Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરજિયાત TETના વિરોધમાં આજથી શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન:અમદાવાદ, રાજકોટ, ભાવનગર રેલી અને ધરણા, 20 જૂન સુધી અલગ અલગ જિલ્લાઓમાં વિરોધ કરાશે

    3 days ago

    સુપ્રીમ કોર્ટે શિક્ષકો માટે એક મહત્વનો ચુકાદો આપતાં નિર્દેશ આપ્યો છે કે, શિક્ષણ સર્વિસ સાથે જોડાયેલા તમામ શિક્ષકો માટે નોકરી ચાલુ રાખવા અથવા બઢતી મેળવવા માટે ટિચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) પાસ કરવી ફરજિયાત રહેશે. જે શિક્ષકોની નોકરીને પાંચ વર્ષથી વધુ સમય બાકી છે તેમણે TET પાસ કરવી ફરજીયાત કરવામાં આવ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો રાજીનામું આપવું પડશે અથવા ફરજિયાત નિવૃત્તિ લેવી પડશે. જોકે કોર્ટે માત્ર પાંચ વર્ષ બાકી રહેલા શિક્ષકોને રાહત આપી છે. ત્યારે રાજ્યના શિક્ષકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં આવેદનપત્ર અને ધરણાની જાહેરાત કરવામાં આવી છે. 2010 પહેલા નોકરી પર લાગેલા શિક્ષકોને આમાંથી બાકાત રાખવાની માગ કરવામાં આવી છે. અમદાવાદ કલેક્ટર કચેરી બહાર શિક્ષકોના ધરણા પ્રદર્શન અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ મંડળના શિક્ષકો મોટી સંખ્યામાં અમદાવાદ કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શન પર બેઠા હતા. જે તે સમયે નોકરીમાં લાગ્યા ત્યારબાદ હવે TET પરીક્ષા પાસ કરવી જરૂરી ન હોવાના દાવા સાથે શિક્ષકોએ ધરણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ તેની સાથે સાથે OPS યોજના લાગુ કરવાની માંગ પણ શિક્ષકો દ્વારા કરવામાં આવ્યા હતી. ધારણા પ્રદર્શન કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષણ મંડળના કેટલાક પ્રતિનિધિઓએ કલેક્ટરને TET પરીક્ષા નાબૂદ કરવા માટે આવેદનપત્ર પણ આપ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળના પ્રમુખ મનોજ પટેલે જણાવ્યું હતું કે, 2011 પહેલા જે શિક્ષકો નોકરીમાં લાગ્યા છે તે લોકોને TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે. 20 થી 25 વર્ષ નોકરીમાં થયા બાદ હવે પરીક્ષા આપવી યોગ્ય લાગતી નથી. તેમજ હવે રિટાયર્ડ થવાની તૈયારીમાં છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે પરીક્ષા પાસ કરવામાં આવશે તો જ લાભો મળશે. જેથી તેને લઈને અમે વિરોધ કરી રહ્યા છીએ. TET પરીક્ષા રદ કરવામાં અને OPS યોજના લાગુ કરવામાં આવે તે જ અમારી માંગણી છે. તેથી અત્યારે કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. રાજકોટમાં મોટી સંખ્યામાં શિક્ષકો રેલીમાં જોડાયા રાજકોટ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશ રાખોલીયાએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો 2009નો ચુકાદો છે તેમાં એવું કહેવામાં આવ્યું છે કે હવે પછી જે ભરતી થશે તે પરીક્ષાના આધારે થશે. તે અમને માન્ય છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં એવું કહેવું છે કે વર્ષ 2010 પહેલાના જે શિક્ષકો છે તેઓને પણ આ પરીક્ષા આપવી પડશે. જે વ્યાજબી નથી કારણકે તેઓની તે સમયના ક્રાઇટ એરિયા પ્રમાણે ભરતી થઈ હતી. તે સમયે તેઓ ખરા ઉતર્યા હતા તો પરીક્ષા આપવાનો મતલબ શું. જેથી અમારો વિરોધ છે કે વર્ષ 2010 પહેલાના શિક્ષકોને TET ની પરીક્ષા ન આપવી પડે. તેઓને મુક્તિ આપવામાં આવે તેવી અમારી માગણી છે. જો શિક્ષકો આ પરીક્ષા નહીં આપે તો તેઓને નોકરીમાંથી અથવા તો તેમને મળતાં લાભોમાંથી બાકાત રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યુ છે. હાલ અમારો 2 કલાકના ધરણા અને કલેક્ટરને આવેદન આપવાનો કાર્યક્રમ છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકના ઉપપ્રમુખ શાંતુભાઈ મોડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 75 હજાર તો દેશમાં 25 લાખ શિક્ષકોને આ TET પરીક્ષા આપવાની થઈ છે. વર્ષ 2011 પછીના જે શિક્ષકો છે તેઓને ટેટ પાસ કરવી ફરજિયાત એ યોગ્ય છે પરંતુ જે જૂના શિક્ષકો છે તેઓની ભરતી થઈ ત્યારે આ એક્ટ ન હતો. જેથી જુના શિક્ષકોને આ પરીક્ષા આપવાની આવે તે ખરેખર વ્યાજબી નથી. શિક્ષકોને જો અપડેટ કરવા હોય તો ટ્રેનિંગ આપીને અપડેટ કરવા જોઈએ. દેશભરમાં અખિલ ભારતીય શિક્ષક સંઘ દ્વારા 15 થી 30 જૂન દરમિયાન આંદોલન માટેનું એલાન આપ્યું છે જે અંતર્ગત ગુજરાતના 22 જિલ્લાઓમાં આજની 17 મી તારીખ વિરોધ માટે પસંદ કરવામાં આવી છે. શિક્ષકોને વધારાની કામગીરી સોંપવામાં આવે છે તેને લીધે શિક્ષણ પર અસર થાય છે. જે અંગે અમે રજૂઆતો કરેલી છે. ભાવનગરમાં 500થી વધુ શિક્ષકોએ રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું ફરજિયાત ટેટના વિરોધમાં ગુજરાતમાં શિક્ષકોએ રાજ્યવ્યાપી વિરોધની જાહેરાત કરી છે. ત્યારે આજે (17 જૂને) ભાવનગરમાં 500થી વધુ શિક્ષકોએ ફરજિયાત ટેટ સહિતના પડતર પ્રશ્નોના વિરોધમાં રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આંદોલનનું મુખ્ય કેન્દ્રબિંદુ સુપ્રીમ કોર્ટનો ટેટ (TET) પરીક્ષા ફરજિયાત બનાવવાનો નિર્ણય છે,મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને આ નિર્ણય અત્યંત અન્યાયી લાગી રહ્યો છે. અમને જે તે સમયે નિર્ધારિત લાયકાતના ધોરણોને આધારે જ નિમણૂક આપવામાં આવી હતી, હવે વર્ષોની સેવા બાદ ફરીથી ટેટ પરીક્ષા આપવી પડે તે તર્કહીન અને અન્યાયી છે. શિક્ષક સંઘની મુખ્ય માંગણી એવી છે કે કેન્દ્ર સરકાર દ્વારા સંસદના આગામી ચોમાસુ સત્રમાં વિશેષ ખરડો પસાર કરવામાં આવે અને 2010 પહેલાના શિક્ષકો માટે આ ટેટ પરીક્ષાની જોગવાઈ રદ કરવામાં આવે. ગુજરાત રાજ્યના હજારો શિક્ષકો વર્ષોથી પોતાની ફરજ બજાવી રહ્યા છે આ શિક્ષકોની નિમણૂક જે તે સમયના ભરતી નિયમો અને પ્રક્રિયા મુજબ કરવામાં આવી હતી, અને તે સમયે TET પાસ કરવી ફરજિયાત નહોતી. જોકે, તાજેતરના કેટલાક નિર્ણયો અને વિકાસને કારણે આ શિક્ષકોના ભવિષ્ય સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે, જેને લઈને શિક્ષકો અને તેમના પરિવારોમાં ભારે ચિંતાનું વાતાવરણ છે. આજથી ત્રણ દિવસ અલગ અલગ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરાશે સુપ્રિમ કોર્ટના નિર્ણયના કારણે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ન ગણી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં 33 જિલ્લામાં 3 દિવસ સુધી અલગ અલગ પ્રકારે ધરણા પ્રદર્શન અને આંદોલન કરવાની તૈયારી કરવામાં આવી છે. કારણ કે TET પાસ કરવી ફરજિયાત કરવામાં આવી હોવાથી એક લાખ જેટલા શિક્ષકો જે જે તે સમયે સરકારના નિયમ મુજબ નોકરીમાં લાગ્યા છે તેમને TET પાસ કરવી પડી શકે છે. 2010 પહેલા નોકરી પર લાગેલા શિક્ષકોને મુક્તિ આપવાની માગ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હવે આંદોલન કરવાની તૈયારીઓ કરી દીધી છે. રાજ્યભરના 33 જિલ્લાઓમાં આજથી 3 દિવસ સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન પણ કરશે. શિક્ષક સંઘ આજથી 20 જૂન સુધી તમામ જિલ્લાઓમાં ધરણા કરી આવેદનપત્ર આપશે. 2010 પહેલા નિયુક્ત થયેલા અંદાજિત એક લાખ શિક્ષકો પર નોકરી બચાવવા TET પાસ કરવાનું સંકટ તોળાઈ રહ્યું હોવાથી વિરોધ કરવામાં આવશે. અનુભવી શિક્ષકોએ TETના આપવી પડે એ માટે આંદોલન કરવામાં આવશે. 2010 પહેલા TET ના હોવાથી ભરતી નિયમો મુજબ નિયુક્તિ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેથી વિરોધ પ્રદર્શન કરી 2010 પહેલાના શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવા માટે આંદોલન કરવામાં આવશે. અમે નોકરીમાં લાગ્યા ત્યારે TET પરીક્ષા નિયમમાં હતી જ નહીં- ખોડુભાઈ પઢિયાર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ખોડુંભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક મિટિંગ બોલાવવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જેમાં 2010 પહેલાના જે શિક્ષકોને TET પરીક્ષા પાસ કરવાનો નિર્દેશ આપ્યો છે તેને લઈને રાજ્યભરમાં ધરણા પ્રદર્શન અને આંદોલન કરવામાં આવશે. 33 જિલ્લામાં શિક્ષકો આગામી 17થી 20 તારીખ સુધી કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવશે. વધુમાં ખોડુંભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારી ભરતી 1997 - 98થી રાજ્ય સરકાર દ્વારા નિયમ મુજબ કરવામાં આવી છે. તે સમયે કોઈ TET પરીક્ષા હતી નહીં 2010 પછી તે અમલમાં આવી છે. આ 12 વર્ષમાં TET પાસ કરેલા કોઈપણ કર્મચારી નથી. 25થી 27 વર્ષે સરકાર TET પરીક્ષા શિક્ષકો પાસે પાસ કરાવવા માંગે છે. જે તે સમયે TET પરીક્ષા નિયમમાં હતી જ નહીં ત્યારે અમે નોકરીમાં લાગ્યા હતા. ત્યારબાદ 2010 પછી TET પરીક્ષા લેવામાં આવે છે. અન્ય માંગણીઓને લઈને ખોડુભાઈ પઢિયારે જણાવ્યું હતું કે,બીજી માંગણીઓને લઈને પણ વિરોધ અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે. 1 એપ્રિલ,2005 પછીના શિક્ષકોને તેમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. તેની સાથે સાથે 6થી8ના શિક્ષકોને જુદો ગ્રેડ પે મળે સાથે સાથે વર્તમાન સમયમાં જે રાજ્ય સરકાર દ્વારા S TAT આચાર્યોને વધારાનો શાળાનો ચાર્જ આપવામાં આવ્યો છે તેની પણ માંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:આદિત્ય બની કરીમે મહિલા સાથે દુષ્કર્મ આચરી ખંડણી માંગી, ફરજિયાત TETના વિરોધમાં શિક્ષકોના ધરણા
    Next Article
    અફઝલનું ધર્મ પરિવર્તન કરવા દબાણ, પરિણીતાનો આપઘાતનો પ્રયાસ:પીડિતાએ કહ્યું- દરગાહમાં દોરો બાંધી પાણી પીવડાવતા, હોટલમાં દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment