Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સલમાનથી શ્રેષ્ઠ કોઈ 'પ્રેમ' નથી':'યે પ્રેમ મોલ લિયા'માં 'પ્રેમ' બનવા પર આયુષ્માનનો ખુલાસો; સૂરજ બડજાત્યાએ બંને સ્ટાર્સ વચ્ચેની સમાનતા જણાવી

    6 hours ago

    ડિરેક્ટર સૂરજ બડજાત્યાની આગામી ફેમિલી એન્ટરટેનર ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર બુધવારે મુંબઈમાં લોન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફિલ્મની કાસ્ટના લગભગ 20 કલાકારો હાજર રહ્યા હતા. રાજશ્રી પ્રોડક્શન્સ અને મહાવીર જૈન ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના પહેલીવાર સૂરજ બડજાત્યાના જાણીતા પાત્ર 'પ્રેમ' તરીકે જોવા મળશે. આ પહેલાં સૂરજ બડજાત્યાની ઘણી ફિલ્મોમાં આ પાત્ર સલમાન ખાન ભજવી ચૂક્યો છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં દિવ્ય ભાસ્કરના પ્રશ્નના જવાબમાં ડિરેક્ટર સૂરજ બડજાત્યાએ જણાવ્યું કે, તેમણે આ પાત્ર માટે આયુષ્માનને જ શા માટે પસંદ કર્યો. તેમને પૂછવામાં આવ્યું કે, 'સલમાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, અસલી પ્રેમ સૂરજ બડજાત્યા છે અને તેમની ફિલ્મોના પાત્રોમાં તેમનો પોતાનો અંશ હોય છે. આવી સ્થિતિમાં તમે આયુષ્માનમાં કયા ગુણો જોયા? સલમાન અને આયુષ્માનમાં શું સમાનતાઓ છે?' આ અંગે સૂરજે કહ્યું, 'જ્યારે પહેલી વાર આ વાર્તા મારી પાસે આવી, ત્યારે મારા મનમાં માત્ર આયુષ્માનનું નામ આવ્યું. ફિલ્મમાં તેમનું પાત્ર પોતાના દૃષ્ટિકોણ અને નરમ અવાજમાં કેટલાક પ્રશ્નો ઉઠાવે છે. આયુષ્માનની ફિલ્મોગ્રાફી જુઓ અથવા તેમને વ્યક્તિગત રીતે ઓળખો, તેમના દરેક પ્રશ્ન પાછળ એક કારણ હોય છે. તેમનામાં સાદગી પણ છે. આ તેમની ફિલ્મોમાં જોવા મળે છે. પછી તે ‘બાલા’ હોય કે ‘ડ્રીમ ગર્લ’.' તેમણે આગળ કહ્યું, 'બંનેમાં સમાનતા એ છે કે હું તેમને પોતાની રીતે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપું છું. પહેલા જ દિવસે મેં જોયું કે આયુષ્માને પ્રેમના પાત્રની શૈલી એટલી સારી રીતે પકડી લીધી હતી કે મેં તેમાં કોઈ ફેરફાર કર્યો નહીં. સલમાન ભાઈ સાથે પણ આવું જ થાય છે. હું તેમને મળવા જાઉં છું, વાર્તા સંભળાવું છું અને પછી તેઓ પોતાની શૈલીમાં દૃશ્ય ભજવે છે.' આયુષ્માને કહ્યું- 'સલમાન ખાન જ અસલી પ્રેમ છે' ટ્રેલર લોન્ચ દરમિયાન આયુષ્માનને પૂછવામાં આવ્યું કે, 'સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં તમારો સૌથી પ્રિય 'પ્રેમ' કોણ રહ્યો છે?' આ અંગે તેમણે કહ્યું, 'આ કેવો પ્રશ્ન છે? સલમાન ભાઈથી વધુ સારો પ્રેમ કોઈ હોઈ જ ન શકે. તેઓ જ અસલી પ્રેમ છે. આપણે સૌ તેમને પ્રેમના રૂપમાં પોતાના આદર્શ માનીએ છીએ. તેમનું લોન્ચિંગ જ પ્રેમથી થયું છે.' આયુષ્માને કહ્યું કે, 'પ્રેમનું પાત્ર ભજવવું મોટી જવાબદારી છે. પ્રેમ એવો માણસ છે, જે સંવેદનશીલ છે, બીજાઓની કાળજી રાખે છે અને સંબંધોને સમજે છે.' તેમણે કહ્યું, 'આ દુનિયા એક પ્રેમ ઇચ્છે છે અને અમે એ જ લઈને આવી રહ્યા છીએ.' આયુષ્માનના જવાબ બાદ સૂરજ બડજાત્યાએ કહ્યું કે, 'આયુષ્માને પ્રેમને પોતાની રીતે ભજવ્યો છે. તેમનું પાત્ર અગાઉના પ્રેમનાં પાત્રોથી અલગ છે.' સૂરજ બડજાત્યાની ફિલ્મોમાં 'પ્રેમ'નું પાત્ર સૂરજ બડજાત્યાએ ડિરેક્ટર તરીકે બનાવેલી 6 ફિલ્મોમાં સલમાન ખાન, ઋતિક રોશન, અભિષેક બચ્ચન અને શાહિદ કપૂર જેવા કલાકારોને પ્રેમના પાત્રમાં દર્શાવવામાં આવ્યા હતા. સલમાને સૌથી વધુ 4 ફિલ્મોમાં પ્રેમની ભૂમિકા ભજવી હતી. 1989માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’માં સલમાન પહેલીવાર 'પ્રેમ' બન્યો હતો. ત્યારબાદ તેણે ‘હમ આપકે હૈં કૌન’ (1994), ‘હમ સાથ-સાથ હૈં’ (1999) અને ‘પ્રેમ રતન ધન પાયો’ (2015)માં પણ આ જ પાત્ર ભજવ્યું હતું. વળી, 2003ની ફિલ્મ ‘મૈં પ્રેમ કી દીવાની હૂં’માં ઋતિક રોશન અને અભિષેક બચ્ચન, બંનેના પાત્રનું નામ પ્રેમ હતું. 2006માં રિલીઝ થયેલી ‘વિવાહ’માં શાહિદ કપૂરે પ્રેમની ભૂમિકા ભજવી હતી. હવે 2026માં રિલીઝ થનારી ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’માં આયુષ્માન ખુરાના આ પાત્ર ભજવી રહ્યો છે. સૂરજ બડજાત્યાના પરિવારના પ્રોડક્શન હાઉસ રાજશ્રી ફિલ્મ્સની ફિલ્મોમાં પ્રેમ પાત્રની શરૂઆત 1977ની ફિલ્મ ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે’થી થઈ હતી. તેમાં એક્ટર પ્રેમ કૃષ્ણએ પ્રેમનું પાત્ર ભજવ્યું હતું. જોકે, આ ફિલ્મનું ડિરેક્શન સૂરજ બડજાત્યાએ કર્યું ન હતું. ત્યાં જ, રાજશ્રી પ્રોડક્શન્સની ફિલ્મ 'એક વિવાહ... ઐસા ભી' (2008)માં સોનુ સૂદે પણ પ્રેમનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મની વાર્તા સૂરજ બડજાત્યાએ લખી હતી, જ્યારે તેનું ડિરેક્શન કૌશિક ઘટકે કર્યું હતું. સૂરજ બડજાત્યાએ કહ્યું- 'ધુરંધર શાનદાર ફિલ્મ છે, દર્શકોને ફેમિલી ફિલ્મ પણ જોઈએ' ટ્રેલર લૉન્ચ દરમિયાન સૂરજ બડજાત્યાને પૂછવામાં આવ્યું કે, 'ધુરંધર' અને 'પુષ્પા' જેવી ફિલ્મોના સમયમાં ફેમિલી ફિલ્મ લઈને આવવું કેટલો મોટો પડકાર અને જોખમ છે? આ અંગે તેમણે કહ્યું, 'દરેક ફિલ્મનું પોતાનું સ્થાન હોય છે. 'ધુરંધર' પોતાની રીતે સારી છે. આ એક શાનદાર ફિલ્મ છે, પરંતુ દર્શકોને 'ધુરંધર' સાથે આવી ફિલ્મ પણ જોઈએ.' તેમણે કહ્યું કે, 'હવે તેમનું ધ્યાન બૉક્સ ઑફિસ પર નંબર વન ફિલ્મ બનાવવાને બદલે એવી વાર્તા બનાવવામાં છે, જે દર્શકો સાથે જોડાઈ શકે.' તેઓ ઇચ્છે છે કે પરિવારના લોકો એકસાથે સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જાય. ‘રૉકી ઔર રાની’ સાથેની સરખામણી પર આયુષ્માને કહ્યું- 'બંને પાત્રો અલગ છે' ફિલ્મના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે, આયુષ્માનનું પાત્ર લગ્ન પછી પોતાના પરિવાર સાથે પત્નીના ઘરે રહેવા પહોંચે છે. આ કારણે ફિલ્મની સરખામણી કરણ જોહરની ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ સાથે કરવામાં આવી રહી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે આ ફિલ્મ કેવી રીતે અલગ હશે, ત્યારે આયુષ્માને કહ્યું કે બંને ફિલ્મોના પાત્રો અલગ છે. તેણે કહ્યું, 'હું ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’નો બહુ મોટો પ્રશંસક છું. કરણ જોહર એવા પ્રથમ લોકોમાંના એક હતા, જેમણે અમારી ફિલ્મનું પહેલું ગીત જોયા પછી મેસેજ કર્યો હતો. તેમને સૂરજ બડજાત્યાની દુનિયા પસંદ આવી.' તેણે આગળ કહ્યું કે, 'પ્રેમ શરૂઆતથી જ એક સારો માણસ છે. તે પોતાની પત્ની અને તેના પરિવાર માટે અવાજ ઉઠાવે છે. બીજી તરફ, ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રોકીના પાત્રની સફર અલગ છે. તેથી બંનેની સરખામણી કરી શકાય નહીં.' ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલી સીમા પાહવાએ પણ કહ્યું કે, 'દરેક ઘરની વાર્તા અલગ હોય છે. એક જ વિષય પર બે ડિરેક્ટરો પોતાની અલગ વિચારસરણી સાથે ફિલ્મ બનાવી શકે છે.'
    Click here to Read More
    Previous Article
    Amid rising attacks on Christians, Bengal BJP chief warns missionary schools; Bishop seeks CM intervention
    Next Article
    વીડિયો ગેમ લવર્સની 13 વર્ષની રાહ પૂરી થઈ:GTA 6 લોન્ચ થતાં જ 1.49 કરોડ લોકોએ પ્રી-ઓર્ડર કરી, ભારતમાં કંપનીએ કર્મચારીઓને રજા આપી દીધી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment