Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતની SBI બેંકમાં 50 લાખ નહીં 2 કરોડની લૂંટનો પ્લાન:બેંક કર્મીના જૂઠ્ઠાણાએ તિજોરીમાં રહેલું ગોલ્ડ બચી ગયું, કીમ પાસે બાઈક અને 3 ખાલી થેલા ફેંકી લૂંટારા ભાગ્યા

    13 hours ago

    સુરત શહેરના વરાછા વિસ્તારમાં SBI બેંકમાં 50 લાખની લૂંટ કેસમાં પોલીસ તપાસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. લૂંટારૂઓ માત્ર 50 લાખ નહીં પરંતુ 2થી 3 કરોડની લૂંટ કરવાના ઈરાદે બેંકમાં ઘૂસ્યા હતા. લૂંટારૂઓ પાસે બે નહીં પણ પાંચ મોટી બેગ હતી. જોકે, નસીબજોગ તે સમયે કેશ કાઉન્ટ પર અને કેશ વાનમાં અપેક્ષા કરતા ઓછી રકમ હોવાથી તેઓને માત્ર 50 લાખથી સંતોષ માનવો પડ્યો હતો. લૂંટ બાદ ભાગતી વખતે આ વધારાની ખાલી બેગ તેમના માટે બોજ બની જતાં તેમણે બાઈક પાસે ફેંકી દીધી હતી. કીમ પાસેના કન્યાસી ગામના ખેતરમાંથી મળ્યા પુરાવા લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારૂઓ અત્યંત સાવચેતીપૂર્વક અલગ અલગ દિશામાં ફરાર થયા હતા. જોકે, પોલીસને કીમ પાસેના કન્યાસી ગામ નજીક એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી ત્રણ બાઈક બિનવારસી હાલતમાં મળી હતી. આ બાઈકની બાજુમાં જ વિમલના ત્રણ મોટા ખાલી થેલા પણ મળી આવ્યા હતા. આ એ જ થેલા હતા જે લૂંટારૂઓ કરોડો રૂપિયા ભરવા માટે સાથે લાવ્યા હતા. 50 લાખની રોકડ મળતા બાકીના થેલા નકામાં જણાતા આરોપીઓએ પુરાવાનો નાશ કરવા અથવા ભાગવામાં સરળતા રહે તે હેતુથી બાઈક સાથે આ થેલા પણ ત્યાં જ ફેંકી દીધા હતા. FSLની ટીમે આ સ્થળેથી નમૂનાઓ લઈને તપાસ વધુ તીવ્ર બનાવી છે. કર્મચારીની સતર્કતાએ બે કરોડનું ગોલ્ડ બચ્યું આ લૂંટમાં સૌથી મોટો વળાંક બેંક કર્મચારીની હાજરબુદ્ધિને કારણે આવ્યો હતો. SBIની આ બ્રાન્ચ સુરતમાં ગોલ્ડ લોન આપવાના મામલે બીજા ક્રમે આવે છે. જેનો અર્થ છે કે, ત્યાં હંમેશા કરોડો રૂપિયાનું સોનું તિજોરીમાં સુરક્ષિત હોય છે. લૂંટ સમયે તિજોરીમાં અંદાજે 1.50થી 2 કરોડ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી હતી. લૂંટારૂઓએ કર્મચારી પાસે તિજોરીની ચાવી માંગી હતી, પરંતુ કર્મચારીએ ચાલાકી પૂર્વક ચાવી મેનેજર પાસે છે અને તેઓ અત્યારે બેંકમાં નથી તેવો જવાબ આપ્યો હતો. આ સાંભળીને લૂંટારૂઓએ માત્ર સામે દેખાતી કેશ લઈને ભાગવાનું નક્કી કર્યું હતું. આ સિવાય કેશ વાનમાં પણ લાખો રૂપિયા પડ્યા હતા. જે લૂંટારૂઓની ઉતાવળને કારણે બચી ગયા હતા. લૂંટ પહેલાં આરોપીઓની 40 મિનિટ તમામ ગતિવિધિ પર નજર લૂંટની આખી ઘટના માત્ર 15 મિનિટમાં આટોપી લેવામાં આવી હતી. પરંતુ આરોપીઓ બેંકની અંદર છેલ્લી 40 મિનિટથી હાજર હતા. આ દરમિયાન સામાન્ય ગ્રાહકની જેમ વર્તતા રહ્યા અને બેંકના દરેક કર્મચારીની હલચલ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા હતા. કયો કર્મચારી ક્યાં બેસે છે. કયા ટેબલ પર કેશ ટ્રાન્ઝેક્શન થાય છે અને સુરક્ષા વ્યવસ્થા કેવી છે. આટલો લાંબો સમય બેંકમાં હોવા છતાં બેંકના અન્ય ગ્રાહકો કે સ્ટાફને અણસાર પણ નહોતો આવ્યો કે, તેમની વચ્ચે બેઠેલા લોકો થોડી જ ક્ષણોમાં મોતનો ખેલ ખેલવાના છે. દેશી તમંચા સાથે બે મહિનાનું પ્લાનિંગ તપાસમાં સામે આવ્યું છે કે, આ ગેંગ છેલ્લા બે મહિનાથી આ લૂંટનું પ્લાનિંગ કરી રહી હતી. લૂંટારૂઓ એટલા આત્મવિશ્વાસમાં હતા કે, તેમને પોલીસનો જરાય ડર નહોતો. આ જ કારણ છે કે, તમામ સાત લૂંટારૂઓએ પોતાના ચહેરા ઢાંક્યા નહોતા. તેઓ જાણતા હતા કે, બેંકમાં સીસીટીવી કેમેરા લાગેલા છે અને તેમની છબી કેદ થઈ જશે છતાં તેમણે ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો નહોતો. તેમને ખાતરી હતી કે, તેમનું નેટવર્ક એટલું મજબૂત છે કે, પોલીસ તેમના સુધી પહોંચી શકશે નહીં. લૂંટમાં વપરાયેલા હથિયારો દેશી બનાવટના તમંચા હોવાનું પણ સામે આવ્યું છે. જે સ્પષ્ટ કરે છે કે, આ ગેંગ વ્યવસાયિક ગુનેગારોની બનેલી છે. નેશનલ હાઇવે-48 અને ભાગવાનો ચોક્કસ રસ્તો લૂંટ કર્યા પછી લૂંટારુઓએ ભાગવા માટે અગાઉથી નક્કી કરેલા રસ્તાનો ઉપયોગ કર્યો હતો. તેઓ અલગ-અલગ રસ્તે થઈને કીમ પાસેના નેશનલ હાઇવે-48 પર પહોંચ્યા હતા. હાઇવે પર પોલીસનું ચેકિંગ હોઈ શકે છે તે જાણીને તેઓ હાઇવેથી 3 કિલોમીટર અંદર ગ્રામ્ય વિસ્તારમાં ઘૂસી ગયા હતા. કન્યાસી ગામના નિર્જન ખેતરમાં તેમણે પોતાની બાઇકો છોડી દીધી અને ત્યાંથી વાહનો બદલીને અલગ-અલગ દિશામાં ફંટાઈ ગયા હતા. આ રસ્તો પસંદ કરવા પાછળનો તેમનો હેતુ પોલીસને ગેરમાર્ગે દોરવાનો અને સીસીટીવી ફૂટેજમાં ટ્રેક ન થવાનો હતો. અયોધ્યાના આશ્રમમાં છુપાયો હતો આરોપી સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી મોટી સફળતા મેળવી છે. પોલીસની ટીમે ઉત્તર પ્રદેશના અયોધ્યા અને ગોંડા વિસ્તારમાં દરોડા પાડીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં લૂંટમાં સીધો સામેલ આરોપી શુભમ અયોધ્યાના એક આશ્રમમાં છુપાયેલો હતો. જ્યારે અન્ય આરોપી વિકાસ તેને આશ્રય આપવામાં મદદ કરી રહ્યો હતો. આ ધરપકડ બાદ પોલીસને લૂંટમાં સામેલ અન્ય પાંચ આરોપીઓના સચોટ લોકેશન પણ મળી ગયા છે. 4 રાજ્યોમાં સર્ચ ઓપરેશન અને ધરપકડનો દોર આ હાઈ-પ્રોફાઈલ લૂંટ કેસમાં હવે ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો એક્શન મોડમાં છે. યુપીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ગેંગના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલા છે. હાલમાં સુરત પોલીસની ચાર અલગ-અલગ ટીમો ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં ધામા નાખીને બેઠી છે. પોલીસને આશા છે કે આગામી 24 થી 48 કલાકમાં ગેંગના બાકીના સભ્યોને પણ રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવશે. જે રીતે આરોપીઓ આશ્રમમાં છુપાયા હતા, તે જોતા પોલીસ હવે ધાર્મિક સ્થળો અને ધર્મશાળાઓ પર પણ નજર રાખી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 400 કરોડથી વધુનું ફુલેકું?:મહિને 5% રિટર્નની લાલચમાં 33 હજાર રોકાણકારોના નાણાં ડૂબ્યાની આશંકા, શૂટ સ્પેસના સંચાલકો પૈસા લઈ રફુચક્કર થયાના આક્ષેપો
    Next Article
    સુરત મનપામાં 'મેડમ મેયર' કોણ?:58 મહિલાઓની દાવેદારી વચ્ચે 6 નામ શોર્ટલિસ્ટ, પાટીદાર ફેક્ટરથી સમીકરણો બદલાયા; 8 મેના ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની હાઈ-વોલ્ટેજ બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment