Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાર સગીરનો SSCના વિદ્યાર્થી પર રેમ્બો છરીથી હુમલો:ત્રણ ઘા ઝીંકતા ગંભીર, અઢી માસ પહેલાં ઓનલાઇન ચપ્પુ મંગાવી રાખ્યું'તું, ડાન્સ સમયે પગ વાગતા અદાવત રાખી

    11 hours ago

    સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી પાસે આવેલી ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ ગેટની બહાર એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેમાં નજીવી બાબતની અદાવતમાં ચાર સગીરોએ ધોરણ 10માં ભણતા એક વિદ્યાર્થી પર શાળાના ગેટ પાસે જ ચપ્પુથી જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર વિદ્યાર્થી પોતાની માતા સાથે બહેનના સ્કૂલ ફંક્શનમાં ગયો હતો, ત્યારે બદલાની ભાવના રાખીને બેઠેલા અન્ય વિદ્યાર્થીઓએ તેના પર તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા ઝીંકી દીધા હતાં. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સર્જરી કરવામાં આવી છે. આ હુમલાને કારણે તે આજે ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પેપર આપી શક્યો નથી, જેના કારણે તેનું વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે. હુમલો કરનારા આ વિદ્યાર્થીઓના પિતા લૂમ્સ, ડાયિંગ-પ્રિન્ટિંગ મિલ અને રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતા લૂમ્સના કારખાનામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે છે. ફંક્શનમાં ડાન્સ સમયે પગ વાગવાની વાતમાં હુમલો કર્યો શાળાના ફંક્શન દરમિયાન નાચતી વખતે એક વિદ્યાર્થીનો પગ બીજા વિદ્યાર્થીને લાગી જતાં વિવાદ વકર્યો હતો. બે વિદ્યાર્થીઓ ફંક્શનમાં હાજર હતા, જ્યાં નાચવા બાબતે બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડો લોહિયાળ ખેલમાં પરિણમ્યો જ્યારે બંને વિદ્યાર્થીઓએ બહાર આવીને અન્ય બે મિત્રોને બોલાવી લીધા હતા. ધોરણ 9 માં ભણતા આ કિશોરોએ અદાવત રાખીને એકાએક હુમલો કરી દીધો હતો. 'તારામાં બહુ દમ છે' તેમ કહી અપશબ્દો બોલી મારપીટ કરી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર વિદ્યાર્થી જ્યારે શાળાએથી છૂટીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની જ શાળામાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ સાથે અગાઉ થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખીને તેને રસ્તામાં રોકવામાં આવ્યો હતો. આરોપીઓએ ઉશ્કેરાઈને વિદ્યાર્થી સાથે ઝઘડો શરૂ કર્યો હતો અને "તારામાં બહુ દમ છે" તેમ કહી અપશબ્દો બોલી મારપીટ કરી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થીએ ચપ્પુ કાઢી પીઠ અને પેટના ભાગે ઘા ઝીંક્યા હતા, જેના કારણે ઇજાગ્રસ્ત વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવારમાં ખસેડાયો, હાલત ગંભીર હુમલો કર્યા બાદ તમામ હુમલાખોર વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ‘ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતા’ આ ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના પિતાએ અત્યંત ગંભીર અને ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. પિતાના જણાવ્યા અનુસાર, હુમલો કરનાર સગીરોએ ગુનાહિત માનસિકતા સાથે ઓનલાઇન સાઇટ પરથી ચપ્પુ મંગાવ્યા હતાં. પિતાએ આક્ષેપ કર્યો છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પર હથિયારો સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે સગીરોમાં હિંસાનું પ્રમાણ વધી રહ્યું છે. અગાઉ થયેલી સામાન્ય ટક્કર બાદ જ્યારે વિદ્યાર્થીએ ટકોર કરી હતી, ત્યારે તેનો ખાર રાખીને આ સગીરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ઓનલાઇન હથિયાર વસાવી આ હુમલાને અંજામ આપ્યો હોવાનું પિતાનું કહેવું છે. ‘હુમલો કરનાર યુવકો અન્ય શાળાના વિદ્યાર્થીઓ છે’ ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ કૃણાલ શાહે જણાવ્યું હતું કે, શાળામાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર ભાગ લેનાર બાળકો અને તેમના વાલીઓને જ આમંત્રણ હતું. ‘હુમલાખોરો સાથે કોઈ જૂની અદાવત કે મેટર હોઈ શકે’ પ્રિન્સિપાલ શાહે વધુમાં ઉમેર્યું કે, ઈજાગ્રસ્ત વિદ્યાર્થી અને હુમલાખોરો વચ્ચે કોઈ જૂની અદાવત કે મેટર હોઈ શકે છે, જેની શાળા પ્રશાસનને અગાઉથી કોઈ જાણ નહોતી. કાર્યક્રમ દરમિયાન સુરક્ષા માટે સિક્યુરિટી તૈનાત હતી જ, પરંતુ આ સમગ્ર બનાવ સ્કૂલ પ્રિમાઈસીસની બહાર બન્યો હોવાથી શરૂઆતમાં કોઈને ખ્યાલ આવ્યો ન હતો. રાત્રે 9:30થી 10:00 વાગ્યાના અરસામાં આ ગંભીર ઘટનાની જાણ થતા અરેરાટી વ્યાપી ગઈ હતી. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને સ્કૂલ મેનેજમેન્ટ પોલીસને તમામ જરૂરી વિગતો આપીને સહયોગ કરી રહ્યું છે. તપાસ બાદ જ હુમલાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પાંડેસરા પોલીસે 4 સગીરોને દબોચ્યા, પરિવારમાં રોષ ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હુમલો કરનાર ચારેય વિદ્યાર્થીઓને પકડી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ચારેય આરોપીઓ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે. હાલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે ખરેખર હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા હતાં. એક તરફ પુત્ર હોસ્પિટલના બિછાને લોહીલુહાણ હાલતમાં છે અને તેની પરીક્ષા છૂટી ગઈ છે, ત્યારે બીજી તરફ પરિવારજનો આવા હિંસક સગીરો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આ પણ વાંચો આજે 16 માર્ચ અમદાવાદમાં ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બાબતે છરીનો ઘા મારી દીધો હતો. પેટમાં છરીનો ઘા વાગવાથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલે બાપુનગર પોલીસે છરી મારનાર સગીર વિદ્યાર્થી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો... 'સેવન્થ ડે'ની પોલ ખોલતો વીડિયો, લોહી નીતરતી હાલતમાં નયન સ્કૂલમાં આવ્યો, પહેલીવાર સામે આવ્યા CCTV શું હતો સેવન્થ-ડે સ્કૂલનો સમગ્ર મામલો? 19 ઓગસ્ટ, 2025ના દિવસે અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલના ધોરણ 10ના વિદ્યાર્થી નયનની તેની જ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બોક્સ કટર મારીને હત્યા કરી હતી. આ ઘટનાના 15 દિવસ એટલે કે, 2 સપ્ટેમ્બરના રોજ સ્કૂલના CCTV સામે આવ્યા હતાં. મૃતક વિદ્યાર્થી નયન ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલના એન્ટ્રી ગેટથી અંદર પ્રવેશ કરતો જોવા મળે છે. બપોરે 12:53 કલાકે નયનને જ્યાં ઇજા પહોંચી એ પેટના ભાગને હાથથી દબાવીને સ્કૂલમાં પ્રવેશ કરતો જોવા મળે છે. જોકે થોડીવાર બાદ નયન ઢળી પડતાં આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે. આ દરમિયાન સ્કૂલના સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ દ્વારા નયનને કોઈ મદદ કરવામાં આવી નહોતી અને લોકો ત્યાં ઊભાં ઊભાં માત્ર બધું જોઈ રહ્યા હતા. ત્યાર બાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતાં પણ જોવા મળી રહ્યાં છે. આ ઘટનામાં સ્કૂલની બેદરકારી હોવાનું જણાવી વાલીઓએ રોષે ભરાઈને વિરોધ નોંધાવી સ્કૂલમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટના બાદ સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું. બાદમાં વિદ્યાથીઓના અભ્યાસને ધ્યાનમાં રાખી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓની તમામ સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3 ઓક્ટોબરે ધો.10 અને 12ના વિદ્યાથીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો: અગાઉ ઝઘડો થતાં શિક્ષકોએ કહ્યું હતું, 'એકબીજાને સોરી બોલી દો’, સેવન્થ ડે સ્કૂલે કર્યો હતો ઢાંકપિછોડો આ પણ વાંચો: સ્ટુડન્ટના પેટમાં છરી નહીં, ફિઝિક્સનું સાધન ભોંક્યું: નજરે જોનારનો દાવો આ પણ વાંચો: સ્કૂલ સ્ટાફને માર મારી બેફામ તોડફોડ, સેવન્થ ડે સ્કૂલના ધો.8ના વિદ્યાર્થીએ ધો-10ના સ્ટુડન્ટની હત્યા કરતા સ્થિતિ વણસી હતી અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના, CCTV ગુંડાઓને શરમાવે તેવી ધો.10ના વિદ્યાર્થીઓની કરતૂત. અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી જ ઘટના ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર બની છે. 19 જાન્યુઆરી સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો છે. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. હુમલા પાછળ જૂનો ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઘટનાની જાણ થતાં ઘાટલોડિયા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ મારામારીની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો બીજી તરફ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની બહેને આક્ષેપ કર્યા છે કે, ભાઈને માથામાં વધારે વાગ્યું છે, પણ સ્કૂલે પટ્ટી પણ સરખી બંધાવી નથી. જો તેના મિત્રએ છરી ન પકડી હોત અને મર્ડર થયું હોત તો શું કરત? (વાંચો સંપૂર્ણ સમાચાર) નવસારીની SGM સ્કૂલની બહાર થઈ અમદાવાદવાળી; એક વિદ્યાર્થી કાતર લઈ તૂટી પડ્યો 26 નવેમ્બર, 2025ના નવસારીની SGM સ્કૂલની બહાર આજે અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે. જ્યાં બે વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ હતી. જે દરમિયાન એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીના પેટમાં કાતર મારી દીધી હતી. જે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટનામાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી. જેને પગલે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ વચ્ચે હાથાપાઈ થઈ આ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, SGM શિરોયા સ્કૂલના ચાર-પાંચ વિદ્યાર્થીઓ સ્કૂલની બહાર ભેગા થયા હતા. શરૂઆતમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઝઘડા દરમિયાન, એક વિદ્યાર્થીએ મોપેડ પર બેઠેલા અન્ય વિદ્યાર્થીને માથામાં ટપલી મારી હતી. ત્યારબાદ બંને વચ્ચે મારામારી શરૂ થઈ હતી. જેમાં એક વિદ્યાર્થીએ ધારદાર વસ્તુ વડે હુમલો કરતા બીજા વિદ્યાર્થીને હાથ અને પેટના ભાગે ઈજાઓ થઈ હતી.(વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ટ્રિપલ અકસ્માતમાં પિતા-પુત્ર ઇજાગ્રસ્ત:નશામાં ધૂત રિક્ષાચાલકે રોંગ સાઈડ આવી કાર-બાઈક સાથે અકસ્માત કર્યો, બાઈકનો બુકડો બોલી ગયો
    Next Article
    LIVE: Massive Fire At UAE's Fujairah Oil Industry Zone After Drone Attack

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment