Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SD Appએ 635 કરોડ લૂંટ્યા, કચ્ચો ચિઠ્ઠો ભાસ્કર પાસે:રોકાણના નફાથી ડિફેન્ડર-ઓડી ખરીદ્યાના દાવા, લાખો લોકોના કરોડો પડાવી ભાગનાર મહેસાણાના ધવલ પટેલના ઘર-ઓફિસ પહોંચ્યું ભાસ્કર

    19 hours ago

    અમરેલી પોલીસે ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. SD Pay અને Apna Pay નામની મોબાઈલ એપ્લિકેશન દ્વારા રોકાણ પર દૈનિક ઊંચા વળતરની લાલચ આપીને 635 કરોડથી વધુનું કૌભાંડ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે અમરેલી પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી મહેસાણા જિલ્લાના જોટાણાનો ધવલ પટેલ ફરાર છે. ઘટનાની ગંભીરતા અને વ્યાપ જોતા ભાસ્કરે પણ આ કેસમાં પેરેલલ ઇન્વેસ્ટિગેશન કર્યું. ભાસ્કર રિપોર્ટર જયદેવ વરુએ આ મામલે અમરેલી SP સાથે વાત કરી કૌભાંડના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો તો મહેસાણાના રિપોર્ટર અપૂર્વ રાવળ મુખ્ય આરોપી ધવલ પટેલની તે ઓફિસ કે જ્યાંથી આ મસમોટું કૌભાંડ આચરવા માટેે પ્રથમ ઓફિસ રજિસ્ટર્ડ થઈ હતી તે સરનામે અને ઘરે પહોંચ્યા હતા. તો ગાંધીનગરના રિપોર્ટર દિપક શ્રીમાળી ગાંધીનગરમાં રજિસ્ટર્ડ ઓફિસે પહોંચ્યા હતા. ભાસ્કરના પેરેલલ ઇન્વેસ્ટિગેશનમાં ખૂબજ ચોંકાવનારી વિગતો સામે આવી. આ મસમોટું કૌભાંડ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યોમાં પણ ફેલાયેલું છે. સાથે જ અત્યાર સુધીમાં 635 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીની વાત સામે આવી છે, પરંતુ આ મામલે તપાસ આગળ વધતા કૌભાંડનો આંકડો ખૂબજ મોટો અને ચોંકાવનારો હોઈ શકે છે અને શક્ય છે કે આ મામલે SMC તથા કેન્દ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ શકે. તો આવો ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડ કૌભાંડની વિગતે વાત કરીએ. ‘બે મહિના પહેલા મળેલી અરજીથી તપાસ શરૂ’ આ સમગ્ર કૌભાંડ અંગે દિવ્ય ભાસ્કરે અમરેલી ASP જયવીર ગઢવી સાથે વાતચીત કરી હતી, જેમાં તેમણે કૌભાંડ આચરવામાં આરોપીઓની મોડસ ઓપરેન્ડી, કૌભાંડની તપાસ, આરોપીઓનું બેકગ્રાઉન્ડ સહિતની વિગતો જણાવી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આશરે બે મહિના પહેલા કેટલાક અરજદારો અરજી લઈને પહોંચ્યા હતા. અરજદારોના જણાવ્યા મુજબ તેમણે SD Pay એપમાં લાખો રૂપિયા રોકાણ કર્યા હતા અને તેમને દરરોજ આશરે 0.15 ટકા કે તેથી વધુ વળતર આપવાની સ્કીમ બતાવવામાં આવી હતી. જોકે, પૈસા ઉપાડવાનો પ્રયાસ કરતાં વિથડ્રોઅલ થઈ શકતું ન હતું. ‘માર્ચ 2026થી મોટી સંખ્યામાં રોકાણકારોના પેમેન્ટ અને વિથડ્રોઅલ અટક્યા’ પોલીસે અરજીના આધારે તપાસ હાથ ધરતા એપ્લિકેશનના પ્લે સ્ટોર પર 10 લાખથી વધુ ડાઉનલોડ્સ હોવાનું સામે આવ્યું હતું. વધુ તપાસમાં તેના યુઝર્સની સંખ્યા પણ લાખોમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ માર્ચ 2026થી મોટી સંખ્યામાં રોકાણકારોના પેમેન્ટ અને વિથડ્રોઅલ અટકી ગયા હતા. રિચાર્જ, લાઇટ બિલ પેમેન્ટ, IMPS મારફતે નાણાં ઉપાડવાની સુવિધા આપી વિશ્વાસ જીત્યો આરોપીઓએ એપને માત્ર રોકાણ માટેની એપ તરીકે નહીં, પરંતુ Google Pay અને PhonePeના વિકલ્પ તરીકે પણ રજૂ કરી હતી. એપ મારફતે મોબાઈલ રિચાર્જ, લાઇટ બિલ પેમેન્ટ અને IMPS મારફતે નાણાં ઉપાડવાની સુવિધા હોવાનો દાવો કરવામાં આવતો હતો. આ સુવિધાઓના કારણે લોકોમાં એપ પ્રત્યે વિશ્વાસ ઊભો કરવામાં આવ્યો અને ત્યારબાદ રોકાણ માટે પ્રોત્સાહિત કરવામાં આવતા હોવાનું પોલીસનું કહેવું છે. વધુ રોકાણ સામે વધુ વ્યાજની લાલચની મોડસ ઓપરેન્ડી ASP જયવીર ગઢવીના જણાવ્યા મુજબ આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે શરૂઆતમાં નાની રકમનું રોકાણ કરનારને પણ દૈનિક વળતર આપવાની વાત કરવામાં આવતી હતી. ઉદાહરણ તરીકે, રૂ.1,000ના રોકાણ પર એક દિવસનું આશરે રૂ.1.50 વળતર અને રૂ.25 હજારથી રૂ.1 લાખ સુધીના રોકાણ પર વધુ વળતર આપવાની સ્કીમ દર્શાવવામાં આવતી હતી. રોકાણની રકમ જેટલી વધારે, તેટલું વધુ વ્યાજ મળવાની લાલચ આપવામાં આવતી હતી. શરૂઆતમાં એપમાં ટ્રાન્સફર અને બેન્ક વિથડ્રોઅલ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ હોવાથી લોકો વધુ રકમ રોકાણ કરતા ગયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. છ આરોપીઓની ધરપકડ, તપાસ માટે SITની રચના પોલીસે અત્યાર સુધીમાં છ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ ધવલ પટેલે નીરવ પટેલને કેટલીક કંપનીઓમાં ડિરેક્ટર બનાવ્યો હતો. આ ઉપરાંત સૂર્યસિંહ રાઠોડ સહિત અન્ય આરોપીઓ પણ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે જોડાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. નાણાકીય વ્યવહારો અને કંપનીઓમાં તેમની ભૂમિકાના આધારે પુરાવા એકત્ર કરી ધરપકડ કરવામાં આવી છે. અમરેલી SPએ સમગ્ર કેસની તપાસ માટે SITની રચના કરી છે. તપાસના અલગ-અલગ પાસાં માટે PI અને PSIની ટીમો બનાવવામાં આવી છે. હાલમાં અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે નાણાકીય વ્યવહારો સહિત તમામ પાસાંની તપાસ ચાલી રહી છે. સેમિનાર યોજી લોકોને એપમાં રોકાણ માટે સમજાવતા પોલીસ તપાસમાં એવી પણ વિગતો સામે આવી છે કે આરોપીઓ દ્વારા અલગ-અલગ સ્થળોએ SD Pay અંગે સેમિનાર યોજવામાં આવતા હતા. આ સેમિનારમાં લોકોને એપની કામગીરી અને રોકાણથી મળનારા વળતર અંગે સમજાવવામાં આવતું હતું. પોલીસને મળેલા પુરાવા અને આરોપીઓની ભૂમિકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું ASP જયવીર ગઢવીએ જણાવ્યું છે. અન્ય રાજ્યોમાંથી પણ ફરિયાદો આવવાની શરૂઆત પોલીસના જણાવ્યા મુજબ અત્યાર સુધી તપાસ દરમિયાન જે બેન્ક એકાઉન્ટ્સ મળ્યા છે, તેમના ટ્રાન્ઝેક્શનની વિગતોના આધારે રૂ.635 કરોડની છેતરપિંડીનો આંકડો સામે આવ્યો છે. જોકે, આ આંકડો હજુ વધી શકે છે. ભાસ્કર રિપોર્ટર જ્યારે આ બાબતે અમરેલી ASP સાથે વાત કરતા હતા તેે દરમિયાન જ એક નાગરિકનો ફરિયાદ કરવા ફોન આવ્યો હતો. ભાસ્કર રિપોર્ટરે પૂર્વ મંજૂરીથી ફરિયાદી અને ASP વચ્ચેની થોડી વાતચીતને રેકોર્ડ કરી હતી. તેના અંશો નીચે મુજબ છે. નાગરિક: SD Pay એપમાં અમારા પણ 2.50 લાખ ફસાયેલા છે. પોલીસ: ઓકે, ઓકે. આપે કોના રેફરન્સથી ઇન્વેસ્ટ કર્યું હતું આનામાં? નાગરિક: હા, એક શૈલેષભાઈ કરીને છે અમારે. પોલીસ: એ આપના શું થાય? નાગરિક: એ કાંઈ નથી થતા, સગા નથી થતા પણ એમનેમ જ ઓળખીએ છીએ. પોલીસ: કાંઈ વાંધો નહીં. તો આપ અથવા આપની જોડે જે બીજા લોકોને પણ આવી રીતના જે ફ્રોડ થયું હોય, તો અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આવીને આપનું સ્ટેટમેન્ટ લખાવી જાઓ ? અને તમે કેવી રીતના આનામાં પે કર્યું હતું? કોઈ ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે અથવા બીજું કંઈ? તો એનું પણ રેકોર્ડ અમને આપજો. અમરેલીના ભાસ્કર રિપોર્ટરે કૌભાંડના મુખ્ય આરોપી મહેસાણા જિલ્લાના જોટાણાના ધવલ પટેલ અંગે માહિતી આપતા જ અમે મહેસાણાના ભાસ્કર રિપોર્ટરને એક્ટિવ કર્યા. અમે રિપોર્ટરને આ કૌભાંડની શરૂઆત જ્યાંથી થઈ તે રજિસ્ટર્ડ ઓફિસ મોકલ્યા. તો ગાંધીનગરના રિપોર્ટરને ગાંધીનગરમાં રજિસ્ટર્ડ ઓફિસે મોકલ્યા. ભાસ્કર રિપોર્ટર S-27, એસ ક્યૂબ કોમ્પલેક્સ, રાધનપુર રોડ, મહેસાણા પહોંચતાં જ ત્યાં અન્ય કોઈ વ્યક્તિની ઓફિસ હોવાનું સામે આવ્યું, પરંતુ ત્યાં મુખ્ય આરોપી ધવલ પટેલની ઓફિસનું બિસ્માર બોર્ડ પણ પડેલું હતું. તે ઓફિસ ચલાવતા વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અહીંયા હાલ અમે ભાડે દુકાન ચલાવીએ છીએ. અહીં રોજના ત્રણ-ચાર લોકો એસડી પેના નામથી પૂછપરછ કરવા આવી રહ્યા છે. એક વર્ષ અગાઉ જ SD પેની ઓફિસ જે ભાડે હતી એ ખાલી કરવામાં આવી હતી. ત્યારબાદ અવારનવાર લોકો અહીં પૂછપરછ માટે આવી રહ્યા છે. કોઈ દિલ્હીથી તો કોઈ રાજસ્થાનથી આ દુકાનમાં પૂછપરછ માટે આવી રહ્યા છે. સાથે જ ભાસ્કર રિપોર્ટર આરોપી ધવલ પટેલના ઘરે મહેસાણા પાસે આવેલા માકણજ ગામ પહોંચ્યા હતા જ્યાં ઘરે વૃદ્ધ માતા પિતા રહે છે. તેમને વાતચીત કરવાની ના પાડી હતી. ગાંધીનગરમાં રજિસ્ટર્ડ ઓફિસ B- FF507 વૃંદાવન ટ્રેડ સેન્ટર, કુડાસણમાં રિપોર્ટર પહોંચ્યા ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર એસડી હબ પા. લિમિટેડનું બોર્ડ જોવા મળ્યુ, પરંતુ ઓફિસે પહોંચતાં ત્યાં અન્ય ઓફિસ કાર્યરત હોવાનું સામે આવ્યું. રોકાણના ફાયદા દર્શાવતા બ્રોશર વાઇરલ કરતા આ ઈન્વેસ્ટિગેશન દરમિયાન આરોપી સામે થયેલી કેટલીક FIR પણ ભાસ્કરના હાથે લાગી જેનાથી ગુનાની ગંભીરતા છતી થાય છે. તો આવો હવેે એવી 3 FIR વિશે જાણીએ અને આરોપીઓની એમઓ જાણીએ. પ્રથમ કિસ્સો સાવરકુંડલામાં રહેતાં એક મહિલાના પતિને તેમના મિત્ર તથા સુરતના અમરોલીમાં રહેતા એક શખસ મારફતે 'SD Pay' એપ્લિકેશન વિશે માહિતી મળી હતી. તેમને જણાવાયું હતું કે આ એપમાં ગૂગલ પે કે ફોન-પેની જેમ મોબાઇલ રિચાર્જ, બિલ પેમેન્ટ વગેરે જેવી સેવાઓ છે અને તેમાં નાણાં રોકવાથી દર મહિને 9 ટકા રિટર્ન મળે છે. આ ઉપરાંત, મલ્ટી-લેવલ માર્કેટિંગ પદ્ધતિથી અન્ય લોકોને જોડવાથી 30 ટકા સુધીનું સ્પોન્સર કમિશન તથા લેવલ ઇન્કમ મળતી હોવાનું બ્રોશર દર્શાવી રોકાણકારોમાં મોટો વિશ્વાસ ઊભો કર્યો હતો. શરૂઆતમાં સિસ્ટમ બતાવવા માટે નાની રકમ ટ્રાન્સફર કરી નફો દેખાડાયો હતો. શરૂઆતના વળતરથી પ્રેરાઈને ફરિયાદીએ ફેબ્રુઆરી 2026માં પોતાના HDFC બેંક ખાતામાંથી RTGS મારફતે રૂ. 5 લાખ તથા તેમના સસરાના ખાતામાંથી રૂ. 5 લાખ મળી કુલ રૂ. 10 લાખનું રોકાણ એપ્લિકેશનના વર્ચ્યુઅલ એકાઉન્ટમાં કર્યું હતું. માર્ચ 2026થી એપ્લિકેશનમાંથી બેંકમાં નાણાં ઉપાડવાની સુવિધા તેમજ રિચાર્જ અને બિલ પેમેન્ટ જેવી તમામ સેવાઓ બંધ કરી દેવાઈ. પૂછપરછ કરતાં સંચાલકોએ એપ અપડેટ થઈ રહી છે તેવા બહાના કાઢી તારીખ 15 ઓગસ્ટ 2026 સુધીમાં સેવાઓ શરૂ થઈ જવાની ખોટી બાંહેધરી આપી હતી, જે બાદ પણ સેવા શરૂ થઈ ન હતી. બીજો કિસ્સો જયપુરના શાસ્ત્રીનગરમાં રહેતા ડૉ.ભૂપેન્દ્ર સિંહે નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2024માં સોશિયલ મીડિયા પર એસ.ડી. હબ કંપનીની રોકાણ યોજનાની જાહેરાત જોઈ હતી. ત્યારબાદ કંપની તરફથી સંપર્ક કરી અજમેર રોડ (ચિત્રકૂટ) સ્થિત તેમની ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં બાબુલાલ ગોરા નામના શખસે લલચાવીને જણાવ્યું હતું કે, જો તેઓ ₹5 લાખનું રોકાણ કરશે તો દર મહિને ₹1,20,000 નફો અને ₹60,000 બોનસ મળશે. ઉપરાંત તેણે પોતે આ કંપનીમાંથી કમાણી કરીને ઓડી અને ડિફેન્ડર જેવી લક્ઝુરિયસ ગાડીઓ ખરીદી હોવાનો દાવો કર્યો હતો. કંપનીએ રોકાણકારોને ફોન-પે/ગુગલ-પે જેવી ‘SD Pay’ નામની એપ ડાઉનલોડ કરાવી હતી. કંપનીની ઓફિસો ગાંધીનગર, મહેસાણા અને જયપુરમાં ધમધમતી હતી. રોકાણકારો પાસેથી આંગડિયા મારફતે લાખો રૂપિયા રોકડા મેળવી એપના વોલેટમાં રકમ દર્શાવવામાં આવતી હતી. એપ્રિલ 2026માં માનસરોવર ખાતે એક ભવ્ય સેમિનાર યોજી એવી જાહેરાત કરવામાં આવી કે 'એસ ડી પે' નું નામ બદલીને 'અપના પે' (Apna Pay) કરવામાં આવ્યું છે અને તેને RBIનું લાઇસન્સ મળી ગયું છે. રોકાણ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો અને રોજના 0.5%થી 1.5% વળતર આપવાનો વિશ્વાસ અપાયો હતો. આ ભરોસામાં આવીને ફરિયાદી ડૉ. ભૂપેન્દ્ર સિંહે ₹15 લાખનું રોકાણ કર્યું હતું, જ્યારે તેમના પરિચિત દીપેશ ગોયલ સહિત 100થી 120 લોકોએ અંદાજે ₹15થી 20 કરોડનું રોકાણ કર્યું હતું. જૂન 2026માં જ્યારે રોકાણકારોએ પોતાનાં નાણાં ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે કંપનીએ એપનું વોલેટ બ્લોક કરી દીધું હતું. સંપર્ક કરતાં ટેકનિકલ ખામીનું બહાનું બતાવ્યા બાદ આરોપીઓએ નાણાં પરત કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો અને ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. ત્રીજો કિસ્સો સુરતના કામરેજ ખાતે કેટલ ફાર્મ અને ટેક્સટાઈલનો વ્યવસાય કરતા વેપારીનો સેલવાસના સંતોષ કનૈયાલાલ પાઠક નામના નેટવર્ક માર્કેટિંગ લીડરે સંપર્ક કર્યો હતો. તેણે શરૂઆતમાં વિવિધ MLM અને ક્રિપ્ટો સ્કીમ્સ સમજાવ્યા બાદ 'NFT PLACE' અને 'Sd pay' એપ વિશે માહિતી આપી હતી. આરોપીઓએ દાવો કર્યો હતો કે 'Sd pay'માં રોકાણ કરવાથી 90 દિવસમાં નાણાં પાંચ ગણા થશે અને 'NFT PLATFORM'માં રોકાણ કરવાથી 222 દિવસમાં નાણાં પાંચ ગણા થઈ જશે. સંતોષ પાઠકની ખાતરી અને બાંહેધરી બાદ ફરિયાદીએ મુંબઈના મિત્ર મારફતે આશરે 9,000 USDT ડોલર (અંદાજે રૂ. 8,10,000) આપેલ ક્રિપ્ટો વોલેટ એડ્રેસ પર ટ્રાન્સફર કર્યા હતા. રોકાણ બાદ ફરિયાદીના આઈડી પર દૈનિક 200 ડોલર જમા થવાની વિગતો બતાવવામાં આવતી હતી, પરંતુ જ્યારે ફરિયાદીએ રૂપિયા ઉપાડવા પ્રયાસ કર્યો, ત્યારે કંપની દ્વારા 25 એપ્રિલ પછી જ વિડ્રોલ થશે તેમ કહી બહાના બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડાક ડોલરનું વળતર પરત આપી બાકીની રકમ આપવા બાબતે ટાળમટોળ કરી હતી અને અંતે "કંપની માર્કેટમાંથી ઉઠી ગઈ છે" તેમ કહી રોકાણકારો સાથે વિશ્વાસઘાત આચર્યો હતો. ફરિયાદીએ કરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે ગાંધીનગરના કુડાસણ તથા મહેસાણા ખાતે ઓફિસો ધરાવતી 'S.D Hub (OPC) Pvt. Ltd.' કંપની દ્વારા 'SD Pay' નામની હાઇપર-લોકલ ડિજિટલ સર્વિસિસ એપ વિકસાવવામાં આવી છે. આ એપમાં યુઝર્સને વોલેટમાં ઓછામાં ઓછા રૂ. 1,000 રાખવા પર દૈનિક કેશબેક (વ્યાજ) અને 30 દિવસ રાખવા પર 50% બોનસની સ્કીમો દર્શાવવામાં આવી હતી. વધુમાં, રેફરલ કોડ દ્વારા લેવલ-1થી લેવલ-15 સુધી 3% થી 30% સુધીના કેશબેક/કમિશનની સ્કીમો ચલાવવામાં આવતી હતી. સેમિનારો અને યુટ્યુબ વીડિયોના માધ્યમથી લોકોને ગેરમાર્ગે દોરી ઊંચા નફાની લાલચ અપાતી હતી. તપાસમાં જણાયું છે કે આ સ્કીમો માટે RBI કે SEBIની કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી કે રજીસ્ટ્રેશન લેવામાં આવ્યું નહોતું.
    Click here to Read More
    Previous Article
    સ્ટાલિને કહ્યું-સીએમ વિજય રીલથી જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે:સિનેમાની જેમ ચલાવી રહ્યા છે સરકાર; જડબાના વિવાદ પર સ્ટાલિને જવાબ આપ્યો
    Next Article
    પોલીસે દેશી તમાકુના 4640 કિગ્રાના 160 કોથળા જપ્ત કર્યા:લાડોલમાંથી ₹5 લાખની તમાકુ ચોરીનો ભેદ ઉકેલાયો, સિહોરી અને આણંદ જિલ્લાના 7 આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment