Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘હત્યા થઈ એ દિવસે મારી પત્ની સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી’:સાબરમતી જેલના કેદીની કબૂલાત; જેલ SP કહે, ‘અમારા મહેમાન ન બનો એ જ તમારા માટે સારું છે’

    1 day ago

    ‘જ્યારે મારાથી આ મર્ડર થયું અને પછી હું જેલમાં આવ્યો ત્યારે મારી વાઈફનો સાતમો મહિનો ચાલતો હતો. હું જેલમાં આવ્યો એના બે મહિના પછી મારી દીકરીનો જન્મ થયો. દુઃખ એ જ છે કે હું મારી દીકરીને જોઈ નથી શક્યો, એને ઉછેરી નથી શક્યો. દીકરીને તેના બાપનો પ્રેમ મળ્યો જ નથી. મારી દીકરીને જોવા માટે મારે તરસવું પડે છે. જો મારી પાસે તેની કોઈ યાદો હોય તો એ પણ યાદ કરું, એ જન્મી ત્યારથી જ હું તેની સાથે નથી રહ્યો. મારી એકલતામાં સાથ આપે એવી એની કોઈ યાદો પણ મારી પાસે નથી.’ આ શબ્દો છે પોતાના જ મિત્રના પાપે જેલમાં સજા ભોગવતા કેદી મુકેશના… સાબરમતી જેલના કેદીઓ પરની દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘બંદીવાન’ના ગઇકાલના એપિસોડમાં આપણે વાંચી આજીવન કેદની સજા ભોગવી રહેલા બે કેદીની કહાની. હવે આજે વાત કરીશું એવા કેદી સાથે, જેણે પોતે તો મર્ડર નથી કર્યું પણ હત્યા વખતે પોતાના મિત્ર સાથે ઊભો હતો ને મિત્રએ મર્ડર કર્યું. એમાં આજીવન કેદની સજા ભોગવતો થઈ ગયો છે. દુર્યોધનના પાપે કર્ણ પણ વગોવાય એમ જ મુકેશ આજે જેલના સળિયા ગણે છે. *** સાબરમતી જેલનું છેલ્લું ચક્કર આગળના ચાર એપિસોડમાં તમે સાબરમતી જેલને ઓલમોસ્ટ ઓળખી લીધી છે. આજના પાંચમા અને છેલ્લા એપિસોડમાં છેલ્લીવાર આંટો મારીએ ગુજરાતની સૌથી મોટી એવી અમદાવાદની સાબરમતી જેલમાં. આગળ આપણે જેલની રચના, કેદીઓની રહેવાની વ્યવસ્થા, જેલની અંદર થતાં કામકાજ, જેલની પેમેન્ટ સિસ્ટમ સાથે જમવાની અને મુલાકાતની વાત કરી. આજે વાત કરીશું સાબરમતી જેલમાં કેદીઓને મળતી સુવિધાની. ગમે ત્યારે ચા-આઇસક્રીમ, પણ કૂપનની લિમિટમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ‘આની/અમારી હાલત તો જેલના કેદીઓ કરતાં પણ બદતર છે’, પણ જેલના કેદીઓને મળતી સુવિધાઓ વિશે તમને ખ્યાલ છે? ઓકે, લેટ્સ એક્સપ્લોર. આજે જેલની થોડી એવી સુવિધાઓ વિશે આપણે જાણીશું, જે જાણીને તમને થોડો સુખદ આંચકો લાગશે. અમે હજુ જેલમાં આંટો મારતા જ હતા ત્યાં સામેથી એક કેદી ચાની મોટી કીટલી લઈને જતો હતો. યસ, જેલમાં કેદીઓને સવારની ચા તો મળે જ પણ, સાથે જો કોઈને સાંજે ચા પીવાની ઈચ્છા થાય તો તેઓ પોતાની કૂપનથી જાતે ચા ખરીદીને પી શકે છે. પ્લસ, આખો દિવસ જેલમાં કેદીઓ માટે આઇસક્રીમની સાઇકલ-લારી પણ ફરતી હોય છે. એ આઇસક્રીમ પણ કેદીઓ પોતાની મરજી મુજબ ખાઈ શકે છે. બેરેકમાં TV અને આખો દિવસ રેડિયોની સુવિધા અરે, ફક્ત ખાવા-પીવાનું જ નહીં, જેલમાં કેદીઓને સાંજે એક્ટિવિટીનો પણ ટાઈમ મળે છે, જેમાં તેઓ વોલીબોલ જેવી ગેમ્સ પણ રમી શકે છે. રમીને સાંજે પોતાની બેરેકમાં જાય, તો દરેક 50-50 કેદીઓની બેરેકમાં એક-એક TV પણ ખરું, જેમાં સ્પોર્ટ્સ ચેનલ, ન્યૂઝ ચેનલ અને કોઈ કોઈ મનોરંજનની ચેનલો પણ અવેલેબલ હોય છે! કેદીઓ ફ્રી પડી રોજ સાંજે પોતાના બેરેકમાં TV પણ જુએ. એ સિવાય આખો દિવસ કામ કરતાં કરતાં કોઈ ફ્રી પડે અથવા તો કામ કરતાં કરતાં ગીતો સાંભળવાની ટેવ હોય તો આખો દિવસ રેડિયો પર ગીતો પણ ચાલતાં જ હોય. સાબરમતી જેલમાં એક હોસ્પિટલ પણ છે! જેલ પ્રશાસન દ્વારા ફક્ત મનોરંજન જ નહીં, કેદીઓની હેલ્થનું પણ એટલું જ ધ્યાન રાખવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાંથી એક ડૉક્ટર 24 કલાક અહીં જેલમાં હાજર જ હોય છે. ઇવન જેલની અંદર જ 20 બેડની હોસ્પિટલ પણ છે અને દર અઠવાડિયે એકવાર મેડિકલ કેમ્પનું આયોજન પણ થાય છે. ધેટ્સ ઓલ! જેલની જેટલી પણ જાહેર કરી શકાય એ દરેક માહિતી આપણે અહીં જોઈ. હવે આજે આપણે એક કેદી સાથે વાત કરીશું અને ‘બંદીવાન’ના અંતે આવા ચાર હજાર કેદીને સાચવતા અને ખાસ કરીને સુધારનાર સાબરમતી જેલના SP સાહેબ IPS ગૌરવ અગ્રવાલ સાથે પણ વાતો કરીશું. *** આટલો શાંત માણસ મર્ડર કરી શકે ખરો? સફેદ કુર્તા-ચોરણીમાં પીળી ટોપીવાળો 34 વર્ષનો જુવાનિયો રૂમમાં આવ્યો ને શાંતિથી સામે બેસી હળવેથી બોલ્યો, ‘નમસ્તે સાહેબ, અમારી સ્ટોરી જાણવા આવ્યા છો?’ અમે હા કહી હળવેથી માથું હકારમાં ધુણાવ્યું. એકદમ ભોળો સ્વભાવ, શાંત અવાજ, આદરયુક્ત બોલી; જોઈને એમ જ થાય કે આટલી શાંત વ્યક્તિ મર્ડર કરીને કેવી રીતે આવી હોઈ શકે? કેદીનું નામ હતું મુકેશ! મજ્જાની લાઇફ, સજાની લાઇફ કેવી રીતે બની? અમદાવાદ પાસેના બાવળાના જુવાલ રૂપાવટીના મુકેશનો સારાએવા પરિવારમાં ઉછેર થયો. બાદમાં કોલેજ પણ કરી ને કોલેજ બાદ એક વર્ષ કોલ સેન્ટરમાં જોબ કરી. પૈસા ભેગા થતાં ધંધો કરવા રેડીમેડ કપડાંની દુકાન ખોલી. ઘરે મમ્મી-પપ્પા, વાઈફ, ભાઈ-ભાઈ સાથે જીવન જીવવાનું. ઇન શોર્ટ, કોઇપણ વ્યક્તિને અદેખાઈ થાય એવી મજ્જાની લાઈફ જીવી રહ્યો હતો. જુવાની શરૂ થઈ ને જેલમાં પટકાયો અમે વાતની શરૂઆત કરી. શું થયું હતું ભાઈ તમારી સાથે? મુકેશે 12 વર્ષ પહેલાંના કિસ્સાથી વાતની શરૂઆત કરી, ‘મારી જુવાની હજુ ઊગતી હતી ત્યાં 22 વર્ષની ઉંમરે જ એ કાંડ થયો ને હું જેલમાં આવી ગયો. ત્યાં મારા ગામનો જ મારો એક મિત્ર. બહુ સારો મિત્ર. અમે બંને આખો દિવસ સાથે ને સાથે રહીએ ને એકદમ જલસાની લાઈફ જીવીએ. એમાં એક દિવસની વાત. એ મિત્રએ એના એક ફેમિલી ફ્રેન્ડને પૈસા ઉછીના આપ્યા.’ ‘એ પછી મહિનાઓ વીતી ગયા, પણ એ ભાઈ પાસેથી મારા મિત્રને એક રૂપિયો પાછો નહોતો મળ્યો. કેલેન્ડરનાં પાનાં ફરતાં ધીમે ધીમે એ મિત્રની ધીરજ ખૂટતી હતી. એક દિવસ એની સાથે વાત થઈ તો મને કહે, ચલ ને આપણે એ પૈસા પાછા લેવા જવાનું છે.’ ‘પૈસા આપવાની ના પાડી દીધી, તો છરો મારી દીધો’ પછી શું થયું? મુકેશ કહે, ‘પૈસા લેવા જ જવાનું હતું. ભાઈને બોલા કરને કા મતલબ કરને કા. એમ સમજી અમે બંને તો પૈસા લેવા નીકળી પડ્યા. પણ ત્યાં પહોંચ્યા પછી ઉછીના લેનારની નિયત બગડી. એ તો અમને ‘મામુ’ બનાવતો હતો. અમને પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી કે ‘અત્યારે મારી પાસે કશું નથી, પછી લઈ જજો.’ હવે મારા મિત્રની ધીરજ ખૂટી, તેણે પેલાને એક લાફો ઝીંકી દીધો. મામલો બિચક્યો. હાથાપાઈ શરૂ થઈ, પણ સામેવાળો વધારે મજબૂત હતો, એટલે મારો મિત્ર થોડો પાછો પડ્યો, એટલે પછી હું વચ્ચે પડ્યો. અમે બંનેએ થઈ તેને માર્યો, તોપણ એ બળૂકાનો હાથ ઉપર જ હતો. એમાં મારા મિત્રએ ઉશ્કેરાઈને છરી કાઢી ને ભોંકી દીધી એ સામેવાળાના પેટમાં. બસ! લોહીની ધાર છૂટી ને ત્યાંને ત્યાં એ ભાઈનું મર્ડર થઈ ગયું.’ ‘મેં મર્ડર કર્યું છે’, ‘હું પણ સાથે હતો’ મુકેશે વાત ચાલુ રાખી, ‘પછી તો અમનેય ઘણો પસ્તાવો થયો કે આ ખોટું થઈ ગયું. ભૂલ ભૂલમાં કોઈનો જીવ ગયો. અમે બંને તરત જ ભાગ્યા ને ઘરમાં આવીને બેસી ગયા. પોલીસ ત્યાં ઘટનાસ્થળે પહોંચી ને તપાસનો ધમધમાટ ચલાવ્યો. જોરશોરથી બધે તપાસ ચાલી, પણ કોઈ પકડાતું નહોતું. પણ બે દિવસ પછી અમને જ પસ્તાવો થયો કે અમારાથી જે થયું છે એ ખોટું થયું છે. અમે બંને સામેથી જ પોલીસ પાસે ગયા ને સ્વીકારી લીધું કે અમારાથી આવી ભૂલ થઈ છે. મારા મિત્રએ સ્વીકાર્યું કે મેં જ મર્ડર કર્યું છે અને મેં પણ સ્વીકાર્યું કે હું પણ હતો સાથે! બંને પર મર્ડરનો કેસ થયો ને અત્યારે સાબરમતીમાં આજીવન કેદની સજા ભોગવીએ છીએ.’ ‘કેસ લડવામાં દુકાન વેચાઈ ગઈ, ઘરે પૈસાનાં ફાંફાં પડી ગયા’ તો તમારી દુકાન હતી એ? મુકેશ કહે, ‘એ દુકાન તો વેચાઈ ગઈ. હું હતો ત્યાં સુધી દુકાન સારી રીતે ચાલતી, પણ મારા જેલમાં આવ્યા પછી મારા કેસ લડવામાં જ એટલા પૈસાની જરૂર પડી કે પરિવારે એ દુકાન વેચવી પડી. હવે તો એ દુકાન પણ નથી એટલે ઘરેય ઘણા આર્થિક લોચા પડે છે. 12 વર્ષથી જેલમાં છું, ખબર નહીં ક્યારે છુટકારો મળે. અત્યારે તો બસ અઠવાડિયામાં ત્રણ વાર ઘરે ફોન પર પાંચ-પાંચ મિનિટ વાત કરી લઉં છું ને અઠવાડિયે એકવાર વીડિયો કોલ પર વાત કરી લઉં. પરિવાર અમદાવાદથી દૂર છે, એટલે શરૂઆતમાં દર પંદર દિવસે મળવા આવતા. હવે તો બે-ચાર મહિને જ એકવાર બોલાવું છું.’ ‘જેલમાં આવ્યો ત્યારે પત્નીને સાતમો મહિનો જતો હતો’ તમે કહ્યું કે તમે 12 વર્ષથી જેલમાં છો, પણ તમારી તો દીકરી પણ 12 વર્ષની જ છે ને? મુકેશે એક ઝાટકે જોરથી નિઃશ્વાસ બહાર કાઢ્યો, ‘હા, જ્યારે આ ક્રાઇમ થયો અને હું જેલમાં આવ્યો ત્યારે મારી વાઈફનો સાતમો મહિનો ચાલતો હતો. હું જેલમાં આવ્યો એના બે મહિના પછી મારી દીકરીનો જન્મ થયો છે. દુઃખ એ જ છે કે હું મારી દીકરીને જોઈ નથી શક્યો, તેને રમાડી-ઉછેરી નથી શક્યો. દીકરીને એના બાપનો પ્રેમ મળ્યો જ નથી. મારી દીકરીને જોવા માટે મારે તરસવું પડે છે. જો મારી પાસે તેની કોઈ યાદો હોય તો એ પણ યાદ કરું, એ જન્મી ત્યારથી જ હું તેની સાથે નથી રહ્યો. તેને યાદ કરવા માટે પણ મારી પાસે કશું નથી.’ મુકેશની આંખોમાં પાણી દેખાયું એટલે અમે વાત બદલી, ‘બાય ધ વે, તમે અહી શું કામ કરો છો?’ મુકેશ આંખની કોર્નર પાસે આંગળીનું ટેરવું ફેરવીને આંસુ લૂછતાં કહે, ‘અહીં હું કેન્ટીન વિભાગમાં કામ કરું છું.’ ‘મારા કરતાં ખરી સજા તો મારા પરિવારને મળે છે’ અત્યારે એ ગુના વિશે વિચારો આવે છે? મુકેશ કહે, ‘ઘણો પસ્તાવો થાય છે કે એ ટાઈમે થોડો શાંત રહી ગયો હોત તો આજે હું અને મારો પરિવાર આમ દુઃખી ન થાત. મારા કરતાં તો ખરી સજા તો પરિવારને મળે છે. ગુજરાન પણ ચલાવવાનું ને ઉપરથી મારા કેસના ખર્ચા પણ કાઢવાના. ઘર માંડ ચાલતું હોય, એમાં આ ખર્ચા વધુ માથે પડે. અરે, ખાસ તો અમારા કરતાં જે મરી ગયો એના પરિવારનું અમને વધુ દુઃખ થાય છે. અમે તો જેલમાં આવ્યા. ક્યારેક તો છૂટીશું, પણ એ લોકોએ તો તેમનો દીકરો ખોયો છે, તેમનો તો જીવ ગયો છે. એનું ઘણું દુઃખ છે.’ ‘ભૂતકાળમાં જવા મળે તો એ ઘટના જ થતી રોકી લઉં’ બહાર કોઈ ક્રિમિનલ તરીકે તમારી વાતો તમારા ફેમિલીને કહે છે? મુકેશ નીચું માથું કરી કહે, ‘સામે કોઈ ન બોલે, પણ પાછળથી તો બધા વાતો કરતા જ હશે ને. ફલાણાના છોકરાએ આ કર્યું ને તે કર્યું ને એવું બોલતા જ હશે ને! જો એક વાત ભૂતકાળમાં જવાનો મોકો મળે તો આ ઘટના થતાં રોકી લઉં.’ ‘ક્યારેય આવેશમાં આવીને એવું પગલું ન ભરતા કે…’ 'બહાર નીકળશો ત્યારે સમાજ તમને સ્વીકારી લેશે?’ મુકેશ કહે, ‘સ્વીકારી લેશે તોપણ ગમે તે કરે, દરેકના મનમાં ક્રિમિનલ તરીકેની મારી છાપ તો હંમેશાં રહેશે જ ને. પહેલાં જેવી ક્લિયર છાપ ક્યારેય નહીં થાય. લોકો અમને ક્રિમિનલ રીતે જ જોશે. હવે તો એટલો પસ્તાવો થાય છે કે આટલી મોટી સજા મળ્યા પછી તો ઘણું સહન કરતા શીખી ગયો છું. હવે અહીં જેલમાં કોઈ ગાળ આપે તોપણ હું કશું નથી બોલતો, શાંતિથી જતો રહું છું. બધાને હજુ પણ એ જ કહું છું, ક્યારેય આવેશમાં આવી એવું પગલું ન ભરતા કે આખી જિંદગીભર પસ્તાવું પડે.’ એકદમ શાંત અવાજે આટલી ઊંડી વાતો કરી મુકેશ અમારી સામેથી ઊભો થયો. બે હાથ જોડી કહે, ‘હું નીકળું છું.’ કહી પોચા પગે રૂમની બહાર નીકળ્યો. *** ચાર હજાર કેદીઓને સાચવતા SP આખી જેલ અને જેલના જાતભાતના કેદીઓને મળ્યા બાદ આજે ‘બંદીવાન’ સિરીઝના છેલ્લા એપિસોડમાં હવે વાત કરીએ… આવા ચાર હજાર કેદીઓને ‘સાચવતા’ IPS ગૌરવ અગ્રવાલ સાથે. આપણા એરિયામાં એકાદો કોઈ માથાભારે માણસ રહેતો હોય તો એને શેરીવાળા કે ઘરવાળા કોઈ સુધારી પણ નથી શકતા કે સાચવી પણ નથી શકતા. એની સામે ચાર હજાર ગુજરાતના (અને દેશના પણ) મોટ્ટા મોટ્ટા ક્રિમિનલને સાચવવા કેટલું અઘરું કામ છે એ દેખીતું છે. મૂળ રાજસ્થાનના IPS અગ્રવાલે UPSC ક્લિયર કરી 2021માં ગુજરાત કેડરથી કરિયરની શરૂઆત કરી. દેખાવે એકદમ યંગ અને ડાયનેમિક SP સાહેબની ચેમ્બરમાં જઈ અમે વાતની શરૂઆત કરી… ‘જેલનું કામ કેદીઓને સુધારવાનું છે’ સાહેબ, બોડેલીના ASPથી ગુજરાતની સૌથી મોટી જેલ સાંભળવાનો ચાર્જ મળ્યો ત્યારે કેવું લાગ્યું હતું? IPS અગ્રવાલ ચહેરા પર સ્માઇલ સાથે કહે, ‘હું તો ખરેખર એક્સાઈટેડ હતો, કેમ કે રેગ્યુલર પોલિસિંગ કરતાં આ કશુંક અલગ હતું. રેગ્યુલરમાં તો અમે ક્રિમિનલને પકડીએ છીએ, પણ એ પછી ક્રિમિનલ સાથે શું થાય છે એ મને આ પોસ્ટથી શીખવા મળ્યું. અહીં આવી મારે ક્રિમિનલને જોવાનો દૃષ્ટિકોણ પણ બદલવો પડ્યો, કેમ કે કેદી એકવાર જેલમાં આવ્યો પછી એની સંપૂર્ણ જવાબદારી મારી જ રહે છે. જેલનું બીજું નામ ‘કરેક્શનલ એડમિનિસ્ટ્રેશન’ છે, મતલબ જેલનું કામ કેદીઓને સુધારવાનું કામ છે. જ્યારે જેલમાંથી ફરી સમાજમાં જાય ત્યારે તેમને સુધારીને મોકલવા એ અમારી જવાબદારી છે. ઇન શોર્ટ હું તો બહુ ખુશ હતો.’ સજા, એકલતા કે બદનામીઃ સૌથી વધુ દુષ્કર શું? જેલના કેદીઓને સૌથી વધુ શું તોડી નાખે છે? સજા, પરિવાર વિનાનું જીવન કે એકલતા? ગૌરવસર કહે, ‘ડિપેન્ડ્સ કે એ કેદી કેવો છે? તેની જેવી માનસિકતા! છોટા ચક્કર અને બડા ચક્કરના કેદીઓ તો સાથે જ રહેતા હોય છે, એટલે એકલતાનો પ્રશ્ન તો તેમને નથી રહેતો. પરિવારથી દૂર રહેવું અને જેલમાં જવાના કારણે સમાજમાં બદનામી એ બધાંનાં કારણે તેમની માનસિક હાલત સૌથી વધુ બદલે છે, જેના કારણે એ બીજીવાર ક્રાઇમ કરતાં ડરે છે.’ ‘એ ક્ષણનો અફસોસ કેદીઓને કાયમ રહે છે’ કેદીઓમાં સૌથી વધુ શું હોય છે? ડર, ગુસ્સો કે અફસોસ? સાહેબ કહે, ‘સૌથી વધુ તો એમનામાં ગુનો કર્યાનો અફસોસ જ હોય છે, કેમ કે મોટા ભાગના ગુનાઓ તો ગુસ્સામાં આવી આવેશમાં થયેલા ક્રાઇમ હોય છે. એનો અફસોસ હંમેશાં રહેતો હોય છે કે એ એક ક્ષણે તેમનું જીવન બરબાદ કરી નાખ્યું.’ ‘કેદીઓને તેમણે કરેલા ગુનાઓનો પસ્તાવો હોય છે ખરો?’ ‘પસ્તાવો તો 100% હોય જ છે કે મારાથી આવેશમાં આવી જે પગલું ભરાઈ ગયું, એના લીધે મારી અને મારા પરિવારની આ હાલત થઈ છે. હા, મોટા ભાગના ક્રાઇમ ક્ષણિક જ હોય છે, પણ એ ગુસ્સા પર કાબૂ ગુમાવવાના કારણે જ હોય છે. એટલે સિચ્યુએશનને જે હોય તે, પણ એ કેદીઓનો વાંક તો છે.’ કેદીઓ માટે છ મેડિકલ ઑફિસર ખડે પગે તહેનાત કેદીઓ માટે અહીં બીજા શું શું પ્રોગ્રામ ચલાવવામાં આવે છે? SP સાહેબ કહે, ‘ઘણું બધું ચાલતું હોય છે. અહીં એમની ફિઝિકલ હેલ્થ કરતાં ખાસ તો મેન્ટલ હેલ્થનું પણ વિચારવાનું પડે છે. એટલે કેદીઓને થોડા થોડા ટાઈમે અમે કાઉન્સેલિંગ પણ પ્રોવાઈડ કરીએ છીએ. જેથી એ કેદી જો કોઈ માનસિક બીમારીથી પીડાઈ રહ્યા હોય તો એમને સાજા કરી શકાય. બાકી રેગ્યુલર અહીં અમારા અંદરના દવાખાનામાં પણ છ મેડિકલ ઓફિસર હાજર જ હોય છે. જો કોઈ સિરિયસ ઇસ્યુ થાય તો તેમને સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જઈએ છીએ અને સરકારી ખર્ચે જ ઈલાજ પણ કરાવી આપીએ છીએ.’ કેદીઓ ઘરેથી જમવાનું મગાવી શકે ખરા? ‘એ સિવાય જમવાની વાત કરીએ તો… અહીં તહેવારો પર અમે ખાસ જમવાની પણ વ્યવસ્થા કરીએ છીએ. જો કોઈ કેદી તેલવાળું ન ખાતો હોય તો તેમના માટે અલગ જમવાની પણ વ્યવસ્થા હોય છે અને કોઈને જમવાનું જ ન ભાવે તો એ કેન્ટીનમાંથી ખરીદીને પણ જમી શકે છે. રહી વાત બહારથી ગાવવાની, તો જે કેદીઓની હજુ સુનાવણી ચાલુ હોય અને સજા ન ફટકારાઇ હોય એ કેદીઓ બહારથી ટિફિન મગાવી શકે છે, પણ જે કેદીઓને કોર્ટે સજા ફટકારી દીધી છે તેઓ બહારથી જમવાનું નથી મગાવી શકતા.’ કેદી બહાર નીકળીને સમાજને ઉપયોગી કેવી રીતે થઈ શકે? સાહેબે વાત ચાલુ રાખી, ‘ઉપરાંત સજા પૂરી થયે બહાર જઈ એ લોકો પોતાનું કામ કરી પૈસા કમાઈ શકે એ માટે એમને સિલાઈ, સુથારીકામ, બેકરી-કૂકિંગ જેવાં અલગ અલગ કામ પણ શીખવીએ છીએ. જેમને શોખ હોય એમને કોમ્પ્યુટર પણ શીખવીએ છીએ ને જેમણે ભણવું હોય તેમને આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એક્ઝામ અપાવી એજ્યુકેશન પણ અપાવીએ છીએ. ઇન શોર્ટ, કેદી જ્યારે બહાર નીકળે ત્યારે એ સમાજ માટે ઉપયોગી થઈ સારો માણસ કેવી રીતે બની શકે એ માટે અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ.’ ‘જેલ એક સોસાયટી જેવી છે’ જેલના કેદીઓ સાથે તમારે કડક પણ રહેવું પડે અને સાચવવા પણ પડે તો એ કેવી રીતે મેનેજ કરો? જેલ SP કહે, ‘જેલ છે ને એક સોસાયટી જેવી છે, જેમાં સારા માણસો પણ રહેતા હોય અને ઘણા જાતે કરીને પ્રોબ્લેમ પણ ઊભા કરતા હોય. અહીં પણ એવું જ છે. અમારે એ બધાને સાચવવા પડે. જો કોઈ લડાઈ-ઝઘડો કરે કે કોઈ પ્રતિબંધિત વસ્તુ જેલમાં લાવવાની કોશિશ કરે તો તેમને અમે સજા આપીએ. તેમને મળતી ફેસિલિટી બંધ કરી દઈએ ને તેમને સુધારવાની ટ્રાય કરીએ, પણ સામે જ્યારે પણ કેદીને કોઈપણ મુશ્કેલી પડે તો તેને અમે બધી જ મદદ કરી સારું બેઝિક જીવન આપીએ છીએ. મીન્સ, અમે ક્યારેય કેદીઓની વિરુદ્ધમાં નથી હોતા. બસ, જે નિયમો છે એ પાળવા ફરજિયાત છે.’ આજીવન કેદનો આરોપી જેલમાંથી બહાર નીકળે ખરો? એક સવાલ સૌને થતો હોય છે કે આજીવન કેદના કેદીઓ જેલમાંથી છૂટી શકે ખરા? સજાના નિયમો સમજાવતાં IPS અગ્રવાલ કહે, ‘આજીવન કેદની સજા માટે જેલની બે પોલિસી છે, એક 1992ની અને એક 2014ની. જે કેદીઓને 2014 પહેલાં સજા થઈ છે તેમને 1992ની પોલિસી લાગુ પડે ને એ પછીના ને 2014ની પોલિસી. બંને પોલિસીના નિયમો થોડા અલગ છે, પણ બંનેમાં કેદીની 14 વર્ષની સજા પૂરી થાય એટલે જેલની કમિટી બેસે; સાથે કેદી મૂળ જ્યાંનો હોય ત્યાંના કલેક્ટર, પોલીસ સ્ટાફ, જે-તે કોર્ટ બધાના ઓપિનિયન લેવામાં આવે. એમાં કેદીનાં 14 વર્ષના વર્તન અને સ્વભાવ પરથી નક્કી કરવામાં આવે કે કેદીને હવે છોડવો જોઈએ કે હજુ કેટલાં વર્ષો સુધી જેલમાં રાખવો જરૂરી છે. એ બધાના અભિપ્રાયો મળી સરકાર પાસે જાય અને બાદમાં સરકારની કમિટી નક્કી કરે કે એ કેદીને છોડવો જોઈએ કે નહીં.’ ‘અમારા મહેમાન ન બનો એ જ તમારા માટે સારું છે’ કેદીઓને જેલમાં આટલી બધી સુવિધાઓ આપવામાં આવે છે, તો તેમને જેલની સજાના ભાગરૂપે તેમને સજા શું મળે? ગૌરવ સાહેબ કહે, ‘એમાં બે પ્રકારની સજા હોય છે, સાદી સજા અને એક રિગરસ (સખત કેદ) સજા. સાદી સજામાં આવેલા કેદીઓને અહીં જેલમાં કોઈ કામ કરવું પણ ફરજિયાત નથી હોતું, જો તેમને સ્વેચ્છાએ કરવું હોય તો વાત અલગ છે. બાકી રિગરસ સજાના કેદીઓએ ફરજિયાત કામ કરવું પડે છે. બાકી અહીં દુનિયાથી દૂર અને પરિવાર વિના રહેવું એ પણ એક મોટી સજા છે.’ અમે છેલ્લે છેલ્લે હસતાં હસતાં પૂછ્યું, ‘સર, બહારના યંગસ્ટર્સને શું કહેશો?’ IPS અગ્રવાલ પણ હસી પડ્યા, ‘અમારા મહેમાન ન બનવું પડે એ જ તમારા માટે સારું છે!’ *** ફાઇનલી, અમે સાબરમતી જેલની બહાર નીકળ્યા ને ફરી જેલનું તોતિંગ તાળું બંધ થયું! બંદીવાન - એપિસોડ 1 : ગર્લફ્રેન્ડે ચિટિંગ કરી તો રોડ વચ્ચે પતાવી દીધી:સાબરમતી જેલમાં જન્મટીપના કેદીની વ્યથા, ‘કાશ, મેં એ પ્રેમ કર્યો જ ન હોત’ બંદીવાન - એપિસોડ 2 : ‘મારા લીધે પત્ની અને માએ મજૂરીએ જવું પડે છે’:દારૂને લીધે બરબાદ થયેલા સાબરમતી જેલના બે કેદી સાથે વાત, ‘બનવું હતું CA, ને બની ગયો હત્યારો’ બંદીવાન - એપિસોડ 3 : ‘ગુજરાતનો ટોપર પોક્સોના કેસમાં ફસાઈ ગયો’:સાબરમતીના બે શિક્ષિત કેદીની કરમકથની, ‘આર્મીમાં હતો, પરિવારમાં મર્ડર થયું ને મને આજીવન કેદ થઈ’ બંદીવાન - એપિસોડ 4 : દોસ્તી વચ્ચે પૈસા આવ્યા ને બે હત્યાઓ થઈ:‘મારા ભાઇબંધને મેં છરો મારી દીધો’, આજીવન કેદનો બીજો કેદી કહે, ‘પરિવારને સાચવી લઉં તોય ઘણું’
    Click here to Read More
    Previous Article
    ખાસ સિરીઝ 'ભૂકંપ @25':કાટમાળમાંથી જીવતા બહાર આવેલા લોકો આજે શું કરે છે? કચ્છને બેઠું કરનારા લોકોની કહાની, આવતીકાલથી દિવ્ય ભાસ્કર એપ પર
    Next Article
    EDની રેડ બાદ મમતાની ઇમરજન્સી મિટિંગમાં શું થયું?:I-PAC સ્ટાફ માટે 'સીક્રેટ ગાઇડલાઇન્સ' લાગુ, શું દરોડાથી BJPને નુકસાન થશે?

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment