Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નશાનાં કાળા કારોબારનો પર્દાફાશ:SOGએ 42.08 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો, રિંગ રોડ પરથી ચોરીની 19 સાયકલો સાથે 4 કિશોરો ઝડપાયા

    2 days ago

    રાજકોટમાં યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નાર્કોટીક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ તેમજ સેવન કરનારા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે "SAY NO TO DRUGS" મિશન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત એસઓજી (નાર્કોટીક્સ સેલ) ની ટીમને એક મોટી સફળતા મળી છે. SOGની ટીમે માધાપર બેડી બાયપાસ રોડ પર આવેલા મારૂતી સુઝુકી સર્વિસ સ્ટેશનની પાસે, રેલનગર તરફ જવાના રસ્તેથી એક શખ્સને માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.)ના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. 42.08 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો 39 વર્ષીય નરેન્દ્ર રામોલિયા નામના આ શખ્સ પાસેથી 42.08 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ (એમ.ડી.) કિંમત રૂ. 1,27,240 તેમજ મોબાઈલ અને રોકડ સહિત કુલ રૂ. 1,38,510 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ આરોપી વિરૂદ્ધ પ્રધ્યુમનનગર પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક તપાસમાં આરોપી વિરુદ્ધ જૂનાગઢમાં નકલી ચલણી નોટનો ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને રાજકોટમાં કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે. 150 ફૂટ રિંગ રોડ પરથી ચોરીની 19 સાયકલો સાથે 4 કિશોરો ઝડપાયા રાજકોટ શહેરનાં 150 ફૂટ રિંગ રોડ પરથી ચોરીની 19 સાયકલો સાથે 4 કિશોરો ઝડપાયા છે. તાલુકા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, 4 બાળ-કિશોરો ચોરીની સાયકલો સાથે નવા 150 ફૂટ રિંગ રોડ, પરસાણા ચોક નજીક ઉભા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને આ ચારેય કિશોરોને ચાર સાયકલો સાથે રંગેહાથ ઝડપી લીધા હતા. આ સાયકલોના બિલ કે કાયદેસરના આધાર-પુરાવા માંગ્યા, ત્યારે કિશોરો કોઈ પણ દસ્તાવેજ રજૂ કરી શક્યા નહોતા. જેથી પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં કિશોરોએ ચોરીના મોટા નેટવર્કનો ખુલાસો કર્યો હતો. તેઓએ કબૂલાત કરી હતી કે, રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાંથી સાયકલો ચોરી કરીને તેઓ અવધના ઢાળ પાસે વીર સાવરકર ક્વાર્ટર્સની અંદર, પાણીના સંપની બાજુમાં એક ખંઢેર જેવા મકાનમાં સંતાડતા હતા. આ કબૂલાતના આધારે પોલીસે ખંઢેરમાંથી અન્ય 15 સાયકલો શોધી કાઢી હતી. આમ, પોલીસે કુલ રૂ. 95,000 ની અંદાજિત કિંમતની 19 ચોરાઉ સાયકલો મુદ્દામાલ તરીકે કબ્જે કરી છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા ચારેય કિશોરોના વાલીઓને પોલીસ સ્ટેશને બોલાવી સમગ્ર મામલે યોગ્ય સમજણ આપીને કિશોરોને તેમને સોંપ્યા છે. રાજકોટમાં આપઘાતના અલગ-અલગ ચાર બનાવો નોંધાયા રાજકોટ શહેરમાં આપઘાતના અલગ-અલગ 4 બનાવો પ્રકાશમાં આવ્યા છે. પ્રથમ બનાવમાં જામનગર રોડ પર નવી કોર્ટ પાસે પરશુરામ પાર્ક શેરી નંબર 4માં રહેતા 29 વર્ષીય હાર્દિક મનીષભાઈ મણીયારે 13/06/2026ના રોજ સવારે 09:40 વાગ્યાની આસપાસ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું, જે અંગે ગાંધીગ્રામ-2 (યુની.) પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે. બીજા બનાવમાં સંત કબીર રોડ પર શક્તિ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય ઘનશ્યામભાઈ વસંતલાલ મેરે ગત 11/06/2026ના રોજ આજીડેમ પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન 13/06/2026ના રોજ બપોરે 16:00 વાગ્યે તેમનું મોત નીપજતાં આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રીજા બનાવમાં વેજા ગામના રહેવાસી 26 વર્ષીય અજય રઘુભાઈ ઝીંઝુવાડીયાએ ગત 11/06/2026ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન 13 જૂનનાં બપોરે 13:40 વાગ્યે દમ તોડ્યો હતો, જેની નોંધ પણ ગાંધીગ્રામ-2 (યુની.) પોલીસે લીધી છે. ચોથા બનાવમાં મોટા મૌવા રોડ પર વિરાણી રેસિડેન્સીમાં રહેતા હિતેશ વલ્લભભાઈ બારસીયાએ ગત 09/06/2026ના રોજ સવારે 07:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે ઘઉંમાં નાખવાની જંતુનાશક દવા પીધી હતી, જેમનું સારવાર દરમિયાન 14/06/2026ના રોજ સવારે 11:20 વાગ્યે મોત નીપજતા આજી ડેમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયાના મોહમાં બેંક એકાઉન્ટ ભાડે આપવુ ભારે પડ્યું રાજકોટમાં સાયબર ક્રાઇમ પોલીસે પૂર્વ આયોજિત કાવતરું રચીને સાયબર ફ્રોડ કરતા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. જેમાં આરોપીઓએ સાયબર ફ્રોડ અથવા ઠગાઈથી આવેલા નાણાં હોવાની સંપૂર્ણ જાણકારી હોવા છતાં, પોતાના આર્થિક લાભ મેળવવાના હેતુસર બેંક ખાતાઓ ઉપલબ્ધ કરાવ્યા હતા. આ ખાતાઓમાં ફ્રોડના નાણાં મેળવી, તેને ઉપાડી કે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી બદલામાં કમિશન મેળવી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવી ગુનો આચર્યો હતો. જેને લઈને 40 વર્ષીય ધર્મેન્દ્ર પ્રતાપસિંહ જેઠવા તથા ગૌરવ મુકેશભાઈ કેશરીયા અને તપાસમાં ખુલતા અન્ય તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. આ ગુનો તારીખ 27/11/2025 ના રોજ તથા ત્યારબાદ આચરવામાં આવ્યો હતો, જેની ફરિયાદ તારીખ 13/06/2026 ના રોજ નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આંબેડકરનગરમાં જૂની અદાવતમાં યુવક અને તેની માતા પર હુમલો રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આંબેડકરનગર શેરી નંબર 14માં જૂની અદાવતનો ખાર રાખીને એક યુવક અને તેની માતા પર લાકડીઓ અને ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર, 31 વર્ષીય ફરિયાદી કિશન પરમાર પોતાની શેરીમાં રોડ પર આરોપી વિજય ચાવડા સાથે બેઠા હતા. તે દરમિયાન અન્ય આરોપી પ્રકાશ ચાવડા ત્યાં આવ્યો હતો અને 'તે હમીર ચાવડા સાથે કેમ સંબંધ રાખેલ છે, મારે તેની સાથે જૂનો વાંધો ચાલે છે' તેમ કહીને કિશનને મોઢાના ભાગે ઢીકા માર્યા હતા. કિશનભાઈ ત્યાંથી ભાગીને પોતાના ઘરે ગયા હતા અને માતા ચંપાબેનને વાત કરી રહ્યા હતા, ત્યારે આરોપી પ્રકાશ ચાવડા, વૈશાલીબેન ચાવડા અને વિજય ચાવડા તેમના ઘરે ધસી આવ્યા હતા. આરોપીઓએ સાહેદ ચંપાબેનને ધક્કો મારી નીચે પાડી દીધા હતા અને ઝાપટ તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. આટલેથી ન અટકતા આરોપીઓએ કિશનભાઈ અને તેમની માતાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો ભાંડી હતી. તેમજ પ્રકાશ અને વિજયે ધોકા વડે બેરહેમીથી માર મારી કિશનને જમણા પગમાં નળાના ભાગે ફ્રેક્ચર સહિત શરીરે મૂંઢ ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે થોરાળા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહોરમ પર્વને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું રાજકોટ શહેરમાં આગામી તા. 26-27 જૂને મુસ્લિમ સમુદાય દ્વારા મહોરમ (તાજીયા)ના તહેવારની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિક વ્યવસ્થા સુગમ રહે તથા ઝુલુસ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા એક ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 17 જુનથી 28 જૂન સુધી પોલીસ કમિશનરેટ વિસ્તારમાં અમલી રહેશે. જાહેરનામા અનુસાર, તાજીયાની બેઠક સહિત 9 ફૂટ કરતા વધારે ઊંચાઈના તાજીયા બનાવવા, વેચવા કે જાહેર માર્ગો ઉપર પરિવહન કરવા પર સખત પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત નિયત સ્થળ સિવાય તાજીયા રાખવા, બિનવારસી હાલતમાં મૂકવા, કે અન્ય ધર્મની લાગણી દુભાય એવા ચિન્હોનો ઉપયોગ કરવા પર રોક લગાવવામાં આવી છે. મંજૂર થયેલા રૂટ સિવાય અન્ય માર્ગો પર તાજીયા લઈ જઈ શકાશે નહીં તેમજ રાત્રે 22/00 થી સવારના 06/00 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ રહેશે. જાહેર રસ્તાઓ પર ગંદકી અટકાવવા કચરાપેટી રાખવાની જવાબદારી તાજીયા કમિટીની રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ‘પૂજા નિર્માલ્ય કલેક્શન વાન’ શરૂ કરવા માંગ:ધાર્મિક લાગણીઓ અને પર્યાવરણની જાળવણી માટે કોંગ્રેસ નેતા ભૌતિક ભટ્ટની પાલિકાને રજૂઆત
    Next Article
    Panchmahal Teacher News | મંત્રીના શિક્ષકો અંગેના નિવેદનને લઈને ભારે રોષ | Education | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment