Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત વરાછા SBI લૂંટ કેસમાં માસ્ટરમાઇન્ડ એલેક્સનો સાગરીત બિહારથી ઝડપાયો:લૂંટના પૈસા લઈને હરિદ્વાર-ઋષિકેશ અને કેદારનાથ ફર્યો, હજીરાથી ત્રણ દિવસ બેંકની રેકી કરી હતી

    4 days ago

    સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લંબે હનુમાન રોડ પર સ્થિત SBI બેંકમાં ગત 27 એપ્રિલ, 2026ના રોજ અંદાજે 50 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટ ચલાવવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ કેસમાં સુરત પોલીસની ઝોન-1 તપાસ ટીમે ટેકનિકલ અને લોકલ સોર્સના આધારે બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના સૈયદપુર ખાતેથી એક આરોપીને દબોચી લીધો છે. પકડાયેલા આરોપીનું નામ રોહિત કુમાર રૂપે સિંગ રાઠોડ છે, જે મૂળ મુઝફ્ફરપુરનો જ રહેવાસી છે. 'સુરતમાં મોટું કામ કરવું છે' કહીને એલેક્સે રોહિતને જાળમાં ફસાવ્યો ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે, આ લૂંટનો મુખ્ય સૂત્રધાર એલેક્સ ઉર્ફે અખિલેશ કુમાર ગાંધી છે. એલેક્સે બિહારમાં રોહિતનો સંપર્ક સાધ્યો હતો. પોલીસ પકડથી દૂર રહેવા માટે આ લૂંટારુ ટોળકી અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતી હતી. એલેક્સ અને રોહિત વચ્ચેની તમામ વાતચીત માત્ર સિગ્નલ એપ પર જ થતી હતી. એટલું જ નહીં, સિગ્નલ એપ ટ્રેસ ન થાય તે માટે તેઓ પ્લે-સ્ટોર પરથી ખરીદેલા 'ઓથોરાઈઝ્ડ' અને 'લાયસન્સડ' VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) નો જ ઉપયોગ કરતા હતા જેથી પોલીસ તેમનું લોકેશન મેળવી ન શકે. હજીરામાં 3 દિવસ રોકાઈને પ્રિન્સ સાથે મળીને બેંકની રેકી કરી મુખ્ય સૂત્રધાર એલેક્સે રોહિતને બિહારથી સીધો ભરૂચ આવવા આદેશ આપ્યો હતો. આ કેસમાં અન્ય એક આરોપી પ્રિન્સ પણ સામેલ છે. રોહિત અને પ્રિન્સ બંને ભરૂચ આવ્યા બાદ, એલેક્સે તેમને ભરૂચમાં જ ગમે ત્યાં રોકાઈ જવા અને સિગ્નલ એપથી સંપર્કમાં રહેવા કહ્યું હતું. રોહિતના પિતા સુરતના હજીરાની એક કંપનીમાં નોકરી કરતા હોવાથી, રોહિત અને પ્રિન્સ ભરૂચથી હજીરા પહોંચ્યા હતા. ત્યાં ત્રણ દિવસ રોકાઈને તેમણે વરાછાની એસબીઆઈ બેંકની સંપૂર્ણ રેકી કરી હતી અને ગુનાનું આખું પ્લાનિંગ ઘડી કાઢ્યું હતું. પ્લાનિંગ પત્યા બાદ પોલીસને ચકમો આપવા તેઓ અમદાવાદ રહેવા ચાલ્યા ગયા હતા. લોકર તોડવા ગયા'તા પણ માત્ર કેશ લઈને ભાગવું પડ્યું લૂંટના દિવસે એલેક્સ ગાંધી અને તેના સાગરીતો વરાછા બેંકમાં ત્રાટક્યા હતા. આરોપીઓના નિવેદન મુજબ, તેમનો ઈરાદો બેંકનું મોટું લોકર તોડીને કરોડોની લૂંટ ચલાવવાનો હતો. પરંતુ, તેમનો આ લોકર તોડવાનો પ્લાન ફેલ થઈ ગયો હતો. સમય ઓછો હોવાને કારણે તેઓ લોકર તોડી શક્યા ન હતા અને માત્ર સામે દેખાતી રોકડ રકમ લઈને જ ભાગવું પડ્યું હતું. લૂંટ બાદ ગેંગના સભ્યોને ભરૂચથી પિકઅપ કરીને સુરક્ષિત બહાર લઈ જવાની જવાબદારી રોહિતને સોંપવામાં આવી હતી. સુરતથી ભાગવા માટે પ્રાઇવેટ ટ્રાવેલ્સનો ઉપયોગ લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ એલેક્સ અને તેના સાગરીતો ભરૂચ પહોંચ્યા હતા, જ્યાં રોહિત તેમને મળ્યો હતો. રોહિત લૂંટની રકમ લઈને એલેક્સ સાથે ભરૂચથી અમદાવાદ ગયો હતો. અમદાવાદથી પોલીસ નાકાબંધી તોડવા માટે તેમણે પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ પકડી હતી. તેઓ અમદાવાદથી જયપુર અને જયપુરથી ફરી પ્રાઇવેટ બસમાં બેસીને દિલ્હી નાસી ગયા હતા. બસની મુસાફરી દરમિયાન એલેક્સે રોહિતને બ્લુ કલરની બેગ બતાવીને કહ્યું હતું કે, આ એ જ એસબીઆઈ બેંકના લૂંટેલા પૈસા છે. રોહિતને હિસ્સા તરીકે 1.30 લાખ આપ્યા દિલ્હી પહોંચીને આખી ગેંગ વિખેરાઈ ગઈ હતી. એલેક્સે રોહિતને કહ્યું હતું કે તારો મુખ્ય હિસ્સો પછી મળશે, અત્યારે આ 1,30,000 રૂપિયા રાખ અને હું તને સિગ્નલ એપ પર જે એકાઉન્ટ નંબર મોકલું તેમાં આ પૈસા જમા કરાવી દેજે. રોહિતે સિગ્નલ એપ પર નંબર મળતા જ 1,30,000માંથી 90,000 રૂપિયા 'શુભમ' નામના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા, જે ક્રાઈમ બ્રાન્ચે રિકવર કરી લીધા છે. જ્યારે બાકીના 40,000માંથી રોહિતે 25,000 રૂપિયા વાપરી નાખ્યા હતા અને પોલીસે તેની પાસેથી રોકડા 15,000 રૂપિયા બરામદ કરીને કબજે લીધા છે. લૂંટના રૂપિયા લઈને ભગવાનના ધામોમાં ફર્યો આરોપી રોહિત દિલ્હીથી અલગ પડ્યા બાદ પોલીસ પકડમાં ન આવે તે માટે ભાગતો ફરતો ભગવાનના ધામોમાં રહ્યો હતો. દિલ્હીથી રોહિત હરિદ્વાર ત્યારબાદ ઋષિકેશ અને કેદારનાથ ગયો હતો. લૂંટના 40,000માંથી 25,000 રૂપિયા આ તમામ સ્થળો પર વાપરી નાખ્યા હતા. ત્યારબાદ તેની પાસે માત્ર 15,000 રૂપિયા જ બચ્યા હતા. જે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. પકડાયેલો આરોપી બિહારનો રીઢો ગુનેગાર ડીસીપી આલોક કુમારે વધુમાં ઉમેર્યું કે, પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલો આરોપી રોહિત બિહારમાં પણ NDPS અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. બિહાર પોલીસની DIU (ડિસ્ટ્રિક્ટ ઇન્ટેલિજન્સ યુનિટ), ત્યાંના સ્થાનિક એસપી અને પ્રોબેશનર આઇપીએસ અધિકારીઓએ સુરત પોલીસને આ ઓપરેશનમાં ખૂબ મોટો સહકાર આપ્યો છે. આ હાઈટેક ગુનેગારોએ સિગ્નલ એપ અને વીપીએન વાપર્યું હોવા છતાં પોલીસ તેમના સુધી પહોંચવામાં સફળ રહી છે. આ કેસના આધારે ગેંગના અન્ય સભ્યોને પણ ટૂંક સમયમાં જ ઝડપી પાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતના ટ્રેક્ટર VS પોલીસનું JCB:ભાજપ સરકાર સામે ધરતીપુત્રોએ હળ ઉગામ્યું, ટ્રેક્ટર રેલીમાં પોલીસ-ખેડૂતો વચ્ચે ઘર્ષણ; એક ખેડૂતનો આપઘાતનો પ્રયાસ
    Next Article
    પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને હાઈકોર્ટ તરફથી ઝટકો:સજા મૌકૂફીની અરજી નકારી, ચેખલામાં પ્રતિબંધિત પ્રકારની જમીનનનો ખોટો વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment