Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘ગૃહમંત્રી અમિત શાહ તમારો ફોન સાંભળી રહ્યા છે’:જેકલીનને કરોડોની ગિફ્ટ, ઉદ્યોગપતિ-નેતાઓ સાથે અબજોનું ચીટિંગ, ઠગ સુકેશ ચંદ્રશેખરની કુંડળી

    6 hours ago

    પ્રધાનમંત્રી કાર્યાલયનો નંબર જેલનો નીકળ્યો! ઓગસ્ટ 2021. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની એક ટીમ દિલ્હીની રોહિણી જેલમાં પ્રવેશી. જે કેસમાં તેમને એક માણસની પૂછપરછ કરવાની હતી, તે માટે એકદમ સોલિડ પુરાવા તેમના હાથમાં હતા. એક ઉદ્યોગપતિ પરિવારની એક મહિલાના ફોન પર વારંવાર એક નંબર દેખાતો હતો, જે ક્યારેક ‘કાયદા મંત્રાલય’નો હોય તો ક્યારેક ‘વડાપ્રધાન કાર્યાલય’નો હોય તેવું ડિસ્પ્લે થતું હતું. ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું કે કોલ યુકેના આંતરરાષ્ટ્રીય નંબર પરથી આવતો હતો. પરંતુ જ્યારે નંબરની બરાબર તપાસ કરાઈ, તો ખબર પડી કે તે તો એરટેલ કંપનીમાં નોંધાયેલો ભારતનો જ એક નંબર છે! નંબરના લોકેશનને ટ્રેસ કર્યું તો પોલીસના પણ હોશ ઊડી ગયા. ફોન જેલમાંથી થતો હતો! રોહિણી જેલ, બેરેક નંબર 2004, વોર્ડ નંબર 3. જેલની બેરેકમાં ઠગની ઑફિસ ચાલતી હતી! આપણને સૌને ખ્યાલ છે કે જેલમાં મોબાઇલ ફોન જામર લાગેલાં હોય છે. દરેક ખૂણા પર CCTV કેમેરા હોય છે. દરેક શિફ્ટમાં કોન્સ્ટેબલ અને અધિકારીઓ બાજનજર રાખીને ફરજ બજાવતા હોય છે. પરંતુ જ્યારે દિલ્હી પોલીસની ટીમે વોર્ડનો દરવાજો ખોલ્યો, ત્યારે તેમણે જે જોયું તેનાથી બધા ચોંકી ગયા. જે 40 કેદીઓને રાખવાના વોર્ડમાં ફક્ત એક જ માણસ રહેતો હતો. કેમેરાની આંખોમાં ધૂળ નાખવા માટે ટી-શર્ટ અને કપડાંથી CCTV કેમેરા ઢાંકી દેવામાં આવ્યા હતા. અને આ બધાંનો કોઈએ વાંધો ઉઠાવ્યો નહીં! જ્યારે તેનું ઇન્ટરોગેશન સ્ટાર્ટ થયું ત્યારે જે સ્ટોરી બહાર આવી તે એવા શાતિર ઠગની હતી, જેણે ઉદ્યોગપતિઓથી લઇને રાજકારણીઓ અને મસમોટાં એક્ટર્સને પણ બાટલીમાં ઉતારી દીધાં હતાં. *** સુકેશ ચંદ્રશેખરઃ બોલિવૂડથી પોલિટિક્સને છેતરનારો દેશનો સૌથી મોટો ઠગ એ કેદી કોઈ સામાન્ય ગુનેગાર નહોતો. એનું નામ હતું સુકેશ ચંદ્રશેખર. એ જ માણસ જે જેલના સળિયા પાછળ રહીને પણ પ્રધાનમંત્રી કાર્યાલયના નામે ફોન કરીને કરોડો રૂપિયાના કાંડ કરી ચૂક્યો હતો. જેણે આપેલી લાખો રૂપિયાની મોંઘીદાટ ગિફ્ટ્સને કારણે જેકલીન ફર્નાન્ડિઝ જેવી અનેક જાણીતી હસ્તીઓ પોલીસ સ્ટેશનના આંટાફેરા કરતી થઈ ગઈ. *** બેંગ્લોરનો એ છોકરો જે સત્તર વર્ષની ઉંમરે ‘કરોડપતિ’ બન્યો સુકેશ મૂળ બેંગલુરુનો રહેવાસી છે. ન્યૂઝ રિપોર્ટ્સ ફંફોસતાં ખબર પડે છે કે તેણે ફક્ત 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. સાવ લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા સુકેશના પિતા મિકેનિક હતા. માંડ બાર ચોપડી સુધી જ અભ્યાસ કર્યો હોવા છતાં તે લગભગ બધી દક્ષિણ ભારતીય ભાષાઓ બોલે છે અને હિન્દી અને અંગ્રેજી પર પણ જબરદસ્ત પ્રભુત્વ ધરાવે છે. તેની સૌથી મોટી સંપત્તિ તેની ડિગ્રી નહીં, પરંતુ તેનો અવાજ અને તેનો આત્મવિશ્વાસ હતો. તેની સાથે વાત કરનારા લોકોએ કહ્યું છે કે તે એટલા આત્મવિશ્વાસથી વાત કરતો હતો કે તેમને લાગ્યું કે તેઓ કોઈ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. 17 વર્ષના છોકરાએ કહ્યું, ‘હું CMનો ખાસ છું’ પોલીસ રેકોર્ડ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર 2007માં જ્યારે તે માત્ર 17 વર્ષનો હતો, ત્યારે તેને ખબર પડી કે એક મહિલાની જમીન બેંગ્લોર ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે ફસાયેલી છે. તેણે તે મહિલાને મળીને તેને ખાતરી અપાવી દીધી કે તે પોતે કર્ણાટકનાં તત્કાલીન મુખ્યમંત્રીનો નજીકનો માણસ છે. તેની વાત પર વિશ્વાસ મૂકીને તેણે સુકેશને 1 કરોડ રૂપિયાથી વધુની રકમ (અધિકારીઓને લાંચ તરીકે ખવડાવવા માટે) આપી. સુકેશ તે રકમ લઈને ગાયબ થઈ ગયો. વિચાર કરો, તે વખતે સુકેશ ચંદ્રશેખરની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી! જે ઉંમરે છોકરાઓ સાયન્સ લેવું કે કોમર્સ તેની કન્ફ્યુઝનમાં પડ્યા હોય છે, તે ઉંમરે સુકેશ રાતોરાત કરોડપતિ બની ગયેલો! આ ઉંમરે તેની પાસે મોંઘીદાટ કાર આવી ગયેલી, તે ડિઝાઇનર કપડાં પહેરતો થઇ ગયો અને બીજાયે કેટલાય ઊંચા શોખ એણે પાળી લીધા હતા. આ ઉંમરે પહેલીવાર તેનું નામ પોલીસના ચોપડે ચડ્યું. પરંતુ સુકેશની મોડસ ઓપરેન્ડી બદલાઈ નહીં. તે સત્તાની નજીક હોવાનો દાવો કરતો. ક્યારેક કોઈ મંત્રીનો સગો, તો ક્યારેક કોઈ સિનિયર અધિકારીનો ખાસ માણસ, તો ક્યારેક કોઈ મીડિયા હાઉસનો માલિક બની જતો. વર્ષો પછી જ્યારે પોલીસે તેને પકડ્યો ત્યારે તેની પાસે લોકસભા અને રાજ્યસભાનાં નકલી કાર્ડ પણ મળી આવ્યાં હતાં! કેટરિના કૈફને લાવવાના નામે 20 લાખ ચાંઉ કરી ગયો 2012માં કોચીસ્થિત એક સાડી કંપની તરફથી 20 લાખ રૂપિયાની છેતરપિંડીનો કેસ પ્રકાશમાં આવ્યો ત્યારે દેશના નેશનલ મીડિયાનું ધ્યાન પહેલીવાર સુકેશ તરફ ખેંચાયું હતું. સુકેશે કેટરિના કૈફને તે કંપનીના કાર્યક્રમમાં લઈ આવવા માટે વીસ લાખ રૂપિયા લીધા. પછી ન ક્યારેય કેટરિના આવી, કે ન તે કંપનીના માલિકોએ પોતાના પૈસાનું મોં જોયું. ‘સન ટીવી’નો માલિક બનીને એક્ટ્રેસને ફસાવી પોલીસ સાથે આ રીતે સુકેશ ચંદ્રશેખરની સંતાકૂકડી ચાલી રહી હતી, ત્યારે મલયાલમ ફિલ્મોની ભૂતપૂર્વ એક્ટ્રેસ અને ભૂતપૂર્વ ડેન્ટિસ્ટ લીના મારિયા પોલ તેની લાઇફમાં આવી. લીનાએ જ્હોન અબ્રાહમ સ્ટારર શૂજિત સરકારની ફિલ્મ ‘મદ્રાસ કેફે’માં LTTEની તમિળ ત્રાસવાદીનો રોલ કર્યો હતો. ન્યૂઝ વેબસાઇટ ‘ન્યૂઝલોન્ડ્રી’ના ઇન્વેસ્ટિગેશન મુજબ તે બંને 2009માં મળ્યાં હતાં. ત્યારે સુકેશ સાઉથ ઇન્ડિયાની સૌથી મોટી ન્યૂઝ અને એન્ટરટેનમેન્ટ ચેનલ ‘સન ટીવી’ના માલિક તરીકે મળ્યો હતો. તેણે લીના મારિયા પોલને એક મોટી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અપાવવાનું પ્રોમિસ કરેલું. લીના તેની જાળમાં આબાદ ફસાઈ ગઈ. પરંતુ તેને ખબર નહોતી કે સન ટીવી ઓરિજિનલી DMKના નેતા મુરાસોલી મારનના દીકરા કલાનિધિ મારનની કંપની છે. સુકેશ અને એક્ટ્રેસે બેંકને 19 કરોડનો ચૂનો લગાવ્યો સુકેશ અને લીના મારિયા પૉલ વચ્ચે ખાનગીમાં શું ખીચડી રંધાઈ તે તો ઉપરવાળો જાણે, પરંતુ થોડાં વર્ષોમાં તે સુકેશની ‘પાર્ટનર ઇન ક્રાઇમ’ બની ગઈ. બંને રિયલ લાઇફનાં ‘બંટી-બબલી’ બનીને લોકોને છેતરવા માંડ્યાં. 2013માં દિલ્હી પોલીસે બંનેની ધરપકડ કરી હતી. આ કેસમાં ચેન્નઈસ્થિત એક વેપારી દંપતી અને એક રાષ્ટ્રીયકૃત બેંક સાથે આશરે 19 કરોડ રૂપિયાની છેતરપિંડીનો સમાવેશ થતો હતો. જામીન પર મુક્ત થયા પછી બંને મુંબઈ શિફ્ટ થઈ ગયાં, પરંતુ 2015માં નકલી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના કેસમાં ફરીથી ધરપકડ કરવામાં આવી. તે જ વર્ષે 2015માં બંનેએ લગ્ન પણ કરી લીધાં. એક આરોપ મુજબ બંનેએ એક કંપનીના માલિકને ખાતરી આપી હતી કે તેઓ તેમને કર્ણાટક સરકાર પાસેથી ₹132 કરોડનો મશીનરી કોન્ટ્રાક્ટ અપાવશે. બદલામાં તેમણે ₹1 કરોડ લીધા અને પછી ગાયબ થઈ ગયાં. રિપોર્ટ પ્રમાણે તે ઉદ્યોગપતિએ સુકેશને આપવા માટેના પૈસા બેંકમાંથી લોન લઇને એકઠા કર્યા હતા અને હજુ પણ તેના EMI ચૂકવી રહ્યા છે! ‘હું ઇલેક્શન કમિશનમાં સેટિંગ પાડી દઇશ’ એપ્રિલ 2017માં સુકેશના નસીબમાં મોટો ટ્વિસ્ટ આવ્યો. 5 ડિસેમ્બર 2016ના રોજ તમિલનાડુનાં સીટિંગ મુખ્યમંત્રી જયલલિતાનું મૃત્યુ થયું. તેમના અવસાન પછી તેમના પક્ષ AIADMKમાં ભંગાણ પડ્યું અને પાર્ટી બે જૂથોમાં વિભાજીત થઈ ગઈ. તેમાંથી ઓરિજિનલ પાર્ટી કઈ તે મુદ્દે વિવાદ થયો અને મામલો ઇલેક્શન કમિશન પાસે પહોંચ્યો. ચૂંટણી પંચે પાર્ટીના ‘બે પાંદડાં’વાળા પ્રતીકને ફ્રીઝ કરી દીધું. યાને કે બેમાંથી કોઈ જૂથ તે સિમ્બોલનો ઉપયોગ કરી શકશે નહીં. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર ત્યાં લાગ જોઇને સુકેશે એન્ટ્રી મારી. જયલલિતાની એક સમયની સખી અને પાછળથી તેની વિરોધી એવી શશિકલાની છાવણીના નેતા ટીટીવી દિનાકરનને ખાતરી આપીને ઠસાવી દીધું કે તે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ‘સેટિંગ’ કરીને ₹50 કરોડમાં તેમના માટે બે પાંદડાનું પ્રતીક મેળવી લેશે! જયલલિતાની પાર્ટીને ફસાવી, 50 કરોડનું કરી નાખ્યું વિચાર કરો, આ સુકેશ કેટલી મોટી માયા હશે, કે એણે તમિલનાડુના ઇતિહાસમાં 30-32 વર્ષ સુધી શાસન કરનાર AIADMK પક્ષના પૂર્વ ખજાનચી અને લોકસભા તથા રાજ્યસભા બંનેના સાંસદ રહી ચૂકેલા દિનાકરન જેવા પહોંચેલા રાજકારણીને પણ બાટલીમાં ઉતારીને ₹50 કરોડ રૂપિયાની કલાઈ કરી નાખી! પોલીસ દોડતી થઈ અને 6 એપ્રિલ, 2017ની રાત્રે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં દરોડો પાડવામાં આવ્યો. સુકેશની ધરપકડ કરવામાં આવી. પોલીસના જણાવ્યા અનુસાર તેની પાસેથી 1.30 કરોડ રૂપિયા રોકડા, એક BMW અને એક મર્સિડીઝ જેવી લક્ઝરી ગાડીઓ મળી આવી હતી. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે પણ દિનાકરન વિરુદ્ધ FIR દાખલ કરી અને 25 એપ્રિલે તેની ધરપકડ કરી. દિનાકરને સુકેશને મળવાની વાત સ્વીકારી, પરંતુ ચૂંટણી પંચને લાંચ આપવાના કાવતરામાં પોતાની કોઈપણ પ્રકારની સંડોવણીનો સતત ઇનકાર કર્યો. તેણે કહ્યું કે આ કાવતરું તેમના પક્ષને રાજકીય રીતે બદનામ કરવાનો પ્રયાસ હતો. જુલાઈ 2017માં દિલ્હી પોલીસે સુકેશ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ પણ આ જ કેસમાં મની લોન્ડરિંગ તપાસ શરૂ કરી. અમુક જગ્યાએ દાવો કરવામાં આવ્યો છે કે દિનાકરને જ સુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ‘હું સુપ્રીમ કોર્ટ જજનો પ્રાઇવેટ સેક્રેટરી છું’ પરંતુ ખરું આશ્ચર્ય આ પછી શરૂ થયું. 28 એપ્રિલ, 2017ના રોજ જ્યારે તે પોલીસ કસ્ટડીમાં હતો, ત્યારે સુકેશે એક કોન્સ્ટેબલનો મોબાઇલ ફોન મેળવ્યો અને તેનો ઉપયોગ કરીને દિલ્હીમાં ભ્રષ્ટાચાર વિરોધી કેસ સંભાળતી ન્યાયિક અધિકારી પૂનમ ચૌધરીને ફોન કર્યો. પહેલાં તેણે પોતાને સુપ્રીમ કોર્ટના જજના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે રજૂ કર્યો, પછી, પોતે જજ છે તેવું કહીને જામીન આપવા માટે તેના પર દબાણ કર્યું. પછી જ્યારે ઓરિજિનલ ન્યાયાધીશે ફોન કર્યો ત્યારે સત્ય બહાર આવ્યું, અને સુકેશ સામે બીજો કેસ દાખલ કરવામાં આવ્યો. હવે નવ વર્ષ પછી આનાં પરિણામો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યાં છે. તિહારથી ચાલતું ‘સરકારી કાર્યાલય’: એક ફોન, 200 કરોડ રૂપિયા જેલ ગયા પછી પણ સુકેશ અટક્યો નહીં. તેના બદલે જેલ તેના માટે એક ઓફિસ બની ગઈ, જ્યાંથી તે દેશનાં મોટા નામોને બોલાવી શકતો હતો. 11 ઓક્ટોબર, 2019ના રોજ ફાર્માસ્યુટિકલ કંપની ‘રેનબેક્સી’ના ભૂતપૂર્વ પ્રમોટરો શિવિન્દર સિંહ અને માલવિન્દર સિંહને મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર જ્યારે સુકેશને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે જેલની અંદરના તેના ‘સોર્સ’ પાસેથી આ બંનેના પરિવારો વિશે વ્યક્તિગત માહિતી મેળવી, તેમની પત્નીઓના ફોન નંબરો પણ મેળવ્યા. આ સમયગાળામાં દેશ કોરોનાવાઇરસ સામે ઝઝૂમી રહ્યો હતો. 15 જૂન, 2020ના રોજ સવારે શિવિન્દર સિંહની પત્ની અદિતિ સિંહને એક છોકરીનો ફોન આવ્યો. તેણે કહ્યું, ‘દેશના લૉ સેક્રેટરી તમારી સાથે વાત કરવા માગે છે.’ લાઇન પરની વ્યક્તિએ પોતાને કાયદા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારી તરીકે ઓળખાવી. અદિતિએ નંબર વેરિફાય કરવા માટેની એપ ‘ટ્રુકોલર’ ઓપન કરી અને નંબર ચેક કર્યો. ખરેખર તે નંબર દિલ્હીની એક સરકારી ઑફિસનો જ હતો! શંકા કરવાનું કોઈ કારણ નહોતું. ‘તમારો ફોન સ્પીકર પર છે, ગૃહમંત્રી અમિત શાહ સાંભળી રહ્યા છે’ ત્યારપછીના થોડા દિવસમાં એક અદિતિ સિંહને દિલ્હીથી એક ‘જુનિયર ઓફિસર’ના ફોન આવવા લાગ્યા. અદિતિને કહેવામાં આવ્યું કે દેશ કોરોનાવાયરસ રોગચાળાની ઝપેટમાં છે અને સરકારને વેક્સિન ડિસ્ટ્રિબ્યુશન માટે શિવિન્દર સિંહ જેવા લોકોની જરૂર છે. તેને એક સમિતિમાં નિયુક્ત કરવામાં આવશે, પરંતુ પહેલાં તેમને જેલમાંથી બહાર કઢાવવા પડશે. અમુક ફોનમાં તો અદિતિને સામે છેડેથી એવું પણ કહેવામાં આવ્યું કે, ‘ફોન સ્પીકર પર છે અને દેશના ગૃહમંત્રી અમિત શાહ ફોન સાંભળી રહ્યા છે, એટલે જે કંઈ બોલો તે સંભાળીને બોલજો. એટલું જ નહીં, આ ફોન પર જે વાતો થાય તે ‘ટોપ સિક્રેટ’ છે.’ પછી સુકેશની અસલી ગેમ શરૂ થઈ. EDએ સુકેશે સામે દાખલ કરેલી ચાર્જશીટ પ્રમાણે શરૂઆતમાં તેણે ‘પાર્ટી ફંડ’ના નામે ₹20 કરોડની માગણી કરી હતી. ત્યારબાદ જૂન 2020 અને ઓગસ્ટ 2021ની વચ્ચે હપ્તામાં રકમ વધીને ₹200 કરોડથી વધુ થઈ ગઈ. યાને કે અદિતિએ સુકેશના ફોન પર વિશ્વાસ કરીને તેને બસ્સો કરોડ રૂપિયા જેટલી રકમ તેને પહોંચાડી દીધી હતી! જ્યારે અદિતિએ પૂછ્યું કે આટલા બધા પૈસા મળ્યા છતાં શિવિન્દર કેમ બહાર નથી આવી રહ્યા, ત્યારે તેને ધમકીઓ મળી. તેને કહેવામાં આવ્યું, ‘તમે જાણો છો કે દેશમાં શું ચાલી રહ્યું છે? કંઈકેટલાય અગ્રણી લોકોનાં જીવન બરબાદ થઈ ગયા છે. જો તમે વધુ પડતું પ્રેશર કરશો, તો તમારી પણ લાઇફ બરબાદ થઈ શકે છે.’ મજબૂર થઈને અદિતિએ તેનાં ઘરેણાં વેચી દીધા અને પૈસા ઉછીના લીધા. તપાસમાં માલવિન્દર સિંહની પત્ની જપ્ના સિંહ પાસેથી પણ આવી જ ખંડણીનો ખુલાસો થયો. બાય ધ વે, અહીં સવાલ થાય કે સુકેશે જેલમાંથી કૉલ કર્યા હોવા છતાં ટ્રુકૉલર જેવી એપમાં પણ સરકારી ઑફિસનો નંબર કેમ બતાવતું હતું? તેનો જવાબ એ હતો કે સુકેશે ‘કૉલ સ્પૂફિંગ’ નામની ટેક્નિકનો ઉપયોગ કરીને ચીટિંગ કર્યું હતું. બ્રિટનનો લાગતો નંબર, દિલ્હીની જેલનો નીકળ્યો શિવિન્દર સિંહ પહેલાંથી જ EDના કેસનો સામનો કરી રહ્યા હતા, તેથી એજન્સી પરિવારનાં બેંક ટ્રાન્સફર્સ પર નજર રાખી રહી હતી. જ્યારે અદિતિના ખાતામાંથી વારંવાર મોટી રકમ ટ્રાન્સફર કરવામાં આવી, ત્યારે ED સાવચેત થઈ ગઈ. દરમિયાન અદિતિએ દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલમાં ફરિયાદ નોંધાવી. આ રીતે ફોન કૉલ સ્પૂફિંગની ટ્રેઇલ બહાર આવી: યુકેનો એક ઇન્ટરનેશનલ નંબર, ત્યારબાદ એરટેલ નંબર, અને પછી રોહિણી જેલમાં બેરેક નંબર 2004. સુકેશનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું હતું પોલીસ સામે બીજો પ્રશ્ન એ હતો કે આ બધી રોકડ જઈ ક્યાં રહી છે? આનો ઉકેલ લાવવા માટે અદિતિ સિંહનો જ ઉપયોગ કરવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યું કે તે સુકેશને ફોન કરીને કહે કે તે વધુ 10 કરોડ રૂપિયા ચૂકવવા તૈયાર છે. અદિતિ નક્કી કરેલા સ્થળે પહોંચી. સુકેશનો માણસ પૈસા લેવા આવ્યો કે તરત જ પોલીસે તેને પકડી લીધો. પૂછપરછમાં જાણવા મળ્યું કે સુકેશનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું હતું. તે રોકડ રાખતો નહોતો, પરંતુ કાળા નાણાંને ધોળા કરવા માટે વિવિધ શહેરોમાં જમીન, વાહનો અને અન્ય મિલકતો ખરીદવામાં મદદ કરતો હતો. જેલના કર્મચારીઓ સુકેશના પગાર પર કામ કરતા હતા તપાસ દરમિયાન જે ચિત્ર બહાર આવ્યું તે કોઈ ‘સ્પેશિયલ 26’ જેવી ફિલ્મની સ્ક્રિપ્ટનેય આંટે તેવું હતું. જેલના ડઝનબંધ કર્મચારીઓ તેના પે રોલ પર હતા. જેલ અધિક્ષક અને નાયબ અધિક્ષકથી લઈને સફાઈ કર્મચારીઓ સુધીના દરેકનાં નામ સામે આવ્યાં. એવો આરોપ મૂકવામાં આવ્યો કે બે સિનિયર અધિકારીઓએ ₹1.25 કરોડ લીધા હતા. ડેપ્યુટી જેલ અધિક્ષક ડી. એસ. મીણાની ધરપકડ કરવામાં આવી, અને EDએ પાછળથી તિહારના ત્રણ અધિકારીઓ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરી. જેલના વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોર્ટમાં તારીખ હોય ત્યારે પોલીસ અધિકારીઓમાં સ્પર્ધા થતી હતી કે સુકેશ સાથે કોણ આવશે, કારણ કે તે પોલીસ અધિકારીઓમાં ચિક્કાર પૈસા વહેંચતો હતો! સપ્ટેમ્બર 2021માં દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખા (EOW)એ સુકેશની પત્ની લીના મારિયા પોલની પણ ધરપકડ કરી. સુકેશ અને તેના સહયોગીઓ પર MCOCA, સંગઠિત ગુના નિવારણ અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. એવો પણ આરોપ મુકાયો કે આ સમગ્ર ગુનાહિત સામ્રાજ્ય જેલની અંદરથી હવાલા રૂટ્સ અને શેલ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. ‘બોલિવૂડ એક્ટ્રેસ મારી ગર્લફ્રેન્ડ બની જાય તો જલસો થઇ જાય’ સુકેશને બોલિવૂડનું જબ્બર ઘેલું હતું. તે માનતો હતો કે જો કોઈ પ્રખ્યાત અભિનેત્રી તેની ‘ગર્લફ્રેન્ડ’ બને તો તેની પ્રતિષ્ઠા વધશે. તપાસ એજન્સીઓ અનુસાર તે અભિનેત્રીઓને મેસેજ અને મોંઘીદાટ ગિફ્ટ્સ પહોંચાડવા માટે પિંકી ઈરાની નામની રૂપાળી સ્ત્રીનો ઉપયોગ કરતો હતો. EDના આરોપો અનુસાર પિંકી ઈરાનીને આના બદલામાં કરોડો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. મે 2018માં ટીવી અભિનેત્રી ચાહત ખન્નાને કથિત રીતે એક સ્કૂલના પ્રોગ્રામના બહાને તિહાર જેલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં સુકેશે તેને તરત જ પ્રપોઝ કર્યું હતું. આ ઘટના તે સમયગાળામાં જબ્બર ચર્ચાઈ હતી. સુકેશે નોરા ફતેહીને પણ કાર ગિફ્ટમાં આપેલી આ પછી પણ સુકેશને સામેલ કરતી ત્રણ સ્ટોરીઝ સૌથી વધુ ચર્ચામાં રહી. પહેલી, નોરા ફતેહીની. નોરાએ હમણાં થોડા દિવસ પહેલાં જ દિલ્હીની એક કોર્ટમાં ફરિયાદ પક્ષના સાક્ષી તરીકે જુબાની આપી છે. તેણે જણાવ્યું કે ડિસેમ્બર 2020માં લીના પૉલે ચેન્નઈમાં એક ચેરિટી કાર્યક્રમમાં હાજર રહેવા માટે તેને બુક કરી હતી. કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં લીના પોતાના પરિવાર સાથે તેના રૂમમાં મળવા પણ આવી હતી. તે વખતે તેણે સુકેશ સાથે ફોન પર વાત કરી હતી. નોરાના સ્ટેટમેન્ટ મુજબ, સુકેશે કહ્યું હતું કે તે તેનો ‘બહુ મોટો ફેન’ છે અને તેની સાથે વધુ કાર્યક્રમોનું આયોજન કરવા માગે છે. આ વાતચીત દરમિયાન લીનાએ નોરાને એક લક્ઝુરિયસ કાર ગિફ્ટમાં આપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. EDનો આરોપ છે કે કાર નોરાના સંબંધીના નામે ખરીદવામાં આવી હતી, કારણ કે નોરા ભારતીય નાગરિક નથી. સુકેશે જેકલીન માટે ચાર્ટર્ડ પ્લેન મોકલ્યું બીજી અને સૌથી વધુ ચર્ચાયેલી સ્ટોરી છે એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની. જાન્યુઆરી 2021માં જેકલીનના મેકઅપ આર્ટિસ્ટ શાન મુથલને એક ફોન આવ્યો. ફોન કરનારે શેખર રત્ન વેલા તરીકે પોતાની ઓળખ આપી અને કહ્યું કે તે ગૃહ મંત્રાલયમાંથી વાત કરે છે. એટલું જ નહીં, તે જયલલિતાનો સંબંધી થાય છે અને અને સન ટીવીનો માલિક પણ છે. ફોનના સ્ક્રીન પર ‘હોમ મિનિસ્ટ્રી’ લખેલું દેખાયું. જેનાથી શંકાનો છેદ ઊડી ગયો. પરંતુ અગેઇન આ ‘ચમત્કાર’ પણ કૉલ સ્પૂફિંગથી કરવામાં આવ્યો હતો. અહીંથી સુકેશ અને જેકલીનની વાતચીત શરૂ થઈ. EDની ચાર્જશીટ મુજબ સુકેશે ચેન્નઈમાં જેકલીનને મળવાની ઓફર કરી. તે ચાર્ટર્ડ પ્લેન દ્વારા ત્યાં ગયો અને જેકલીન માટે પણ ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરી. જેકલીન પર કર્યો કરોડો રૂપિયાની ગિફ્ટ્સનો વરસાદ ચાર્જશીટમાં દર્શાવેલી ગિફ્ટ્સની યાદી લાંબી છે: ડિઝાઇનર બેગ, ‘ગુચી’ અને ‘શનેલ’ જેવી લક્ઝુરિયસ બ્રાન્ડ્સનાં કપડાં, ‘લુઇ વીત્તોં’નાં શૂઝ, ડાયમંડની વીંટીઓ અને બ્રેસલેટ. એક ‘મિની કૂપર’ કાર પણ મોકલવામાં આવી હતી, જે જેક્વેલિન પરત કરી હતી. EDનો આરોપ છે કે જેકલીનના પરિવારને પણ પૈસા મોકલવામાં આવ્યા હતા: યુએસમાં તેની બહેનને 1.50 લાખ ડૉલર, ઓસ્ટ્રેલિયામાં તેના ભાઈને 50 હજાર ડૉલર અને બહેરીનમાં તેનાં માતાપિતા માટે પોર્શા કાર. જેકલીને તપાસ દરમિયાન જણાવ્યું હતું કે આ પૈસા તો સુકેશે ‘લોન તરીકે’ આપ્યા હતા. ન્યૂઝ રિપોર્ટ્સમાં આશરે ₹52 લાખની કિંમતની પર્શિયન બિલાડી અને અરબી ઘોડાનો પણ ઉલ્લેખ છે. જેકલીનઃ સુકેશની પ્રેમિકા હતી કે પીડિતા? EDનો દાવો છે કે જેકલીન સુકેશના ગુનાહિત ભૂતકાળથી વાકેફ હતી કારણ કે તેના મેકઅપ આર્ટિસ્ટ તેના ન્યૂઝ આર્ટિકલ્સ મોકલતા હતા, તેમ છતાં જેકલીને ગિફ્ટ્સ સ્વીકારવાનું ચાલુ રાખ્યું. જેકલીને એવું સ્ટેન્ડ લીધું છે કે તે પોતે છેતરપિંડીનો ભોગ બની છે અને હકીકતથી અજાણ હતી. હવે સાચું શું, તે કોર્ટ નક્કી કરશે. EDના જણાવ્યા મુજબ સુકેશે જે લક્ઝુરિયસ ગાડીઓ, જ્વેલરી અને પ્રોપર્ટીઝ ગિફ્ટમાં આપી હતી, તે તમામ જપ્ત કરવામાં આવી છે, જેથી સુકેશની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને તેમના પૈસા પરત કરી શકાય. આ આખી સ્ટોરીમાં એક વાત ક્લિયર છે: બોલિવૂડ સ્ટારડમે સુકેશને જે ‘વિશ્વસનીયતા’ આપી હતી તે તેનું સૌથી શક્તિશાળી હથિયાર બની ગયું. સુકેશનો છેલ્લો દાવ: રાજકારણ તરફ વળવું પોતાની ફરતેનો ગાળિયો જેમ જેમ ટાઇટ થતો ગયો, તેમ તેમ સુકેશે એક નવું તરકટ શરૂ કર્યું. ઓક્ટોબર-નવેમ્બર 2022માં તેણે દિલ્હીના તત્કાલીન લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેનાને પત્રો લખીને ‘આમ આદમી પાર્ટી’ના નેતાઓ પર ગંભીર આરોપો લગાવ્યા. તેણે દાવો કર્યો કે તત્કાલીન જેલ મંત્રી સત્યેન્દ્ર જૈને જેલમાં સુરક્ષાના નામે તેમની પાસેથી ₹10 કરોડ પડાવ્યા હતા અને તેણે પાર્ટીને ₹50 કરોડ આપ્યા હતા. ત્યારબાદના પત્રોમાં અરવિંદ કેજરીવાલ પોતાના પર ₹500 કરોડ એકઠા કરવાનું પ્રેશર કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો. AAPએ આ બધા આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા. કેજરીવાલે આને ‘ધ્યાન ભટકાવવાનો પ્રયાસ’ ગણાવ્યો અને સુકેશને ‘દેશનો સૌથી મોટો ઠગ’ ગણાવ્યો. નેચરલી, આ સુકેશના એકતરફી આરોપો છે, જે કોઈપણ કોર્ટમાં સાબિત થયા નથી. ટીકાકારો કહે છે સુકેશ પોલિટિકલ સપોર્ટ મેળવવા માટે જાણી જોઈને મોટાં નામોનો ઉપયોગ કરી રહ્યો છે. વન બાય વન સજાઓ થઈ રહી છે આજની તારીખે સુકેશ ચંદ્રશેખર દિલ્હીની મંડોલી જેલમાં બંધ છે. ટ્રાયલ કોર્ટ અનુસાર તેની સામે 31 ગુનાહિત કેસ ચાલી રહ્યા છે, પરંતુ તે બધામાં તેને હજુ સુધી દોષિત ઠેરવવામાં આવ્યો નથી. જામીન માટે ન્યાયાધીશ બનીને પ્રેશર કરવાના ગુના સબબ તેને આઠ વર્ષની કેદ થઈ છે, જેમાં આ મહિને જ દિલ્હી હાઇકોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો છે. તેની સામેના બાકીના કેસો વન બાય વન સ્વતંત્ર રીતે ચાલતા રહેશે. 30 મે, 2026ના રોજ દિલ્હીની એક કોર્ટે સુકેશ અને અન્ય 20 આરોપીઓ સામે 200 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો. 3 જૂનના રોજ સુકેશ, લીના પોલ અને જેક્લીનને દોષી ઠેરવ્યાં. જેક્લીન પર ખંડણીના કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ MCOCA હેઠળ નહીં. દરમિયાન, મની લોન્ડરિંગ કેસમાં સુકેશ, લીના, જેક્લીન અને પિંકી ઈરાની સહિત સત્તર આરોપીઓ પર PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ)ની કલમ ૩ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે પ્રથમદર્શી રીતે તારણ કાઢ્યું હતું કે જેક્લીન સુકેશના ગુનાહિત ભૂતકાળથી વાકેફ હતી અને તેણે આશરે ₹5.71 કરોડની ગિફ્ટ્સ સ્વીકારી હતી. જેક્લીને મે 2026માં સરકારી સાક્ષી બનવા માટે અરજી કરી હતી, પરંતુ પાછળથી તેણે તે અરજી પાછી ખેંચી લીધી. યાને કે તેને હવે ટ્રાયલનો સામનો કરવો પડશે. બધાની નજર હવે 9 ડિસેમ્બર, 2026 ના રોજ દિલ્હી હાઈકોર્ટ MCOCA હેઠળ ઘડવામાં આવેલા આરોપોને પડકારતી સુકેશની અરજી પર અંતિમ સુનાવણી કરશે તેના પર છે. સુકેશમાં એવું તે શું છે કે લોકો આંધળો વિશ્વાસ કરી લે છે? સુકેશની સ્ટોરી ફક્ત છેતરપિંડીની જ નથી. તે મોટાં નામો, હોદ્દા અને દરજ્જાને તપાસ્યા વિના આપણે જે આંધળો વિશ્વાસ મૂકીએ છીએ તેના વિશે પણ છે. મોબાઇલના સ્ક્રીન પર દેખાતા નંબર પર ‘PMO’ લખેલું જોઈને એક શિક્ષિત, સમૃદ્ધ પરિવારે 200 કરોડ રૂપિયા આપી દીધા! આકર્ષક ગિફ્ટ્સની લાલચમાં અનેક અગ્રણી વ્યક્તિઓ ફોજદારી કેસના ગાળિયામાં આવી ગઈ. જ્યાં ગુનેગારોને સજા આપવાનું કાર્ય થાય છે, તેવી જેલોની દીવાલોની અંદર સુકેશ જેવા ઠગનું પેરેલલ નેટવર્ક કાર્યરત હતું! એક દેશ તરીકે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ તે આપણે ગંભીરતાથી વિચારી લેવું જોઇએ.
    Click here to Read More
    Previous Article
    એન્ટિબાયોટિકનો બેફામ ઉપયોગ ભવિષ્ય માટે જોખમી:નેત્રંગમાં વિશ્વ એન્ટિમાઈક્રોબિયલ જાગૃતિ સપ્તાહની ઉજવણી: તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા જનજાગૃતિ રેલી
    Next Article
    India vs New Zealand LIVE Score, 1st Test Day 4: Dhruv Jurel Key After Rishabh Pant's Wicket, Declaration Looms For India

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment