Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ₹3850 કરોડની ગ્રાન્ટ, CMની મનપા-નગરપાલિકાને ટકોર:‘ભુવા-ખાડા નહીં ચાલે, નવા રોડ RCCના જ બનાવો; સફાઈ નહીં રાખો તો ગ્રાન્ટ પણ અટકશે’

    13 hours ago

    રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રૂ. 3,850 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 17 મહાનગરપાલિકાઓને રૂ. 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડની ફાળવણી કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ શહેરી વિકાસના કામો સાથે ભુવા, ખાડા, રોડની ગુણવત્તા, વરસાદી પાણીના નિકાલ અને સ્વચ્છતા મુદ્દે મનપા-નગરપાલિકાઓને સ્પષ્ટ ટકોર કરી હતી. ‘નગરપાલિકાના પૈસા અને ધારાસભ્ય ખુશ છે...’ મુખ્યમંત્રીએ સંબોધન શરૂ કરતા પહેલાં કાર્યક્રમમાં હળવી મજાક કરતા કહ્યું હતું કે, ‘નગરપાલિકાના પૈસા અને ધારાસભ્ય ખુશ છે. ધારાસભ્યને ઓછા પડે એમ નથી રૂપિયા.’ મુખ્યમંત્રીની આ ટિપ્પણીથી કાર્યક્રમમાં હળવું હાસ્ય છવાયું હતું. ત્યારબાદ તેમણે કાર્યક્રમમાં હાજર ચીફ ઓફિસરો અંગે પૂછ્યું હતું. એક ચીફ ઓફિસરે કોઈ પ્રતિભાવ ન આપતાં મુખ્યમંત્રીએ હળવી મજાકમાં કહ્યું હતું કે, ‘કમિશનર બનવું છે એટલે બોલતા નથી. કમિશનરને પૂછી આવજો કે તકલીફ કેટલી પડે છે.’ મુખ્યમંત્રીની આ ટિપ્પણીથી પણ કાર્યક્રમમાં હળવું વાતાવરણ સર્જાયું હતું. ‘પૈસા છે, હવે બજેટ અને મેનેજમેન્ટ પર કામ કરવાનું છે’ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હવે નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ માટે નાણાંની તંગી રહી નથી. પૈસા, બજેટ અને બજેટનું વ્યવસ્થાપન તેના પર સૌએ કામ કરવાનું છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ કેવી રીતે આગળ વધી અને કયા કામો થયા તે પ્રજાએ જોયું છે. લોકોની સુવિધાઓ રોજેરોજ વધી છે અને ‘સારું ને સારું’ તથા ‘બહેતર ને બહેતર’ બનાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે લોકોને કોઈ સુવિધા સતત મળતી રહે છે ત્યારે તેમાં થોડો પણ વિક્ષેપ આવે તો તે મુશ્કેલીરૂપ બને છે. જેમ આપણે આપણા ઘરમાં કોઈ સુવિધા ભોગવતા થઈ જઈએ અને તે ન મળે તો આપણને તકલીફ થાય છે, તેવી જ રીતે શહેરના નાગરિકોને પણ સારી સુવિધા સતત મળતી રહે તે રીતે કામગીરી કરવી પડશે. ‘નવું આયોજન કરો, પણ જૂના કામની હાલત પણ જુઓ’ મુખ્યમંત્રીએ વિકાસના કામોને બે ભાગમાં વહેંચીને ધ્યાન આપવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે એક તરફ નવા કામોનું આયોજન કરવાનું છે, પરંતુ બીજી તરફ અગાઉ થયેલા અને જૂના થઈ ગયેલા કામોની સ્થિતિ શું છે તે પણ જોવું પડશે. જૂના કામો ક્યાંકને ક્યાંક નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરતા હોય તો તેનું પણ નિરાકરણ લાવવાની જવાબદારી મનપા-નગરપાલિકાની છે. તેમણે પદાધિકારીઓ અને અધિકારીઓને વિકાસ કામોની સાઇટ વિઝિટ સાથે મળીને કરવા અને માત્ર નવા કામો કરવા કરતાં અગાઉના કામોની જાળવણી તથા ગુણવત્તા પર પણ ધ્યાન આપવા સૂચના આપી હતી. વરસાદની પેટર્ન બદલાઈ, હવે પાણી ભરાવાની સમસ્યાનો ઉકેલ શોધો મુખ્યમંત્રીએ બદલાતી વરસાદની પેટર્ન અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હવે વરસાદ પણ એવી રીતે પડે છે કે જ્યાં પડે ત્યાં એકધારો અને ભારે વરસાદ પડે છે. અમદાવાદના એક વિસ્તારમાં કરેલી પોતાની મુલાકાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે અગાઉનો વિસ્તાર નગરપાલિકામાં હતો અને બાદમાં મહાનગરપાલિકામાં ભેળવાયો છે. મહાનગરપાલિકા તેમાં સુવિધાઓનો ઉમેરો કરી રહી છે, પરંતુ ભારે વરસાદમાં શહેરની ક્ષમતા સામે પણ પડકાર ઊભો થાય છે. ‘અમદાવાદમાં 21 ઇંચ વરસાદ પડ્યો, મહાનગરપાલિકાની પણ પોતાની કેપેસિટી હોય છે. વરસાદનું પાણી ઉતરી જાય પછી જ્યાં પાણી ભરાય છે ત્યાં શું વ્યવસ્થા થાય?’ એવો સવાલ ઉઠાવતા મુખ્યમંત્રીએ વરસાદી પાણીના નિકાલ અને પાણી ભરાવાની સમસ્યા માટે અત્યારથી આયોજન કરવા ભાર મૂક્યો હતો. ‘ભુવા પડવાના કારણો શોધો, માત્ર સમારકામ નહીં’ શહેરોમાં રસ્તા પર પડતા ભુવા અંગે મુખ્યમંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી. ભુવો પડ્યા બાદ તેને પૂરવાની કામગીરી કરવા કરતાં ભુવા પડવાના મૂળ કારણો શોધીને કાયમી નિરાકરણ લાવવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. ‘ભુવા માટે આજથી જ આયોજન કરો’ એવી ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે રોડ, ડ્રેનેજ, પાણીની લાઇનો સહિતની વ્યવસ્થાઓ વચ્ચેના સંકલન અને ગુણવત્તાયુક્ત કામ પર ધ્યાન આપવું પડશે. નવા રોડ RCCના જ બનાવવાની તાકીદ મુખ્યમંત્રીએ નગરો અને મહાનગરોમાં નવા બનનારા રસ્તાઓ RCCના જ બનાવવાની તાકીદ કરી હતી. તમામ RCC રોડના કામ ચોકસાઈપૂર્વક અને ગુણવત્તા સાથે થાય તે સુનિશ્ચિત કરવા તેમણે જણાવ્યું હતું. તેમણે અધિકારીઓ અને પદાધિકારીઓને કામની સાઇટ પર જઈને કામગીરીની ચકાસણી કરવા પણ કહ્યું હતું. નવા કામોની સાથે જૂના રોડ અને અગાઉ થયેલા વિકાસ કામોની સ્થિતિનું પણ સતત મોનિટરિંગ કરવા સૂચના અપાઈ હતી. સફાઈ નહીં રાખો તો ગ્રાન્ટ અટકાવવાની ચેતવણી શહેરી સ્વચ્છતા મુદ્દે પણ મુખ્યમંત્રીએ મનપા-નગરપાલિકાઓને કડક સંદેશ આપ્યો હતો. શહેરોમાં સ્વચ્છતા પ્રત્યે બેદરકારી ન રાખવા અને ગંદકી સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી. સાથે જ તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જે નગરપાલિકા સ્વચ્છતા નહીં રાખે તેને મળતી ગ્રાન્ટ પણ આપવામાં નહીં આવે. સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીની આ વાત અંગે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ કોઈને ચિમકી આપવા માટે નહીં, પરંતુ સ્વચ્છતા સતત જીવનનો ભાગ બને તે માટે જાગૃતિના હેતુથી આ વાત કરી છે. તેમણે મહિનાના પ્રથમ રવિવારે શ્રમદાન જેવી પ્રવૃત્તિઓને પણ સતત આગળ વધારવાની વાત કરી હતી. ₹3850 કરોડમાંથી કોને કેટલા? સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને રૂ. 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડ ફાળવવામાં આવ્યા છે. નગરપાલિકાઓમાં ‘અ’ વર્ગની 41 નગરપાલિકાઓને રૂ. 307.50 કરોડ, ‘બ’ વર્ગની 34 નગરપાલિકાઓને રૂ. 221 કરોડ, ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓને રૂ. 270 કરોડ અને ‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓને રૂ. 59.50 કરોડ ફાળવવામાં આવ્યા છે. છેલ્લાં 5 વર્ષમાં શહેરો માટે ₹92 હજાર કરોડ: જીતુ વાઘાણી કૃષિ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં શહેરી વિકાસની આ યાત્રા વર્ષ 2005થી શરૂ થઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં શહેરીજનો માટે રૂ. 92 હજાર કરોડનું ભંડોળ આપવામાં આવ્યું છે. આજે પણ રૂ. 3,850 કરોડની રકમ ફાળવવામાં આવી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રીના વિઝન મુજબ વહીવટી તંત્ર અને પદાધિકારીઓને લોકોની માળખાકીય સુવિધા અને જીવનધોરણ કેવી રીતે વધે તે અંગે સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ‘નાણાંની તંગી નથી, હવે ગુણવત્તા જાળવો’: કનુભાઈ દેસાઈ શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાણાંના અભાવે શહેરોમાં વિકાસના કોઈ કામ અટક્યા નથી. હવે વિકાસ કામો વધુ ગુણવત્તાયુક્ત બને તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે. ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને શહેરોના વિકાસનું આયોજન કરવા અને વધુમાં વધુ ગ્રીન કવર વધારવા તેમણે ભાર મૂક્યો હતો. 2047 સુધીમાં અંદાજે 70થી 75 ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે, તેથી અત્યારથી જ ગુણવત્તાયુક્ત શહેરી માળખું ઊભું કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી હતી. ગ્રીન કવર વધારવા TP સ્કીમમાં 1% જમીન અનામત મુખ્યમંત્રીએ શહેરોને પર્યાવરણપ્રિય બનાવવા ગ્રીન કવર વધારવાના કામોને વેગ આપવા જણાવ્યું હતું. નવી TP સ્કીમમાં અંદાજે 1 ટકા જમીન વૃક્ષારોપણ માટે ફરજિયાત અનામત રાખવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ જમીનનો ઉપયોગ બાગ-બગીચા, ઓક્સિજન પાર્ક સહિતની સુવિધાઓ માટે થાય તે સુનિશ્ચિત કરવા તેમણે કહ્યું હતું. ‘વિકસિત ગુજરાત માટે વિકસિત નગરો જરૂરી’ મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં 2005થી શહેરી વિકાસને આપવામાં આવેલા વેગથી આજે નગર વિકાસ માટે મોટા પાયે ભંડોળ ઉપલબ્ધ બન્યું છે. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત નગરો જરૂરી છે. નગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ સિટિઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરન્ટ, એકાઉન્ટેબલ અને ટેક્નોલોજી ડ્રિવન બને તે માટે તેમણે પદાધિકારીઓ અને અધિકારીઓને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે ‘20 વર્ષ શહેરી વિકાસના’ તથા ‘અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા’ કોફી ટેબલ બુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કોતર ઓવરફ્લો થતાં મહીસાગરના સુવા ગામમાં પાણી ઘૂસ્યા:વૈદ્ય પાસે દવા લેવા આવેલા 100થી વધુ લોકો ફસાયા, 8 મકાન પાણીમાં ગરકાવ, 30 લોકોનું રેસ્ક્યૂ
    Next Article
    ડભોઇમાં દશામા વ્રતને મૂર્તિ ખરીદવા મહિલાઓની ભારે ભીડ:દશામાના દસ દિવસીય વ્રતનો આવતીકાલથી પ્રારંભ, ડભોઇમાં મૂર્તિ બજારમાં ભક્તોની ભીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment