Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'નલ સે જલ'નાં દાવાઓ પોકળ:₹ 11.50 કરોડના ખર્ચે ટેન્કર અને ટ્રેક્ટરથી પાણી વિતરણ કરાશે, સ્ટેન્ડિંગ કમિટીમાં 13 મહત્વની દરખાસ્તો અંગે આવતીકાલે નિર્ણય

    1 day ago

    રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ઉનાળાની સિઝન અને ભૌગોલિક વિસ્તારના વિસ્તરણને પગલે પાણીની માગમાં વ્યાપક વધારો નોંધાયો છે. નલ સે જલ'નાં દાવા વચ્ચે શહેરના જે વિસ્તારોમાં હજુ સુધી પાઇપલાઇનની સુવિધા ઉપલબ્ધ નથી, તેવા વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ટેન્કર અને ટ્રેક્ટર મારફતે પાણી પહોંચાડવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત રાજકોટના ત્રણેય ઝોનમાં 5000 લીટરથી લઈને 20,000 લીટરની ક્ષમતા ધરાવતા ટેન્કરો અને ટ્રેક્ટરો દ્વારા પાણી વિતરણ કરવા માટે રૂ. 11,50,02,679ના જંગી ખર્ચને મંજૂરી આપવા માટેની એક મહત્વની દરખાસ્ત આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવી છે. આવતીકાલે આયોજિત આ બેઠકમાં આ જળ વિતરણની દરખાસ્ત સહિત કુલ 13 જુદા-જુદા વિષયો પર ચર્ચા-વિચારણા કરીને આખરી નિર્ણય લેવામાં આવશે. ત્રણેય ઝોન માટે ટેન્ડર પ્રક્રિયા અને વાટાઘાટોની સ્થિતિ મહાપાલિકા દ્વારા પાઇપલાઇન વિહોણા વિસ્તારોમાં જળ સંકટ નિવારવા માટે અગાઉથી જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પ્રારંભિક તબક્કે વહીવટી વિભાગ દ્વારા ઇસ્ટ ઝોન માટે અંદાજિત રૂ. 3,03,70,547, સેન્ટ્રલ ઝોન માટે રૂ. 98,61,192 અને વેસ્ટ ઝોન માટે રૂ. 1,26,55,201નો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આ ટેન્ડર પ્રક્રિયામાં કુલ બે એજન્સીઓ ત્રણેય ઝોન માટે લાયક (ક્વોલિફાઇડ) ઠરી હતી. જોકે, ઇસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન માટે બિડરો દ્વારા રજૂ કરવામાં આવેલા ભાવો અપેક્ષા કરતાં વધુ જણાતા, મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા સંબંધિત એજન્સીઓ સાથે ભાવ ઘટાડવા અંગે જરૂરી વાટાઘાટો કરવામાં આવી હતી. આ વાટાઘાટોના અંતે નક્કી થયેલા ભાવો મુજબ, પ્રથમ વર્ષ માટે કુલ રૂ. 11,50,02,679નો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત તૈયાર કરાઈ છે. આ સાથે જ ટેન્ડરની શરતો મુજબ બીજા વર્ષે આ ભાવોમાં 10% નો વધારો આપવાની જોગવાઈ પણ દરખાસ્તમાં સામેલ કરવામાં આવી છે. જળાશયોની સ્થિતિ અને આગોતરા આયોજનનો પડકાર રાજકોટ શહેરમાં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની કટોકટી ન સર્જાય અને નાગરિકોને પૂરતા ફોર્સથી દૈનિક 20 મિનિટ પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારના સહયોગથી આગોતરા આયોજનના ભાગરૂપે સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠલવવામાં આવ્યા છે. નર્મદાના આ પાણીથી આજી અને ન્યારી ડેમને મહદંશે ભરી દેવામાં આવ્યા છે. આમ છતાં, શહેરના ચારેય તરફ થઈ રહેલા અતિ ઝડપી ભૌગોલિક અને વસ્તી વિષયક વિકાસને કારણે બંને મુખ્ય જળાશયો સમગ્ર રાજકોટની સતત વધતી જતી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પૂરતા સાબિત થતા નથી. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાને દર વર્ષે હાઇરાઇઝ્ડ બિલ્ડિંગો, આવાસ યોજનાઓ અને છેવાડાના વિસ્તારોની માગણી મુજબ ટેન્કરો દ્વારા પાણી સપ્લાય કરવાની ફરજ પડે છે. ભૂગર્ભ જળસ્તર ઘટતા વેસ્ટ ઝોનમાં ટેન્કરો પર નિર્ભરતા વધી શહેરના પશ્ચિમ વિસ્તાર એટલે કે વેસ્ટ ઝોનમાં ગગનચુંબી ઇમારતો અને હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોની સંખ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ આ વિસ્તારોમાં સોસાયટીઓ અને બિલ્ડિંગો દ્વારા કરવામાં આવેલા બોરવેલ કાં તો ડૂકી ગયા છે અથવા તો ભૂગર્ભ જળના સ્તર ખૂબ જ ઊંડા ઉતરી જવાને કારણે બોરના પાણી સંપૂર્ણપણે દૂષિત અને પીવા અયોગ્ય બની ગયા છે. આ સમસ્યામાં મહાનગરપાલિકાની પોતાની આવાસ યોજનાઓનો પણ સમાવેશ થાય છે. હાલની સ્થિતિએ વેસ્ટ ઝોનના અલગ-અલગ 16 વિસ્તારોમાં આવેલી મહાનગરપાલિકાની આવાસ યોજનાઓ સહિત અંદાજે 28,277 ફ્લેટધારકોની તરસ છિપાવવા માટે દૈનિક ધોરણે 5000 લીટર ક્ષમતા ધરાવતા ટેન્કરોના 71 ફેરા કરવામાં આવી રહ્યા છે, જેના દ્વારા રોજનું 3,60,000 લીટર પાણી વિતરણ કરવામાં આવે છે. 48 ફ્લેટ ધારકોને 2 ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે પશ્ચિમ વિસ્તારમાં સોસાયટીવાર વિતરણની વિગતો જોઈએ તો, રંગોલી પાર્ક આવાસ યોજનામાં 1164 ફ્લેટ ધારકોને 35 ટેન્કર દ્વારા, ગોકુલમ હાઉસિંગ સોસાયટીના 200 ફ્લેટ ધારકોને 6 ટેન્કર, શ્રી હાઉસિંગ સોસાયટીના 224 ફ્લેટ ધારકોને 7 ટેન્કર, સવન સ્ટેટસ ફ્લેટ્સના 176 ફ્લેટ ધારકોને 6 ટેન્કર તેમજ એકવાબ્લ્યુ એન્ટરપ્રાઈઝના 88 ફ્લેટ ધારકોને 3 ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે. આ ઉપરાંત હિલટોન બીલેવ્યુના 56 ફ્લેટ ધારકોને 2 ટેન્કર, વ્હાઈટ હેવનના 48 ફ્લેટ ધારકોને 2 ટેન્કર, ગ્રીન ફિલ્ડ ગાર્ડન ટાવર (એ અને બી) ના 52 ફ્લેટ ધારકોને 2 ટેન્કર અને ધ ટેમ્પલ ક્લબના 48 ફ્લેટ ધારકોને 2 ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. તપોવન રેસિડેન્સીના 30, કૈલાશ પાર્કના 28, આદર્શ ટાવર હાઉસિંગ સોસાયટીના 27 તેમજ ગ્રીન ફિલ્ડ ટાવર (એ અને સી) ના 26 ફ્લેટ ધારકોને 1-1 ટેન્કર ફાળવવામાં આવે છે. નારાયણનગર પ્લોટ હોલ્ડર્સના 18 રહેવાસીઓ તથા સન સીટી રેસિડન્સી અને ડાયમંડ પાર્કના 10 ફ્લેટ ધારકોને પણ 1-1 ટેન્કર દ્વારા પાણી અપાય છે. જ્યારે વોર્ડ નં. 11 ના અન્ય 6 હાઇરાઇઝ્ડ બિલ્ડિંગોના 266 ફ્લેટ ધારકોને 9 ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઈસ્ટ ઝોનમાં જળ કટોકટી ઘેરી: સેન્ટ્રલ ઝોનમાં દૂષિત પાણીની રાવ રાજકોટના ત્રણ ઝોન પૈકી ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ પૂર્વ વિસ્તાર એટલે કે ઇસ્ટ ઝોનમાં જોવા મળી રહી છે. ઇસ્ટ ઝોન હેઠળ આવતો એકમાત્ર વોર્ડ નં. 18 ભૌગોલિક દ્રષ્ટિએ એટલો મોટો છે કે તે આખેઆખા સેન્ટ્રલ ઝોન જેટલો વિસ્તાર ધરાવે છે. આ વિસ્તારમાં અનેક શ્રમિક સોસાયટીઓ, મફતિયા પરા, ઝૂંપડપટ્ટીઓ અને નવા વિકસિત થઈ રહેલા વિસ્તારો આવેલા છે, જ્યાં હજુ સુધી સત્તાવાર પાણીની પાઇપલાઇનનું નેટવર્ક પહોંચાડી શકાયું નથી. વધુમાં, મહાનગરપાલિકા દ્વારા ભૂતકાળમાં જુદા-જુદા સ્થળોએ મૂકવામાં આવેલી હેન્ડપંપ અને ડંકીઓ પણ વોટર ટેબલ નીચા જવાને કારણે ડૂકી ગઈ છે. 'એજંસી ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન' સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે વહીવટીતંત્ર ઇસ્ટ ઝોનમાં ઉનાળા દરમિયાન ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા નિયમિત પાણી વિતરણનું આયોજન કરવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. મહાનગરપાલિકાએ એજન્સીઓને પાણી વિતરણના આદેશો તો આપી દીધા છે, પરંતુ એજન્સીઓ દ્વારા ટેન્ડરની શરતોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. ઇસ્ટ ઝોનના મંછાનગર સહિતના વિસ્તારોમાં લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતું હોવાથી રોજબરોજ હોબાળા થઈ રહ્યા છે. આવતીકાલે સ્ટે. કમિટિની બેઠકમાં નિર્ણય લેવાશે બીજી તરફ, શહેરના મધ્ય ભાગ એટલે કે સેન્ટ્રલ ઝોનની પરિસ્થિતિ તુલનાત્મક રીતે સામાન્ય છે કારણ કે ત્યાંના મોટાભાગના વિસ્તારો જૂના શહેરના હોવાથી પાઇપલાઇનના નેટવર્કથી જોડાયેલા છે. આમ છતાં, સેન્ટ્રલ ઝોનમાં પણ પાઇપલાઇન દ્વારા અપાતું પાણી અત્યંત દૂષિત, કલરવાળું અને ખૂબ જ ઓછા દબાણથી આવતું હોવાની સ્થાનિક નાગરિકોની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શાસકો આ તમામ પ્રજાલક્ષી પ્રશ્નો અને કરોડો રૂપિયાના ટેન્કર વિતરણના ખર્ચ અંગે આખરી મંજૂરીની મહોર મારશે તેના પર શહેરભરની નજર મંડાયેલી છે. ફરિયાદ નિકાલના કોન્ટ્રાકટ અંગે પણ નિર્ણય કરાશે આવતીકાલે યોજાનાર સ્ટેન્ડિંગની બેઠકમાં અગાઉની બેઠકમાં મુલત્વી રાખવામાં આવેલી રેસકોર્સ રીંગ રોડ પર ડેકોરેટીવ લાઇટીંગની તેમજ શહેરમાં અર્બન ગ્રીનીંગ પોલીસી તૈયાર કરવાની દરખાસ્તનો પણ સમાવેશ થાય છે. કુલ 13 દરખાસ્તો પર કાલે નિર્ણય કરવામાં આવશે. જેમાં ડ્રેનેજ શાખા માટે રૂ. 31.90 લાખના ખર્ચે એક સકશન મશીન ખરીદ કરવાની દરખાસ્ત મુકાઇ છે. તો અલગ અલગ પ્લાન્ટના મેન્ટેનન્સ, વોર્ડ નં.12 વાવડીની રસુલપરા સ્કુલમાં પ્રાર્થના ખંડ બનાવા સહિત દરખાસ્તો છે. ભાવનગર ખાતે યોજાયેલ ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટના ખર્ચ, જુના સ્ક્રેપ વાહનના વેંચાણ, વોર્ડ નં.8 અને 10માં ભુગર્ભ ગટર, ફરિયાદ નિકાલના કોન્ટ્રાકટ અંગે પણ આવતીકાલે નિર્ણય લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પીપળી શાળાના શિક્ષક વિરેન્દ્ર પટેલની મહેસાણા બદલી:ગ્રામજનો અને શાળા પરિવારે સન્માન સાથે વિદાય આપી
    Next Article
    તેરા તુકો અર્પણ:ક્રાઈમ બ્રાન્ચે ખોવાયેલા 410 મોબાઈલ નાગરિકોને પરત કર્યા, એક પણ મોબાઇલમાં FIR નહોતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment