Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે પર્યાવરણવિદોનું મહાસંમેલન:ગીરમાં ગેરકાયદેસર રિસોર્ટ, જમીન ફાળવણી અને માઇનિંગ પ્રવૃત્તિઓ સામે ગુજરાતની 70 જેટલી પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ એક થઈ

    1 day ago

    ​નવાનગર નેચર ક્લબ, જામનગર દ્વારા ગુજરાતની અમૂલ્ય પ્રાકૃતિક ધરોહર એવા ગીર અને એશિયાઈ સિંહોના સંરક્ષણ તેમજ રાજ્યના જંગલો, વન્યજીવો અને પર્યાવરણના હિત સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પ્રશ્નોને ધ્યાનમાં રાખીને "ગીર રક્ષિત વિસ્તારો અને એશિયાઈ સિંહ બચાવો સંમેલન–2026" નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાજ્યકક્ષાના સંમેલનમાં ગુજરાતભરના પ્રકૃતિ મંડળો, પર્યાવરણ સંસ્થાઓ, વન્યજીવ નિષ્ણાતો, પર્યાવરણવિદો, સંશોધકો, પ્રકૃતિપ્રેમીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનનો મુખ્ય હેતુ પ્રકૃતિ, જંગલો, વન્યજીવો અને પર્યાવરણના દીર્ઘકાલીન હિતમાં સંવાદ, સંકલન અને સહયોગ દ્વારા અસરકારક ઉકેલો શોધવાનો છે. આ ઉપરાંત ગુજરાતમાં પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓની રાજ્યવ્યાપી ડિરેક્ટરી તૈયાર કરવા તેમજ એક કોમન પ્લેટફોર્મની રચના અંગે પણ મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. વન મંત્રી અને સચિવની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરાશે ​નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે જામનગર અને સાસણમાં કેટલાંક સમયથી સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની ઘણીબધી સમસ્યાઓ જેવી કે ગેરકાયદેસર રિસોર્ટ અને જમીન ફાળવણી મોટા પાયે ચાલી રહી છે. આ સમસ્યાના સમાધાન માટે આજે સમગ્ર ગુજરાતના પ્રકૃતિ મંડળોનું સંમેલન યોજવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં તમામ સંસ્થાઓ વતી સરકારના આ નિર્ણયો પાછા ખેંચવા માટે આવેદનપત્ર આપવામાં આવશે તેમજ વન મંત્રી અને સચિવની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરાશે. જો સરકાર રજૂઆત ધ્યાને નહીં લે તો આગામી દિવસોમાં ઉપવાસ આંદોલન અને જ્વલંત આંદોલન કરવામાં આવશે. તેમણે વન મંત્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગીરમાં વસવાટ માટેની લોકોની જમીનની માંગણી ધ્યાને ન લેવાય અને ભવિષ્યમાં સાસણને લગતો કોઈ પણ નિર્ણય લેતા પહેલા સ્થાનિક લોકો તેમજ પ્રકૃતિ મંડળોને વિશ્વાસમાં લેવામાં આવે. ખાસ કરીને રાજભા ગઢવીને જમીન ફાળવવાનો સરકારનો અયોગ્ય નિર્ણય પાછો ખેંચવા, ગેરકાયદેસર રિસોર્ટને મંજૂરી ન આપવા અને માઇનિંગ રોકવા પર જ આગામી દિવસોમાં મુખ્ય લડત રહેશે. ​60થી 70 જુદી-જુદી NGOના પ્રતિનિધિઓ સાથે ગંભીર બાબતો પર ચર્ચા થઈ વન વિભાગના નિવૃત્ત અધિકારી અશોકકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આ બેઠકમાં અંદાજે 60થી 70 જેટલી જુદી-જુદી બિન-સરકારી સંસ્થાઓ (NGOs) ના પ્રતિનિધિઓ સાથે ગીર જંગલ અને વન્યજીવોના હિતને નુકસાન પહોંચાડતી ગંભીર બાબતો પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ ઇન્ડસ્ટ્રિયલ હાઉસીસ અને અમુક ફેક્ટરીઓને રિઝર્વ ફોરેસ્ટમાંથી અપાતી જમીનનો વિરોધ, બીજું માલધારીઓને ફરીથી ગીર જંગલની અંદર વસવાટ માટે પરવાનગી આપવાથી સિંહો અને જંગલ પર થનારી નકારાત્મક અસરો અને ત્રીજું ગીરની આસપાસ ગેરકાયદેસર રીતે બનતા રિસોર્ટથી ફોરેસ્ટ મેનેજમેન્ટ પર પડતી વિપરીત અસરોનો સમાવેશ થાય છે. ભવિષ્યના આયોજન માટે તમામ પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ સાથે મળીને એક 'સંકલન સમિતિ' ની રચના કરશે. આ સમિતિ તમામ વન્યજીવ પ્રેમી મંડળો વચ્ચે સંકલન સાધશે જેથી પર્યાવરણનું રક્ષણ, વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સિંહોના સંવર્ધન માટે 'સસ્ટેનેબલ' એટલે કે ટકાઉ પદ્ધતિથી આગળ વધવાની મજબૂત વ્યૂહરચના ઘડી શકાય. ​જો સરકાર જમીન ફાળવણીના નિર્ણયો પાછા નહીં ખેંચે તો સિંહોના હિત માટે કાનૂની લડત લડશે જાણીતા પર્યાવરણવિદ ભૂષણ પંડ્યાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી અસંખ્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ ધમધમી રહી છે, પરંતુ વન વિભાગ, કલેક્ટર કચેરી કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા નિયમોનું કડક પાલન કરાવાતું નથી. ગીર સેન્ચ્યુરીના ઈકો-સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદે બાંધકામો, હોટેલો અને રિસોર્ટો ઊભા થઈ ગયા છે અને જંગલ આસપાસ થતા માઇનિંગના લીધે સિંહોના વન્યજીવ કોરિડોર બંધ થતાં સિંહો હવે જંગલ છોડીને છેક અમરેલી, લાઠી, લીલીયા, ભાવનગર અને સુરેન્દ્રનગર સુધી પહોંચી ગયા છે. વન વિભાગ દ્વારા સાસણ ગીર વિસ્તારની કરોડો રૂપિયાની કિંમતી જમીન વ્યક્તિગત રીતે કોઈ કલાકાર કે ચોક્કસ લોકોને ફાળવવાની ગતિવિધિઓ ચાલી રહી છે જે તદ્દન ખોટી છે. આ તમામ અન્યાયી નિર્ણયો સામે ગુજરાતની અંદાજે 70 જેટલી પ્રકૃતિપ્રેમી સંસ્થાઓ એકસાથે ભેગી થઈ છે અને આગામી સમયમાં મુખ્યમંત્રી અને વન મંત્રીને રૂબરૂ મળીને ઉગ્ર રજૂઆત કરશે. જો સરકાર જમીન ફાળવણીના નિર્ણયો પાછા નહીં ખેંચે, તો તમામ પર્યાવરણવિદો સાથે મળીને હાઈકોર્ટ અથવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) ના દ્વાર ખખડાવશે અને સિંહોના હિત માટે કાનૂની લડત લડશે.
    Click here to Read More
    Previous Article
    સગા ભાણેજે છેતરપિંડી આચરી:મહિલા પાસેથી 20 લાખના 31 તોલા સોનાના ઘરેણા લઈ પરત ન આપ્યા
    Next Article
    Gujarat Rain Update | ગુજરાતમાં ધોધમાર વરસાદ! સૌરાષ્ટ્ર એલર્ટ પર | weather Forecast | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment