Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે સ્વામીએ ₹1.25 કરોડની છેતરપિંડી આચરી:ખેડૂત સાથે મળી 354 વીઘા જમીનમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું કહી નિવૃત શાસનાધિકારીને શીશામાં ઉતાર્યા

    14 hours ago

    વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવપ્રિય ઉર્ફે એમ. પી. સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી. પી. સ્વામી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. રાજકોટના ભૂપેન્દ્ર રોડ મંદિર ખાતે બન્નેએ સાથે મળી નિવૃત શાસનાધિકારીને ડાકોરમાં 300થી 400 વીઘા જગ્યામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હોવાથી જમીન ખરીદ કરવાનું કહી છેતરપિંડી આચરવામાં આવી છે. જેમાં આફ્રિકાથી દાન આવવાનું છે કહી પૂર્વઆયોજિત કાવતરૂ રચી વધુ કમિશન અને ઓછી કિંમતે જમીન આપવાના બહાને રોકડા રૂ.1.25 કરોડ મેળવી લઇ આજ દિવસ સુધી પરત ન આપી છેતરપિંડી આચરી છે, જેને લઇ રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અમદાવાદના આરોપી ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી. પી. સ્વામી, સુરતના લાલજી બાવભાઇ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઇ રામી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. નિવૃત શાસનાધિકારીએ નોંધાવી ફરિયાદ ચોટીલાના નિવૃત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરએ ફરિયાદમાં જણાવ્યું કે, હું 2004-05માં મોરબી એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમા નોકરી કરતો હતો. ત્યારે હું રાજકોટથી મોરબી અપડાઉન કરતો હતો. આ સમયે મારી સાથે બસમાં ભાવેશ પરમાર નામના વ્યક્તિ અપડાઉન કરતા હતા. ભાવેશ મોરબી નાની બજાર ખાતે કાપડની દુકાન ચલાવતા હતા. તેઓ મિત્ર હોવાથી દુકાને બેસવા જતો હતો. ત્યાં ચિંતન અશ્વિનભાઈ પરમાર પણ બેસવા આવતા હતા, તેમની સાથે ભાવેશે મારો પરિચય કરાવ્યો હતો. ચિંતન જમીન મકાન દલાલીનું કામ કરતો હતો. મંદિરના પ્રોજેક્ટમાં સારા વળતરની લીલચ આપી રોકાણ કરવા કહ્યું 2020ના મેમાં ચિંતનનો ફોન આવ્યો અને કહ્યું કે, ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આશરે 400 વીઘા જમીનમાં સ્વામિનારાયણનું ભવ્ય મંદિર બનાવવા માગે છે, જો તમારે આ પ્રોજેક્ટમાં રૂપિયાનું રોકાણ કરવું હોય તો તમને સારૂ વળતર મળશે. તમને આમાં રસ હોય તો હું તમને સંતોની સાથે મુલાકાત કરાવું. જેથી મેં તેઓની પાસે થોડો સમય માંગ્યો હતો અને ત્યારબાદ બે ત્રણ દિવસ પછી ચિંતનનો ફરીવાર ફોન આવ્યો, જેથી ડાકોરવાળા મંદિરના પ્રોજેક્ટમાં રૂપિયા રોકાણ કરવાની વાત કરી હતી. જેમાં મારી સાથે ભાગીદારમાં મારા મિત્ર વિપુલ મનસુખભાઈ કાપડીયા પણ સાથે રહેશે તેમ કહ્યું હતું. 'ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર તથા ગૌશાળા બનાવવાના છીએ' આ પછી ચિંતને મને રાજકોટ ભૂપેન્દ્ર રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોને મળવા માટે બોલાવ્યો હતો. આ સમયે મારી સાથે મારો દીકરો પિયુષ તથા મારા ભત્રીજા જગદિશ વાઢેર હતા અને ચિંતન પણ ત્યાં મંદિરે હાજર હતો. તેણે અમને મંદિરમા સંતોના ઉતારા આવેલ છે, ત્યાં માધવપ્રીય સ્વામી (એમ.પી.સ્વામી) તથા દર્શનપ્રકાશ સ્વામી (ડી.પી.સ્વામી) તથા લાલજી બાવભાઈ ઢોલા સાથે મુલાકાત કરાવી હતી. આ વખતે માધવપ્રીય સ્વામી તથા દર્શનપ્રકાશ સ્વામીએ મને વાત કરી હતી કે, ડાકોરમાં અમે સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય મંદિર તથા ગૌશાળા 300થી 400 વીઘા જમીનમાં બનાવવાના છીએ. જેના માટે અમે ડાકોરના સૂઇ તથા સૈયત ગામમાં મહુધા રોડ ઉપર જમીન જોઇને રાખી છે. જેમાં અમારે આફ્રિકા દેશથી દાન આવવાનું છે. તે દાન આપનાર વ્યક્તિને અમારે જમીન ખરીદ કરનારનું અસલ સાટાખત બતાવવુ પડશે તો તે વ્યક્તિ દાન આપશે. પોતાના નામે જમીન ખરીદશે તો કમિશન મળશે તવું કહ્યું આ સાથે મંદિર બનાવવાના નકશા તથા પ્લાન બતાવ્યો અને માધવપ્રીય સ્વામીએ અમને વાત કરી કે, અમારે મંદિર બનાવવા માટે આફ્રિકા દેશ ખાતેથી મોટા રૂપિયાનુ દાન આવવાનું છે આ રૂપિયાથી અમે મંદિર બનાવવાના છીએ, પરંતુ હાલમા અમે જ્યાં મંદિર બનાવવાના છીએ ત્યાં અમે સીધા ખેડૂત પાસેથી જમીન ખરીદ કરીશું. તો તે ખેડૂત અમારી પાસે જમીનની વધુ કિંમત લેશે અને જમીન માલિકના સગાં સબંધીઓના વાંધા-વચકા રજૂ કરી અમારી પાસે વધારે રૂપિયા લેશે, પરંતુ જો તમે આ જમીન ખરીદ કરવા રૂપિયાનું રોકાણ કરશો અને તમે તમારા નામે જમીનનો સાટાખત કરશો તો અમે તમને જમીનના રૂપિયા તથા તેના ઉપર સારા કમિશનના રૂપિયા આપીશું. ડાકોરના ખેડૂત જેકીભાઈ રામી સાથે મુલાકાત કરાવી આપશે આ પછી લાલજી બાવભાઇ ઢોલા જેઓએ પોતે વડતાલ મંદિરના ખજાનચી તરીકે કામ કરતા હોવાનું જણાવી મને કહ્યું કે, જો તમે આ મંદિર બનાવવાની જમીનમાં રૂપિયાનું રોકાણ કરશો તો હું મંદિરનો ખજાનચી હોવાથી અમારી મંદિરના કારોબારીની મીટિંગમાં તમારા રૂપિયાનું સેટિંગ કરાવી તમને તમારા રૂપિયા પરત અપાવી દઈશ. બાદમાં માધવપ્રીય સ્વામીએ કહ્યું કે, જો તમે જમીન ખરીદ કરવા સહમત હોય તો ચિંતન તથા લાલજી તમને ડાકોરના ખેડૂત જેકી રામી સાથે મુલાકાત કરાવી આપશે, જેથી જે તે વખતે જ મેં તેઓને હા પાડી દીધી હતી. એક વીઘાના જમીનનો ભાવ રૂ.18 લાખ કહ્યો હતો 10 દિવસ બાદ ચિંતન પરમાર મને તથા મારા દીકરા પિયુષ તથા મારા ભત્રીજા જગદીશને ડાકોર ખાતે જમીન જોવા માટે લઇ ગયા હતા. ડાકોર ખાતેથી લાલજી ઢોલાને સાથે લઈ અમે બધા ડાકોરના સૂઇ તથા સૈયત ગામમા મહુધા રોડ ઉપર જમીન જોવા માટે ગયા હતાં. તે વખતે ત્યાં ડાકોર ખાતે રહેતા જમીન માલિક ખેડૂત જેકી શરદભાઇ રામીની સાથે અમારી મુલાકાત કરાવી હતી. આ જેકીએ મને તેઓની જમીન બતાવી હતી. જેમાં અમારે કુલ 354 વીઘા જમીન ખરીદ કરવાની હતી. જેકીએ અમને તેની તથા તેની પાસે રહેલ બીજા ખેડૂતોના 7-12 તથા 8-અના ઉતારા બતાવ્યા હતા અને એક વીઘાના જમીનનો ભાવ રૂ.18 લાખ કહ્યો હતો. 354 વીઘાનો ઉધડો ભાવ રૂ.2.76 કરોડ નક્કી કરાયો ત્યારપછી આ જમીનના કાગળો ચેક કરી ચિંતનને જમીન ખરીદ કરવાની વાત કરી હતી, જેથી ચિંતને જેકીને ફોન કરી રાજકોટ બોલાવ્યા હતા. આ જેકી રામી તથા ચિંતન પરમાર તથા લાલજી ઢોલા એમ બધા રાજકોટ મારા ઘરે આવ્યા હતા. તે વખતે મારા ઘરે હું તથા મારો દીકરો પિયુષ તથા મારા ભાગીદાર વિપુલ મનસુખભાઇ કાપડીયા તથા મારો ભત્રીજો જગદિશ વાઢેર હાજર હતા. અમે બધાએ આ જેકી પાસેથી જમીન ખરીદ કરવાની વાતચીત કરી તેઓની કુલ જમીન 354 વીઘાનો ઉધડો ભાવ રૂ.2.76 કરોડ નક્કી કરી અને જમીન સોદા પેટે મેં જેકીને રૂ.1 લાખ રોકડા આપી ડાકોરના સૂઇ તથા સૈયત ગામમા મહુધા રોડ ઉપર જમીન ખરીદીનો સોદો નક્કી કર્યો હતો. જમીન ખરીદ પેટેના રૂ.1.24 કરોડ રોકડા આપ્યા હતા જેકીએ જમીન ખરીદ પેટેના બાકીના રૂપિયા રૂ.2 કરોડ રોકડા આપવાનુ જણાવ્યું હતું, પરંતુ મારી પાસે આટલા રૂપિયા રોકડા ન હોવાથી અમે તેઓને જમીન પેટે પ્રથમ રૂ.1.25 કરોડ રોકડા આપવાનુ કહ્યું તો આ જેકીએ કહ્યું કે, તમે અમને રોકડા રૂ.1.25 કરોડ આપો ત્યારબાદ હું તમને અમારી જમીનની માપણીશીટ તથા ઓરિજિનલ જમીનના ડોક્યુમેન્ટોની ફાઇલ આપીશ. ત્યારબાદ 8 જૂન, 2020ના રોજ હું તથા મારો દીકરો પિયુષ, ભાગીદાર વિપુલ કાપડીયા, ભત્રીજો જગદિશ, દીકરાના મિત્ર ગૌરાંગ ઘોરડા, ચિંતન પરમાર અને લાલજી ઢોલા સાથે ડાકોર ગયા હતા. ત્યાં અમે જમીન માલિક જેકી રામીના ઘરે ગયા હતા અને જમીન ખરીદ પેટેના રૂ.1.24 કરોડ રોકડા આપ્યા હતા. જેનુ મારા દીકરાના મિત્ર ગૌરાંગ ઘોરડાએ તેના મોબાઇલ ફોનમાં વીડિયો રેકોડગ કરી લીધું હતું. ઓરિજિનલ સાટાખત આપી ઝેરોક્ષ નકલ જેકીએ રાખી હતી આ રૂપિયા આપ્યા બાદ જેકી શરદભાઈ રામીએ મને રૂ.300ના સ્ટેમ્પ પેપર ઉપર ઠાસરા તાલુકાના મોજે સૂઇ તથા સૈયત ગામની સીમના આશરે 354-70 વિઘા જુની શરતની જમીનનો જમીન વેચાણ અંગે સમજુતી લખાણ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડર સ્ટેન્ડીંગ (જમીનનુ સાટાખત) મારા તથા મારા ભાગીદાર વિપુલ કાપડીયાના નામનુ ડાકોરના નોટરી શ્રી અનિલ જે સેવકની ઓફિસ ખાતે કરી આપ્યું હતુ જે ઓરિજિનલ સાટાખતમા મારે બાકીના જમીન પેટેના રૂપિયા 8 મહિનામાં આપવાના રહેશે જે બાદ તેઓ મને જમીનનો દસ્તાવેજ કરી આપશે આમ લખાણ કરી ઓરિજિનલ સાટાખત મને આપી અને એક ઝેરોક્ષ નકલ જેકીએ તેની પાસે રાખી હતી. દાન આપનાર વ્યક્તિને અસલ સાટાખત બતાવવુ પડશે જેકીએ મને કહ્યું કે, હુ તમને આ જમીનની માપણીશીટ તથા જમીનની ટાઇટલ ક્લિયર ફાઇલ તથા જાહેર નોટીશ 15 દિવસમા કરાવી તમને મોકલી આપીશ. ત્યારબાદ તમે મને જમીનના બાકીના રૂ.1.51 કરોડ આપી દેજો. આમ વાત કરી જમીનનો ઓરિજિનલ સાટાખત લઇ અમે બધા પાનોલી ગામ ખાતે માધવપ્રીય સ્વામી (એમ.પી.સ્વામી) તથા દર્શન પ્રકાશ સ્વામી (ડી.પી.સ્વામી)ને મળ્યા હતાં. માધવપ્રીય સ્વામીને મેં જમીનનો અસલ સાટાખત આપ્યો હતો તે વખતે માધવપ્રીય સ્વામીએ મને કહ્યું કે, આ ઓરિજિનલ સાટાખત અમારે રાખવો પડશે. કારણ કે, અમારે જે આફ્રિકાથી દાન આવવાનુ છે, તે દાન આપનાર વ્યક્તિને આ અસલ સાટાખત બતાવવુ પડશે અને અમારા સંપ્રદાયના નૈજાતમ સ્વામીને ૫ણ અમારે આ અસલ સાટાખત બતાવવો પડશે. જેથી સાટાખતની એક ઝેરોક્ષ નકલ તથા જમીનના કાગળોની ઝેરોક્ષ નકલ કરાવી મે રાખી ઓરિજિનલ સાટાખત તથા અસલ કાગળો માધવપ્રીય સ્વામીને આપ્યા હતા. આ સમયે 10 દિવસમાં આફ્રિકાથી દાન આવ્યા બાદ તમને તમારા રોકાણ કરેલ રૂપિયા તથા બાકીના જમીનના રૂપિયા તથા વધારાના કમિશનના રૂપિયા પરત આપી દેશુ ત્યારબાદ અમે તમને કહિએ તેના નામે તમે જમીનનો દસ્તાવેજ કરી આપજો આમ વાત કરી હતી. FCR સર્ટી મેળવવાનુ બાકી છે જે સર્ટી આવ્યેથી દાનના રૂપિયા ઉપાડી શકાશે 10 દિવસ પછી અમારા રૂપિયાનુ શુ છે પૂછતાં ચિંતને મને કહ્યું કે, તમે પાનોલી માધવપ્રીય સ્વામી તથા દર્શનપ્રકાશ સ્વામી પાસે જઇ આવો અને તમારા રૂપિયા લઇ આવો. જેથી ફરીવાર અમે બધા પાનોલી ખાતે ગયા હતા ત્યાં એમ.પી.સ્વામી તથા દર્શનપ્રકાશ સ્વામી તથા લાલજી ઢોલાને મળ્યા હતા. તે વખતે માધવપ્રીય સ્વામીએ મને કહ્યું કે, હજી અમારે આફ્રિકા જવાનુ બાકી છે. જો તમારે સમય હોય તો તમે અમારી સાથે આફ્રિકા આવો આપણે જે વ્યક્તિ પાસે દાન લેવાનુ છે તેઓને જમીનનો સાટાખત બતાવીશુ તો તે દાનના રૂપિયા આપી દેશે. જેથી મેં તેઓની સાથે આફ્રિકા જવાની ના પાડી હતી. ત્યારબાદ 15 દિવસ બાદ માધવપ્રીય સ્વામીને ફોન કરતા તેઓએ મને દાનના રૂપિયા આવી ગયા છે, પરંતુ FCR સર્ટી મેળવવાનુ બાકી છે, જે સર્ટી આવ્યેથી દાનના રૂપિયા ઉપાડી શકાશે. જેથી મેં ફરીવાર રાહ જોઈ હતી. માધવપ્રીય સ્વામીએ બાદમાં જમીન લેવાની ના પાડી ત્યારબાદ 15 દિવસ બાદ માધવપ્રીય સ્વામીને ફરીવાર ફોન કરતા તેઓએ વાત કરી કે, આફ્રિકાથી જે વ્યકિત દાન આપવાના હતા તેણે દાન આપેલ નથી, જેથી અમારે તમને કોઈ રૂપિયા આપવાના થતા નથી. અમારે જેકી સાથે વાત થઇ ગઈ છે, તમે તમારા રૂપિયા તેમની પાસેથી પરત લઇ લેજો. જેથી અમે બધા ડાકોર જેકી રામીની પાસે જમીનના રૂપિયા પરત લેવા માટે ગયા હતા તો જેકીએ કહ્યું કે, તમારે મને 8 મહિનાની મુદતમાં જમીન ખરીદીના બાકીના રૂ.1.51 કરોડ આપવાના હતા, તે તમે મને સમય મર્યાદામાં આપ્યા નથી, જેથી મારે હવે તમને કોઈ રૂપિયા પરત આપવાના થતા નથી. જેથી અમે તેઓને કહ્યું કે, લોકડાઉનના કારણે આ રૂપિયા અમે તમને સમયસર આપી શક્યા નથી અને માધવપ્રીય સ્વામીએ હવે આ જમીન લેવાની ના પાડી છે અને તમને અમારા રૂપિયા પરત આપી દેવાનુ કહ્યું છે. તો જેકીએ કહ્યું કે, હવે મારે કોઇ રૂપિયા તમને આપવાના થતા નથી. તમે અહીંથી જતા રહો અને બીજીવાર મારી પાસે રૂપિયા માંગવા આવતા નહિ કે મને રૂપિયા પરત આપવા ફોન પણ કરતા નહિ. રૂપિયા પણ પરત ન આપ્યા અને દસ્તાવેજ પણ ન કરી આપ્યો આ પછી મેં તમામને ફોન કર્યા, પરંતુ તેઓ કોઈ મારા ફોન ઉપાડતા ન હતા. મને મારી જમીનનો અસલ સાટાખત કે મારા રોકાણ કરેલ રૂ.1.25 કરોડ પરત આપતા ન હતા, જેથી મારી સાથે છેતરપિંડી થયા હોવાની જાણ થતા ફેબ્રુઆરી, 2023માં ડાકોર પોલીસ સ્ટેશનમા જેકીકુમાર રામી, ચિંતન પરમાર વિરુદ્ધ મારી પાસે રૂપિયા લઇ મને જમીનનો દસ્તાવેજ કરી આપતા ન હોય તેવી લેખીત અરજી ફરિયાદ કરી હતી. જે ફરીયાદ અનુસંધાને ડાકોર પોલીસે જેકી રામીને બોલાવ્યો હતો. તે વખતે ડાકોર પોલીસ સ્ટેશને જેકી સાથે અમારી બેઠક થઇ હતી. આ બેઠકમા અમારે નક્કી થયું કે જેકીને અગાઉ જમીન ખરીદ પેટે રોકડા રૂ.1.25 કરોડ આપ્યા તેની કુલ જમીન 354.70 વીઘાનો સાટાખત કેન્સલ કરી અને જેકી તેની સામે બીજુ એક સમજુતી કરારનુ લખાણ કરી આપવાનું જેમા રૂ.1.25 કરોડ રૂપિયાની જેટલી જમીન થતી હોય તે જમીન ટાઇટલ ક્લિયર કરી તેનો રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી હતી. પરંતુ આજદિન સુધી સમજુતી કરારના લખાણમાં જણાવ્યા મુજબનો જમીનનો દસ્તાવેજ કરી આપ્યો નથી કે નથી મારા રૂપિયા પરત આપ્યા. બે સ્વામી સહિત પાંચ લોકો સામે ફરિયાદ હાલ સમગ્ર મામલે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા અમદાવાદના આરોપી ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી.સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી. પી. સ્વામી, સુરતના લાલજી બાવભાઇ ઢોલા અને ડાકોરના જેકી શરદભાઈ રામી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માધવ સ્વામી અને દેવપ્રકાશ સ્વામી વિરુધ્ધ અગાઉ પણ નોંધાઈ હતી ફરિયાદ : રાજકોટના નવલનગરમાં રહેતા અને મેઘાણી રંગ ભવનમાં ઓફિસ ધરાવી જમીન-મકાનનું કામ કરતા જસ્મિન બાલાશંકરભાઈ માઢકે સ્વામિનારાયણ સાધુઓ સહિત 8 લોકો સામે 3.40 કરોડની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
    Click here to Read More
    Previous Article
    રાહુલે અમેરિકામાં કહ્યું - ભારતીય લોકશાહી અમારા માટે પવિત્ર:જો અમે ચૂંટણીનો બૉયકૉટ કરીશું, તો તે જ ક્ષણે ભારતીય લોકશાહીને ખતમ થઈ જશે
    Next Article
    બીજા સેશનમાં ન્યૂઝીલેન્ડનું જોરદાર કમબેક:પહેલા સેશનમાં 4 વિકેટ ગુમાવી હતી; હેનરી નિકોલ્સ પછી ગ્લેન ફિલિપ્સની પણ ફિફ્ટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment