Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના સાંસદોની ગ્રાન્ટમાં કોણે કરોડોની ગોલમાલ કરી?:સ્માર્ટ ક્લાસના નામે TV સેટઅપના 5-5 લાખના બિલ; જૂના રૂમને કલર કરી સ્માર્ટ બાલવાટિકા બનાવી, 4 જિલ્લાની તપાસમાં ઘટસ્ફોટ

    17 hours ago

    ડઝનની સંખ્યામાં ગાડીઓના કાફલા સાથે નેતાઓ કાર્યક્રમમાં પહોંચે, રિબીન કાપે, પોતાના નામની તકતી પરથી પડદો હટાવે અને વિકાસના વાયદા પૂરા કર્યાના દાવા કરે… એવું તો તમે ઘણી વાર જોયું હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ખરેખર જેટલા રૂપિયા એ કામ માટે ફાળવાયા એટલાનો જ ખર્ચ થયો છે? કે પછી સરકારી ચોપડે ઠેંગો દેખાડીને રૂપિયા ચાઉં કરી લેવામાં આવ્યા હશે? આપણા દેશમાં સાંસદોને પોતાના મતવિસ્તારમાં વિકાસના કામો કરવા માટે દરવર્ષે 5-5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે છે. જેને MPLADS, સાદી ભાષામાં સાંસદ નિધિ કહેવાય. અમે ગુજરાતના સાંસદોએ આ ગ્રાન્ટનાં રૂપિયા કયા-કયા કામ માટે વાપર્યા? એની તપાસ કરી. અમે નોંધ્યું કે તમામની ખર્ચ કરવાની એક ખાસ પેટર્ન રહી છે. જેમ કે કોઈકે મોટાભાગની ગ્રાન્ટ સ્માર્ટ ક્લાસ અને સ્માર્ટ બોર્ડ પાછળ વાપરી, તો કોઈકે RO સોલાર પાછળ જ લાખો રૂપિયા વાપર્યા, અમુકે સ્માર્ટ બાલવાટિકા બનાવવામાં બરોબરનો ખર્ચ કર્યો. એટલે સાંસદોની ગ્રાન્ટ વાપરવાની પેટર્નને સમજવા બે ગ્રુપમાં વહેંચી. 1- એજ્યુકેશન ગ્રુપ 2- ઇક્વિપમેન્ટ ગ્રુપ એજ્યુકેશન ગ્રુપમાં અમે વડોદરા, પાટણ, છોટાઉદેપુર અને સુરત એમ ચાર બેઠકના સાંસદોએ વાપરેલી ગ્રાન્ટના હિસાબો અમે એક બાદ એક ચકાસ્યા, તો ગળે ન ઉતરે એવી કેટલીક બાબતો ધ્યાને આવે. એટલે જે પણ કામ માટે આ રૂપિયા વપરાયા હતા ત્યાં જઈને અમે ગ્રાઉન્ડ રિયાલિટી તપાસી તો મોટો ઘટસ્ફોટ થયો. ત્યાર બાદ અમે ચારેય સાંસદોને ઇમેલ મારફતે ગ્રાન્ટના ખર્ચનો ખુલાસો આપવા સવાલો મોકલ્યા, જેમાંથી બે જ સાંસદોએ જવાબ આપ્યો. વાંચો, ગુજરાતની જનતાના હકના રૂપિયાના બેજવાબદારીપૂર્વક થયેલા વેડફાટને ખુલ્લો પાડતો ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ. શરૂઆત કરીએ શિક્ષણના નામે વપરાયેલી ગ્રાન્ટથી… અમે સૌથી પહેલાં પાટણની વાત. અહીંના સાંસદ ભરતસિંહ ડાભીએ વાપરેલી ગ્રાન્ટના આંકડા પર નજર કરીએ તો ઘણું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. તેમણે મળેલી ગ્રાન્ટમાંથી 84% ફંડનો ઉપયોગ કર્યો છે અને તેમાંથી અડધા પ્રોજેક્ટ પૂરા પણ કરી દીધા. પાટણની 18માંથી 5 શાળાઓમાં ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું 1 ઓગસ્ટ 2026 સુધીના તેમણે ગ્રાન્ટમાંથી કરેલા કામો તપાસતાં શિક્ષણ ક્ષેત્રે મોટો ખર્ચો ધ્યાને આવ્યો. એમાં પણ મોટેભાગે સ્માર્ટ બોર્ડ લગાવવા એ સાંસદનું મનગમતું કામ લાગ્યું. તેમણે બે વર્ષમાં 18 શાળાઓને સ્માર્ટ બોર્ડ ફાળવ્યા હતા અને દરેકનું બિલ એકસરખું… 4,98,875 રૂપિયા. કિંમતની સરખામણીએ આ સ્માર્ટ બોર્ડ કેવા છે, કેટલા ઉપયોગી બન્યા એ જોવા-જાણવા અમે 18માંથી 5 શાળાની મુલાકાત લીધી. અમે સિદ્ધપુર તાલુકાની બિલિયા પ્રાથમિક શાળાએ પહોંચ્યા. ત્યાં સ્માર્ટ ક્લાસમાં માત્ર એક સ્માર્ટ બોર્ડ હતું. સીપી પ્લસ કંપનીની 55થી 65 ઈંચની એક ઈન્ટરેક્ટિવ સ્ક્રીન, જેને સાદું ટીવી પણ કહી શકાય. સાથે એક CPU, માઉસ, કી-બોર્ડ, ઈનબિલ્ટ સ્પીકર તો ખરું અને સોફ્ટવેર પણ હશે. જે કંપનીના ટીવી સેટઅપ લાગ્યા એણે પ્રોડક્શન જ બંધ કરી દીધું ઓનલાઈન તપાસતાં જાણવા મળ્યું કે સીપી પ્લસ કંપનીએ આ સેટઅપ બનાવવાના જ બંધ કરી દીધા છે. વળી ઓપન માર્કેટમાં આવા સેટએપની કિંમત વધુમાં વધુ 1 લાખ રૂપિયાની જાણવા મળી, હવે સવાલ એ થાય છે કે એવું તો શું ટેકનિકલ અપગ્રેડેશન કરાવીને 4.98 લાખનું બિલ મૂકવામાં આવ્યું હશે? આ સવાલનો જવાબ શોધવા માટે અમે સિદ્ધપુર તાલુકાની સહેસા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. ત્યાંથી જવાબ તો ન મળ્યો પણ એક નવી જ વાત જાણવા મળી. સહેસાની શાળાના નામે બે સ્માર્ટ બોર્ડના બિલ મંજૂર થયા હતા, પરંતુ સ્થળ પર માત્ર એક જ સ્માર્ટ બોર્ડ હતું. સાંસદ નિધિમાં તેને 4.98 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું 'સ્માર્ટ રૂમ' ગણવામાં આવ્યું છે, પણ વાસ્તવિકતા જોતાં આને માત્ર 'સ્માર્ટ બોર્ડ' જ કહી શકાય. અમે પાટણના સરસ્વતી તાલુકાની કાનોસણ શાળા અને નાના નાયતા સ્કૂલની મુલાકાત લીધી. ત્યાં પણ 'સ્માર્ટ રૂમ'ની આવી જ સ્થિતિ હતી. 5 શાળાઓની એકસરખી સ્થિતિ જોઈને સવાલ ઉભો થાય છે કે શું બાકીની 13 શાળાઓમાં પણ આવું જ હશે? પણ વાત માત્ર સ્માર્ટ રૂમ પાછળ ‘સ્માર્ટ’ રીતે ગ્રાન્ટ ખર્ચવાની નથી, નવા રૂમ બનાવવામાં પણ કંઈક અજૂગતુ લાગ્યું. નવા ક્લાસરૂમ બનાવવામાં પણ “કારીગરી” પાટણના સાંસદની ગ્રાંટમાંથી ઠાકોર સમાજની એક સંસ્થા દ્વારા સંચાલિત શાળામાં ત્રણ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે, જેમાં દરેક ક્લાસરૂમ બનાવવાનો ખર્ચ 5 લાખ રૂપિયા બતાવ્યો. આ આંકડા ચોંકાવનારા કહેવાય. કારણ કે 4,98,875 રૂપિયામાં માત્ર સ્માર્ટ ક્લાસનાં સાધનો જ આવે અને તેમાં માત્ર 1125 રૂપિયા ઉમેરવાથી આખો રૂમ બની જાય? ભરતસિંહે 5-5 લાખ રૂપિયામાં પાટણના ડભોડા ગામે ત્રણ ક્લાસરૂમ બનાવી આપ્યા છે. રૂબરૂ મુલાકાતે ગયા તો કેમ્પસની બહાર જ ભરતસિંહ ડાભીના ફોટાવાળું મોટું હોર્ડિંગ જોવા મળ્યું. શાળામાં ત્રણ માળનું મકાન ચણાઈ ગયું હતું, હજુ પણ બાંધકામ ચાલુ હતું. ત્યાં માત્ર ત્રણ નહીં, અનેક રૂમ બહાર સાંસદની ગ્રાન્ટની તકતીઓ પણ દેખાઈ. અંદાજે 10x20 ફૂટના રૂમ માટે સાંસદે 5-5 લાખ રૂપિયા ગ્રાન્ટ વાપરી હતી. આ દૃશ્યો તમને વિચારતા કરી દેશે… અહીં સવાલ ઉભા થાય છે. માની લઈએ કે એક રૂમનો ખર્ચ 5 લાખ થાય, પરંતુ તેમણે ત્રણેય માળ માટે ગ્રાન્ટ આપી હતી. જો નીચેના માળની છત એ જ ઉપરના માળનું તળિયું બનતી હોય, તો આવી સળંગ ઈમારતમાં રૂમદીઠ 5 લાખ રૂપિયાનો ખર્ચ થાય ખરો? આ સવાલ વિશે એક મતદાર અને વાંચક તરીકે તમે પણ વિચારજો. રંગરોગાન અને પોસ્ટરના નામે વડોદરાની શાળાઓમાં લાખો રૂપિયાનો ખર્ચ પાટણની 5 શાળાઓમાં એકસરખી પેટર્ન અને ખર્ચની શંકાસ્પદ વિગતો જોઈને થતું હતું કે આ માત્ર એક જિલ્લામાં જ જોયા-જાણ્યા વગર ગ્રાન્ટ વપરાઇ હોય એવું હોઈ શકે? પણ ના, આ તો શરૂઆત હતી. અમે પાટણથી વડોદરા પહોંચ્યા. ત્યાં કાગળ પર 4 નવી આંગણવાડીઓ અને 9 નવી સ્માર્ટ બાલવાટિકાનો લાખોમાં હિસાબ બોલતો હતો. મકરપુરાની ગીજુભાઈ બધેકા પ્રાથમિક શાળામાં સાંસદ હેમાંગ જોશીની ગ્રાન્ટમાંથી સ્માર્ટ બાલવાટિકા બની છે. આવી 9 સ્માર્ટ બાલવાટિકા બનાવવા માટે દરેકના રૂ. 4.09 લાખ લેખે બિલ મૂકવામાં આવ્યા હતા. અમને આશા હતી કે 4 લાખમાં નવા રૂમ અને સ્માર્ટ ક્લાસ સહિતની સુવિધાઓ હશે, પણ ધારણા ખોટી પડી. 4 લાખ રૂપિયાના ખર્ચ સામે માત્ર રંગરોગાન થયું અને પોસ્ટરો લગાવી દેવાયા હતા. શિક્ષકો થકી અમને જાણવા મળ્યું કે મકરપુરામાં જેને સ્માર્ટ બાલવાટિકાનું નામ અપાયું એ રૂમ પહેલેથી જ બનેલો હતો. સાંસદની ગ્રાન્ટથી માત્ર 10x10ના જૂના રૂમને કલરકામ કરાવી, કક્કો-ABCD લખાવીને એક સ્માર્ટ ટીવી મૂકી દીધું હતું. શું આ કામ પાછળ 4 લાખનો ખર્ચ થાય ખરો? બે RCC શેડ, એક મોટું, એક સાવ નાનું, બન્નેની ગ્રાન્ટ એક સરખી! સયાજીગંજની મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળામાં બાલવાટિકાના નામે નવો રૂમ તો બન્યો. પરંતુ કલરકામમાં વેઠ ઉતારી. માત્ર સફેદ રંગ અને બે-ત્રણ પોસ્ટરો લગાવી દીધા. છતાં બિલ તો એટલું જ હતું 4.09 લાખ રૂપિયા! શું નવો રૂમ બનાવીને સાદું કલરકામ કરવાનો ખર્ચ અને માત્ર જૂના રૂમમાં રંગરોગાન કરવાનો ખર્ચ એકસરખો કેવી રીતે હોઈ શકે? તમને કદાચ આટલામાં જ નવાઈ લાગી ગઈ હોય પરંતુ RCC શેડ બનાવવામાં કંઈક અલગ જ કરામત દેખાઈ. આ જ શાળામાં સાંસદની ગ્રાન્ટમાંથી 4.90 લાખના ખર્ચે મજબૂત સ્ટ્રક્ચર અને RCC ફ્લોરિંગવાળો મોટો શેડ બનાવાયો હતો. આ કામ જોઈને આનંદ થયો, પણ એ ઝાઝો સમય ન ટક્યો. કારણ કે સયાજીગંજની શાળાની જેમ જ લક્ષ્મીપુરાની શ્યામજી કૃષ્ણવર્મા પ્રાથમિક શાળામાં પણ આવા શેડ માટે ગ્રાન્ટ વપરાઈ હતી. પરંતુ ત્યાં શેડની સાઈઝ અડધી અને નીચે RCC ફ્લોરિંગ પણ નહોતું, છતાં બિલ સયાજીગંજની શાળાના મોટા શેડ જેટલું જ એટલે કે 4.90 લાખ રૂપિયા મૂકાયું હતું. બે શેડ વચ્ચે જમીન-આસમાનનો તફાવત હોવા છતાં કિંમત સરખી. આ ઘણા સવાલો ઉભા કરે છે. 10 વર્ષ જૂના ક્લાસરૂમને કલર કર્યો, બની ગઇ સ્માર્ટ બાલવાટિકા એટલું જ નહીં, લક્ષ્મીપુરાની શાળામાં સ્માર્ટ બાલવાટિકા માટે ફાળવેલો રૂમ પણ 10 વર્ષ પહેલાં જ બની ચૂક્યો હતો. જેને સ્માર્ટ બાલવાટિકાનું નામ અપાયું તેમાં સ્માર્ટ બોર્ડ જ ન મળ્યું. માત્ર સફેદ કલરથી રંગેલી દીવાલો અને ગણ્યાગાંઠ્યા પોસ્ટરો લાગેલા દેખાયા. આવી જ રીતે અલકાપુરીમાં ડૉ.વિક્રમ સારાભાઈના જેવા મહાનુભાવના નામે બનેલી સ્કૂલમાં પણ સ્માર્ટ બાલવાટિકાના નામે જૂના રૂમમાં રંગરોગાન અને ચિત્રોવાળા ટેબલ મૂકીને વિકાસ કર્યાનું માની લેવામાં આવ્યું છે. પાટણમાં જે સ્માર્ટ બોર્ડ 5 લાખના, એવા જ સ્માર્ટ બોર્ડ વડોદરામાં સવા લાખના ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમે વડોદરાના અટલાદરામાં શ્યામાપ્રસાદ મુખર્જી સ્કૂલે પહોંચ્યા તો પાટણની સ્કૂલો યાદ આવી ગઈ. વિવિધ કંપનીઓના CSR ફંડથી બનેલી આ શાળામાં વડોદરાના સાંસદ હેમાંગ જોષીની તકતી પણ હતી. સાંસદે આ શાળામાં કુલ 10 લાખના ખર્ચે 8 સ્માર્ટ બોર્ડ આપ્યા હતા. બોર્ડની સાઇઝ અને ઇક્વિપમેન્ટ પાટણની શાળા જેવા જ હતા. માત્ર કંપની અલગ હતી. હવે સવાલ એ છે કે વડોદરામાં 8 સ્માર્ટ બોર્ડ 10 લાખ રૂપિયામાં આવે, તો પાટણમાં એવું જ એક સ્માર્ટ બોર્ડ 5 લાખમાં કેવી રીતે આવે? બન્ને સ્માર્ટ બોર્ડમાં કેટકેટલો ફેર હશે? આવો જ વિરોધાભાસ સુરતમાં પણ છે. અમે સુરતની શાળાઓની રૂબરૂ મુલાકાત તો નથી લીધી. પરંતુ તેનો ડેટા ચકાસ્યો. વગર ચૂંટણીએ બિનહરિફ થયેલા સુરતના સાંસદ મુકેશ દલાલે 40 શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ બનાવ્યા, જેમાં દરેક સ્માર્ટ બોર્ડનું બિલ પોણા ત્રણ લાખ દર્શાવાયું હતું. એટલે પહેલીનજરે જ પાટણ, વડોદરા અને સુરતમાં એક સરખી લાગતી વસ્તુના ત્રણ અલગ-અલગ ભાવ તો ખરો જ. ભાવમાં પણ ફેર પણ ઓછો નથી. પાટણ, વડોદરા અને સુરતમાં સાંસદોએની ગ્રાન્ટમાંથી ‘સ્માર્ટ’ રીતે કરેલો ખર્ચ જાણીને તમને નવાઈ લાગી હશે. પણ શિક્ષણના નામે અસલ ખેલ તો છોટાઉદેપુરમાં થયો છે. છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાએ કરેલા ખર્ચના ડોક્યુમેન્ટમાં લખ્યું છે, 'શાળા નં. 8થી 18ના ક્લાસરૂમ માટે 5-5 લાખ રૂપિયાનો ખર્ચ'. પણ શાળા કે ગામનું નામ નહોતું લખ્યું. સામાન્ય રીતે આવી ક્રમિક શાળાઓ શહેરોમાં હોય. નામ કે વિસ્તાર ન હોવાથી શાળા શોધવી મુશ્કેલ હતી, પણ ગ્રાન્ટ મંજૂરીના કાગળો પર અમારું ધ્યાન પડ્યું પંચમહાલના કલેક્ટરની સહી પર. અમે ગોધરામાં આવેલી પંચમહાલ કલેક્ટરની ઓફિસે પહોંચીને તપાસ કરી. તો માલૂમ પડ્યું કે હાલોલ કે જાંબુઘોડામાં 18 નંબર સુધીની કોઈ શાળા જ નહોતી. પરંતુ કલેક્ટર ઓફિસમાંથી મળેલી યાદીમાં ગ્રાન્ટના કાગળો કરતાં તદ્દન અલગ જ વિગતો સામે આવી. જ્યારે ભાસ્કરની ટીમ સાંસદની ફેવરિટ શાળાએ પહોંચી કાગળ પર 'શાળા નંબર 8થી 18' દર્શાવીને સાંસદે અલગ-અલગ શાળાઓને બદલે એક જ શાળા પાછળ ₹5-5 લાખ કરીને 75 લાખની ગ્રાન્ટ વાપરી હોવાનો ખુલાસો થયો. ક્લાસરૂમની સાથે વોશરૂમ બ્લોક પણ આ જ શાળાને ફાળવાયા હતા. જાણે સમગ્ર મતવિસ્તારમાં માત્ર આ એક જ શાળાને જરૂરિયાત હોય એમ લાગ્યું. શંકા અને સવાલો ઘણા હતા એટલે અમે સાંસદની ‘ફેવરિટ’ શાળા જોવા જાંબુઘોડા પહોંચ્યા, જ્યાં સ્થળ પરનું દૃશ્ય તો વધુ ચોંકાવનારું હતું. શાળાનું નામ 'ગિરિરાજ ગ્રામ વિદ્યાલય' હતું. સાંસદે પોતાની ગ્રાન્ટમાંથી જ કટકે-કટકે અડધી ઈમારત ઊભી કરાવી હતી. બે માળની ઈમારતમાં બીજા માળના દરેક ઓરડા અને વોશરૂમ બહાર સાંસદની તકતીઓ જોવા મળી. પરંતુ સૌથી ચોંકાવનારી વાત તો ત્યાં લાગેલા બોર્ડથી જાણવા મળી. આ શાળા સરકારી નહીં, પણ 'નૈસર્ગિક સેવા ટ્રસ્ટ'ની BRS (બેચલર ઓફ રુરલ સ્ટડી) કોલેજ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અહીં BRS ઉપરાંત નર્સિંગ કોલેજ પણ ચાલે છે. આ સફેદ ઈમારતની બાજુમાં એક લાલ ઈમારત હતી, જ્યાં શાળા અને હોસ્ટેલ ચાલતા હતા. તેનું સંચાલન સંભાળતાં બહેન અમને મળ્યા. તેમણે વાતચીત દરમિયાન ગ્રાન્ટ બાબતના સવાલનો જવાબ ન આપ્યો પરંતુ આ સંસ્થાના કર્તાધર્તા સાથે વાત કરી લેવા કહ્યું અને પોતાના જ ફોનમાંથી કોલ કરી આપ્યો. અમે ડાયલપેડમાં જોયું તો “ડેડી” લખેલું હતું. ફોન પર વાત કરનારે સ્વીકાર્યું કે બાજુની સફેદ ઈમારત ગિરિરાજ ગ્રામ વિદ્યાલય જ છે. સ્થાનિકો સાથે વાત કરતાં સમગ્ર ખેલ સ્પષ્ટ થઈ ગયો. લાલ ઈમારતમાં રહેતી ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓ ફી ચૂકવે છે અને સાંસદની સરકારી ગ્રાન્ટમાંથી બનેલી બાજુની સફેદ ઈમારતમાં ભણવા જાય છે, જ્યાં કોલેજની પણ ફી વસૂલાય છે. બંને ઈમારતોના માલિક કે ટ્રસ્ટી એક જ છે. સરકારી ગ્રાન્ટ વાપરીને ખાનગી વ્યક્તિને આખી ઈમારત ઊભી કરી આપવી અને પોતાની કુલ ગ્રાન્ટના 40% નાણાં એક જ ખાનગી ઈમારત પાછળ વાપરી નાખવા તે ગંભીર બાબત કહી શકાય. આ સંસ્થામાં સાંસદ પોતે ભાગીદાર છે કે નહીં, એ પણ મોટો સવાલ હતો. સાંસદોએ ગ્રાન્ટના ખર્ચ બાબતે શું ખુલાસા આપ્યા? દિવ્ય ભાસ્કરે આ તમામ સાંસદોના સત્તાવાર ઇમેલ આઇડી પર ગ્રાન્ટની રકમના વપરાશ બાબતે સવાલો મોકલ્યા હતા અને જવાબ આપવા માટે પુરતો સમય આપ્યો હતો. પરંતુ પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને સુરતના સાંસદ મુકેશ દલાલ તરફથી કોઈ પ્રતિઉત્તર મળ્યો નથી. વડોદરાના સાંસદે આપેલા સત્તાવાર જવાબમાં તેમણે આ તમામ પ્રક્રિયાથી પોતાને એકરીતે અળગા કરી દીધા હોય એમ લાગ્યું. તેમણે જણાવ્યું, આ પ્રશ્નનો જવાબ જે તે અમલીકરણ અધિકારી દ્વારા જ આપી શકાય. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાએ ઇમેલ પર જવાબ આપવાને બદલે કાગળ પર જવાબ છાપીને વ્હોટ્સએપ પર મોકલ્યા. એક જ શૈક્ષણિક સંસ્થા પાછળ 40 ટકા ગ્રાન્ટ ખર્ચવા બાબતે તેમણે લુલો બચાવ કરતા જણાવ્યું, જે સંસ્થાને ગ્રાન્ટની મોટી રકમ ફાળવાઇ છે એમાં તેમના પરિવારની કોઈ ભાગીદારી નથી. આમ, આ બે સાંસદોએ સ્વબચાવ તો કરી લીધો છે. પરંતુ શું એવું નથી લાગતું કે તેમના નામે ફાળવાયેલી ગ્રાન્ટનો યોગ્ય જગ્યાએ અને યોગ્ય રીતે ઉપયોગ થાય છે નહીં એ બાબતે તેમણે જ ધ્યાન આપવું જોઇએ? જેથી સિસ્ટમમાં રહેલો કોઈ વ્યક્તિ પણ કદાચ તેમના નામે ગોલમાલ કરી ન જાય. પાટણના શંકાસ્પદ સ્માર્ટ બોર્ડ, વડોદરાના રંગરોગાનના લાખોના બિલ અને પંચમહાલમાં ખાનગી સંસ્થા પર સાંસદની મહેરબાની... આ તો માત્ર શિક્ષણ ક્ષેત્રની ઝાંકી હતી. આવતીકાલે બીજા ભાગમાં જુઓ, સોલાર RO પ્લાન્ટ અને સ્ટ્રીટ લાઇટ અને મેડિકલના સાધનો ખરીદવાના નામે થયેલા ધુપ્પલ પર મોટો ઘટસ્ફોટ. જેમાં નવા સાંસદોના નામ અને સ્થળનો ખુલાસો થશે.
    Click here to Read More
    Previous Article
    શંકરસિંહ વાઘેલાના કમબેકથી કોંગ્રેસને કેટલો ફાયદો થઈ શકે?:વિશ્લેષકોએ કહ્યું- 'પાર્ટીને ચહેરો અને અનુભવ મળે પણ સાથે સંગઠનને મજબૂત કરવું પડે', 27 લાખ ક્ષત્રિય મતદારો પર અસરની ચર્ચા
    Next Article
    ‘કેપ્ટન સ્મિત અમારા ગામના જમાઈ છે’:ગૌરવ લેવામાં BJPના નેતાએ ઢીલ ના મુકી; સ્પીચ આપતા વાઘાણી ફગી ગયા, મહિલાઓ ઘેરી વળતા મંત્રી માળીએ સ્માર્ટનેસ બતાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment