Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના વિકાસમાં જ ગાબડાં, STનું આખું ટાયર રોડમાં ઘુસી ગયું:35 મુસાફરોના જીવ અધ્ધર, ખાડામાં સ્કૂલ વાન ફસાઈ, નવા રોડ પાણીમાં બેસી ગયા, 15 દિવસમાં 4 મોટી ઘટના

    10 hours ago

    સુરતમાં વિકાસના દાવાઓ વચ્ચે ચોમાસાની શરૂઆતમાં વરવી વાસ્તવિકતા સામે આવી છે, જ્યાં સ્માર્ટ સિટીના વિકાસમાં જ મોટાં ગાબડાં જોવા મળી રહ્યાં છે. જેમાં આજે ઉધાનામાં રોડ બેસી જતાં ST બસનું આખું ટાયર ભુવામાં ઘુસી ગયું હતું, જેના કારણે તેમાં સવાર 35 મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. આ સિવાય, લીંબાયતમાં એક ખાડામાં સ્કૂલ વાન ફસાઈ ગઈ હતી ચોમાસાના સામાન્ય વરસાદમાં જ તદ્દન નવા બનેલા રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. માત્ર 15 દિવસમાં જ આવી 4 મોટી દુર્ઘટનાઓ ઘટતાં તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર સામે સ્થાનિક જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડી ગયા છે. શહેરમાં સામાન્ય ખાડા કે ભૂવા પડવાની ઘટના તો સામાન્ય બની ગઈ છે, પરંતુ છેલ્લા 15 દિવસમાં સુરતના અલગ-અલગ વિસ્તારોમાં આખેઆખા રોડ ધસી જવાની 4 મોટી આઘાતજનક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓની ભયાનકતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે રસ્તાઓ તૂટવાની કે બેસી જવાની રેન્જ 100 મીટરથી લઈને છેક 700 મીટર સુધીની જોવા મળી છે. માત્ર બે અઠવાડિયાના ટૂંકા ગાળામાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આખેઆખા મુખ્ય માર્ગો જમીનમાં ગરકાવ થઈ જતાં સ્માર્ટ સિટી સુરતના આયોજન અને ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઉધના-પાંડેસરા રોડ બેસી ગયો, 35 મુસાફરો ભરેલી ST બસ ફસાઈ આજે એટલે કે પહેલી જુલાઈના રોજ સુરતના ઉધના ગામ નજીક પાંડેસરા વિસ્તારમાં એક હૃદયધ્રુજાવનારી ઘટના સામે આવી છે. અહીંના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલી સરકારી એસટી બસ ચાલુ રોડ પર અચાનક જ રસ્તો ધસી પડતાં મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટના સમયે બસમાં અંદાજે 35 જેટલા મુસાફરો સવાર હતા, જેમનો જીવ અધ્ધર થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નોંધાઈ નથી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. પરંતુ વ્યસ્ત મુખ્ય માર્ગ પર આટલો મોટો ભૂવો પડતાં વાહનચાલકો માટે ભારે જોખમ ઊભું થયું છે અને કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. અચાનક રોડ પર પડેલા ખાડામાં સ્કૂલ વાન ફસાઈ સુરતના લીંબાયત વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે, જેમાં એક સ્કૂલ વાન ત્યાંથી પસાર થતાં જ અચાનક રોડ પર પડેલા ખાડામાં એક તરફ નમીને ફસાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે દોડધામ મચી ગઈ હતી, પરંતુ સદનસીબે વાનમાં સવાર બાળકોનો આબાદ બચાવ થયો છે અને કોઈને પણ ઇજા પહોંચી નથી, જેના કારણે મોટી હોનારત ટળી છે. 16 જૂને ડીંડોલીમાં પ્રમુખ રોડ પર 100 મીટર સુધી આખો રસ્તો ધસ્યો, ડમ્પર ગરકાવ રોડ બેસી જવાનો આ સિલસિલો 15 દિવસ પહેલા એટલે કે 16મી જૂનના રોજ ડીંડોલી વિસ્તારથી શરૂ થયો હતો. ડીંડોલીના મુખ્ય પ્રમુખ રોડ પર લગભગ 100 મીટરની રેન્જમાં આખેઆખો રોડ એકાએક બેસી ગયો હતો. આ ઘટના એટલી ગંભીર હતી કે ત્યાંથી પસાર થઈ રહેલું એક ભારેભરખમ ડમ્પર આખું રોડની અંદર ખૂંપી ગયું હતું. ડમ્પરના તમામ ટાયર રોડની અંદર ગરકાવ થઈ જતાં ક્રેનની મદદ લેવી પડી હતી. 100 મીટરના આ પટ્ટામાં મોટા ખાડા પડી જવાને કારણે સ્થાનિક લોકોને અને વાહનચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. મોટા વરાછામાં 700 મીટરની રેન્જમાં રોડ બેસી જતાં અનેક કાર દબાઈ સૌથી ચોંકાવનારો અને ભયાનક કિસ્સો 30મી જૂનના રોજ મોટા વરાછા વિસ્તારમાં જોવા મળ્યો હતો. સુરતમાં પડેલા વરસાદના કારણે મોટા વરાછામાં સામાન્ય નહીં પરંતુ અંદાજે 700 મીટર જેટલી વિશાળ રેન્જમાં આખેઆખો રોડ જમીનમાં ધસી પડ્યો હતો. રસ્તો ધસી પડવાના કારણે રોડની સાઈડમાં પાર્ક કરેલી અને ત્યાંથી પસાર થતી અનેક આલીશાન ગાડીઓ અને કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. અનેક કાર તો રસ્તાના કાટમાળ અને માટી નીચે દબાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેને જોઈને સ્થાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પુણાગામ સણીયા રોડ પર પણ તૂટ્યો રસ્તો, હેવી વાહનો સહિત 7 વાહનો કચડાયા મોટા વરાછાની ઘટનાની સાથે જ 30 જૂનના રોજ પુણાગામ વિસ્તારમાં આવેલા સણીયા ગામ નજીકના રોડ પર પણ આવી જ કુદરતી આફત જેવી સ્થિતિ સર્જાઈ હતી. અહીં પણ એકાએક રોડ બેસી જવાને કારણે રસ્તા પરથી પસાર થઈ રહેલા અને પાર્ક કરેલા અંદાજે સાત જેટલા વાહનો તૂટેલા રોડની અંદર દબાઈ ગયા હતા. આ અકસ્માતનો ભોગ બનેલા વાહનોમાં કેટલાક હેવી કોમર્શિયલ વાહનો પણ સામેલ હતા. સતત એક પછી એક વિસ્તારમાં રસ્તાઓ પત્તાના મહેલની જેમ તૂટતા જોઈ સુરતીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર?, કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી છતી થઈ ચોમાસા પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવા કરવામાં આવે છે. પરંતુ 15 જ દિવસમાં સામે આવેલા આ 4 મોટા કિસ્સાઓએ પાલિકાના તમામ દાવાઓની પોલ ખોલી નાખી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ડામર અને સિમેન્ટના રોડ સામાન્ય વરસાદ પણ સહન કરી શકતા નથી. ચોમાસાની શરૂઆતમાં જ જો રસ્તાઓની આ હાલત હોય, તો આગામી સમયમાં જ્યારે ભારે વરસાદ પડશે ત્યારે સુરતની સ્થિતિ કેવી હશે તે વિચારીને જ વાહનચાલકો ધ્રૂજી ઉઠ્યા છે. રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી અને નબળા મટીરિયલનો ઉપયોગ હવે ખુલ્લેઆમ સપાટી પર આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર:MP-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત; જુલાઈમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના
    Next Article
    હળવદ માર્કેટ યાર્ડ આજે બંધ:જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં વેપારીઓ મેદાનમાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment