Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાખોનો ખર્ચ છતાં વોકળાઓમાં ગંદકીનું સામ્રાજ્ય:પ્રિમોન્સૂન કામગીરીના દાવા'ને વાસ્તવિકતામાં પોલમપોલ, ધોધમાર વરસાદમાં RMCની પોલ ખુલવાનું નક્કી; તમામ વોકળાની સફાઈ થઈ હતી:અધિકારી

    3 days ago

    ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર દસ્તકને ત્રણ દિવસ ચૂક્યા છે. એ પહેલા રાજકોટ મનપા દ્વારા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત 44 વોકળાની સફાઈ કરવામાં આવી હતી. આ માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરવામાં આવ્યો હતો. ખુદ મેયરે પ્રિમોન્સૂન કામગીરી આ વર્ષે 20 જૂન અને આવતા વર્ષથી 20 મે સુધીમાં પુરી કરવા આદેશ આપ્યા હતા. આ પહેલા કોર્પોરેટરો દ્વારા તમામ વોર્ડમાં વોકળા સફાઈનું ફોટોસેશન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે દિવ્યભાસ્કર દ્વારા વોકળાની સફાઈનો સર્વે હતો. જેમાં 10 વોકળાની અને સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મેયરના આદેશને અધિકારીઓ ઘોળીને પી ગયા હોય તેમ મોટા ભાગના વોકળામાં કચરાના ઢગલા યથાવત જોવા મળ્યા હતા. તો અમુક વોકળા અડધા બંધ જેવા હતા. એટલું જ નહીં જુદા-જુદા બે વોકળામાં હજુ રીપેરીંગ કામ ચાલુ હોવાનું સામે આવ્યું છે. જોકે સફાઈ થયા બાદ સ્થાનિકો કચરો ઠાલવતા હોવાનો બચાવ અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે. મોટાભાગના વોકળામાં ગંદકીનું સામ્રાજ્ય રાજકોટમાં જ્યાં સૌથી વધુ પાણી ભરાય છે તેવા પોપટપરા નાલા પાસેનો વોકળો, એરપોર્ટ રોડ પર ફાટકની બાજુનો વોકળો, સદર ખાતે આવેલો વોકળો, ગૌરેશ્વર મહાદેવ મંદિર પાસેનો વોકળો, હંસરાજ નગરનો વોકળો, સયાજી હોટલ સામે આવેલો વોકળો, મહિલા પોલીસ મથક પાસેનો વોકળો, સાંઢિયા બ્રીજ નીચેનો વોકળો અને ભોમેશ્વર જતા રસ્તા પરનો વોકળાની સ્થિતિનું નિરીક્ષણ દિવ્યભાસ્કરની ટીમે કર્યું હતું. જેમાં એરપોર્ટ રોડ, પોપટપરા નાલા પાસે, સદર બજાર ખાતે, ગૌરેશ્વર મહાદેવ મંદિર પાસે, હંસરાજ નગરનો વોકળો અને ભોમેશ્વર જતા રસ્તા ઉપરના વોકળામાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળ્યા હતા. મહિલા પોલીસ મથક પાસે વોકળાનું સમારકામ પૂર્ણ જો કે મહિલા પોલીસ મથક પાસે વોકળાનું સમારકામ થયેલું હતું. જ્યારે સાંઢિયા બ્રિજ નીચેના વોકળામાં અને સયાજી હોટલ સામે આવેલા એક વોકળામાં સમારકામ હજુ ચાલુ હોવાનું જોવા મળ્યું હતું. આ સમારકામ માટે રેતી સહિતના ઢગલાઓ વોકળામાં કરવામાં આવ્યા છે. ત્યારે જો અચાનક ધોધમાર વરસાદ આવે તો આ રેતી પણ વોકળામાં ફસાઈ જાય તેવી પૂરતી શક્યતા જોવા મળી છે. મહિલા પોલીસ મથક પાસે વોકળાનું સમારકામ પૂર્ણ થયું છે, છતાં ત્યાં જે સ્થળેથી પાણીનો નિકાલ થાય છે ત્યાં થોડો-ઘણો કચરો જોવા મળ્યો હતો. પોપટપરાના નાલાની બાજુમાં વોકળાની સફાઈ બાકી રાજકોટમાં પાણી ભરાઈ જવાની સૌથી વધુ ફરિયાદો પોપટપરા નાલામાં આવે છે. થોડો વરસાદ પડતા આ નાલું ભરાઈ જવાને કારણે પોપટપરા અને રેલનગરનાં રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ આ નાલાની સફાઈ પણ મનપાની ટીમો દ્વારા કરવામાં આવી હતી. જો કે આ નાલાની બાજુમાં આવેલ વોકળામાં આજે પણ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળ્યા હતા. આ વોકળામાંથી પાણી પસાર નહીં થવાને કારણે પણ નાલામાં પાણી ભરાઈ શકે છે. જો કે નાલાની સફાઈ કરવા આવેલી ટીમ કદાચ તેને અડીને આવેલા વોકળાની સફાઈ કરવાનું ભૂલી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સદર બજારનો વોકળો અડધો બંધ રાજકોટની મધ્યમાં આવેલા અને પોષ વિસ્તાર ગણાતા એરપોર્ટ રોડ તેમજ મારુતેશ્વર મંદિર નજીક વોકળામાં ગંદકીના ગંજ ખડકાયેલા હતા. સફાઈ કરવા આવતા લોકો કચરો ત્યાં જ રાખી દેતા હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાવવામાં આવ્યો હતો. જ્યારે હંસરાજ નગરનાં અને ગૌરેશ્વર મંદિર નજીક આવેલા વોકળામાં ગંદકીના ગંજ ખડકાયેલા હતા. સદર બજારમાં આવેલો વોકળો તો જાણે અડધો બંધ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. આમ મોટાભાગના વોકળામાં નામ માત્રની સફાઈ પણ કરવામાં આવી ન હોય તેવું સામે આવ્યું હતું. વોકળા સફાઈમાં લાખોનો ખર્ચ પાણીમાં! રાજકોટમાં નાના-મોટા મળી કુલ 44 જેટલા વોકળાઓ આવેલા છે. જે પૈકીનાં 10 વોકળાઓની સ્થળ મુલાકાત કરતા માત્ર બે વોકળા સાફ થયેલા જોવા મળ્યા હતા. તો બાકીના વોકળામાં વિવિધ પ્રકારની ગંદકી જોવા મળતા વોકળા સફાઈ માટે મનપા દ્વારા કરવામાં આવેલો લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો હોય તેવું લાગી રહ્યું છે. દર વર્ષે પ્રિ-મોન્સુન કામગીરીનો રિપોર્ટ, ખાસ કરીને વોંકળા સફાઇના નામે જે નાટક કરવામા આવે છે, તેનો પ્રથમ વરસાદમાં જ પરપોટો ફૂટી જાય છે. આ વખતે પણ ફરી એકવાર આવું જ થવાની શક્યતા છે. ત્યારે મનપા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ''સ્વચ્છ રાજકોટ' બતાવવામાં આવે, પરંતુ હકીકત અલગ' રાજકોટમાં મનપાની પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ શાસક પક્ષ અને તંત્ર સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું કે, રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કમિશનર અને મેયર દ્વારા કાગળ ઉપર તો 'સ્વચ્છ રાજકોટ' બતાવવામાં આવે છે, પરંતુ હકીકત તેનાથી તદ્દન અલગ છે. પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર મોટી-મોટી જાહેરાતો અને ફોટો સેશન જ કરવામાં આવ્યું છે. 'સમયસર વરસાદ આવ્યો હોત તો તંત્રની પોલ ખુલી જાત' રાજદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, રાજકોટના મોટાભાગના વોકળાઓમાં હજુ સુધી સફાઈ થઈ નથી અને પરિસ્થિતિ જૈસે-થે જોવા મળી રહી છે. હાલમાં જ કોંગ્રેસના કોર્પોરેટરો અને ટીમ દ્વારા આસ્થાના કેન્દ્ર સમાન રામનાથ દાદાના મંદિર પાસે આવેલા વોકળાની સફાઈ કરવામાં આવી હતી. માત્ર એક જ વોકળાની આ સ્થિતિ નથી, પરંતુ સમગ્ર શહેરમાં આ જ પરિસ્થિતિ છે. જો સમયસર વરસાદ આવ્યો હોત તો અત્યાર સુધીમાં તંત્રની અને શાસકોની પોલ ખુલી ગઈ હોત. 'ભાજપની સંગઠનની ટીમે વોકળાનું મોનિટરિંગ કરવું જોઈએ' ભાજપ પર નિશાન સાધતા રાજદીપસિંહે જણાવ્યું હતું કે, જો ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતી હોય અને લોકોએ તેમના કોર્પોરેટરોને ચૂંટીને મોકલ્યા હોય, તો તેમણે સંગઠનની ટીમો બનાવીને દરેક વોકળાનું મોનિટરિંગ કરવું જોઈએ. પ્રી-મોન્સૂન કામગીરીમાં માત્ર એક દિવસ સફાઈ કરવાથી ચાલતું નથી, પરંતુ સમગ્ર મોન્સૂન સીઝન દરમિયાન તેનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે. માત્ર કાગળ પર વાતો કરવાના બદલે વાસ્તવિક સ્તરે પ્રજાલક્ષી કામગીરી થાય તે જરૂરી છે. '16 જૂન સુધીમાં તમામ વોકળાની સફાઈ પૂર્ણ થઈ હતી' મનપાનાં સોલિડ વેસ્ટ વિભાગના અધિકારી પ્રજેશ સોલંકીએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત 1 એપ્રિલથી 16 જૂન સુધી તમામ વોકળાની સફાઈ પૂર્ણ કરવામાં આવી હતી. અને તેમાં કોઈપણ પ્રકારનો વધારાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. સફાઈ કામદારો અને મશીનરી જે હતી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માત્ર સેન્ટ્રલ ઝોનમાં કામગીરી માટે 30 સફાઈ કામદારો બહારથી લેવામાં આવ્યા હતા. 'લોકો વોકળામાં રાતે કચરો નાખી જાય છે' વધુમાં પ્રજેશ સોલંકીએ જણાવ્યું હતું કે, જો કે આ સફાઈ કર્યા બાદ લોકો જાગૃત નહીં હોવાને કારણે ફરી ગંદકી થઈ જાય છે. આ માટે એસ્ટ્રોન ચોક વોકળાનું ઉદાહરણ આપ્યું હતું કે, આ વોકળો મારી હાજરીમાં ચોખ્ખો-ચણાક કરવામાં આવ્યો હતો. જેના એક સપ્તાહ બાદ મેયર ત્યાંથી પસાર થતા ગંદકી જોવા મળી હતી. જેને લઈને તેમણે સાફ કરવાનું જણાવતા ફરીથી સાફ કરવામાં આવ્યો હતો. લોકો રાતે કે એવા સમયે કચરો નાખી જતા હોય છે. જો અમે આ સફાઈ ન કરતા હોઈએ તો ખૂબ મોટા પ્રમાણમાં કચરો વોકળામાં જોવા મળતો હોત. અમે પૂરતા પ્રયત્નો કરીએ છીએ છતાં ક્યાંક અમારી ત્રુટિ રહી જતી હોય તેવું પણ બની શકે પરંતુ સફાઈના પ્રશ્ન માટે લોકો જાગૃત થાય તે ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, મનપા તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર દેખાડી દેવામા આવી છે. પરિણામે એક વરસાદ પડે ત્યા વોંકળાની ગંદકી સપાટી પર આવી જાય તેમ છે. દિવ્યભાસ્કરની ટીમ દ્વારા 10 જેટલા વોકળાની તપાસ કરવામાં આવતા મનપાની વોંકળામાં સફાઇની કામગીરીમાં પોલમપોલ જ હોવાનું સામે આવ્યું છે. જોકે રેસકોર્સ સહિત પોષ વિસ્તારમાં આવેલા અમુક વોકળા મનપાએ ચોખ્ખાચણાક કરી દીધા છે. તો આવી જ રીતે તમામ વોકળાની સફાઈ થાય અને લોકો પણ પોતાની જવાબદારી સમજીને તેમાં કચરો ન ઠાલવે તે જરૂરી છે. જો આમ થશે તો ભારે વરસાદમાં પાણી ભરાશે તો પણ તેનો ઝડપથી નિકાલ થઈ જશે.
    Click here to Read More
    Previous Article
    US રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત આવશે:અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન, કહ્યું- અમે મોદીના મોટા પ્રશંસક છીએ
    Next Article
    પાટણમાં કેનાલ દ્વારા તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠલવાયું:મુખ્ય લાઇન ચોકઅપ, અનેક વોર્ડમાં ગટર ઉભરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment