Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાનું ઐતિહાસિક જનરલ બોર્ડ:શાસક પક્ષના કોર્પોરેટરોએ જ સવાલો પૂછી અધિકારીઓને પરસેવો છોડાવી દીધો, TPO-કમિશનર ગોથે ચડ્યા

    2 days ago

    રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમય બાદ એક નવો ઇતિહાસ રચાયો છે. મનપાનું ઓપન જનરલ બોર્ડ કોઈ પણ પ્રકારની સમયમર્યાદા વિના પ્રથમવાર યોજાયું હતું. આ બેઠકની સૌથી મોટી વિશેષતા એ રહી કે વર્ષો અને દાયકાઓ બાદ શાસક પક્ષ ભાજપના જ કોર્પોરેટરો ખુલ્લીને સામે આવ્યા હતા અને જનરલ બોર્ડમાં વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા નજરે પડ્યા હતા. સાચા અર્થમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે મળતું હોય તેવું બોર્ડ જોવા મળ્યું હતું, જેમાં સભ્યોએ પૂછેલા તમામ પ્રશ્નો અંગે વિગતવાર અને આકરી ચર્ચાઓ કરવામાં આવી હતી. આ સામાન્ય સભામાં ભાજપના 12 કોર્પોરેટરો દ્વારા કુલ 33 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે મનપાના ઉચ્ચ અધિકારી ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અનેક પ્રશ્નોના જવાબો આપવામાં તેમના પરસેવા છૂટી ગયા હતા. RMCના કેટલા પ્લોટ પર દબાણ?, અધિકારી જવાબ ન આપી શક્યા સામાન્ય સભાની શરૂઆતમાં જ ભાજપના વોર્ડ નંબર 14ના કોર્પોરેટર કેતન પટેલના સનસનીખેજ અને આકરા પ્રશ્નોએ ટીપી વિભાગના અધિકારીઓને રીતસર દોડતા કરી દીધા હતા. કેતન પટેલે મુખ્ય ટાઉન પ્લાનિંગ અધિકારીને મનપાના પ્લોટમાં થયેલા દબાણોને લઈને ઘેર્યા હતા. તેમણે પ્રશ્ન પૂછ્યો હતો કે, મનપાની માલિકીના કુલ કેટલા સરકારી પ્લોટ આવેલા છે, તમામ વોર્ડમાં કેટલા દબાણગ્રસ્ત પ્લોટ છે અને અત્યાર સુધીમાં દબાણ દૂર કરાયેલા પ્લોટોનું લિસ્ટ શું છે? આ ઉપરાંત કોર્પોરેશનના પ્લોટમાં વર્ષોથી દબાણ હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી શા માટે કરવામાં આવી નથી, તેવા આકરા સવાલો કર્યા હતા. આ સવાલોનો જવાબ આપવામાં ઇન્ચાર્જ ટીપીઓ સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા અને સ્ટેજ પર જ ગેંગેફેફે થઈ ગયા હતા. મેયર દ્વારા પ્લોટનું નામ જણાવવા કહેવામાં આવ્યું ત્યારે પણ ઇન્ચાર્જ ટીપીઓ ચોક્કસ વિગત આપી શક્યા ન હતા અને એક-બે દિવસમાં લેખિત અહેવાલ તૈયાર કરીને જવાબ આપવાનો બચાવ કર્યો હતો. શાસકપક્ષના કોર્પોરટરો વિપક્ષની ભૂમિકામાં જોવા મળ્યા કોર્પોરેશનના પ્લોટોમાં ઝૂંપડાં તણાઈ ગયા હોવા છતાં તેની કોઈ વિગત અધિકારીઓ પાસે હાજર ન હતી. કેતન પટેલે રેસકોર્સ જેવા પ્રમુખ વિસ્તારમાં પણ આ પ્રકારનું ગેરકાયદે દબાણ હોવાનો દાવો કર્યો હતો, જોકે સિટી ઈજનેર અતુલ રાવલ દ્વારા રેસકોર્સમાં આવું કોઈ દબાણ હોવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો હતો. આ ચર્ચામાં દખલ કરતા મનપા કમિશનરે જણાવ્યું હતું કે, જો આપ અમારું ધ્યાન દોરશો તો તેવા દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવશે. મેયરે પણ આ બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય તપાસ કરી ત્વરિત પગલાં લેવા માટે વહીવટી તંત્રને આદેશો આપ્યા હતા. આવાસ યોજનાના પ્રશ્ન સંદર્ભે સિટી ઈજનેર અને મેનેજર બંનેએ જવાબો આપ્યા હતા. જ્યારે કેતન પટેલે ખાણખનીજ વિભાગનું NOC લેવા અંગેનો પ્રશ્ન પૂછતા અધિકારીઓ પાસે તુરંત કોઈ જવાબ ન હોવાથી બાદમાં લેખિત જવાબ આપવાનું સ્વીકાર્યું હતું. ગેરકાયદે બાંધકામ તૂટી કે પડી જાય તો જવાબદારી કોની? બોર્ડની બેઠકમાં વહીવટી તંત્રની પોલ ત્યારે ખુલ્લી પડી જ્યારે રાજકોટમાં 'ડાર્ક ઝોન' અંગેનો સવાલ પૂછવામાં આવ્યો. આ પ્રશ્ન ટીપી વિભાગ અંતર્ગત આવે કે નહીં તે બાબતે મનપા કમિશનર પણ ભારે દ્વિધામાં મુકાઈ ગયા હતા અને ગોથે ચડ્યા હતા. આ ઉપરાંત, ગેરકાયદે બાંધકામ તૂટી કે પડી જાય તો તેમાં જવાબદારી કોની ગણાય, તેવા ગંભીર પ્રશ્નનો જવાબ પણ ટીપીઓ આપી શક્યા ન હતા. આખરે મનપા કમિશનરે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગેરકાયદે બાંધકામ કરનાર વ્યક્તિની જ આમા જવાબદારી ફિક્સ થાય છે અને તેમણે આ અંગેના પેટા પ્રશ્નોના જવાબો આપવા માટે ગૃહની મંજૂરી માંગી હતી. જોકે, કેતન પટેલ દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો અને પેટા પ્રશ્નોની વણઝારને પગલે મેયર દ્વારા તેમને પ્રશ્નો તેમજ પેટા પ્રશ્નો પૂછવાની નિર્ધારિત મર્યાદા સમજાવવી પડી હતી. રોડ, પાણી મુદ્દે સવાલોનો મારો ચલાવ્યો બીજી તરફ વોર્ડ નં-10ના મહિલા કોર્પોરેટર જ્યોત્સના ટીલાળાએ પણ શહેરી સુવિધા અને રોડ રસ્તાના મુદ્દે અધિકારીઓને આડેહાથ લીધા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, શહેરમાં જ્યાં જ્યાં પણ ડીઆઇ પાઇપલાઇન નખાઇ ગઇ હોય અને કનેક્શન આપી દેવાયા હોય તેવા વિસ્તારોમાં ચોમાસા પહેલા પેચવર્ક કેમ કરવામાં આવ્યું નથી? કેટલા વિસ્તારોમાં પેચવર્ક પૂર્ણ થયું છે અને જ્યાં બાકી છે તે કયા કારણોસર અટક્યું છે? આ પ્રશ્નનો જવાબ સિટી ઈજનેર કુંતેશ મહેતા દ્વારા આપવામાં આવ્યો હતો. આ જ મુદ્દે ચર્ચા આગળ વધતા વોર્ડ 11ના અનેક વિસ્તારોમાં પાઇપલાઇન નખાઈ ગઈ હોવા છતાં સ્થાનિક લોકોને પાણી મળતું ન હોવાની અને રોડ પર મોટા ખાડા હોવાની રજૂઆત થઈ હતી. તેના બચાવમાં અધિકારીએ 25 MLD લાઈનનું કામ પ્રગતિમાં હોવાનું બહાનું કાઢ્યું હતું. જોકે, બાદમાં મનપા કમિશનરે આ બાબતે કડક વલણ અપનાવીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી આ પ્રશ્નનો તાત્કાલિક અને કાયમી નિકાલ કરવા માટે આદેશો જારી કર્યા હતા. આ ચર્ચા દરમિયાન, જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ હોય તેના કનેક્શન ચાર્જીસ અંગેનો મહત્વનો પ્રશ્ન મેયરે પોતે અધિકારીને યાદ કરાવવો પડ્યો હતો. જેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે, જે નાગરિક પોતાના વેરાબીલ રજૂ કરે તેની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. પરંતુ આ મુદ્દે ભાજપના જ અન્ય નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે અનેક સ્થળોએ તંત્ર દ્વારા નિયમ વિરુદ્ધ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. શાસક પક્ષના જ સભ્ય દ્વારા ભ્રષ્ટાચાર કે ગેરરીતિ તરફ આંગળી ચિંધાતા મેયરે આ બાબતની તપાસ કરાવી તુરંત કડક પગલાં લેવા માટે વહીવટી પાંખને આદેશ આપ્યા હતા. તેમજ અનેક વિસ્તારોમાં પાણી સમયસર નહીં મળતું હોવાના આરોપો લાગતા મ્યુ. કમિશ્નર તેમજ મેયરે આ બાબતે પણ તાત્કાલિક પગલાં લેવા આદેશો આપ્યા હતા. મેયરે સામેથી કોંગ્રેસના સભ્યને પેટા પ્રશ્ન પૂછવા આમંત્રણ આપ્યું આ ઓપન જનરલ બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ભારે હંગામો અને હોબાળો કરવામાં આવ્યો હતો. જોકે, મેયર દ્વારા ગૃહ સમક્ષ એવો ખુલાસો કરવામાં આવ્યો હતો કે આ ઓપન બોર્ડ હોવાથી કોઈ સમયમર્યાદા રાખવામાં આવી નથી અને દરેક સભ્યને પૂરતો સમય મળશે, ત્યારબાદ વિપક્ષના સભ્યો શાંત પડ્યા હતા. આ જનરલ બોર્ડમાં પ્રથમવાર એવું બન્યું હતું કે મેયરે પોતે સામેથી કોંગ્રેસના સભ્યોને પેટા પ્રશ્ન પૂછવા માટે આમંત્રણ આપ્યું હતું. જોકે, ટીપી શાખાના પ્રશ્ન બાબતે કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિ સોલંકીએ જણાવ્યું હતું કે આ વિષય પર અમારો કોઈ પેટા પ્રશ્ન નથી. બોર્ડની કાર્યવાહી દરમિયાન એક તબક્કે પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓને પ્રેસ ગેલેરીમાંથી હટાવીને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડી દેવામાં આવતા પત્રકારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી અને તેના વિરોધમાં મીડિયા પ્રતિનિધિઓએ બોર્ડની કાર્યવાહીનો બહિષ્કાર કરીને વોકઆઉટ કર્યો હતો. ભાજપના 12 કોર્પોરેટરોએ 33 પ્રશ્નો પૂછ્યા ઉલ્લેખનીય છે કે આજના આ ઐતિહાસિક બોર્ડમાં ભાજપના 12 કોર્પોરેટરો દ્વારા પ્રજાલક્ષી કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેમાં કેતન પટેલના 2, સંજય ચાવડાના 3, જ્યોત્સનાબેન ટીલાળાના 3, ડો. રિંકલ મેઘાણીના 2, કિર્તિબા રાણાના 2, મહેશ પીપળીયાના 1, મોહિતસિંહ જાડેજાના 2, સોનલબેન સેલારાના 1, પંકજ લુણાગરીયાના 2, ધૈર્ય પારેખના 1, શૈલેશ વસાણીના 2, રાજુભાઈ અઘેરાના 3, દર્શન પેગ્યાતરના 3, જાનકીબેન કાટોડિયાના 3 અને રક્ષિત કલોલાના 3 પ્રશ્નોનો સમાવેશ થાય છે. એકંદરે, આ જનરલ બોર્ડમાં અધિકારીઓની નબળી તૈયારીઓ અને શાસક પક્ષના જ સભ્યોના આક્રમક વલણને કારણે વહીવટી તંત્ર પણ બરાબરનું ભીંસમાં મુકાયું છે.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લી LCBએ મદારી ગેંગના 3 સાગરીતોને ઝડપ્યા:વિધિના બહાને છેતરપિંડી આચરતા, લાખોનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    મોડાસા સર્વોદય હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો:ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને પુસ્તકો આપી પ્રોત્સાહિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment