Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ નેતા અને વિવાદિત બિલ્ડર લાખાણીનું કનેક્શન:ડિમોલિશનમાં દેખાયા બિલ્ડરોના આર્કિટેક્ટ રજની અને દિવ્યેશ, SMCમાં સુજલ પ્રજાપતિનો ખૌફ, અધિકારીઓ એક્શન લેતા કેમ ધ્રુજે છે?

    17 hours ago

    સુરતના નાસીરનગર ‘ભૂતિયા’ ડિમોલિશન પ્રકરણને આજે પૂરા 16 દિવસ વીતી ગયા હોવા છતાં સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના હાથ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં ધ્રુજી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ સમગ્ર કૌભાંડમાં જેનું નામ સૌથી મોખરે છે તે સુજલ પ્રજાપતિનો ખૌફ પાલિકાના ઉચ્ચ વર્તુળોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. પાલિકાના જ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, સુજલ પ્રજાપતિ સામે અત્યાર સુધી કોઈ ઠોસ અને કડક કાર્યવાહી એટલા માટે નથી કરવામાં આવી કારણ કે ઉચ્ચ અધિકારીઓને ડર છે કે જો સુજલ મોં ખોલશે તો પાલિકાના અનેક મોટા માથાઓની પોલ ખુલ્લી પડી જશે. આ 'સુજલ ખૌફ'ને કારણે જ તંત્ર હાલમાં મૌન સાધીને બેઠું છે, જે સામાન્ય જનતામાં ચર્ચાનો મોટો વિષય બન્યો છે. પાલિયા રેસિડેન્સી પ્રોજેક્ટના આર્કિટેક્ટ્સ વીડિયોમાં કેદ, લોકોએ ઘેરી લીધા આ કૌભાંડમાં દરરોજ એક પછી એક નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પહેલા બિલ્ડરના ભાઈ ઘનશ્યામ લાખાણીની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા, જેમાં તે 18મી મેના રોજ જેસીબી મશીન લઈને નાસીરનગરમાં ગેરકાયદેસર ડિમોલિશન કરવા પહોંચી ગયો હતો. હવે આ સમગ્ર વિવાદિત પાલિયા રેસિડેન્સી પ્રોજેક્ટ સાથે જોડાયેલા આર્કિટેક્ટ્સ પણ સરેઆમ સ્પોટ પર દેખાતા ખળભળાટ મચી ગયો છે. પ્રોજેક્ટના બે મુખ્ય આર્કિટેક્ટ રજની ટાંક અને દિવ્યેશ ગેડિયા ડિમોલિશન સાઇટ પર હાજર રહીને લોકો સાથે રકઝક કરતા નજરે પડ્યા છે. વાઇરલ વીડિયોમાં સ્થાનિક લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે "આ બિલ્ડરનો મુખ્ય માણસ છે" અને લોકોએ બંને આર્કિટેક્ટ્સને સ્થળ પર જ ઘેરી લીધા હતા. 18મી મેનું જબરીપૂર્વકનું ડિમોલિશન અને સીસીટીવી ફૂટેજની સત્યતા નાસીરનગરમાં ગત 18મી મેના રોજ જે રીતે કાયદાના લીરેલીરા ઉડાડીને જબરીપૂર્વક ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, તેના સત્તાવાર સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે. આ ફૂટેજમાં માત્ર બિલ્ડરના માણસો જ નહીં, પરંતુ ભાજપના વિવાદિત કાર્યકર્તા ઝાકીર શાહ પણ આર્કિટેક્ટ્સની સાથે ખભેખભા મિલાવીને ઉભેલા સ્પષ્ટપણે નજરે પડે છે. આ સીસીટીવી ફૂટેજ સાબિત કરે છે કે, આ ડિમોલિશન કોઈ અકસ્માત કે નિયમબદ્ધ પ્રક્રિયા નહોતી, પરંતુ બિલ્ડર લોબી, આર્કિટેક્ટ્સ અને રાજકીય પીઠબળ ધરાવતા તત્વો દ્વારા પૂર્વઆયોજિત કાવતરું હતું. પહેલા બિલ્ડરના ભાઈ અને હવે પ્રોજેક્ટના આર્કિટેક્ટ્સ ડિમોલિશનની જગ્યા પર સ્પષ્ટ દેખાવા છતાં કાયદાકીય તંત્ર હજુ પણ ઊંઘમાં છે. ભાજપ નેતા મુકેશ ગુજરાતી અને વિવાદિત બિલ્ડર સંજય લાખાણીનું કનેક્શન બીજી બાજુ, આ સમગ્ર વિવાદમાં ઘી હોમવાનું કામ ભાજપના પ્રદેશ બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક મુકેશ ગુજરાતીએ કર્યું છે. મુકેશ ગુજરાતી છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને ફેસબુક પર સતત આ ગેરકાયદે ડિમોલિશનને યોગ્ય ઠેરવતી અનેક વિવાદિત પોસ્ટ મૂકી રહ્યા છે. ડિમોલિશનની ખુલ્લેઆમ તરફેણ કરનારા આ નેતાજીની વર્ષ 2024ની એક જૂની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેઓ પોતે જ ભારે વિવાદમાં સપડાયા છે. આ તસવીરમાં તેઓ વિવાદિત બિલ્ડર સંજય લાખાણી સાથે આરામથી બેઠેલા જોવા મળે છે અને તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ પોસ્ટમાં મુકેશ ગુજરાતીએ સંજય લાખાણીને પોતાના 'ખાસ મિત્ર' ગણાવ્યા છે, જેનાથી બિલ્ડર અને નેતા વચ્ચેની સાંઠગાંઠ હવે જગજાહેર થઈ ગઈ છે. સુજલ પ્રજાપતિ અને જયતિ રામજીવાલાની રહસ્યમય ભૂમિકા વીડિયો ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવે તો તેમાં પાલિકાના અધિકારીઓ સુજલ પ્રજાપતિ અને જ્યાંગ જીવન રામજીવાલા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. તેઓ માત્ર ત્યાં હાજર નહોતા, પરંતુ ડિમોલિશન કરનારાઓને જરૂરી સલાહ-સૂચનો અને માર્ગદર્શન પણ આપી રહ્યા હતા. આટલા મજબૂત પુરાવા હોવા છતાં કમિશનર એમ. નાગરાજન દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી. પરિણામે, કૌભાંડને દબાવવા માટે એક અધિકારી તાત્કાલિક રજા પર ઉતરી ગયો છે, જ્યારે બીજો અધિકારી રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ બંને અધિકારીઓનું ગાયબ થવું જ દર્શાવે છે કે દાળમાં કંઈક કાળું નથી, પણ આખી દાળ જ કાળી છે. પાલિકા કમિશનરની લાચારી!, શું સુજલ તમામ અધિકારીઓની પોલ ખોલી દેશે? સુરત મહાનગરપાલિકાના જાગૃત અધિકારીઓના જણાવ્યા મુજબ, સુજલ પ્રજાપતિ સામે એક્શન લેવા માટે ઉચ્ચ અધિકારીઓ એટલા માટે ડરી રહ્યા છે કારણ કે સુજલ પાસે પાલિકાના ભ્રષ્ટ માળખાની તમામ કુંડળી છે. જો સુજલ સામે સકંજો કસવામાં આવે, તો તે પોતાની સાથે પાલિકાના અનેક મોટા માથાઓને પણ જેલના સળિયા પાછળ ધકેલી શકે તેમ છે. આ જ એકમાત્ર આર્થિક અને રાજકીય કારણ છે કે 16 દિવસનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, કમિશનર કક્ષાએથી માત્ર કાગળ પરની તપાસોના નાટક થઈ રહ્યા છે, પરંતુ વાસ્તવિકતામાં કોઈ જ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. જનતાનો આક્રોશ અને ન્યાયની આશા પર લટકતી તલવાર નાસીરનગરના સામાન્ય નાગરિકો, જેમના આશિયાના ઉજડી ગયા છે, તેઓ આજે પણ ન્યાય માટે ભટકી રહ્યા છે. એક તરફ રાજકીય વગ ધરાવતા ભાજપના નેતા મુકેશ ગુજરાતી પોતાના બિલ્ડર મિત્ર સંજય લાખાણીના બચાવમાં ફેસબુક વોર ચલાવી રહ્યા છે, તો બીજી તરફ પાલિયા પ્રોજેક્ટના આર્કિટેક્ટ્સ દિવ્યેશ અને રજની ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સુરતની જનતા હવે સવાલ પૂછી રહી છે કે શું બિલ્ડર, નેતા અને સરકારી અધિકારીઓની આ ત્રિપુટી સામે ક્યારેય કડક પગલાં ભરાશે? કે પછી સુજલ પ્રજાપતિના 'ખૌફ' અને પોલ ખોલવાની ધમકી સામે સુરત પાલિકાનું તંત્ર કાયમ માટે ઘૂંટણિયે જ બેસેલું રહેશે? આ પ્રશ્ન અત્યારે સુરતના પ્રત્યેક નાગરિકના મનમાં ઘૂમરાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં એક મહિનાના ભક્તિ કાર્યક્રમનું સમાપન:સિદ્ધનાથ મહાદેવ મંદિરે ગૌરી માતાજીનું જલવિસર્જન કરાયું
    Next Article
    સરકારી શાળાઓનું ટ્રાન્સપોર્ટેશન ઠપ્પ થતા વાલીઓ પરેશાન.:નવું સત્ર શરૂ થયાના 10 દિવસ બાદ પણ બસ સેવા બંધ: રોજગારી ગુમાવી બાળકોને લેવા-મૂકવા જવા વાલીઓ મજબૂર, તંત્રએ આપ્યું આશ્વાસન.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment