Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાબરમતી એક્સપ્રેસના S-6 નીચે ઘાસમાં લગાવાઇ હતી આગ':ગોધરા ટ્રેનકાંડમાં બચી ગયેલા પ્રત્યક્ષદર્શીએ પૂછ્યું- આગ કોણે લગાવી એ સોનિયા ગાંધીએ કેમ ન લખ્યું?

    7 hours ago

    સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશનથી આગળ A કેબિન તરફ આગળ વધી રહી હતી ત્યારે થોડા જ સમયમાં ટ્રેનમાં ચેન પુલિંગ કરવામાં આવ્યું અને ટ્રેનને રોકી દેવામાં આવી. ત્યારબાદ ટ્રેન પર પથ્થરમારો શરૂ થયો અને પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ શબ્દો છે કલ્પેશ ઝાના. કલ્પેશભાઇ 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી સાબરમતી આવતી એક્સપ્રેસ ટ્રેનમાં અન્ય કારસેવકોની સાથે હતા. હુમલામાં તેઓ બચી ગયા હતા. *** કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના પુસ્તક 'Belonging–The Journey of Love' માં સાબરમતી ટ્રેનકાંડ અંગે કરાયેલા દાવાથી 24 વર્ષ બાદ ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ત્યારે દિવ્ય ભાસ્કરે એ સમયે ટ્રેનમાં હાજર અને આખી ઘટનાના પ્રત્યક્ષદર્શી બનેલા લોકો સાથે વાત કરી હતી. સૌથી પહેલાં તો એ જાણી લો કે સોનિયા ગાંધીના પુસ્તકમાં એવું તો શું લખાયેલું છે કે સાબરમતી ટ્રેનકાંડનું ભૂત ફરી ધૂણ્યું. 'Belonging–The Journey of Love'ના પેજ નંબર 401થી 403 વચ્ચે 2002ના ગોધરા ટ્રેન અગ્નિકાંડ અને 2002માં થયેલા ગુજરાતના સાંપ્રદાયિક રમખાણોનો ઉલ્લેખ છે. પેજ નં.403 પર સોનિયા ગાંધીએ લખ્યું છે કે સાબરમતી એક્સપ્રેસના 4 કોચમાં આગ લગાડવામાં આવી અને 59 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા ત્યારે તોફાનો ફાટી નીકળ્યા. ટ્રેન અયોધ્યાથી હિન્દુ કારસેવક અને સ્વયંસેવકોને લઇને અમદાવાદ પરત ફરી રહી હતી. ટ્રેનમાં આગ લાગવાનું કારણ વિવાદિત છે. આગના કારણને આ પુસ્તકમાં વિવાદિત ગણાવાતા રાજકારણ ગરમાયું છે. *** બચી જનારે કહ્યું- એ સુનિયોજિત કાવતરૂં હતું અશ્વિન પટેલ સાબરમતી એક્સપ્રેસની ઘટનાના સાક્ષી રહ્યાં છે. હાલમાં તેઓ વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશ મંત્રી છે. તેમણે સોનિયા ગાંધીએ કરેલા દાવા પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે, જ્યારે ટ્રેનમાં આગ લગાવવામાં આવી ત્યારે હું ટ્રેનમાં જ હાજર હતો. સાબરમતી એક્સપ્રેસની ઘટના માત્ર આગ લગાવવાની ઘટના નહોતી પરંતુ એક સુનિયોજિત કાવતરું હતું. તેમના જણાવ્યા અનુસાર, ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ એસિડ બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. આગ લગાવવામાં આવી હોવાનો પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગે અશ્વિન પટેલે સવાલ ઉઠાવ્યો કે જો આગ લગાવવામાં આવી હતી તો તે કોણે લગાવી હતી તેનો સ્પષ્ટ ઉલ્લેખ કેમ કરવામાં આવ્યો નથી? *** માત્ર અશ્વિનભાઇ જ નહીં પણ કલ્પેશ ઝા પણ સાબરમતી ટ્રેનકાંડના સાક્ષી રહ્યાં છે. એ સમયે તેઓ VHPના સાબરમતી ટ્રેનના ઇન્ચાર્જ હતા. 27મી ફેબ્રુઆરી, 2002ની ઘટનાને યાદ કરતાં તેમણે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, એ દિવસે અયોધ્યાથી સાબરમતી તરફ જઈ રહેલી ટ્રેનમાં વિશ્વ હિન્દુ પરિષદના અનેક કાર્યકર્તાઓ અને રામભક્તો અયોધ્યાથી પરત ફરી રહ્યાં હતા. આ દરમિયાન ટ્રેનમાં ભજન મંડળીઓએ ભજનો ગાઈને ભક્તિમય માહોલ બનાવ્યો હતો. ગોધરા રેલવે સ્ટેશન પર શરૂઆતમાં સામાન્ય દિવસો જેવો જ માહોલ હતો. પ્લેટફોર્મ પર ફેરિયાઓ મુસાફરોને સામાન વેચી રહ્યા હતા અને લોકો નાસ્તો કરી રહ્યા હતા. જોકે, આ સામાન્ય માહોલ વચ્ચે અચાનક જ પ્લેટફોર્મ પર એક મોટું ટોળું એકત્રિત થયું અને ટ્રેન પર હુમલો કરવામાં આવ્યો. તેમના જણાવ્યા અનુસાર આ ઘટનાની આશરે બે મિનિટ બાદ ટ્રેન સાબરમતી તરફ આગળ વધવા માટે પ્લેટફોર્મથી રવાના થઇ હતી. તેઓ આગળ કહે છે કે, ટ્રેનમાં ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં રામભક્તો હાજર હોવાથી તેમણે પોતાનો જીવ બચાવવા માટે ડબ્બાના દરવાજા અને બારીઓ બંધ કરી દીધાં હતાં. આ દરમિયાન ડબ્બા નંબર S-6ની નીચે ઘાસમાં આગ લગાવવામાં આવી હતી. જેના કારણે થોડા સમય બાદ ડબ્બામાં આગ ફેલાવા લાગી અને અંદર ધુમાડો ભરાવા લાગ્યો હતો. ધુમાડાના કારણે મુસાફરોને ગૂંગળામણ થવા લાગી હતી. જ્યારે મુસાફરોએ બચવા માટે દરવાજા અને બારીઓ ખોલવાનો પ્રયાસ કર્યો ત્યારે બહારથી કોસ લઇને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આથી મુસાફરોએ ફરીથી બારીઓ અને દરવાજા બંધ કરી દીધાં હતાં. પરિણામે ડબ્બાની અંદર ધુમાડો ફેલાતો રહ્યો અને ગૂંગળામણના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે કાર્યકર્તાઓએ પાછળના દરવાજેથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા અને મહિલાઓને નજીકમાં આવેલા ખાડાના ભાગમાં સુરક્ષિત રાખવામાં આવી હતી. *** એક કલાકની ભયાનક ઘટના અને 24 વર્ષ બાદ પણ તાજી યાદો કલ્પેશ ઝાના દાવા પ્રમાણે, ઘટનાના થોડા સમય બાદ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો, જેને પગલે હુમલાખોરો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે પોલીસ પહોંચે તે પહેલાંના આશરે એક કલાકના સમયગાળામાં ભારે જાનહાનિ થઇ હતી અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. કલ્પેશભાઇ માટે આ દૃશ્યો આજે પણ ભૂલવા અત્યંત મુશ્કેલ છે. તેઓ જણાવે છે કે ઘટનાને 24 વર્ષ વિતી ગયા હોવા છતાં જ્યારે પણ તે દિવસની યાદો મનમાં તાજી થાય છે ત્યારે જાણે મનમાં ભૂકંપ આવી જાય છે. ટ્રેનમાં સર્જાયેલો ભયાનક માહોલ, ચીસો, ધુમાડો, આગ અને જીવ બચાવવા માટે કરવામાં આવેલા પ્રયાસોનાં કરુણ દૃશ્યો આજે પણ મારી આંખો સામે આવી જાય છે. સોનિયા ગાંધીને ખબર હતી પુસ્તકથી વિવાદ થશે સોનિયા ગાંધીએ 24 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે મારું પુસ્તક આવતાં કંઇક ‘તમાશો’ તો થશે જ. દાયકાઓથી લોકો મારી કહાની કહેતા આવ્યા છે. હવે મારી કહાની કહેવાનો મારો વારો છે. ગુજરાતમાં વર્ષ 2027ના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને તે પહેલાં સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવતાં રાજકીય માહોલ ગરમાયો છે. સોનિયા ગાંધીના પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણી અને પ્રત્યક્ષદર્શીઓની પ્રતિક્રિયાએ આ મુદ્દાને ફરી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે. આગામી ચૂંટણીમાં આ ઘટનાનો મુદ્દો રાજકીય પક્ષો માટે કેટલો મહત્ત્વનો બને છે અને તેના આધારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર કેટલો તેજ બને છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે. 24 વર્ષ બાદ પણ ગોધરા કાંડ માત્ર ઇતિહાસનો એક કિસ્સો બનીને રહ્યો નથી પરંતુ ગુજરાતના રાજકીય અને સામાજિક માહોલમાં તેની ચર્ચા હજુ પણ યથાવત છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહે હુંકાર કર્યાના છ જ દિવસમાં મોટું ઓપરેશન:40 વર્ષમાં ગુજરાત કેવી રીતે બન્યું ડ્રગ્સ હબ; નશાની એક ડઝન ફેક્ટરીઓને તાળાં
    Next Article
    શાહે એલાન કર્યું ને અઠવાડિયામાં એક્શન:મોદીને મળી અમદાવાદના નેતા સુપર એક્ટિવ થયા; ગેનીબેનનો ટોણો સાંભળી ભાજપના નેતાઓએ કાનાફુસી કરી, જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment