Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિલકત-પાણીવેરામાં એપાર્ટમેન્ટ નહીં ફ્લેટદીઠ ₹5,000 વ્યાજમાફી:રાજકોટમાં લો અને હાઇરાઈઝ બિલ્ડીંગોને પાણીવેરામાં ₹30 હજારથી 3.75 લાખનો ફાયદો, મુદ્દલ કરતા વધુ વ્યાજ નહીં વસૂલાઈ

    13 hours ago

    રાજકોટમાં નવા શાસકોએ ચાર્જ સંભાળ્યા બાદ મેયર ડો. નેહલ શુક્લએ ઓગષ્ટ અને સપ્ટેમ્બર બે મહિનાઓ માટે મિલકત અને પાણીવેરામાં 5-5 હજાર વ્યાજમાફી જાહેર કરી હતી. જો કે આ અંગેનો ઠરાવ એક સપ્તાહ પહેલા જ મંજુર થયો છે. જેમાં થયેલી સ્પષ્ટતા મુજબ એપાર્ટમેન્ટ નહીં ફ્લેટદીઠ ₹5,000 વ્યાજમાફી અપાશે. લો-રાઈઝ અને હાઈરાઈઝ બિલ્ડીંગોને પાણીવેરામાં કનેક્શનની સાઈઝ મુજબ ₹ 30,000થી લઈ ₹3.75 લાખ સુધીનો ફાયદો મળશે. તેમજ 'મુદ્દલ કરતા વધારે વ્યાજ નહીં' આ નિયમ અંતર્ગત માત્ર ₹ 5,000 નહીં 50,000 કે તેનાથી વધારે વ્યાજ માફ થઈ શકશે. 1 એપ્રિલ બાદ વ્યાજ સાથે વેરો ભરનારા ગ્રાહકોને પણ આ નિયમ મુજબ વધારાની ભરેલી રકમ આગામી વર્ષના વેરામાં મજરે મળશે. ત્યારે લાખો લોકોને વ્યાજમાફીની યોજનાથી કરોડો રૂપિયાનો લાભ મળશે. જો કે આજે વ્યાજમાફી યોજનાનો છેલ્લો દિવસ છે. પરંતુ આ ઠરાવ મોડો થયો હોય વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તે માટે મુદ્દતમાં એક મહિનાનો વધારો થવાની પૂરતી સંભાવના છે. એક એપ્રિલ બાદ વેરો ભરનારને લાભ મળશે રાજકોટ મનપાના વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યું હતું કે, વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનને મળેલી રજૂઆતો ધ્યાને રાખીને આ ઠરાવને આખરી સ્વરૂપ આપતા સમય લાગ્યો હોવાથી ઠરાવ મોડો થયો છે. પણ 1 એપ્રિલ-2026 પછી વેરો ભરનારા તમામને લાભ મળશે. વ્યાજમાફી યોજના હેઠળ હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગોમાં મનપા દ્વારા જનરેટ થયેલા મિલકત નંબર ધરાવતા તમામ યુનિટ દીઠ મહત્તમ ₹ 5000 સુધીની વ્યાજમાફી મળશે. જો કોઈ કિસ્સામાં મુદ્દલ કરતાં વ્યાજ વધુ હોય, તો માત્રને માત્ર મુદ્દલ જેટલું જ વ્યાજ ભરવનું રહેશે, બાકી તમામ વ્યાજ માફ થઈ જશે. વધારાની રકમ આગામી મિલકતવેરાના બિલમાં જમા થશે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પાણીવેરામાં વ્યક્તિગત કિસ્સામાં મહત્તમ ₹ 5000 સુધી વ્યાજમાફી મળશે, જ્યારે 2015 પછીના હાઇરાઇઝ અને લો-રાઇઝ બિલ્ડિંગના ઇંચ વાઇઝ વોટર કનેક્શનમાં મહત્તમ ફ્લેટ સંખ્યા ધ્યાને લઇ વ્યાજમાફી ગણાશે. ઉદાહરણ તરીકે 4 ઇંચના કનેક્શનમાં 75 ફ્લેટનાં ફ્લેટ દીઠ ₹ 5000 લેખે ₹ 3.75 લાખ કે એક્ચ્યુઅલ વ્યાજ, જે ઓછું હોય તે માફ થશે. આ ઉપરાંત 1 એપ્રિલ 2026 પછી જેમણે સંપૂર્ણ વેરો ભરપાઈ કર્યો હોય, તેને રિફંડ નહીં પરંતુ વધારાની રકમ આગામી મિલકતવેરાના બિલમાં જમા આપી દેવામાં આવશે. સરળ ભાષામાં સમજીએ તો મહાનગરપાલિકા દ્વારા શહેરના કરદાતાઓ માટે એક અત્યંત પ્રજાલક્ષી અને રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વ્યાજમાફી યોજના અંતર્ગત હાઈરાઈઝ અને લોરાઈઝ બિલ્ડિંગોમાં ફ્લેટ દીઠ રૂ. 5,000ની વ્યાજમાફીનો લાભ મળશે. આ યોજનાથી કરદાતાઓને માત્ર 5,000 જ નહીં, પરંતુ 50,000 કે તેથી વધુ રકમ સુધીની વ્યાજમાફીનો લાભ મળી શકશે. આ નિર્ણયથી લાંબા સમયથી બાકી વેરો ધરાવતા મિલકતધારકો અને રહેવાસીઓને આર્થિક રીતે મોટો ફાયદો થશે. મુદ્દલ કરતાં વધુ વ્યાજ નહીં વસૂલાય તંત્રના સત્તાવાર ઠરાવ મુજબ, હવે કોઇ મિલકતધારક પાસેથી મુદ્દલ રકમ કરતાં વધુ વ્યાજ વસૂલ કરી શકાશે નહીં. ઉદાહરણ તરીકે, જો કોઈ મિલકત પર 50,000 મુદ્દલ વેરો બાકી હોય અને તેના પર 1,00,000 વ્યાજ ચડી ગયું હોય, જેના કારણે કુલ બાકી રકમ 1,50,000 થતી હોય, તો નિયમ મુજબ વ્યાજની રકમ ઘટીને મુદ્દલ જેટલી એટલે કે માત્ર 50,000 થઈ જશે. આમ, મિલકત ધારકે 1,50,000ના બદલે માત્ર 1,00,000 ચૂકવવાના રહેશે. વહેલા વેરો ભરનારાઓને આગામી વર્ષે જમા અપાશે જનરલ બોર્ડની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર, જે કરદાતાઓએ વ્યાજમાફી યોજના જાહેર થયા પહેલાં એટલે કે એપ્રિલથી જુલાઈ સુધીમાં વ્યાજ સહિત પૂરો વેરો ભરપાઈ કરી દીધો છે, તેઓને અન્યાય થશે નહીં. આવા કરદાતાઓને નવા નાણાકીય વર્ષ 2027-28ના વેરામાં આ વ્યાજમાફીની રકમ જમા (ક્રેડિટ) તરીકે આપી દેવામાં આવશે. ફ્લેટ અને બિલ્ડિંગો માટે વ્યાજમાફીનું માળખું હાઈરાઈઝ અને લોરાઈઝ બિલ્ડિંગો તથા એપાર્ટમેન્ટમાં ફ્લેટ દીઠ રૂ. 5,000 અને પાણીમાં કનેક્શનની સાઈઝ મુજબ વ્યાજમાફીની ગણતરી નક્કી કરવામાં આવી છે. નીતિનભાઈ ભારદ્વાજ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે 21-11-2014ના રોજ કરેલા ઠરાવને આધાર બનાવીને ગણતરી નક્કી કરાઈ છે. જેમાં દરેક હાઈરાઈઝ અને લોરાઈઝ બિલ્ડિંગમાં વ્યાજમાફીનું માળખું નીચે મુજબ રહેશે. ઉલ્લેખનીય છે કે, જનરલ બોર્ડમાં રજૂ થયેલ દરખાસ્ત બાદ સરકારી કચેરીઓ અને સંપ કનેક્શન ધરાવતા એપાર્ટમેન્ટ્સમાં વ્યાજમાફીની આકારણી કેવી રીતે કરવી તેને લઈને થોડી ગુંચવણ ઊભી થઈ હતી. જોકે મેયર ડો. નેહલ શુક્લ અને સ્ટે. ચેરમેન પરેશ પીપળીયા દ્વારા કમિશ્નર સહિતના અધિકારીઓ સાથે બેસીને આ અંગેનાં નિર્ણયો લેતા ઠરાવ એક સપ્તાહ પૂર્વે જ મંજુર થયો છે. પરંતુ આજે આ વ્યાજમાફી યોજનાનો છેલ્લો દિવસ હોવાથી વધુમાં વધુ લોકો આ યોજના સમજીને તેનો સારી રીતે લાભ લઇ શકે તે માટે 1 માસનો સમય વધારવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. આ અંગેની જાહેરાત પણ એકાદ-બે દિવસમાં જ કરવામાં આવે તેવી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    મલ્લિકાર્જુન ખડગે બોલ્યા- 2થી 8 ઓક્ટોબર સુધી દેશભરમાં માર્ચ:INDIA બ્લોકની બેઠક બાદ કહ્યું- સરકારે ચૂંટણી પંચને કઠપૂતળી બનાવ્યું, મતચોરી થઈ રહી છે
    Next Article
    રાજકોટ સિવિલમાં મૃતદેહ બદલાયો, અંતિમ સંસ્કાર પણ થઈ ગયા:દીકરી અમેરિકાથી આવી પણ પિતાના અંતિમ દર્શન ન કરી શકી, પરિવારજનો ચોધાર આંસુએ રડી પડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment