Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ગિરનાર પરિક્રમા', અંબાજી મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાયું:ભવનાથ ક્ષેત્રમાં વહેલા પહોંચેલા પરિક્રમાર્થીઓ ગિરનાર પર્વત પહોંચ્યા, પગથિયાં પર લોકોનો અવિરત પ્રવાહ

    2 days ago

    ​જૂનાગઢના ગિરનાર પર્વત પર આજરોજ વહેલી સવારથી જ લીલી પરિક્રમાનો અદભૂત અને ભક્તિમય માહોલ જામી ગયો છે. વહીવટી તંત્ર દ્વારા આ પરિક્રમાનો વિધિવત પ્રારંભ આજ રાતથી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ શ્રદ્ધાળુઓના અપાર ઉત્સાહ અને ભક્તિભાવને કારણે ગત રાત્રિથી જ હજારોની સંખ્યામાં ભાવિકો ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા હતા. ભવનાથ ક્ષેત્રમાં શ્રદ્ધાળુઓનો પ્રવાહ સતત વધતા અને ભીડનું દબાણ સર્જાતા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી મહત્વનો નિર્ણય લઈ પરિક્રમાના પ્રવેશદ્વાર એવા ઇટવા ગેટને આજે (20 નવેમ્બર) વહેલી સવારે છ વાગ્યે જ ભાવિકો માટે ખુલ્લો મૂકી દેવાયો હતો. અંબાજી મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાયું ​સવારે છ વાગ્યે ગેટ ખુલતાની સાથે જ રાત્રિના સમયથી રાહ જોઈને બેઠેલા હજારો પરિક્રમાર્થીઓમાં આનંદની લહેર ફરી વળી હતી અને 'જય ગિરનારી'ના ગગનભેદી નાદ સાથે ભક્તોએ પરિક્રમાના રૂટ તરફ પ્રયાણ કર્યું હતું. ભવનાથ તળેટીમાં બહુ મોટી સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓમાંથી ઘણા પરિક્રમાર્થીઓ સીધા ગિરનાર પર્વતના પગથિયાં ચડીને પર્વત ઉપર પહોંચ્યા હતા. ગિરનાર પર્વત પર આવેલા સુપ્રસિદ્ધ માઁ અંબાજી મંદિર પરિસર ખાતે આજે વહેલી સવારથી જ હૈયે હૈયું દળાય તેટલી વિશાળ માનવમેદની જોવા મળી રહી છે. ગિરનાર પર્વત ભક્તિના રંગે રંગાયો ​અંબાજી મંદિર પરિસરના સામે આવેલા દૃશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, મંદિરના પ્રાંગણમાં અને પગથિયાં પર ભાવિકોનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે. પર્વત પર પહોંચેલા શ્રદ્ધાળુઓએ અત્યંત શ્રદ્ધાપૂર્વક માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તો આગળ વધીને ભગવાન દત્તાત્રેયના શિખર પર પણ દર્શનાર્થે પહોંચ્યા હતા, જેના કારણે સમગ્ર ગિરનાર પર્વત ભક્તિના રંગે રંગાઈ ગયો છે. વહેલી સવારથી અલૌકિક ધાર્મિક ઉત્સવ જેવો માહોલ ​રાજ્યભરમાંથી અને દેશના અન્ય ખૂણેથી આવેલા શ્રદ્ધાળુઓના કારણે જૂનાગઢના માર્ગો અને તળેટી વિસ્તાર ભક્તોથી ઉભરાઈ રહ્યા છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા પણ વહેલી સવારથી ગેટ ખોલવામાં આવ્યા બાદ સમગ્ર રૂટ પર અને મંદિર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા તેમજ ભીડ નિયંત્રણ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ભક્તોની અપાર શ્રદ્ધા અને ઉત્સાહના કારણે ગિરનારની પાવન ભૂમિ પર આજ વહેલી સવારથી જ એક અલૌકિક ધાર્મિક ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ​આજે (20 નવેમ્બર) રાતે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાનો વિધિવત પ્રારંભ કરાવાશે. વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી જ્યારે બીજી તરફ પરિક્રમા રૂટ પર વન વિભાગ દ્વારા પ્લાસ્ટિક ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. પરિક્રમા વહેલી શરૂ થવા છતાં શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં પરિક્રમા કાલે રાત્રે શરૂ થવાની હતીઃ મેઘના ​વડોદરાથી ગિરનાર પરિક્રમા કરવા આવેલા મેઘનાએ જણાવ્યું કે, વાસ્તવમાં પરિક્રમા કાલે રાત્રે શરૂ થવાની હતી, પરંતુ ભીડને કારણે વહેલી શરૂ કરી દેવામાં આવી છે. સૌ કોઈમાં ખૂબ જ શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તથા ભીડને લીધે પરિક્રમા શરૂ થઈ ગઈ હોવા છતાં વાતાવરણ અત્યંત આનંદદાયક છે અને તેઓ "જય ગિરનારી"ના નાદ સાથે આગળ વધી રહ્યા છે. રહેવા-સૂવાની અગવડતા વચ્ચે યાત્રાળુઓએ વહેલો ગેટ ખોલવા તંત્રને અપીલ કરી હતી વિધિવત પરિક્રમા રાત્રે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શરૂ થવાની હતી, પરંતુ તે પૂર્વે જ ગુજરાત સહિત દેશ-વિદેશથી લાખો ભક્તો ભવનાથમાં ઉમટી પડ્યા હતા. હોટેલો અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ જતાં દેવભૂમિ દ્વારકાના કરશનભાઈ, જામનગરના જયદીપ મકવાણા તેમજ થાનગઢના વસંતબેન અને ગીતાબેન પ્રજાપતિ સહિતના યાત્રાળુઓએ રહેવા-સૂવાની સુવિધાના અભાવે પરેશાની વ્યક્ત કરી હતી. વડીલો સહિત ભક્તો કલાકોથી રાહ જોઈ રહ્યા હોવાથી અને જંગલમાં તબક્કાવાર પ્રવેશ મળે તો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી શ્રદ્ધાળુઓએ તંત્રને વહેલો ગેટ ખોલવા નમ્ર અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    કેનેડાએ ગોલ્ડી બરાડ પર ₹1.62 કરોડનું ઇનામ જાહેર કર્યું:મોસ્ટ વૉન્ટેડ ગૅંગસ્ટર જાહેર, સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો પણ આરોપ
    Next Article
    જનરલ બોર્ડમાં જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે તડાફડી:કોર્પોરેટર જયશ્રીબેને પ્રશ્ન પૂછવાનું પતિ પાસે ફોનમાં લાઇવ માર્ગદર્શન મેળવ્યું; ખર્ચકાંડનો તપાસ રિપોર્ટ જાહેર કરવા કોંગ્રેસની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment