Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અચ્છા એટલે SOG-મનપાએ અંગત રસ લીધો, વીડિયોએ સિક્રેટ ખોલ્યા:લાખાણીના ગેરકાયદે ‘પાલિયા એલિગન્સ’ના ઉદ્ઘાટનમાં ખુદ MP-તત્કાલીન મેયર સહિતના મોટા માથા પહોંચ્યા હતા

    1 day ago

    સુરતના નાસીરનગર ‘ભૂતિયા’ ડિમોલિશન પ્રકરણને આજે પૂરા 16 દિવસ વીતી ગયા હોવા છતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના હાથ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં ધ્રુજી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ કાંડમાં પોલીસ-બિલ્ડર અને રાજકારણીઓના નેક્સસનો બે વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. એક વીડિયો બિલ્ડર સંજય લાખાણીના જ અન્ય એક હાઈપ્રોફાઈલ પ્રોજેક્ટ ‘પાલિયા એલિગન્સ’ના ઉદ્ઘાટન સમારોહનો છે. આ વીડિયોમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના પીઆઈ અતુલ સોનારા સહિત સુરત પોલીસના કેટલાય ઉચ્ચ અધિકારીઓ બિલ્ડર સાથે ખુલ્લેઆમ તસવીરો ખેંચાવતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો 7 ડિસેમ્બર, 2026નો હોવાની ચર્ચા છે. જ્યારે બીજો વીડિયો સુરત મનપાની ચૂંટણીના વોટિંગ સમયનો છે. આ વીડિયોની એક જ ફ્રેમમાં વિવાદિત 'પાલિયા રેસિડેન્સી' પ્રોજેક્ટના બિલ્ડર સંજય લાખાણી, SOGના DCP રાજદીપસિંહ નકુમ અને PI અતુલ સોનારા એકસાથે જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ બેડા સહિત સમગ્ર શહેરમાં બિલ્ડર અને પોલીસ વચ્ચેની કથિત મિલીભગતને લઈને ભારે ખળભળાટ મચી ગયો છે. પાલિયા પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયના આ વાયરલ વીડિયોમાં માત્ર પોલીસતંત્ર જ નહીં, પરંતુ સુરતના ટોચના રાજકીય ચહેરાઓ પણ વિવાદિત બિલ્ડર સંજય લાખાણીને શુભેચ્છા પાઠવતા કેમેરામાં કેદ થયા છે. વીડિયોમાં સુરતના સાંસદ મુકેશ દલાલ, તત્કાલીન મેયર દક્ષેશ માવાણી તેમજ હાલના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ બિલ્ડર સાથે સ્ટેજ શેર કરતા અને હસતા મુખે પોઝ આપતા દેખાય છે. આ કાર્યક્રમમાં પીઆઈ સોનારાની સાથે ઇકો સેલ (Eco Cell)ના પૂર્વ પીઆઈની હાજરી પણ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ નવો વીડિયો સામે આવ્યા બાદ હવે એ સાબિત થઈ ગયું છે કે વિવાદિત બિલ્ડર સંજય લાખાણી પર માત્ર એસઓજીના જ નહીં, પણ સુરતના રાજકારણીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓના ચાર હાથ હતા, જેના જોરે જ આ આખું ભૂતિયા ડિમોલિશન ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોવાની શંકા દ્રઢ બની છે. ચોંકાવનારી વાત એ છે કે, કેટલાય પોલીસ અધિકારીઓ તો પોતાની સત્તાવાર સરકારી ગાડીઓ લઈને અને ઓન-ડ્યુટી ખાખી વર્દીમાં જ બિલ્ડરના આ ખાનગી બિઝનેસ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી ગયા હતા, જે તેમની વચ્ચેના ગાઢ સંબંધોની ચાડી ખાય છે. વોટિંગ સમયે નકુમ અને સંજય લાખાણી સાથે જોવા મળ્યા હતા આ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ઉચ્ચ અધિકારીઓ સૌથી મોટી શંકાના દાયરામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન સમયનો હોવાનું મનાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક લાલ કલરની કાર આવીને ઊભી રહે છે, જેમાંથી એક વૃદ્ધ બહાર નીકળે છે. જ્યાં વિવાદિત બિલ્ડર સંજય લાખાણી પહેલેથી જ હાજર છે. આ જ સમયે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ આ વૃદ્ધનો હાથ પકડીને તેઓને મતદાન મથક તરફ દોરી જતા સ્પષ્ટ નજરે પડે છે. આટલું જ નહીં, વીડિયોના આગળના ભાગમાં પી.આઈ. અતુલ સોનારા પણ એક્શનમાં દેખાય છે, જેઓ અન્ય એક વૃદ્ધાનો હાથ પકડીને મતદાન કરાવવા લઈ જઈ રહ્યા છે અને તેમની બરાબર પાછળ બિલ્ડર સંજય લાખાણી ઓપરેશનને હેન્ડલ કરતો હોય તેમ ઊભેલો જોવા મળે છે. સાર્વજનિક સ્થળે બિલ્ડર સાથે અધિકારીઓની આ પ્રકારની નિકટતા ઘણું બધું કહી જાય છે. પાલિયા એલિગન્સને કોઈ મંજૂરી મળી નથી ઉલ્લેખનીય છે કે, અહીં પાલિયા ડેવલપરના નામે પ્રોજેક્ટ મુકાઈ ગયો છે, જે માટે મ્યુનિ.માં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ (PVC)ની અરજી થઈ તેમાં પાલિયા ડેવલપર તરીકે શૈલેષ કાછડિયા અને સંજય લાખાણી છે. જો કે આ પ્રોજેક્ટને મનપાએ મંજૂરી આપી જ નથી. તેમ છતાં તેને નોટિસ પણ માત્ર ખોદાણ પૂરવા માટેની આપવામાં આવી છે. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વહેલી સવારે ઓપરેશન આ આખો વિવાદ જે બિલ્ડરના કારણે શરૂ થયો છે તે બીજું કોઈ નહીં પણ આ જ સંજય લાખાણી છે, જે નાસીર નગર ખાતે વિવાદાસ્પદ પાલિયા રેસિડેન્સી પ્રોજેક્ટનું નિર્માણ કરી રહ્યો છે. આ પ્રોજેક્ટના રસ્તામાં નડતરરૂપ નાસીરનગરના ગેરકાયદેસર અને ભૂતિયા ડિમોલિશન કરવા માટે SOGના ડીસીપી રાજદીપસિંહ અને પી.આઈ. અતુલ સોનારા વહેલી સવારે જ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ ડિમોલિશન અંગે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનને પણ જાણ કરવાની તસ્દી લીધી ન હતી. સામાન્ય રીતે સ્થાનિક પોલીસને સાથે રાખીને આવા ઓપરેશન થતા હોય છે, પરંતુ અહીં એસઓજીની આટલી બધી ઉતાવળ અને રસ ઉડીને આંખે વળગે તેવો હતો, જેની પાછળનું કારણ હવે આ વીડિયો કનેક્શનથી સ્પષ્ટ થઈ રહ્યું છે. અધિકારીઓનું રહસ્યમય મૌન અને ઘેરાતી શંકાઓ શરૂઆતના દિવસોથી જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના આ બંને જવાબદાર અધિકારીઓની ભૂમિકા સવાલોના ઘેરામાં હતી. હવે જ્યારે 26 એપ્રિલના રોજ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન વખતનો આ જીવતો જાગતો પુરાવો અને વીડિયો સામે આવ્યો છે, ત્યારે બિલ્ડર લાખાણી સાથેના તેમના ઘરબોના સંબંધો જગજાહેર થઈ ગયા છે. સૌથી મોટો અને ગંભીર સવાલ એ ઊભો થાય છે કે, આટલા મોટા વિવાદાસ્પદ ભૂતિયા ડિમોલિશન કાંડમાં નામ ઉછળ્યા બાદ પણ બંને ઉચ્ચ અધિકારીઓ અત્યાર સુધી કેમ મૌન સેવીને બેઠા છે? પોલીસ કમિશનર કે ઉચ્ચ કક્ષાએથી આ મામલે કોઈ કડક તપાસના આદેશ આપવામાં આવશે કે પછી આ આખા મામલા પર ઠંડું પાણી રેડી દેવામાં આવશે, તેના પર હવે સૌની નજર મંડાયેલી છે. ડિમોલિશનમાં દેખાયા બિલ્ડરોના આર્કિટેક્ટ રજની અને દિવ્યેશ, SMCમાં સુજલ પ્રજાપતિનો ખૌફ આ સમગ્ર કૌભાંડમાં જેનું નામ સૌથી મોખરે છે તે સુજલ પ્રજાપતિનો ખૌફ પાલિકાના ઉચ્ચ વર્તુળોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પાલિકાના જ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુજલ પ્રજાપતિ સામે અત્યાર સુધી કોઈ ઠોસ અને કડક કાર્યવાહી એટલા માટે નથી કરવામાં આવી કારણ કે ઉચ્ચ અધિકારીઓને ડર છે કે જો સુજલ મોં ખોલશે તો પાલિકાના અનેક મોટા માથાઓની પોલ ખુલ્લી પડી જશે. આ 'સુજલ ખૌફ'ને કારણે જ તંત્ર હાલમાં મૌન સાધીને બેઠું છે, જે સામાન્ય જનતામાં ચર્ચાનો મોટો વિષય બન્યો છે. પાલિયા રેસિડેન્સી પ્રોજેક્ટના આર્કિટેક્ટ્સ વીડિયોમાં કેદ, લોકોએ ઘેરી લીધા આ કૌભાંડમાં દરરોજ એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પહેલા બિલ્ડરના ભાઈ ઘનશ્યામ લાખાણીની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા, જેમાં તે 18મી મેના રોજ જેસીબી મશીન લઈને નાસીરનગરમાં ગેરકાયદેસર ડિમોલિશન કરવા પહોંચી ગયો હતો. હવે આ સમગ્ર વિવાદિત પાલિયા રેસિડેન્સી પ્રોજેક્ટ સાથે જોડાયેલા આર્કિટેક્ટ્સ પણ સરેઆમ સ્પોટ પર દેખાતા ખળભળાટ મચી ગયો છે. પ્રોજેક્ટના બે મુખ્ય આર્કિટેક્ટ રજની ટાંક અને દિવ્યેશ ગેડિયા ડિમોલિશન સાઇટ પર હાજર રહીને લોકો સાથે રકઝક કરતા નજરે પડ્યા છે. વાઇરલ વીડિયોમાં સ્થાનિક લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે "આ બિલ્ડરનો મુખ્ય માણસ છે" અને લોકોએ બંને આર્કિટેક્ટ્સને સ્થળ પર જ ઘેરી લીધા હતા. 18મી મેનું જબરીપૂર્વકનું ડિમોલિશન અને સીસીટીવી ફૂટેજની સત્યતા નાસીરનગરમાં ગત 18મી મેના રોજ જે રીતે કાયદાના લીરેલીરા ઉડાડીને જબરીપૂર્વક ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેના સત્તાવાર સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. આ ફૂટેજમાં માત્ર બિલ્ડરના માણસો જ નહીં, પરંતુ ભાજપના વિવાદિત કાર્યકર્તા ઝાકીર શાહ પણ આર્કિટેક્ટ્સની સાથે ખભેખભા મિલાવીને ઉભેલા સ્પષ્ટપણે નજરે પડે છે. આ સીસીટીવી ફૂટેજ સાબિત કરે છે કે, આ ડિમોલિશન કોઈ અકસ્માત કે નિયમબદ્ધ પ્રક્રિયા નહોતી, પરંતુ બિલ્ડર લોબી, આર્કિટેક્ટ્સ અને રાજકીય પીઠબળ ધરાવતા તત્વો દ્વારા પૂર્વઆયોજિત કાવતરું હતું. પહેલા બિલ્ડરના ભાઈ અને હવે પ્રોજેક્ટના આર્કિટેક્ટ્સ ડિમોલિશનની જગ્યા પર સ્પષ્ટ દેખાવા છતાં કાયદાકીય તંત્ર હજુ પણ ઊંઘમાં છે. ભાજપ નેતા મુકેશ ગુજરાતી અને વિવાદિત બિલ્ડર સંજય લાખાણીનું કનેક્શન બીજી બાજુ, આ સમગ્ર વિવાદમાં ઘી હોમવાનું કામ ભાજપના પ્રદેશ બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ કર્યું છે. મુકેશ ગુજરાતી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને ફેસબુક પર સતત આ ગેરકાયદે ડિમોલિશનને યોગ્ય ઠેરવતી અનેક વિવાદિત પોસ્ટ મૂકી રહ્યા છે. ડિમોલિશનની ખુલ્લેઆમ તરફેણ કરનારા આ નેતાજીની વર્ષ 2024ની એક જૂની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેઓ પોતે જ ભારે વિવાદમાં સપડાયા છે. આ તસવીરમાં તેઓ વિવાદિત બિલ્ડર સંજય લાખાણી સાથે આરામથી બેઠેલા જોવા મળે છે અને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ પોસ્ટમાં મુકેશ ગુજરાતીએ સંજય લાખાણીને પોતાના 'ખાસ મિત્ર' ગણાવ્યા છે, જેનાથી બિલ્ડર અને નેતા વચ્ચેની સાંઠગાંઠ હવે જગજાહેર થઈ ગઈ છે. સુજલ પ્રજાપતિ અને જયતિ રામજીવાલાની રહસ્યમય ભૂમિકા વીડિયો ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવે તો તેમાં પાલિકાના અધિકારીઓ સુજલ પ્રજાપતિ અને જ્યાંગ જીવન રામજીવાલા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. તેઓ માત્ર ત્યાં હાજર નહોતા, પરંતુ ડિમોલિશન કરનારાઓને જરૂરી સલાહ-સૂચનો અને માર્ગદર્શન પણ આપી રહ્યા હતા. આટલા મજબૂત પુરાવા હોવા છતાં કમિશનર એમ. નાગરાજન દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પરિણામે, કૌભાંડને દબાવવા માટે એક અધિકારી તાત્કાલિક રજા પર ઉતરી ગયો છે, જ્યારે બીજો અધિકારી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ બંને અધિકારીઓનું ગાયબ થવું જ દર્શાવે છે કે દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. ભાજપ નેતા ઝાકિર શાહ અને પાલિયા પ્રોજેક્ટના લાખાણીએ નાસીરનગરમાં આંગળી ચીંધીને ઘર પડાવ્યા હતા, CCTVમાં ઘટસ્ફોટ પાલિકા કમિશનરની લાચારી!, શું સુજલ તમામ અધિકારીઓની પોલ ખોલી દેશે? સુરત મહાનગરપાલિકાના જાગૃત અધિકારીઓના જણાવ્યા મુજબ, સુજલ પ્રજાપતિ સામે એક્શન લેવા માટે ઉચ્ચ અધિકારીઓ એટલા માટે ડરી રહ્યા છે કારણ કે સુજલ પાસે પાલિકાના ભ્રષ્ટ માળખાની તમામ કુંડળી છે. જો સુજલ સામે સકંજો કસવામાં આવે, તો તે પોતાની સાથે પાલિકાના અનેક મોટા માથાઓને પણ જેલના સળિયા પાછળ ધકેલી શકે તેમ છે. આ જ એકમાત્ર આર્થિક અને રાજકીય કારણ છે કે 16 દિવસનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, કમિશનર કક્ષાએથી માત્ર કાગળ પરની તપાસોના નાટક થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. આ પણ વાંચો.. બિલ્ડર બાદ ભાજપના નેતા સામે મનપા નતમસ્તક, 2-કલાકના ડીંડકના CCTV જનતાનો આક્રોશ અને ન્યાયની આશા પર લટકતી તલવાર નાસીરનગરના સામાન્ય નાગરિકો, જેમના આશિયાના ઉજડી ગયા છે, તેઓ આજે પણ ન્યાય માટે ભટકી રહ્યા છે. એક તરફ રાજકીય વગ ધરાવતા ભાજપના નેતા મુકેશ ગુજરાતી પોતાના બિલ્ડર મિત્ર સંજય લાખાણીના બચાવમાં ફેસબુક વોર ચલાવી રહ્યા છે, તો બીજી તરફ પાલિયા પ્રોજેક્ટના આર્કિટેક્ટ્સ દિવ્યેશ અને રજની ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સુરતની જનતા હવે સવાલ પૂછી રહી છે કે શું બિલ્ડર, નેતા અને સરકારી અધિકારીઓની આ ત્રિપુટી સામે ક્યારેય કડક પગલાં ભરાશે? કે પછી સુજલ પ્રજાપતિના 'ખૌફ' અને પોલ ખોલવાની ધમકી સામે સુરત પાલિકાનું તંત્ર કાયમ માટે ઘૂંટણિયે જ બેસેલું રહેશે? આ પ્રશ્ન અત્યારે સુરતના પ્રત્યેક નાગરિકના મનમાં ઘૂમરાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાંઢીયો બ્રિજ ખૂલ્લો મૂકાતા ST બસનું ભાડું ઘટ્યું:રાજકોટથી મોરબીમાં રૂ.3 થી રૂ.14, જામનગર જતી બસમાં રૂ.16 સુધીનો ઘટાડો : 4 કિ.મી.નું ડાયવર્ઝન બંધ થતા એસટી બસ વહેલી પહોંચશે
    Next Article
    Ahmedabad Property Rates Hike Live | અમદાવાદમાં ઘરનું ઘર થશે મોંઘું, 1 જૂલાઈથી ભાવ વધારો? | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment