Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ મહાશિવરાત્રી મેળામાં કરોડોનો ધુમાડો:RTIમાં ઘટસ્ફોટ, વર્ક ઓર્ડર અને બિલોની તારીખોમાં ગંભીર ભૂલો દેખાઈ; તંત્રએ વાપરી નાખ્યા 1.04 કરોડ

    1 day ago

    ​જૂનાગઢમાં ગિરનારની પવિત્ર ગોદમાં દર વર્ષે આયોજિત થતા મહાશિવરાત્રી મેળા 2026 દરમિયાન સરકારી તંત્ર અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા વિવિધ ઇવેન્ટ્સ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો હોવાનો સનસનાટીભર્યો ઘટસ્ફોટ થયો છે. એક તરફ જૂનાગઢ શહેરના સામાન્ય પ્રજાજનો બિસ્માર રોડ-રસ્તા, ઉભરાતી ગટરો અને પીવાના પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતોથી વંચિત રહીને આકરા પ્રશ્નો અને હાલાકી ભોગવી રહ્યા હતા. બીજી તરફ તંત્ર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને તાયફાઓ પાછળ જનતાના પરસેવાના પૈસા આડેધડ વાપરી નાખવામાં આવ્યા છે. તંત્રના અલગ-અલગ વિભાગો દ્વારા કરોડોના બિલ ઉતાવળે પાસ કરાવ્યા વિપક્ષી નેતા લલિત પરસાણા દ્વારા માહિતી અધિકાર (RTI) હેઠળ માંગવામાં આવેલી સત્તાવાર માહિતી અને દફતરી દસ્તાવેજોમાં આ સમગ્ર કૌભાંડની વિગતો સામે આવી છે. સરકારી ચોપડે નોંધાયેલા કાગળો પરથી સ્પષ્ટ થાય છે કે, પ્રજાને પાયાની સગવડો આપવાના બદલે સેલિબ્રિટી કલાકારો, ઇવેન્ટ એજન્સીઓ અને મોટા આયોજનો પાછળ જનતાના પૈસા વાપરવામાં આવ્યા છે. ખાસ કરીને બિહારના ધારાસભ્ય અને પ્રખ્યાત ગાયિકા મૈથીલી ઠાકુરના કાર્યક્રમ તેમજ તેમની ટીમ પાછળ જ લાખો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. આ સાથે જ તંત્રના અલગ-અલગ વિભાગો દ્વારા કરોડો રૂપિયાના બિલ ઉતાવળે પાસ કરીને તેના સંતોષકારક કામગીરીના પ્રમાણપત્રો પણ આપી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ​સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગેનો સત્તાવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જૂનાગઢ દ્વારા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ગાંધીનગરને સંબોધીને માહિતી અધિકાર તથા દફતરી દસ્તાવેજીકરણ અંતર્ગત "મહાશિવરાત્રી મેળો 2026" ના સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન અંગેનો સત્તાવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ દસ્તાવેજી પુરાવાઓમાં ગ્રાન્ટ ફાળવણી હુકમ, કલાકારો તથા વિવિધ એજન્સીઓના ચૂકવણાં પત્રક, બિલ-વાઉચર્સ અને આપવામાં આવેલા વર્ક ઓર્ડરની પ્રમાણિત નકલોનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ₹125 લાખની બજેટ જોગવાઈ રાખવામાં આવી હતી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના તા. 07/04/2025ના સરકારી ઠરાવ અન્વયે વર્ષ 2025-26 ની ₹120.78 કરોડની નવી બાબતો પૈકી મેળાઓ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ₹125.00 લાખની બજેટ જોગવાઈ રાખવામાં આવી હતી. ત્યારબાદ તા. 13/02/2026ના સુધારેલા અંદાજપત્રમાં આ યોજના માટે 2 કરોડની નવી મંજૂરી મેળવવામાં આવી હતી. ઇ-સરકાર ફાઇલ પર તા. 17/03/2026ના રોજ મળેલ નાણાકીય મંજૂરી મુજબ તા. 11/02/2026થી તા. 14/02/2026 દરમિયાન ભવનાથ, જૂનાગઢ ખાતે યોજાયેલ મહાશિવરાત્રી મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કુલ ₹1,04,79,394/- ની આસપાસની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ ગ્રાન્ટ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જૂનાગઢના હવાલે ફાળવી કન્ટીજન્સી બિલથી ચૂકવવાની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. ​માહિતી અધિકાર હેઠળ સામે આવેલા દસ્તાવેજો દર્શાવે છે કે સાંસ્કૃતિક વિભાગ દ્વારા સેલિબ્રિટી કલાકારો અને ઇવેન્ટ એજન્સીઓ પર નાણાંનો ભારે વરસાદ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજનમાં અમદાવાદની 'દિવા ઇવેન્ટ્સ' ને સૌથી મોટો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેનું GST સહિતનું કુલ ટેક્સ ઇનવોઇસ રૂ. 89,79,394.08 નું રજૂ થયું હતું. એક તરફ બહારથી બોલાવાયેલા સેલિબ્રિટી કલાકારોને લાખો અને કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા, તો બીજી તરફ જૂનાગઢના સ્થાનિક કલાકારો તથા સાંસ્કૃતિક સંસ્થાઓને સાવ નજીવી રકમ આપીને પતાવી દેવામાં આવ્યા હોવાનો વિપક્ષ નેતા લલિત પરસાણા દ્વારા આક્ષેપ કરાયો છે. મેળાના આયોજન અને વાસ્તવિક્તામાં ફરક જોવા મળ્યો વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ સમગ્ર મામલે તંત્ર અને સરકાર સામે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે ગિરનારની પવિત્ર ગોદમાં ભક્તિભાવ સાથે શિવરાત્રીનો મેળો યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે સરકાર દ્વારા ઇવેન્ટના ભાગરૂપે આ સમગ્ર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી ઠરાવોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, અંશતરો, ઉતારા મંડળો અને મેળામાં આવતા લાખો યાત્રિકોને પૂરતી સુવિધાઓ મળે. તેમને ફ્રીમાં મંડપ સર્વિસ, કરિયાણું અને અન્ય જરૂરી સામગ્રી પૂરી પાડવામાં આવે, પરંતુ વાસ્તવિકતામાં મેળામાં એવું કંઈ જ આયોજન કરવામાં આવ્યું ન હતું. ​જ્યારે આ તમામ કાર્યક્રમો અને ખર્ચ અંગે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગવામાં આવી ત્યારે ગાંધીનગરથી મળેલા સરકારી દસ્તાવેજોમાં મોટા અને ચોંકાવનારા ગોટાળા સામે આવ્યા છે. જે રીતે ભૂતકાળમાં રાજકોટમાં ડિમોલેશન દરમિયાન આડેધડ ખર્ચાઓ કરવામાં આવ્યા હતા, તે જ પદ્ધતિથી શિવરાત્રી મેળાના કાર્યક્રમમાં પણ સરકારી નાણાંનો ધુમાડો કરવામાં આવ્યો હોવાનું ખુલ્લું પડ્યું છે. ​વર્ક ઓર્ડર આપ્યા પહેલા જ ઇવેન્ટ એજન્સીને બિલ ચૂકવાયા ખાસ કરીને તંત્રની ગંભીર બેદરકારી તો જુઓ, અલગ અલગ કાર્યક્રમો માટે સરકાર દ્વારા જે સત્તાવાર વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો તેમાં મેળાનું આયોજન 11/02/2026 થી 15/02/2026 સુધીનું દર્શાવવાનું હતું. પરંતુ વર્ક ઓર્ડરમાં 11/02/2026 થી 15/11/2026 સુધી એટલે કે નવ મહિના સુધી મેળો ઉજવવામાં આવશે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે! જે કાર્યક્રમોના કરોડો રૂપિયાના બિલ ચૂકવવામાં આવતા હોય, તેના સરકારી વર્ક ઓર્ડરમાં આવડી મોટી ગંભીર ભૂલ કેવી રીતે થઈ શકે? શું આટલી મોટી ભૂલ કોઈ જવાબદાર અધિકારીના ધ્યાને નહીં આવી હોય ? આ ઉપરાંત, 17/03/2026 ના રોજ આ કાર્યક્રમોનો વર્ક ઓર્ડર બહાર પાડવામાં આવ્યો હતો, એટલે કે શિવરાત્રી મેળો પૂર્ણ થઈ ગયાના મહિના બાદ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં 89 લાખથી વધુના ખર્ચનો વર્ક ઓર્ડર દર્શાવ્યો છે. જ્યારે સામે પક્ષે દિવા ઇવેન્ટ્સ દ્વારા કાર્યક્રમનું બિલ તારીખ 02/03/2026ના રોજ જ મૂકી દેવામાં આવ્યું હતું. એટલે કે વર્ક ઓર્ડર આપ્યા પહેલા જ ઇવેન્ટ એજન્સીને લાખો-કરોડોના બિલ ચૂકવી દેવામાં આવ્યા હોવાનું સરકારી કાગળો પરથી સાબિત થાય છે, જે દર્શાવે છે કે આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ​ મૈથિલી ઠાકોર, જેઓ બિહારના ધારાસભ્ય છે, તેમને આ કાર્યક્રમ માટે 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે અને તેમની પ્લેનની ટિકિટના જ અઢી લાખથી વધુ રૂપિયા આપવામાં આવ્યા છે. એક તરફ જૂનાગઢના શિવરાત્રી મેળામાં સાધુ-સંતો અને અન્નક્ષેત્રના ઉતારા મંડળો પોતાનું તન-મન-ધન અર્પીને શ્રદ્ધાળુઓને નિશુલ્ક ભોજન પ્રસાદી પીરસે છે. બીજી તરફ જૂનાગઢના સ્થાનિક કલાકારોને માત્ર પાંચથી અગિયાર હજાર રૂપિયાનું નજીવું ચુકવણું કરવામાં આવ્યું છે. મેળા દરમિયાન રાત-દિવસ મહેનત કરીને પરિવારનું ગુજરાન ચલાવનારા ગરીબ રિક્ષાચાલકો આંદોલન કરી રહ્યા હતા અને હજુ સુધી એ રિક્ષાચાલકોના બિલ પણ ચૂકવવામાં આવ્યા નથી. ​મેળા માટે એક શિવરાત્રીનું ગીત બનાવવા પાછળ જ 5 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ચૂકવી દેવાઈ છે. જૂનાગઢ શહેરમાં લોકો બિસ્માર રોડ-રસ્તા અને ખાડાઓને લીધે ત્રાહિમામ પુકારી રહ્યા છે, પ્રજાને પાયાની સુવિધાઓ આપવામાં તંત્ર સંપૂર્ણપણે ઉણું ઉતર્યું છે અને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આચરવા માટે જનતાના કરોડો રૂપિયા વાપરી નાખવામાં આવ્યા છે. જૂનાગઢના સાંસ્કૃતિક યુવા વિકાસ અધિકારી દ્વારા આ તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરીને બિલો ચૂકવવાના હોય છે, જો આ સમગ્ર મામલે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ખુબ મોટું કૌભાંડ બહાર આવે તેમ છે." CCTV ફૂટેજ ગાયબ થવા અને તંત્રનો બચાવ ​વિપક્ષ દ્વારા મેળાના આયોજન, ખરીદી અને ખર્ચ અંગે જૂનાગઢ મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી, પ્રાંત અધિકારી અને યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે માહિતી અધિકાર હેઠળ વિગતો માંગવામાં આવી ત્યારે તંત્રની ગોલમાલ બહાર આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાએ કોઈ જવાબ જ આપ્યો ન હતો, જ્યારે પ્રાંત અધિકારીએ માત્ર સંકલનની કામગીરી હોવાનું કહી ખર્ચ બાબતે હાથ ઊંચા કરી લીધા હતા. યાત્રાધામ વિકાસ બોર્ડે ફી લીધા છતાં માત્ર વર્ક ઓર્ડરની નકલ આપીને બિલ પ્રક્રિયા હેઠળ હોવાનું બહાનું બતાવ્યું હતું. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે સાંસ્કૃતિક ગ્રાઉન્ડના સીસીટીવી કેમેરાનું બેકઅપ માંગવામાં આવ્યું ત્યારે તંત્રએ એવો જવાબ આપ્યો હતો કે સીસીટીવી રેકોર્ડિંગ માત્ર 15 દિવસ સુધી જ રહેતું હોવાથી મેળાના સમયનું બેકઅપ ઉપલબ્ધ નથી. આમ, સીસીટીવી ફૂટેજ ગાયબ કરી દઈને અને જવાબો ટાળીને ગોટાળા છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે જ્યારે જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી. વાળા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, "આ મામલે મારે પણ તમામ ફાઇલો અને દસ્તાવેજો જોવા પડશે. વર્ક ઓર્ડરમાં તારીખની જે ભૂલ દેખાય છે તે કદાચ ટેકનિકલ કે ક્લેરિકલ ખામીના કારણે લખાઈ ગઈ હોઈ શકે છે. છતાં પણ આ સમગ્ર બાબતે વિગતો જાણીને તપાસ કરી લઉં છું."
    Click here to Read More
    Previous Article
    અમદાવાદના શેલામાં જળબંબાકાર:ટ્રેક્ટરની મદદથી લોકો અને વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવું પડ્યું
    Next Article
    રાજપથ-રંગોલી રોડ પર લક્ઝુરિયસ કારો પાણીમાં ડૂબી:BMW, મર્સિડિઝ, વોલ્વો સહિતની કાર રસ્તાઓ પર રઝળતી જોવા મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment