Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TAT-HSનું પરિણામ 35.46% જાહેર:47,644માંથી 16,887 ઉમેદવાર જ પાસ, પરિણામમાં ગેરરીતિના આક્ષેપો રાજ્ય પરીક્ષા બોર્ડે ફગાવ્યા

    6 घंटे पहले

    રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટેની શિક્ષક અભિરુચિ કસોટી-2026 એટલે કે TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ 35.46 ટકા જાહેર થયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ પરીક્ષામાં કુલ 47,644 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 16,887 ઉમેદવારો સફળ થયા છે. જ્યારે 30,754 ઉમેદવારોને સફળતા મળી નથી અને ત્રણ ઉમેદવારો સામે ગેરરીતિના કેસ નોંધાયા છે. પરિણામ જાહેર થયા બાદ તેમાં આંકડાકીય વિસંગતતા હોવાની ચર્ચાઓ અને આક્ષેપો ઊઠ્યા હતા. જોકે, રાજ્ય પરીક્ષા બોર્ડે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી પરીક્ષાની સમગ્ર પ્રક્રિયા પારદર્શક, સુદૃઢ અને તબક્કાવાર દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હોવાનું સ્પષ્ટ કર્યું છે. 2023ની સરખામણીએ પરિણામમાં 1.35 ટકાનો ઘટાડો રાજ્ય પરીક્ષા બોર્ડના જણાવ્યા અનુસાર, વર્ષ 2023માં TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ 36.81 ટકા રહ્યું હતું, જ્યારે વર્ષ 2026માં પરિણામ 35.46 ટકા નોંધાયું છે. આમ, અગાઉની મુખ્ય પરીક્ષાની સરખામણીએ આ વખતે પરિણામમાં 1.35 ટકાનો ઘટાડો થયો છે. બોર્ડે સ્પષ્ટતા કરી છે કે, બંને પરીક્ષાની પ્રાથમિક અને મુખ્ય કસોટીનું સ્વરૂપ અલગ હોવાથી પરિણામની ટકાવારીની સીધી સરખામણી કરવી યોગ્ય નથી. TAT-HS પ્રાથમિક પરીક્ષામાં પાસિંગ માટે 33 ટકા એટલે કે 90 ગુણ રાખવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય પરીક્ષામાં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 60 ટકા એટલે કે 120 ગુણ અને કેટેગરીના ઉમેદવારો માટે 55 ટકા એટલે કે 110 ગુણ ક્વોલિફાઈંગ ગુણ તરીકે નક્કી કરવામાં આવ્યા હતા. આંકડાકીય વિસંગતતાના આક્ષેપો અંગે બોર્ડની સ્પષ્ટતા પરીક્ષાના પરિણામમાં આંકડાઓની વિસંગતતા હોવાના આક્ષેપો અંગે બોર્ડે જણાવ્યું છે કે, પરીક્ષામાં હાજર રહેલા 47,644 ઉમેદવારોમાંથી 16,887 સફળ ઉમેદવારો અને 30,754 નિષ્ફળ ઉમેદવારો છે. આ ઉપરાંત ત્રણ ઉમેદવારો સામે ગેરરીતિના કેસ નોંધાયા છે. આ ત્રણેય ઉમેદવારોનો સમાવેશ સફળ કે નિષ્ફળ ઉમેદવારોમાં કરવામાં આવ્યો નથી. આથી આંકડાકીય વિસંગતતાના આક્ષેપો પાયાવિહોણા હોવાનું બોર્ડે જણાવ્યું છે. દરેક વિષયની આદર્શ આન્સર-કી 15 નિષ્ણાતોએ તૈયાર કરી પરીક્ષાના મૂલ્યાંકનમાં કોઈ વિસંગતતા ન રહે અને ગુણવત્તા જળવાય તે માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા દરેક વિષયના 15 નિષ્ણાતોની ટીમને આદર્શ નમૂનાની આન્સર-કી તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આન્સર-કી તૈયાર કરતી વખતે વિષયવસ્તુની રજૂઆત, ગુણવત્તા, પ્રમાણ અને પ્રસ્તુતિનાં માપદંડો ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. મૂલ્યાંકન માટે માત્ર સરકારી શાળાઓના નિયમિત શિક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત પરીક્ષાની કામગીરીના યોગ્ય મોનિટરિંગ અને માર્ગદર્શન માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના નિષ્ણાત લેક્ટરર તથા અનુભવી સરકારી શિક્ષકોને મોડરેટર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્રો પર CCTV અને ત્રિસ્તરીય ચકાસણી પરીક્ષાની ગુપ્તતા અને પારદર્શિતા જળવાય તે માટે દરેક પરીક્ષા કેન્દ્ર પર ઓબ્ઝર્વર, સરકારી પ્રતિનિધિ અને CCTV દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષા સાહિત્યના સલામત પરિવહન પર પણ દેખરેખ રાખવામાં આવી હતી. ઉમેદવારોની ઓળખ માટે યુનિક બારકોડ અને ઉમેદવારીની ઓળખ દર્શાવતા નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેપર ચકાસણીમાં કોઈ ભૂલ ન થાય તે માટે દરેક ટીમમાં એક પરીક્ષક, એક વેરિફાયર અને એક મોડરેટર એમ ત્રિસ્તરીય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષકોની ટીમની રચના પણ પરીક્ષાનું કાર્ય શરૂ થાય તે પહેલાં રેન્ડમાઇઝેશન દ્વારા કરવામાં આવી હતી. પહેલા દિવસે 50 ઉત્તરવહીઓની ચકાસણી કરીને મોડલ તૈયાર કરાયું મૂલ્યાંકનના પ્રથમ દિવસે દરેક ટીમે 50 ઉત્તરવહીઓ તપાસીને તૈયાર કરેલા મોડલના આધારે ત્યાર બાદની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવાનું હતું. દરેક પરીક્ષકને ગુણદાન અને ગુણ કાપવાના માપદંડો અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. પરીક્ષા દરમિયાન તમામ પરીક્ષકોના મોબાઇલ વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બંને પેપરના ગુણ અને વિષયવાર પરિણામ અલગ જાહેર થશે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તમામ ઉમેદવારોના બંને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત વિષયવાર પરિણામના આંકડા પણ જાહેર કરવામાં આવશે, જેથી ઉમેદવારોને પોતાના વિષયનું પરિણામ અને મૂલ્યાંકનની સ્થિતિ સ્પષ્ટ રીતે જાણી શકાય. રીચેકિંગ માટે 18થી 21 નવેમ્બર સુધી અરજી TAT-HS મુખ્ય પરીક્ષા-2026ના પરિણામ બાદ જે ઉમેદવારોને ઉત્તરવહીઓનું રીચેકિંગ કરાવવું હોય તેમના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 18 નવેમ્બરથી 21 નવેમ્બર, 2026 સુધી ઓનલાઈન વેબસાઇટ પર અરજીઓ મંગાવવામાં આવી છે. રીચેકિંગની પ્રક્રિયા નિષ્પક્ષ, ગુણવત્તાયુક્ત અને પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે તેમ બોર્ડે જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 26 નવેમ્બરે રેલી નીકળશે:રેલવે સ્ટેશનથી આંબેડકરની પ્રતિમા સુધી જશે, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવે આપી જાણકારી
    Next Article
    Injured Mushfiqur Rahim Ruled Out Of Second Test Against South Africa

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment