Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિલકિસના દોષિતોની સજા સ્થગિત, પતિએ કહ્યું- હવે ક્યાં જઈએ:બિલકિસને જાણ કરવાની હિંમત નથી થતી; વકીલે કહ્યું- શું આ મજાક ચાલી રહી છે

    4 दिन पहले

    ‘આ લોકો અમને જીવવા નહીં દે શું? 17 વર્ષ સુધી અમે છુપાતા રહ્યા. 20થી વધુ ઘર બદલ્યાં. ત્યારે આ 11 દોષિતોને આજીવન કેદની સજા મળી હતી. અમે થોડું સ્થિર થવાનું શરૂ કરીએ છીએ, અને આ લોકો કંઈક નવું કરી દે છે.’ બિલકિસ બાનોના પતિ યાકૂબને જ્યારે ખબર મળી કે બિલકિસ સાથે ગેંગરેપ કરનારા બે દોષિતોને જામીન મળી ગયા છે, ત્યારે તેઓ એટલું જ બોલી શક્યા. સુપ્રીમ કોર્ટે 28 ઑક્ટોબરે 11 દોષિતોમાંથી બિપિનચંદ્ર જોશી અને પ્રદીપ મોદિયાની આજીવન કેદની સજા સ્થગિત કરી દીધી હતી. 16 નવેમ્બરે આ સમાચાર સામે આવ્યા. બિલકિસના વકીલ શોભા ગુપ્તા પણ કહે છે-મને આશ્ચર્ય થાય છે કે જામીન કેવી રીતે મળી ગયા, તે પણ સજા સ્થગિત કરીને. પતિ બોલ્યા-બિલકિસને આ સમાચાર આપવાની હિંમત થઈ રહી નથી બિલકિસના સંબંધી રજ્જાક, યાકૂબ અને બિલકિસની લડતમાં શરૂઆતથી જ સાથે છે. યાકૂબ અને બિલકિસ બહારની દુનિયા કે મીડિયા સાથે વકીલ શોભા ગુપ્તા અને રજ્જાક મારફતે જ સંપર્ક કરે છે. સુરક્ષાના કારણોસર તેઓ ફોન પણ રાખતા નથી. અમે રઝાકને પૂછ્યું કે આ સમાચાર મળ્યા પછી યાકૂબ અને બિલકિસે શું કહ્યું. રઝાક જણાવે છે, ‘યાકૂબે કહ્યું કે શું આ લોકો આપણને જીવવા નહીં દે? આટલું કહીને તેઓ ચૂપ થઈ ગયા.’ ‘મેં પૂછ્યું-શું બિલકિસને જણાવ્યું? યાકૂબે જવાબ આપ્યો-ના. હિંમત નથી થઈ રહી. તેનો ડર ફરી જીવંત કરી દઉં? તેને કહું કે ફરીથી આપણી આઝાદી છીનવાઈ ગઈ છે. ફરી લડવું પડશે. ડરીને રહેવું પડશે. જો તેને ખબર પડશે, તો તે આઘાતમાં સરી પડશે. 15 ઑગસ્ટ 2022ના રોજ આ લોકો જેલમાંથી બહાર આવ્યા હતા અને ખુલ્લેઆમ ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે પણ બિલકિસ આઘાતમાં સરી ગઈ હતી.’ ‘અમારી આંખ સામે આ લોકો ગળામાં હાર પહેરીને ઊભા હતા. તેમનું સ્વાગત એવી રીતે થઈ રહ્યું હતું, જાણે તેઓ આઝાદીની લડાઈ જીતીને આવ્યા હોય. હા, આ વખતે ઉજવણી કરવામાં આવી નહોતી. બધું ગુપ્ત રીતે થયું. અગાઉની વખતની તેમની ઉજવણીના ફોટાએ જ વાત બહાર પાડી દીધી હતી. આ વખતે તેમણે હાર પહેર્યા નહોતા.’ બિલ્કિસનું ગામ રંધિકપુર ગુજરાતના દાહોદમાં આવેલું છે. તેમની સાથે ગેંગરેપ કરનારા 11માંથી 10 દોષિતો 2-3 કિલોમીટરના વિસ્તારમાં રહેતા હતા. પ્રદીપ મોઢિયા બિલ્કિસના ઘરથી માત્ર 200 મીટર દૂર રહેતો હતો. રાધેશ્યામ લગભગ 300 મીટર દૂર રહેતો હતો. મિતેશ ભટ્ટ અને શૈલેશ ભટ્ટનું ઘર પણ લગભગ આટલા જ અંતરે છે. ફક્ત બિપિન ચંદ્ર વડોદરામાં રહેતો હતો. બિલ્કિસનાં વકીલે કહ્યું- શું મજાક ચાલી રહી છે? દોષિતોને જામીન મળવા પર બિલકિસના વકીલ શોભા ગુપ્તા કહે છે, 'શું આ મજાક ચાલી રહી છે? મેં પહેલી વાર કેસ લડવાનું શરૂ કર્યું ત્યારે મારી કારકિર્દીને 7 વર્ષ થયાં હતાં, હવે 32 વર્ષ થયાં છે. 25 વર્ષથી આ કેસનું ભૂત પીછો છોડતું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે 17 વર્ષ સુધી બિલકિસ ભટકતી અને બેઘર લોકોની જેમ ભાગતી-છુપાતી રહી. એ જ કોર્ટ દોષિતોને દયા અરજી પર છોડી દે છે.’ ચુકાદા પર 5 સવાલ… 1. બે ગુનેગારોને તબીબી કારણોસર છોડી દેવામાં આવે છે. શું જેલની અંદર સારવારની વ્યવસ્થા નથી? શું આ પીડિતા સાથે મજાક નથી? આશ્ચર્યની વાત એ છે કે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા. આસારામ બાપુને જામીન મળે છે, તો તેમાં પણ સજા સ્થગિત કરવામાં આવતી નથી. શું આ લોકો જાહેર સેવકો હતા? શું તેમને ચૂંટણી લડવાની હતી, જેના કારણે સજા સ્થગિત કરવી જરૂરી હતી? અત્યંત દુર્લભ કેસોમાં જ સજા સ્થગિત સાથે જામીન મળે છે. 2. આદેશમાં લખ્યું છે કે આરોપી શારીરિક રીતે અક્ષમ છે. શું તે ઘટના સમયે પણ શારીરિક રીતે અક્ષમ હતો? કેસમાં તો આ વાત ક્યાંય લખેલી નથી. 3. બિલકિસ આ કેસમાં પક્ષકાર છે. ઓગસ્ટ 2022માં જ્યારે આ લોકોને મુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે પણ બિલકિસને કોઈ નોટિસ આપવામાં આવી નહોતી. આ વખતે પણ બિલકિસને પક્ષકાર બનાવવામાં આવી નથી. કાયદા મુજબ આવું કરવું જરૂરી છે. 4. કોર્ટે આરોપીઓ દ્વારા મોડી કરવામાં આવેલી અપીલને એ કારણસર યોગ્ય ઠેરવી કે તેઓ કસ્ટડીમાં હતા. અગાઉની મુક્તિ બાદ આ લોકો મહિનાઓ સુધી બહાર રહ્યા હતા. જેલમાં રહેતા હોવા છતાં પણ 3-4 વર્ષ સુધી પેરોલ અને ફર્લો પર બહાર રહ્યા હતા. અને આદેશમાં દલીલ કરવામાં આવી છે કે આ લોકો કસ્ટડીમાં હતા, તેથી સારવાર માટે અપીલ કરી શક્યા નહોતા. 5. બિપિન અને પ્રદીપે બોમ્બે હાઈકોર્ટના 2017ના સજા યથાવત્ રાખવાના નિર્ણયને પડકાર્યો હતો. સજા દરમિયાન પ્રદીપ મોઢિયા 3 વર્ષ 4 મહિના 19 દિવસ સુધી બહાર રહ્યો. 1011 દિવસ પેરોલ પર અને 223 દિવસ ફર્લો પર. બિપિન ચંદ્ર જોશી પણ 2 વર્ષ 11 મહિના 14 દિવસ જેલની બહાર રહ્યો. પેરોલ પર 909 દિવસ અને ફર્લો પર 170 દિવસ. બાકીના દોષિતો પર આ નિર્ણયની શું અસર પડશે? શોભા ગુપ્તા કહે છે, ‘અમે ટ્રેન્ડ જોયો છે. કોઈ એક ટેસ્ટ કેસ તરીકે આવે છે. ત્યારબાદ તેઓ ફ્લડ ગેટ ખોલી દે છે. અગાઉ જ્યારે મુક્તિ થઈ હતી, ત્યારે એકલા રાધેશ્યામ આવ્યા હતા. તેમણે ઓર્ડર લીધો હતો. ત્યારબાદ બધાની મુક્તિ થઈ ગઈ હતી. અત્યારે પણ ઓર્ડરમાં મોટી ભૂલ છે. કોર્ટે સજા જ સસ્પેન્ડ કરી દીધી છે. કોર્ટે આ લખ્યું નથી કે પિટિશનર્સ માટે સજા સસ્પેન્ડ થઈ રહી છે. જો બે લોકોને જામીન મળી ગયા છે, તો બાકીના લોકો પ્રયાસ કેમ નહીં કરે?’ શું આ નિર્ણયને પડકારશો? શોભા ગુપ્તાએ કહ્યું કે બીજો કોઈ વિકલ્પ નથી. આરોપીના વકીલ બોલ્યા- દોષિતો 17 વર્ષ જેલમાં રહી ચૂક્યા છે, વૃદ્ધ છે, મીડિયા ટ્રાયલ ન કરો દોષિતો તરફથી સિનિયર એડવોકેટ સિદ્ધાર્થ લૂથરા કેસ લડી રહ્યા છે. અમે પહેલા તેમની સાથે વાત કરી. રિપોર્ટર: બે લોકો હાલમાં જ મુક્ત થયા છે, બિપિન જોશી અને પ્રદીપ મોઢિયા. સિદ્ધાર્થ લૂથરા: 28મીએ નિર્ણય આવ્યો હતો. આજે મુક્ત થયા છે. રિપોર્ટર: કયા આધારે? સિદ્ધાર્થ લૂથરા: તેઓ 17 વર્ષ સુધી સજા ભોગવી ચૂક્યા હતા. વૃદ્ધ છે, ઉંમર થઈ ગઈ છે, બીમારીઓ છે. બંનેમાંથી એક તો ચાલી પણ શકતા નહોતા. રિપોર્ટર: કોણ ચાલી શકતું ન હતું? સિદ્ધાર્થ લૂથરા: હવે મને યાદ નથી. હું દિવસમાં બે-ચાર કેસ કરું છું. જો દરેક વ્યક્તિની હકીકતો યાદ રાખું તો મુશ્કેલી થઈ જશે. સિદ્ધાર્થ લૂથરાએ વધુ વાત કરી નહીં. વ્યસ્ત હોવાનું કહીને એડવોકેટ આયુષ આનંદનો નંબર આપ્યો. અમે આગળ તેમની સાથે વાત કરી. રિપોર્ટર: બિલકિસવાળા કેસમાં બે આરોપીઓ મુક્ત થયા છે. તેઓ કયા આધારે મુક્ત થયા છે? આયુષ: ઓર્ડરમાં બધું લખેલું છે. તમે મીડિયા ટ્રાયલ ન કરો. હું AOR (એડવોકેટ-ઓન-રેકોર્ડ) છું, તેથી મને પણ બધી બાબતોની જાણ નથી. રિપોર્ટર: અપીલની સ્થિતિ શું છે? આયુષ: અત્યારે કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. રિપોર્ટર: અત્યારે તેમને જામીન મળ્યા છે? આયુષ: સામાન્ય તબીબી કારણો અને લાંબા સમયથી જેલમાં રહેવાના, એટલે કે લાંબા સમયના કેદના આધારે જામીન મળ્યા છે. તેમની અપીલની સુનાવણી હજુ થવાની છે. તેમાં એવું કંઈ નથી, જેને લઈને હાઇપ કરવામાં આવે. રિપોર્ટર: બિપિનને મેડિકલ ગ્રાઉન્ડ પર શું સમસ્યા હતી? આયુષ: એ ઓર્ડરમાં લખેલું છે. તમને 18 દિવસ પછી આ કેવી રીતે ખબર પડી? રિપોર્ટર: મને બિલકિસ તરફથી ખબર પડી કે આ લોકો મુક્ત થઈ ગયા છે. આયુષ: ઠીક છે, તો ઓર્ડરમાં જે લખેલું છે એ જ છે. અને અપીલ હજુ SLPમાં પેન્ડિંગ છે, મેડિકલ ગ્રાઉન્ડ છે. રિપોર્ટર: બીજી સુનાવણી ક્યારે છે? આ પછી આયુષ તરફથી ફોન કપાઈ ગયો. 2022માં પણ તમામ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા, સુપ્રીમ કોર્ટે ફરી જેલમાં મોકલ્યા 2002માં ગુજરાતના રમખાણો દરમિયાન થયેલા બિલકિસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોને 15 ઓગસ્ટ, 2022ના રોજ ગુજરાત સરકારે જેલમાંથી મુક્ત કરી દીધા હતા. બધા જેલમાંથી ઘરે પરત ફર્યા અને તીર્થયાત્રા પર નીકળી ગયા. બિલકિસ આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. 8 જાન્યુઆરી, 2024ના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના મુક્તિના આદેશને ગેરકાયદેસર ઠેરવીને રદ કરી દીધો. તમામ દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપવામાં આવ્યો. 21 જાન્યુઆરી, 2024ના રોજ દોષિતોને ફરી ગોધરા જેલમાં જવું પડ્યું. તે દરમિયાન ભાસ્કરે બિલકિસના ગામ રાંધિકપુરથી રિપોર્ટિંગ કર્યું હતું. આ ગામ ગાંધીનગરથી 194 કિલોમીટર દૂર દાહોદમાં આવેલું છે. અમે બે વખત દોષિતોના ઘરે ગયા હતા. ઑગસ્ટમાં કોઈ ઘર મળ્યું નહોતું, પરંતુ સપ્ટેમ્બરમાં ત્રણ દોષિતો સાથે મુલાકાત થઈ હતી. જોકે, પ્રદીપ અને બિપિન ત્યારે પણ મળ્યા નહોતા. અમે પ્રદીપના ઘરે પહોંચ્યા ત્યારે આસપાસના લોકોએ કહ્યું કે તે હમણાં જ અહીં હતો. કદાચ ક્યાંક ગયો હશે. ઘરને તાળું લાગેલું નહોતું. પ્રદીપની પત્નીનું ઘણાં વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું. બાળકો અમદાવાદમાં રહે છે. બીજી તરફ, બિપિન વડોદરામાં રહેતો હતો. ઘણી કોશિશો છતાં તેનો પત્તો મળ્યો નહોતો. પથ્થલગઢીના જંગલમાં બિલકિસ સહિત 6 મહિલાઓ સાથે સામૂહિક બળાત્કાર, 13 હત્યાઓ 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી ગુજરાત આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના બે કોચમાં આગ લગાવી દેવામાં આવી હતી. તેમાં 59 તીર્થયાત્રીઓનાં મોત થયાં હતાં. ગુજરાતમાં અનેક સ્થળોએ સાંપ્રદાયિક હિંસા ભડકી ઊઠી હતી. ગોધરાથી આશરે 50 કિલોમીટર દૂર દાહોદનું રંધિકપુર ગામ પણ તેની ઝપેટમાં આવી ગયું હતું. બિલકિસ પોતાના સાસરિયાં દેવગઢ બારિયાથી અહીં પરિવાર સાથે ઈદ મનાવવા આવી હતી. સાંજે વસાહતની અંદર પણ ભીડ ઘૂસી આવી. ડરના કારણે વસાહત ખાલી થવા લાગી. બિલકિસ અને તેમના પતિ યાકૂબ પરિવાર સાથે નીકળી ગયા. યાકૂબ તો ગોધરા રાહત શિબિર સુધી સલામત રીતે પહોંચી ગયા, પરંતુ બિલકિસ અને તેમની સાથેના 15 લોકો અલગ પડી ગયા. તેઓ દેવગઢ બારિયા પહોંચવા માટેના શોર્ટકટ તરીકે જંગલના રસ્તે નીકળ્યા હતા. બિલકિસ સાથે નીકળેલા 15 લોકોમાં તેમની બે બહેનો પણ હતી. એક તેમનાથી થોડી મોટી હતી અને બીજી 13 વર્ષની હતી. તેમની 45 વર્ષની માતા હલીમા અને પિતા પણ તેમની સાથે હતા. 3 માર્ચ 2002ના રોજ ટોળાએ તેમને પથ્થલપાણીના જંગલમાં ઘેરી લીધા. પાંચ મહિનાની ગર્ભવતી બિલકિસની અઢી વર્ષની બાળકીનો હાથ છોડાવીને તેને ખાઈમાં ફેંકી દેવામાં આવી. બિલકિસ સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો અને તેમના ગર્ભમાં રહેલું બાળક પણ બચી શક્યું નહીં. બિલકિસની માતા હલીમા અને તેમની બે બહેનો સાથે પણ સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો. બિલકિસ અને એક બાળક સદ્દામ સિવાય બધાની હત્યા કરી દેવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    14 વર્ષની સગીરા સાથે લગ્નની લાલચે દુષ્કર્મ:મહેસાણામાંથી મહિલા સહિત ત્રણ આરોપી ઝડપાયા
    Next Article
    California Sues OpenAI For Cyberattack On AI Platform Hugging Face

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment