Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UK સરકાર માનવતા ચૂકી:પ્લેન દુર્ઘટના પીડિત ગુજરાતીને તાત્કાલીક દેશ છોડવાનો આદેશ, યુવાને ગળગળા થઇ ભાસ્કરને જણાવી આપવીતી

    11 hours ago

    અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પત્ની અને 2 વર્ષની માસૂમ દીકરીને ગુમાવનારા ગુજરાતી યુવાનને બ્રિટિશ સરકારે તાત્કાલીક દેશ છોડવાનો આદેશ આપ્યો છે. પત્નીના ડિપેન્ડન્ટ વિઝા પર લંડન ગયેલા મહંમદની વિઝા લંબાવવાની અરજી ફગાવી દેતા UK સરકારે આવા બનાવો તો બનતા રહે છે તેમ કહ્યું છે. મહંમદ શેઠવાલા અને તેની 24 વર્ષની પત્ની સાદીકાબાનુ તપેલીવાલા 5 વર્ષ પહેલાં સારી જિંદગીની આશાએ UK ગયા હતા. પ્લેન ક્રેશમાં સાદીકા અને તેની 2 વર્ષની પુત્રી ફાતિમાનું મોત નિપજ્યું હતું. મહંમદ હાલ UKમાં છે પરંતુ તેની સામે મુશ્કેલ પરિસ્થિતિ આવી પડી છે. સાદીકાના ડિપેન્ડન્ટ તરીકે મહંમદને વિઝા મળ્યાં હતા. સાદીકાના મૃત્યુ બાદ હવે મહંમદને 22 તારીખ સુધીમાં UK છોડી દેવાનું કહી દેવાયું છે. ભાસ્કરે મહંમદ સાથે વાત કરીને આપવીતી જાણી હતી. 28 વર્ષીય આ ગુજરાતી યુવાનનું પૂરૂં નામ મહંમદમિયાં મહંમદ આસિફ શેઠવાલા છે. તે મૂળ વડોદરાનો રહેવાસી છે. તેણે MS યુનિવર્સિટીમાંથી B.Com કરેલું છે. વડોદરામાં તે પોતાના મિત્રની ટ્રાવેલ કંપનીમાં નોકરી કરતો હતો. પરિવારમાં માતા-પિતા અને 2 ભાઇઓ છે. જેમાંથી એક અભ્યાસ કરે છે અને બીજો દુકાન પર બેસે છે. પત્ની ટીમ લીડર તરીકે નોકરી કરતી હતી 2021માં મહંમદના નિકાહ સાદીકાબાનુ સાથે થયા હતા. 2022માં તેઓ લંડન આવ્યા હતા અને સાદીકાએ લંડનની યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસનો કોર્સ કર્યો હતો. દોઢ વર્ષના અભ્યાસ બાદ તેને 2 વર્ષના પોસ્ટ સ્ટડી વિઝા મળ્યાં હતા. જે જાન્યુઆરી 2026માં પૂરા થતા હતા. અભ્યાસ બાદ સાદીકાને એક કંપનીમાં ટીમ લીડર તરીકેની નોકરી મળી હતી. જ્યારે મહંમદ તેના પર ડિપેન્ડન્ટ હતો અને ડિપેન્ડન્ટ વિઝા પર UKમાં રહેતો હતો. 23મી જાન્યુઆરીએ તેના વિઝા પૂરા થયા હતા. UK સરકારે કહ્યું- આવા કેસ તો થતાં રહે મહંમદે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, મારા વિઝા પૂરા થયા બાદ મેં FLR (ફર્ધર લિવ ટુ રિમેન) માટે અરજી કરી હતી. આવો કોઇ બનાવ બને તો આપણને સપોર્ટ કરવા માટે UK સરકારે કાયદો બનાવેલો છે. જો સરકારને યોગ્ય લાગે તો તે વિઝા એક્સ્ટેન્ડ કરી દે છે. મારી અરજીનો જવાબ 9 એપ્રિલે આવ્યો. જેમાં એવું કહેવાયું છે કે આવા કેસ તો થતાં રહે છે. તમારે 14 દિવસમાં દેશ છોડવાનો છે. UK સરકારના આવા જવાબથી મહંમદ મુશ્કેલીમાં મૂકાઇ ગયો. તેણે વકીલ સાથે વાત કરી. વકીલે તેને કહ્યું કે આપણે આ કેસ કોર્ટમાં લઇ જઇશું કારણ કે આવા બનાવ દર વખતે નથી બનતા. કદાચ 22 તારીખ મારી UKમાં છેલ્લી તારીખ હશેઃ મહંમદ મહંમદે કહ્યું કે, મને નથી લાગતું કે આ પહેલાં આટલા બધા લોકો એકસાથે મૃત્યુ પામ્યા હોય. વકીલ પણ એમ વિચારતા હતા કે આ કેસમાં ઇઝીલી વિઝા આપી દેશે. આ ઇન્ટરનેશનલ ન્યૂઝ છે. જેના કારણે જ ફાઇલ મૂકી હતી પણ UK સરકારે ન સ્વીકારી અને દેશ છોડવા કહ્યું છે. હવે મહંમદ પોતાના વકીલના જવાબની રાહ જુએ છે. તેણે કહ્યું કે, વકીલ આગળ ડેટ અપાવી શકે તો ઠીક છે, નહીં તો ઇન્ડિયા આવી જઇશ. અને જોબ માટે ટાટા ગ્રુપનો જોબ કોન્ટેક્ટ કરીશ. ટાટાએ મને 1 કરોડ અને એર ઇન્ડિયા એ 25 લાખ રૂપિયા આપી દીધા છે. ફાઇનલ કમ્પેન્સેશન માટે માંગેલા ડોક્યુમેન્ટ્સ 3 મહિના પહેલાં આપી દીધા છે પણ હજુ આગળ કંઇ થયું નથી. મહંમદ પહેલાં UKમાં જોબ કરતો હતો પણ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ તેની જોબ જતી રહી. હવે તે UKમાં ડ્રાઇવર તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. મારૂં બધું એકસાથે જતું રહ્યુંઃ મહંમદ તેણે કહ્યું કે, આ બનાવ બન્યો એ પહેલા મારી વાઇફને વર્ક પરમિટ મળવાની હતી. અમે લંડન છોડીને રગ્બી ટાઉનમાં રહેવા ગયા હતા. મારી વાઇફે નવી જોબ જોઇન કરી. ત્યાં 3 મહિનાનો પ્રોબેશન પિરિયડ હોય છે. મારા ભાઇના નિકાહ હતા એટલે મારી વાઇફ મહિનાની રજા લઇને જ ગુજરાત આવી હતી. કંપનીએ મને રજા નહોતી આપી એટલે હું મારા પોતાના ભાઇના જ નિકાહમાં ભારત નહોતો આવ્યો. જ્યારે પ્લેન દુર્ઘટના બની ત્યારે હું કંપનીમાં કહ્યા વગર જ ભારત આવી ગયો હતો કેમ કે દુર્ઘટના વિશે સાંભળ્યા બાદ હું કંપનીમાં જાણ કરવા રોકાઉ તેવા કોઇ હોંશ જ નહોતા. પત્ની સાથે છેલ્લીવાર વાત પણ ન થઇ ભાસ્કર સાથેની વાતચીતમાં મહંમદે પ્લેન દુર્ઘટનાના દિવસને પણ યાદ કર્યો. તેણે જણાવ્યું કે, દુર્ઘટના ઘટી ત્યારે અહીં UKમાં સવારે લગભગ 8:30 વાગ્યા હતા. એ સમયે હું ઘરેથી નીકળ્યો હતો. મારી વાઇફ અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશનની લાઇનમાં ઊભી હતી. તેણે મને કહ્યું કે ફ્લાઇટમાં બેસીને તમને કોલ બેક કરું છું. 'એરપોર્ટ પર આપવાના ડોક્યુમેન્ટ ઓનલાઇન જનરેટ કરવાના હોય છે. વાઇફના હાથમાં અમારી દીકરી હતી તો એણે મને કહ્યું કે તમે મને જનરેટ કરીને મોકલી આપો. મેં એને અહીંથી ડોક્યુમેન્ટ મોકલ્યા હતા. એ પછી મારે તેની સાથે કોન્ટેક્ટ ન થયો કારણ કે 9 વાગ્યે હું જોબ પર જતો રહ્યો હતો. બપોરે 4:30 વાગ્યે મારે તેમને લેવા એરપોર્ટ પર જવાનું હતું.' દુર્ઘટના અંગે કેવી રીતે જાણ થઇ? મહંમદે આગળ કહ્યું, હું જોબ પર હતો ને મને વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ આવ્યો કે અમદાવાદથી લંડન આવતી ગેટવીક ફ્લાઇટ ક્રેશ થઇ છે. જે મિત્રએ ટિકિટ કરાવી હતી મેં તેને કોલ કર્યો તો તેણે ન ઉપાડ્યો એટલે હું ઘરે ગયો. એ મારો ફ્લેટમેટ છે. મેં તેને કહ્યું કે આવું થયું છે. તેણે તરત જ એર ઇન્ડિયામાં મેલ કર્યો અને ફોન કર્યો પણ કોઇ રિસ્પોન્સ આવ્યો નહીં. 10-15 મિનિટ પછી ન્યૂઝ મળ્યા કે મારી પત્ની અને દીકરી જે ફ્લાઇટમાં હતા એ જ ફ્લાઇટ ક્રેશ થઇ છે. ‘એ સમયે મારા બધા મિત્રો એકઠા થયા હતા. એ જ દિવસે સાંજે ફ્લાઇટ લઇને હું ઇન્ડિયા આવી ગયો. મારી દીકરી ફાતિમાનો મૃતદેહ મને 17 જૂને મળ્યો. જ્યારે વાઇફનો મૃતદેહ 22 જૂને મળ્યો હતો.’ પત્ની અને દીકરીના મૃત્યુ બાદ મહંમદનું જીવન ઘણું બદલાઇ ગયું છે. તેને મનોચિકિત્સકની મદદ પણ લેવી પડી હતી. ફોટો-વીડિયો યાદોનો સહારો બન્યાં તેણે જણાવ્યું કે, આ દુર્ઘટના બાદ મારું જીવન બદલાઇ ગયું છે કારણ કે બધી જ વસ્તુમાં હું વાઇફ પર જ ડિપેન્ડન્ટ હતો. UKમાં જ્યારે નાના છોકરા જોઉં છું ત્યારે દીકરીની બહુ જ યાદ આવે છે. પત્ની સાથે ફરવા ગયો હતો એ ફોટો-વીડિયો મૂકી રાખ્યા છે. એ જોઇને હવે સારું લાગે છે. એમ થાય છે કે જે સમય પસાર કર્યો એ સારી રીતે કર્યો. લગ્ન કર્યા પછી અમે ફરવા ગયા જ નહોતા. 'લંડનમાં આવ્યાના દોઢ વર્ષ બાદ અમે પહેલીવાર ફરવાનો પ્લાન કર્યો હતો કારણ કે મારા ફેમિલી બેકગ્રાઉન્ડને લીધે અમે પત્નીના અભ્યાસ અને અમારી જોબ પર વધારે ફોકસ કરતાં હતા. એ પછી આઇલ ઓફ વેઈ ફરવા ગયા. એ સમયે ફાતિમા પણ 6 મહિનાની થઇ ગઇ હતી. અમે સૌથી વધારે 4 દિવસ સાથે રહ્યાં હતા. કારણ કે UKમાં અમે બન્ને જોબ કરતાં હતા. વાઇફ જોબ પર જાય ત્યારે દીકરીને સંભળાવા હું ઘરે રહું. એ આવે ત્યારે હું જોબ પર જઉં. જેથી મળવાનું બહુ ઓછું થતું.' 'ભારત આવીશ તો માનસિક સ્થિતિ બગડશે' મહંમદ કહે છે કે, મેં સાયકાટ્રિસ્ટ પણ એપોઇન્ટ કર્યો હતો. UKમાં મેડિકલ સિસ્ટમ એટલી સારી નથી. સરકારી સાયકાટ્રિસ્ટની એપોઇન્ટમેન્ટ સાતેક મહિના પછી મળશે એવું કહ્યું. જેથી મેં પ્રાઇવેટ સાયકાટ્રિસ્ટ પાસે સારવાર શરૂ કરાવી હતી. મેં એ સારવારનો રિપોર્ટ પણ અરજીની સાથે અપલોડ કર્યો હતો પણ UK સરકારે કંઇ સ્વીકાર્યું નહીં. જો હું ઇન્ડિયા આવીશ તો મને પત્ની-દીકરીની યાદ આવશે અને સ્થિતિ સારી થવાના બદલે વધારે બગડી જશે. છેલ્લે તેણે પોતાની દીકરીને યાદ કરીને ભાવુક વાત કરી. તેણે કહ્યું કે, દીકરીની તો વાત જ ન પૂછો. રાત્રે થાકીને જ્યારે ઘરે આવું ત્યારે દીકરી મને હગ કરતી, કિસ કરતી. એ બહુ યાદ આવે છે.ફાતિમા જ્યારે સવારે ઉઠતી ત્યારે તેની મમ્મી જોબ પર હોય એટલે હું તેને તૈયાર કરીને રાખતો હતો. મારા મિત્રો આજે પણ મને એકલો નથી રહેવા દેતા. હું મેસેજ કરું કે જોબ પરથી ઘરે જઉં છું તો કોઇપણ એક ફ્રેન્ડ મારી સાથે રૂમ પર આવીને રહે છે કારણ કે હું એકલો હોઉં તો તેમના ફોટો-વીડિયો જોઇને આંખોમાંથી પાણી આવી જાય છે. હવે મહંમદ સાવ એકલો પડી ગયો છે. તેને કોર્ટમાંથી રાહત નહીં મળે તો પત્ની-દીકરી સાથે જોડાયેલી યાદોને લંડનમાં જ છોડી ભારત પરત આવવું પડશે.
    Click here to Read More
    Previous Article
    'એકલા રૂમમાં બોલાવી, અડપલાં કર્યાં!':ગુજ્જુ એક્ટ્રેસ ડેઝી શાહ પર ડિરેક્ટરની ગંદી નજર, ફફડતાં ફફડતાં ભાગી; કહ્યું- ક્યારેય કોઈને એકલા મળવા નહીં જઉં
    Next Article
    પ્રેમમાં અંધ સગીરાએ માતાની સોપારી આપી:પ્રેમીએ મિત્રો સાથે મળી મહિલાનું ગળું દબાવી હત્યા કરી, મૃતદેહ 18 કિમી દૂર તળાવમાં ફેંક્યો; 6ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment