Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિધાનસભામાં રાજકીય ઘમાસાણની તૈયારી:ગુજરાત પર ₹4.30 લાખ કરોડનો બોજ, બજેટ કરતાં દેવુ વધુ; UCC વિધેયક 24 માર્ચે રજૂ થશે

    4 days ago

    ગુજરાત વિધાનસભા સત્રનો 21મો દિવસ આજે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી કરવામાં આવશે. આજના દિવસ દરમિયાન ઊર્જા અને પંચાયત વિભાગ સાથે સાથે આરોગ્ય વિભાગના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે. ઉપરાંત, બંને વિભાગોના બજેટ અંગે ચર્ચા તથા માંગણીઓ પર પણ સભ્યો વચ્ચે ચર્ચા થશે. આગામી દિવસોમાં મહત્વપૂર્ણ બિલોને ધ્યાનમાં રાખીને સત્ર વધુ ગરમાવવાની સંભાવના છે. આ વચ્ચે, ભાજપ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નામે પત્ર લખવામાં આવ્યો છે. સાથે જ અંતિમ બે દિવસ દરમિયાન વિવિધ 7 મહત્વપૂર્ણ બિલોની ચર્ચા યોજાનાર હોવાથી, તેમાં હાજરી અનિવાર્ય રાખવા સૂચના આપવામાં આવી છે. ભાજપના મુખ્ય દંડક દ્વારા પણ આ અંગે અલગથી પત્ર લખવામાં આવ્યો છે. આવતીકાલે 24 માર્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિધેયક રજૂ થશે વિશેષ રીતે, આવતીકાલે 24 માર્ચે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) વિધેયક રજૂ થવાનું છે, જેને લઈ રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. વિધાનસભાના 22માં દિવસે આ બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ બિલ મુખ્યમંત્રી અથવા નાયબ મુખમંત્રી દ્વારા રજૂ કરવામાં આવી શકે છે. આવતીકાલે કુલ 4 વિધેયક પર ચર્ચા યોજાનાર છે, જેના કારણે વિધાનસભામાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા છે. ગુજરાત પર ₹4.30 લાખ કરોડનો બોજ વિધાનસભામાં નાણા વિભાગની માંગણીઓ પર ચર્ચા દરમિયાન કોંગ્રેસના નેતા શૈલેષ પરમારએ રાજ્ય સરકારના બજેટ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે વર્ષ 2026-27 માટે રાજ્યનું બજેટ ₹4.08 લાખ કરોડ છે, જ્યારે રાજ્યનું કુલ દેવું ₹4.30 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. આથી સ્પષ્ટ થાય છે કે રાજ્યનું દેવું બજેટ કરતાં પણ વધુ છે. ગુજરાતનો જીડીપીમાં ફાળો 8.2% હોવા છતાં આર્થિક બોજ વધતો જાય છે. ગુજરાતીના માથે ₹61,482નું દેવું, વિકાસ ખર્ચ પાછળ ઓછો ખર્ચ પરમારે જણાવ્યું કે રાજ્યમાં માથાદીઠ દેવું ₹61,482 છે, જ્યારે વિકાસલક્ષી ખર્ચ પાછળ ફક્ત ₹40,381 ખર્ચ થાય છે. એટલે કે લોકો પર દેવાનો બોજ વિકાસ કરતાં વધુ છે. આ મુદ્દે તેમણે સરકારની આર્થિક પ્રાથમિકતાઓ પર સવાલો ઉઠાવ્યા. બિન-વિકાસલક્ષી ખર્ચમાં વધારો, બજેટનો 45% પગાર-પેન્શનમાં રાજ્યના કુલ બજેટમાંથી ₹2.62 લાખ કરોડ વિકાસલક્ષી ખર્ચ માટે છે, જ્યારે ₹1.39 લાખ કરોડ બિન-વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવાયા છે. ખાસ કરીને પગાર, પેન્શન, વ્યાજ અને અન્ય ખર્ચ માટે સરકાર બજેટનો લગભગ 45% હિસ્સો ખર્ચે છે. ગયા વર્ષની સરખામણીએ બિન-વિકાસલક્ષી ખર્ચમાં ₹25,185 કરોડનો વધારો થયો છે. રોજનું દેવું ₹1,094 કરોડ, વ્યાજમાં ₹71 કરોડ ચૂકવણી પરમારના જણાવ્યા મુજબ વર્ષ 2024-25માં રાજ્યનું દેવું ₹3.99 લાખ કરોડ હતું. દેવાની ચુકવણી માટે રોજ સરેરાશ ₹79.68 કરોડ મુદ્દલ અને ₹71.08 કરોડ વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. કુલ મળીને રોજનું દેવું ₹1,094.88 કરોડ સુધી પહોંચ્યું હોવાનું તેમણે જણાવ્યું. શિક્ષણ-આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં ગુજરાત પાછળ કેન્દ્રના નાણાપંચના આંકડાઓ મુજબ ગુજરાત અનેક મહત્વના ક્ષેત્રોમાં સરેરાશ કરતાં ઓછો ખર્ચ કરે છે. શિક્ષણ, સમાજ કલ્યાણ, કૃષિ, આરોગ્ય, ગ્રામ વિકાસ અને પાણી પુરવઠા જેવા ક્ષેત્રોમાં અન્ય રાજ્યો વધુ ખર્ચ કરે છે. જ્યારે ગુજરાત ઊર્જા, રોડ-બ્રિજ અને શહેરી વિકાસમાં વધુ ખર્ચ કરે છે. મહિલાઓ માટે સીધી સહાયનો અભાવ દેશના 12 રાજ્યોમાં મહિલાઓને ₹1,000થી ₹2,500 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં આવી કોઈ સીધી સહાય યોજના નથી. આ મુદ્દે પણ પરમારે સરકારની નીતિની ટીકા કરી. ભરતીમાં ધીમો વધારો, સહાયિત સંસ્થાઓમાં ઘટાડો સરકારી ખાતાઓમાં કર્મચારીઓની સંખ્યામાં માત્ર 14,013નો વધારો થયો છે, જ્યારે સહાયિત સંસ્થાઓમાં 12,492 કર્મચારીઓ ઘટ્યા છે. પરમારે ભરતી કેલેન્ડર જાહેર કરી તેના અનુસાર ભરતી કરવાની માંગ કરી. કોટ વિસ્તાર માટે GDCRમાં સુધારાની માંગ શહેરી વિકાસની ચર્ચા દરમિયાન જમાલપુર-ખાડિયા વિસ્તારના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અમદાવાદના કોટ વિસ્તારમાં હેરિટેજ નિયમોના કારણે બિલ્ડિંગ પ્લાન મંજૂર ન થવાની સમસ્યા ઉઠાવી. તેમણે GDCRમાં સુધારો કરી લોકોને રાહત આપવા માંગ કરી. લઘુમતી વિસ્તારોમાં EWS આવાસ અને સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ ખેડાવાલાએ જણાવ્યું કે લઘુમતી વિસ્તારોમાં EWS આવાસો બનતા નથી, તેથી ત્યાં આવાસ યોજનાઓ અમલમાં લાવવા જોઈએ. ઉપરાંત રાજ્યભરમાં સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો કડક અમલ થાય તે જરૂરી હોવાનું જણાવ્યું. અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા નવા આયોજનની જરૂર અમદાવાદ શહેરમાં વધતા વાહનો અને ચાલુ બ્રિજ કામને કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે. ખેડાવાલાએ સરકારને નવું ટ્રાફિક આયોજન બનાવી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી. સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવાની માંગ AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં સાંતલપુરને અલગ તાલુકો જાહેર કરવાની માંગ કરી. હાલમાં તાલુકાની તમામ કચેરીઓ વારાહીમાં હોવાથી લોકોને ભારે તકલીફ પડે છે. પોલીસ દ્વારા દબાણ અને ખોટા કેસ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે રાજ્યભરમાં પોલીસ AAPના કાર્યકરોને ડરાવી રહી છે, ખોટા કેસ કરી રહી છે અને મોબાઇલ-લેપટોપ જપ્ત કરી માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે. તેમણે આ કાર્યવાહી બંધ કરવાની માંગ કરી. ગ્રામ પંચાયતના અધૂરા કામો મુદ્દે સરકાર પર નિશાન ઇટાલિયાએ કાલાવડ ગામમાં પાંચ વર્ષથી ગ્રામ પંચાયતનું બાંધકામ અધૂરું હોવાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે સરકાર 30 વર્ષથી સત્તામાં હોવા છતાં મૂળભૂત સુવિધાઓ પૂરું પાડી શકતી નથી. અમદાવાદ-ગાંધીનગરમાં પાણીજન્ય રોગોના કેસોમાં વધારો છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં 11,928 અને ગાંધીનગરમાં 1,996 પાણીજન્ય રોગોના કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે પાણીની ગુણવત્તા ચકાસણી, ક્લોરીનેશન અને સારવારની વ્યવસ્થાઓ વધુ કડક બનાવવામાં આવી છે જેથી રોગચાળો કાબૂમાં રહે. શહેરી વિકાસ માટે ‘ગ્રોથ એન્જિન’ બનશે ગુજરાત શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં જણાવ્યું કે, ગુજરાત આજે દેશના શહેરી વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે. રાજ્યની લગભગ 48% વસ્તી શહેરોમાં વસે છે અને વર્ષ 2026-27 માટે 33,504 કરોડનું બજેટ ફાળવી શહેરી ભવિષ્યને મજબૂત બનાવવાનો રોડમેપ તૈયાર થયો છે. અમદાવાદ મેટ્રો ફેઝ-3 કિમીનો વિસ્તરણ અમદાવાદમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા ફેઝ-3 હેઠળ થલતેજથી ગોધાવી અને નમો સ્ટેડિયમથી એરપોર્ટ સુધી કુલ 58.53 કિમીનું વિસ્તરણ થશે. આ પ્રોજેક્ટ માટે રૂ. 2217 કરોડની જોગવાઈ કરાઈ છે. ‘નમો સ્વદેશી અર્બન મોલ્સ’ અને ફેરિયાઓ માટે આધુનિક માર્કેટ શહેરોમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા ‘નમો સ્વદેશી અર્બન મોલ્સ’ ઉભા કરાશે. સાથે જ ૪૩ સ્થળોએ ફેરિયાઓ માટે આધુનિક માર્કેટ બનાવવા ‘CM મોર્ડન સ્ટ્રીટ વેન્ડિંગ માર્કેટ યોજના’ હેઠળ રૂ. ૮૦ કરોડ ફાળવાયા છે. ‘મુખ્યમંત્રી નગર નવજીવન યોજના’થી જૂના વિસ્તારોનો કાયાકલ્પ જૂના શહેર વિસ્તારોના પુનર્વિકાસ માટે “મુખ્યમંત્રી નગર નવજીવન યોજના” અમલમાં મૂકાઈ છે. રૂ. ૧૦૦ કરોડની જોગવાઈ સાથે ડ્રેનેજ, પાણી અને રસ્તાઓનું આધુનિકીકરણ કરીને આ વિસ્તારોને ટકાઉ અને હરિયાળા બનાવાશે. રમતગમત સુવિધાઓ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 150 કરોડ મહાનગરપાલિકાઓમાં રમતગમત સુવિધાઓ વિકસાવવા તથા ફ્લાયઓવરના નીચે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા રૂ. ૧૫૦ કરોડ ફાળવાયા છે. સાથે જ અમદાવાદને આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ માટે તૈયાર કરવા મોટેરા, નવરંગપુરા અને હીરાવાડીમાં વિકાસ થશે. સસ્તા ભાડાના મકાનો: રેન્ટલ હાઉસિંગ યોજના શહેરોમાં ગરીબ અને સ્થળાંતરિતો માટે ‘નમો એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ યોજના’ અમલમાં આવશે. પ્રથમ તબક્કે અમદાવાદ અને સુરતમાં પાયલોટ પ્રોજેક્ટ માટે રૂ. ૫૦ કરોડ ફાળવાયા છે. પાણી, મેઈન્ટેનન્સ અને સ્માર્ટ સુવિધાઓ પર ભાર ‘જીવન ધારા’ યોજના માટે 100 કરોડ અને 62 નગરપાલિકાઓમાં દૈનિક પાણી પુરવઠા માટે પણ 1000 કરોડ ફાળવાયા છે. સ્માર્ટ પાર્કિંગ, ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટીથી ટ્રાફિક સમસ્યાઓ હલ કરાશે. ગાંધીનગરમાં વર્લ્ડ ક્લાસ ડિજિટલ લાઈબ્રેરી ગાંધીનગરમાં ‘નમો સેન્ટ્રલ ડિજિટલ લાઈબ્રેરી અને કો-વર્કિંગ સ્પેસ’ 300 કરોડના ખર્ચે બનાવાશે. આ સાથે બિઝનેસ ટુરિઝમ માટે MICE સેન્ટરો અને સેટેલાઇટ ટાઉન્સનો વિકાસ પણ થશે. નાણાકીય શિસ્તમાં ગુજરાત અવ્વલ: કનુભાઈ દેસાઈ નાણામંત્રી તરીકે કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, છેલ્લા 22 વર્ષથી રાજ્ય સરકારે એકપણ ઓવરડ્રાફ્ટ લીધો નથી, જે ગુજરાતની મજબૂત નાણાકીય શિસ્ત દર્શાવે છે. મહેસૂલી પુરાંત અને ઘટતો દેવાનો બોજ ગુજરાતે વર્ષ 2024-25માં 18,943 કરોડની મહેસૂલી પુરાંત હાંસલ કરી છે, જે 2026-27માં વધીને 25,587 કરોડ થવાનો અંદાજ છે. રાજ્યનું દેવું GSDPના માત્ર 14.65% આસપાસ જ રહેશે, જે નિયંત્રણમાં છે. GSTમાં ગુજરાત નંબર-1 GST રિટર્ન સમયસર ભરવામાં ગુજરાત સતત પાંચ વર્ષથી દેશભરમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં કરદાતાઓની સંખ્યા ૫ લાખથી વધીને ૧૩.૮૨ લાખ થઈ છે, એટલે કે ૧૭૨%નો વધારો નોંધાયો છે. ગિફ્ટ સિટી માટે ટેક્સ રાહતોમાં વધારો ગિફ્ટ સિટીમાં આવતી કંપનીઓને હવે 25 વર્ષના બ્લોકમાં 20 વર્ષ સુધી 100 ટકા ઇન્કમટેક્સ છૂટ મળશે, જે રોકાણને પ્રોત્સાહન આપશે. ઝડપી રિફંડ અને વધતી આવક કરદાતાઓને 7 દિવસમાં 90 ટકા પ્રોવિઝનલ રિફંડ મળશે. GST સહિતના કરોમાંથી રાજ્યને 1.15 લાખ કરોડથી વધુ આવક મળી છે, જેમાં 13 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ‘વિકસિત ગુજરાત 2047’નો રોડમેપ નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ વિઝન સાથે જોડાઈને રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત 2047’નો દીર્ઘદ્રષ્ટિપૂર્ણ રોડમેપ તૈયાર કર્યો છે, જે રાજ્યના ટકાઉ અને સર્વાંગી વિકાસને ગતિ આપશે.
    Click here to Read More
    Previous Article
    28 માર્ચે CM રાજકોટ આવે તેવી શક્યતા:રાજકોટમાં ચૂંટણી પૂર્વે રૂ. 751 કરોડનાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહુર્ત મુખ્યમંત્રીનાં હસ્તે કરાશે, જાહેરસભા યોજાવાની પણ સંભાવના
    Next Article
    અછતની અફવાને પગલે પેટ્રોલ પંપો પર વાહનોની ભીડ:તંત્રની અફવાથી દૂર રહેવા અપીલ, પંપ માલિકે કહ્યું કે, ‘કંપની તરફથી પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સતત મળી રહ્યો છે, કોઈ અછત નથી’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment