Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેમ પશ્ચિમી જગત ભારતીય તત્ત્વચિંતન તરફ વળ્યું?:હેન્રી ડેવિડ થોરોથી સ્ટીવ જોબ્સ સુધી,પશ્ચિમના વિશ્વ પર ભારતીય દર્શન અને તત્ત્વચિંતનનો પ્રભાવ

    6 hours ago

    જાણીતા બ્રિટિશ ઇતિહાસકાર આર્નોલ્ડ ટોયનબીના મત પ્રમાણે, ભારત અને ભારતીય સંસ્કૃતિ તથા સભ્યતા પાસેથી આખું વિશ્વ સભ્યતાના પાઠ ભણી શકે છે. આ ઉપરાંત તેમણે દલીલ કરી કે જો પરમાણુ યુગમાં વિશ્વને વિનાશમાંથી બચાવવું હોય, તો તેનો ઉકેલ 'ભારતીય અભિગમ' પર આધારિત હોવો જોઈએ. તેમણે વૈશ્વિક શાંતિ માટે સમ્રાટ અશોક, મહાત્મા ગાંધીના અહિંસાના સિદ્ધાંતો અને શ્રી રામકૃષ્ણના 'ધર્મો વચ્ચે સુમેળ'ના સંદેશને અનિવાર્ય ગણાવ્યા. વિશ્વની મહાન વિભૂતિઓએ ભારતીય દર્શનમાંથી પ્રેરણા લીધી વિશ્વ આખું જ્યારે ટેક્નોલોજી, યુદ્ધો, આર્થિક-સામાજિક અસમાનતા, ધર્મ-આધ્યાત્મિકતા વચ્ચે ટક્કર અને કટ્ટર વિચારધારાના ક્રોસરોડ પર ઊભું છે, ત્યારે આર્નોલ્ડ ટોયનબીના આ શબ્દો એક આશ્વાસન પૂરું પાડે છે અને એક આશા જગાવે છે કે ક્યાંક તો ઉપાય છે અને એ ઉપાય ભારત દેશ પાસે છે. અને આર્નોલ્ડ ટોયનબીથી લઈને કાર્લ જંગ, ઓપનહાઇમર, આલ્બર્ટ આઇન્સ્ટાઇન, સ્ટીવ જોબ્સ અને જ્હોન લેનન સહિતની વિશ્વવિભૂતિઓ વારંવાર વ્યક્તિગત, સામાજિક અને આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તર માટે ભારત તરફ નજર નાખતા રહ્યા છે, અને ભારતીય જીવનદર્શનથી પ્રભાવિત થતા રહ્યા છે. ભારતીય તત્ત્વચિંતને પશ્ચિમના વિજ્ઞાન અને જીવનને પ્રભાવિત કર્યું ભારતની ઓળખ માત્ર તેની પ્રાચીન સંસ્કૃતિ, ધર્મો, મંદિરો કે આધ્યાત્મિક પરંપરાઓ પૂરતી સીમિત નથી. ભારતે વિશ્વને આપેલી સૌથી મૂલ્યવાન ભેટોમાંની એક છે તેનું તત્ત્વચિંતન. હજારો વર્ષ પહેલાં ઋષિમુનિઓએ બ્રહ્માંડ, આત્મા, ચેતના, જીવન, મૃત્યુ, કર્મ અને માનવ અસ્તિત્વ વિશે જે ઊંડા પ્રશ્નો ઉઠાવ્યા હતા, તે આજે પણ વિશ્વના બૌદ્ધિક જગતને વિચારતા કરે છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં ભારતીય દર્શનનો પ્રભાવ ધીમે ધીમે સાહિત્ય, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, વિજ્ઞાન, યોગ અને આધુનિક જીવનશૈલી સુધી વિસ્તર્યો છે. જર્મન ચિંતક શોપનહાવર ઉપનિષદોથી ખૂબ પ્રભાવિત હતા આ વાતથી 19 સદીમાં જર્મન તત્ત્વચિંતક આર્થર શોપનહાવર ભારતીય ઉપનિષદોથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમના મતે ઉપનિષદો માનવમનને શાંતિ આપનારા અને જીવનના ઊંડા રહસ્યો સમજાવનારા ગ્રંથો છે. તેમણે ઉપનિષદોના લેટિન અનુવાદનો અભ્યાસ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે શોપનહાવર દરરોજ રાત્રે સૂતાં પહેલાં ઉપનિષદોનું વાંચન કરતા હોવાનો ઉલ્લેખ તેમના જીવનચરિત્રોમાં મળે છે. તેમના મતે ભારતીય દર્શન પશ્ચિમના તત્ત્વજ્ઞાનને નવી દિશા આપી શકે તેમ છે. એમર્સન અને થોરોએ ગીતા-વેદોમાંથી સાદગી અને ચિંતન અપનાવ્યું ઓગણીસમી સદીમાં સ્વામી વિવેકાનંદ જેવા તત્ત્વચિંતક દ્વારા ભારતીય વિચારો અમેરિકાના સાહિત્યિક અને બૌદ્ધિક વર્તુળોમાં પ્રવેશ્યા એ પહેલાં પ્રસિદ્ધ અમેરિકન લેખકો અને વિચારકો રાલ્ફ વાલ્ડો એમર્સન અને હેન્રી ડેવિડ થોરો પણ શોપનહાવરની જેમ ભારતીય ગ્રંથોથી પ્રેરિત થયા હતા. એમર્સનના નિબંધો અને કવિતાઓમાં આત્મા, પ્રકૃતિ અને સર્વવ્યાપી ચેતના જેવા ભારતીય દર્શનને મળતા વિચારો જોવા મળે છે. થોરોએ ભગવદ્ ગીતાનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના જીવનમાં પ્રકૃતિ સાથેનું એકાંત, સાદગી અને આત્મચિંતનને વિશેષ સ્થાન આપ્યું હતું. તેમના પ્રખ્યાત પુસ્તક "વોલ્ડન"માં વેદોના આ અભ્યાસની અસર સ્પષ્ટ દેખાય છે. ઉપરાંત તેમણે ભગવદ્ ગીતાને પોતાના દૈનિક બૌદ્ધિક અને આધ્યાત્મિક જીવનનો મહત્ત્વનો ભાગ ગણાવી હતી. 1893માં સ્વામી વિવેકાનંદે પશ્ચિમને વેદાંતનો પરિચય કરાવ્યો ઉપરાંત વિશ્વના મહાન વિચારકો જે આધ્યાત્મિકતા, કુદરત અને અંતઃસ્ફુરણામાં માનતા, એ લોકો પર ઉપનિષદો, ભગવદ્ ગીતા અને ભારતીય આધ્યાત્મિકતાની ઊંડી અસર જોવા મળે છે. આગળ જણાવ્યું એમ ભારતીય દર્શનને પશ્ચિમમાં લોકપ્રિય બનાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન ઐતિહાસિક છે. વર્ષ 1893માં અમેરિકાના શિકાગો શહેરમાં યોજાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં તેમણે આપેલા ભાષણથી પશ્ચિમના લોકોને ભારતીય આધ્યાત્મિકતાનો નવો પરિચય થયો. તેમણે પોતાના ભાષણની શરૂઆત 'અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો' કહીને કરી ત્યાં જ પશ્ચિમના લોકોને એમણે પોતાના બનાવી લીધા, અને પછી તેમણે રજૂ કરેલા સહિષ્ણુતા, સર્વધર્મ સમભાવ, માનવ એકતા અને વેદાંતના સિદ્ધાંતોએ ભારતીય ફિલોસોફી માટે એક નવો જ રસ્તો ખોલી આપ્યો. 'ધ બીટલ્સ' અને સ્ટીવ જોબ્સે પશ્ચિમમાં ધ્યાનને લોકપ્રિય બનાવ્યું ટેક્નોલોજીના કારણે દુનિયા જેમ જેમ ચણીબોર જેવડી થતી ગઈ, એમ ભારતીય તત્ત્વજ્ઞાન અને અધ્યાત્મ માટે વીસમી સદીમાં પશ્ચિમના લોકોનું આકર્ષણ વધ્યું અને એને લોકપ્રિય બનાવવામાં સંગીતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આગળ ઉલ્લેખ કર્યો એ પ્રમાણે 1968માં વિશ્વવિખ્યાત સંગીત જૂથ 'ધ બીટલ્સ'ના સભ્યો ભારતના ઋષિકેશમાં મહર્ષિ મહેશ યોગીના આશ્રમમાં ધ્યાન શીખવા આવ્યા હતા. આ ઘટનાએ પશ્ચિમના યુવાનોમાં ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન પ્રત્યે ભારે ઉત્સુકતા જગાવી હતી. તે જ રીતે એપલના સહસ્થાપક સ્ટીવ જોબ્સની ભારતયાત્રા અને ભારતીય આધ્યાત્મિક પરંપરા પ્રત્યેની જિજ્ઞાસા પણ જાણીતી છે. યુવાનીમાં તેમણે ભારતમાં સમય વિતાવ્યો હતો અને ઝેન બૌદ્ધ ધર્મ તથા ધ્યાનની પરંપરામાં એમને વિશેષ રસ પડ્યો હતો. પ્રાચીન ભારતનું 'ચેતના' ચિંતન આજે વિજ્ઞાન માટે ચર્ચાનો વિષય હમણાં ધૂમ મચાવી રહેલી 'રામાયણ' ફિલ્મમાં જે પુષ્પક વિમાન બતાવવામાં આવ્યું છે અને એનો ઉલ્લેખ વાલ્મીકિ રામાયણ સહિતના ગ્રંથોમાં થયો છે, એ વાત કદાચ કાલ્પનિક પણ હોય તો પણ એ ઋષિમુનિઓ અને વિદ્વાનોની કલ્પનાનું ઉડ્ડયન તથા અભ્યાસ દર્શાવે છે. અને માટે જ ભારતીય દર્શનનો પ્રભાવ હવે વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને ચેતના એટલે કે 'કોન્શિયસનેસ' શું છે, મન અને શરીરનો સંબંધ શું છે અને માનવી પોતાની જાગૃતિને કેવી રીતે અનુભવે છે, તેવા પ્રશ્નો વૈજ્ઞાનિકો અને તત્ત્વચિંતકોને આકર્ષે છે. અને આ બધું ચિંતન, આ શબ્દો અને કોન્સેપ્ટની જાણકારી વિશ્વને મળી એ પહેલાં ભારતમાં શરૂ થઈ ગયું હતું અને એના પર સંવાદ તથા ગ્રંથો લખાઈ ગયા હતા. ઉપનિષદો ન્યુરોસાયન્સને અને ગાંધીજીના વિચારો વિશ્વના નેતાઓને પ્રેરે છે રસપ્રદ વાત એ છે કે આપણા ઉપનિષદોમાં ચેતનાને માનવ અસ્તિત્વના કેન્દ્રસ્થાને રાખવામાં આવી છે, અને હવે પશ્ચિમી આધુનિક ન્યુરોસાયન્સ આ પ્રશ્નોને, માનવીય ચેતનાને મગજની પ્રવૃત્તિ તથા ન્યુરલ નેટવર્ક સાથે જોડે છે અને એનો પદ્ધતિસરનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. આ સિદ્ધાંતો વૈજ્ઞાનિક રીતે સાબિત નથી થયા, પરંતુ ચેતનાના સ્વરૂપ વિશે ભારતીય દર્શને હજારો વર્ષ પહેલાં ઊભા કરેલા પ્રશ્નો આજે પણ સંશોધન માટે પ્રેરણારૂપ છે. ભારતીય દર્શનના શ્રીકૃષ્ણની ગીતામાં જેનો ઉલ્લેખ છે એ કર્મ સિદ્ધાંત, મહાવીર સ્વામીની અહિંસા અને બુદ્ધની સર્વ જીવ પ્રત્યેની કરુણાની વિચારધારા જેને મહાત્મા ગાંધીએ ભારતની સ્વતંત્રતા માટેની લડાઈ સાથે જોડીને ભારતની રાજકીય જ નહીં, પરંતુ સામાજિક, આર્થિક અને લોકજાગૃતિ માટેનું શક્તિશાળી સાધન બનાવ્યું. અને એ વિચારોનો પ્રભાવ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર અને નેલ્સન મંડેલા જેવા નેતાઓ પર પણ જોવા મળે છે. ભારતીય દર્શન આંતરિક શાંતિ અને સૃષ્ટિ સાથે જોડાણ શીખવે આ રીતે ભારતીય દર્શનનો પ્રભાવ માત્ર વ્યક્તિગત આધ્યાત્મિકતા પૂરતો રહ્યો નથી, પરંતુ સામાજિક ન્યાય, સમાનતા અને શાંતિના વિચારો સુધી વિસ્તર્યો છે. ભારતીય દર્શનની વિશેષતા એ છે કે તે જીવનને માત્ર ભૌતિક સફળતાના માપદંડથી જોતું નથી. તે વ્યક્તિને પોતાની અંદર ડોકિયું કરવા, ઇચ્છાઓને સમજવા, મનને શાંત રાખવા અને સમગ્ર સૃષ્ટિ સાથેના સંબંધને ઓળખવા પ્રેરિત કરે છે. કારણ કે આખરે ઇકોલોજીના સંદર્ભે સમગ્ર જીવસૃષ્ટિ એકમેક સાથે જોડાયેલી છે. વૈશ્વિક અશાંતિ વચ્ચે ભારતીય તત્ત્વચિંતન વધુ પ્રાસંગિક બન્યું આજના ફક્ત પશ્ચિમી સમાજ જ નહીં, પરંતુ વૈશ્વિકરણના કારણે દુનિયા જ્યારે નાની બની ગઈ છે, કોઈ એક દેશના પ્રશ્નો જે-તે દેશ કે આમાં વસતા લોકો સુધી સીમિત નથી રહેતા પણ આખા જગતના લોકોને અસર કરે છે, ત્યારે માનવીની ભૌતિક સમૃદ્ધિની સાથે માનસિક શાંતિ, જીવનનો હેતુ અને આંતરિક સંતુલન શોધવાની ઝંખના પણ વધી રહી છે. અને ત્યારે આર્નોલ્ડ ટોયનબી જે વાત વર્ષો પહેલાં કહી ગયા તે કે આવી પરિસ્થિતિમાં ભારતીય તત્ત્વચિંતનનું મહત્ત્વ વધુ પ્રાસંગિક બન્યું છે. ભારતના પ્રાચીન ઋષિઓએ હજારો વર્ષ પહેલાં પૂછેલા પ્રશ્નો આજે પણ માનવજાતને વિચારવા પ્રેરે છે. કદાચ આ જ ભારતીય દર્શનની સૌથી મોટી સિદ્ધિ છે કે સમય, ભાષા અને ભૂગોળની સીમા પાર કરીને તે સમગ્ર વિશ્વને એક જ મૂળભૂત પ્રશ્ન પૂછે છે કે આપણે કોણ છીએ અને જીવનનો સાચો અર્થ શું છે?
    Click here to Read More
    Previous Article
    બુમ...બુમ...બુમરાહનો કિવીઝ સામે કહેર:કિવીઝ ટૉપ ઓર્ડરને પેવેલિયન ભેગો કર્યો, ત્રીજી વિકેટ ઝડપી; કિવીઝની 70 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી
    Next Article
    1st Test LIVE: Bumrah On Fire As India Clean Up New Zealand's Top Order

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment