશનલ એક્સપર્ટ્સ તેની સામે સજ્જડ દલીલો કરે છે. ડૉ. ઇયાન સ્ટિવન્સન ખુદ કબૂલે છે કે મોટાભાગના મનોચિકિત્સકો આવા ‘હુમલા’ને મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર કે હિસ્ટિરિયા જેવી સ્થિતિમાં ખપાવે છે. સુમિત્રાએ બાળપણમાં જ માતા ગુમાવી દીધેલી, ગરીબીમાં નાની ઉંમરે જ પરણાવી દેવાયેલી, પ્રિયજનોથી દૂર એકલી મોટી થઈ હતી. ઉપરથી તેને હિસ્ટિરિકલ અટેક્સ અને ટ્રાન્સ જેવી તકલીફો પણ હતી. સત્તર વર્ષની સુમિત્રાને ડિટેલ્ડ માહિતી ક્યાંથી મળી? બીજો પોઇન્ટ એ હતો કે શિવા મૃત્યુ પામી તેના સમાચારો અખબારોમાં વ્યાપકપણે પ્રકાશિત થયા હતા. શરીફપુરાના વેપારીઓ ધંધાર્થે ઇટાવા સુધી આંટાફેરા કરતા હતા અને પોતાની સાથે આ ઘટનાની વાતો પણ લઈ આવતા હતા. શિવાના પરિવારજનોની ઘણી માહિતી પણ અખબારોમાં પ્રકાશિત થઈ હતી. આ બધું જ સુમિત્રાની અંદર ‘શિવા જાગ્રત’ થઈ તે પહેલાં જ બની ગયું હતું. અલબત્ત, સુમિત્રાને બહારના સ્રોત દ્વારા જ તેની માહિતી મળી હશે તેવો કોઈ નક્કર પુરાવો મળ્યો નહોતો. પોતાને શિવા કહેતી સુમિત્રાએ તસવીરોમાં અને રૂબરૂમાં સગાં-સંબંધીઓને કેવી રીતે ઓળખી બતાવ્યાં હશે? તે અંગે શંકાશીલ તજ્જ્ઞો માને છે કે શિવાના પિતા દ્વારા કોઇક રીતે સજેસ્ટિવ સવાલો પુછાયા હોઈ શકે, અથવા સુમિત્રાએ અગાઉથી તસવીરો જોઈ હોઈ શકે. મરેલી સુમિત્રા ફરીથી જીવતી કેવી રીતે થઈ? ચોથો મહત્ત્વનો મુદ્દો એ હતો કે ‘મૃત્યુ પામેલી’ સુમિત્રા ફરીથી જીવતી કેવી રીતે થઈ હશે? ઇન્વેસ્ટિગેટર્સનું કહેવું છે કે કોઈ ક્વોલિફાઇડ ડોક્ટરે સુમિત્રાને મૃત જાહેર નહોતી કરી. બની શકે કે તેના શ્વાસ ધીમા થયા હોય અને ગામલોકોએ તેને મૃત માની લીધી હોય. સુમિત્રાની પિતરાઇ બહેન ફૂલમાલાના સ્ટેટમેન્ટ પ્રમાણે સુમિત્રા રામાયણ વાંચી શકતી હતી અને પત્રો લખી શકતી હતી. આ વાતને પણ નકારી શકાય નહીં. જ્યારે 1975માં ‘શોલે’ની સાથે જ રિલીઝ થયેલી ફિલ્મ ‘જય સંતોષી મા’ સુપરહિટ ગઈ, તે પછી ખાસ કરીને ઉત્તર ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં સ્ત્રીઓનાં ‘પંડમાં સંતોષી માતા’ આવે તેવી ખાસ્સી ઘટનાઓ બની હતી. શું સુમિત્રાએ બીજાંનાં મગજમાંથી માહિતી ચોરી લીધેલી? સ્ટીફન બ્રાઉડ નામના ફિલોસોફરે ‘સુપર-સાયકિક’ નામની થિયરી આપીને એવી વાત કરી હતી કે સુમિત્રાએ પોતાની આસપાસના લોકોનાં મગજમાંથી ટેલિપથીથી માહિતી મેળવી લીધી હશે, કેમકે કોઇ ને કોઇ તબક્કે તેની આસપાસ એવી વ્યક્તિઓ મોજુદ હતી જેમને શિવા વિશે માહિતી હતી. જોકે આ થિયરીને પણ મેડિકલ સાયન્સ સોય ઝાટકીને માન્યતા આપતું નથી. જિંદગીની છેલ્લી ઘડી સુધી પોતાને શિવા માનતી રહી સુમિત્રા 1986ની શરદઋતુમાં સુમિત્રાની ‘ઓરિજિનલ પર્સનાલિટી’ થોડા કલાકો માટે પાછી ફરી હતી ખરી, પરંતુ ફરી પાછી તે શિવા બની ગઈ. 1998માં સુમિત્રા સિંહનું મૃત્યુ થયું. છેલ્લા શ્વાસ સુધી તે પોતાની જાતને શિવા જ માનતી રહી હતી. તેના કહેવા પ્રમાણે યમરાજે તેને જીવવા માટે વધુ સાત વર્ષ આપ્યાં હતાં, પરંતુ તે તેર વર્ષ જીવી. રામ સિયા ત્રિપાઠીનો પરિવાર ‘શિવાના પુનર્જન્મ’ પછી ત્રણ વર્ષ સુધી એટલે કે 1988 સુધી સુમિત્રાના પરિવાર સાથે સંપર્કમાં રહ્યો. તેઓ સુમિત્રાને પોતાની ‘ધરમની દીકરી’ માનતા હતા. પરંતુ પછીથી બંને પરિવારો વચ્ચે અંતર વધતું ગયું. માતાને પૂર્વજન્મનાં સંતાનો યાદ હતાં, સંતાનોને આ જન્મની માતા યાદ નથી! શિવાનું મૃત્યુ (કે હત્યા) ખરેખર કેવી રીતે થઈ હતી તેનો કોઈ પોલીસ રેકોર્ડ નથી. કે સુમિત્રા ખરેખર થોડી મિનિટો માટે મૃત્યુ પામીને જીવતી થઈ હતી, તેના પણ કોઈ મેડિકલ પુરાવા નથી. શિવાના બંને પુત્રો ટિંકુ અને રિંકુ આજે લગભગ સાઠ વર્ષના થઈ ગયા છે, અને તેમને પોતાની માતાની કોઈ સ્મૃતિ નથી. શિવાના પિતા રામ સિયા ત્રિપાઠી 2009-10 સુધી જીવિત હતા અને તેમની પાસે પોતાની દીકરીની દુઃખદ સ્મૃતિ ઉપરાંત આ કથિત પુનર્જન્મના તમામ રિપોર્ટ્સ, ન્યૂઝપેપર કટિંગ્સની દળદાર ફાઇલ હતી. તેમની દીકરીના હત્યારાઓને ક્યારેય સજા ન થઈ. સાયન્સ આજે પણ આ કેસને પુનર્જન્મનો કિસ્સો માનતું નથી. હા, કેટલાક સંશોધકો આ કેસને અત્યાર સુધીના વિશ્વના સૌથી મજબૂત કેસ પૈકીનો એક માને છે ખરા. બે દુઃખી સ્ત્રીઓની કહાની પરંતુ સુમિત્રાના શરીરમાં શિવાનો પુનર્જન્મ થયો હતો કે કેમ તે વિવાદ બાજુએ મૂકી દઇએ તો આપણા સમાજની એક વરવી વાસ્તવિકતા મોઢું ફાડીને ઊભી રહે છે. એકબાજુ એક શિક્ષિત યુવતીને દહેજના ખપ્પરમાં હોમી દેવાઈ હતી. જ્યારે બીજી બાજુ નાની ઉંમરે જ માતા ગુમાવી બેઠેલી કિશોરીને કુમળી વયે પરણાવીને માતા બનાવી દેવાઈ હતી. તે બંનેની સ્ટોરીને જોડતો એક તંતુ 19 જુલાઈ 1985ની બપોરનો છે, જ્યારે એક મૃત સ્ત્રી ફરીથી જાગ્રત થઈ અને કહેવા લાગી, ‘હું કોઈ બીજી સ્ત્રી છું.’ વચ્ચેની પાંચ મિનિટમાં ખરેખર શું થયેલું તેનો જવાબ આજે ઇતિહાસના ગર્ભમાં ઓગળી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ એક જ રાતમાં ચોકઠાં ગોઠવ્યાં?:પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના પૂર્વમંત્રીને મોટી જવાબદારીની ઓફર કરી; મોદી પોતાની જૂની કેબિનેટને મળતાં જ સોપો
    Next Article
    શ્રેયસની સેના સિરીઝ પર કબ્જો જમાવવા મેદાને ઉતરશે:જો જીત્યા તો 7 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડમાં સિરીઝ જીતી શકે છે ભારત; કિવીઝ સામે આજે પાંચમી વન-ડે

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment