Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષાવાળો, પેઇન્ટર કે ચોકીદાર:લોરેન્સ ગેંગના ફૂટ સોલ્જરની કહાની, દરેક શૂટરની પસંદ ગુજરાત કેમ?

    3 days ago

    17-18 ઓક્ટોબર રાતના 1:35 વાગ્યે સુરત રેલવે સ્ટેશન મહારાષ્ટ્રના પૂણેથી રાજસ્થાનના જયપુર જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેને વ્હીસલ મારી. બધા પ્રવાસીઓ પોતપોતાની સીટ પર ગોઠવાઇ ગયા હતા. થોડી જ ક્ષણોમાં ટ્રેન ચાલતી થઇ. જો કોઇ પ્રવાસીને ટ્રેનમાં ચડવાનું રહી ગયું હોય તો તે દોડીને ચડી શકે એટલી જ સ્પીડ હતી. આવામાં ત્રણ શખસ દોડતા-દોડતા આવે છે ને ટ્રેનના જનરલ કોચમાં ચડી જાય છે. પહેલી નજરે તો કોઇને પણ આ ત્રણેય સામાન્ય પ્રવાસી લાગે પણ હકીકત કંઇક જુદી જ હતી. આ ત્રણેય બીજું કોઇ નહીં પણ બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ટાઇગર શ્રોફ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને ભાગેલા આરોપીઓ હતા. *** 15 એપ્રિલ, 2024 રાતના 12:30 વાગ્યે માતાનો મઢ, લખપત, કચ્છ ચૈત્રિ નવરાત્રિનું સાતમું નોરતું હતું. માતાના મઢમાં ભક્તોની ભારે ભીડ જામી હતી. આ સમયે દયાપર પોલીસ સ્ટેશનના ચુનંદા પોલીસકર્મીઓની સાદા વેશમાં સજ્જ થયેલી એક ટીમે મંદિરથી દોઢેક કિલોમીટર દૂર પોતાના વાહનો ઊભા રાખી દીધા અને ભક્તો સાથે પગપાળા ચાલવા લાગી. રાતે સાડા બાર વાગ્યાના અરસામાં ટીમ મંદિરમાં પહોંચી અને પહેલેથી નક્કી કરેલા પ્લાન મુજબ બધા પોલીસકર્મીઓ અલગ અલગ દિશામાં ગોઠવાઇ ગયા. એકતરફ મંદિરમાં હવન ચાલુ હતો. બીજીતરફ આ ટીમ સિક્રેટ મિશન પર હતી. થોડી જ ક્ષણો વિતી હશે ત્યાં એક પોલીસકર્મીએ ગર્ભિત ઇશારો કર્યો અને એક શખસને પકડવાનું કહ્યું એટલે બાકીની ટીમ તરત એ દિશામાં દોડી અને તે શખસને પકડી લીધો. પોલીસે તેને પકડીને તેના સાથી વિશે પૂછ્યું તો તેણે આંગળી ચિંધીને બતાવ્યું કે મારો સાથી આ રહ્યો. બસ પછી તો શું હતું તે શખસ પણ પોલીસની પકડમાં આવી ગયો. મધરાતે પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાંથી ઝડપાયેલા આ બન્ને શખસો કોઇ સામાન્ય ગુનેગાર નહોતા પણ અભિનેતા સલમાનખાનના ઘર પર ફાયરિંગ કરીને ભાગ્યા હતા. જેનું નામ હતું વિકી ગુપ્તા અને સાગર પાલ. બન્ને ઘટનાઓમાં કોમન વાત એ હતી કે નિશાના પર અભિનેતા, ગુનો મુંબઇમાં, છુપાવા અને ભાગવા માટે ગુજરાતની ધરતીનો ઉપયોગ અને ગેંગ હતી લોરેન્સ બિશ્નોઇની. ફક્ત આ 2 જ નહીં પણ પાછલા થોડાક વર્ષોમાં ગુજરાતમાંથી લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરિતો પકડાવાની ઘટના બનતી રહી છે. બીજા રાજ્યમાં મોટા ગુના કરીને ફરાર થતા ગેંગસ્ટરો માટે ગુજરાત કેમ સેફ હેવન બની રહ્યું છે? લોરેન્સ બિશ્નોઇ ખુદ સાબરમતી જેલમાં બંધ છે ત્યારે શું ગુજરાત તેની ગેંગનું નવું એપી સેન્ટર બની રહ્યું છે? આનાથી પોલીસ સામે કોઇ ચેલેન્જ ઊભી થઇ શકે? દિવ્ય ભાસ્કરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયાન અને રિટાયર્ડ આઇપીએસ ઓફિસર રમેશ સવાણી પાસેથી આ સવાલોના જવાબ મેળવ્યા હતા. વાંચો આજની સન્ડે બિગ સ્ટોરી. *** પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા હોય કે પછી મેડ સંધુનું ખૂન. આ કેસના આરોપીઓએ ગુજરાતમાં આશરો લીધો હતો. નીચેના ગ્રાફિક્સથી સમજો કે અત્યારસુધીમાં ગુજરાતના કયા શહેર કે વિસ્તારમાંથી લોરેન્સના સાગરિતો ઝડપાયા છે. તો શું ગુજરાત આ અપરાધીઓ માટે સુરક્ષિત સ્થળ બન્યું છે? ક્રાઇમ બ્રાન્ચ આ સવાલનો જવાબ નામાં આપે છે. બિશ્નોઇ ગેંગના જે સાગરિતો ગુજરાતમાંથી પકડાયા તેમનું ડેસ્ટિનેશન ગુજરાત નહોતું તેવો દાવો કરતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP અજિત રાજિયાન કહે છે કે, અન્ય રાજ્યમાં ગુનો કર્યા બાદ અલગ અલગ જગ્યાએ રોકાતા-રોકાતા ગુજરાત આવે છે. ગુજરાતમાં પણ કાયમ માટે નથી રોકાતા. ગુજરાત આ આરોપીઓ માટે ટ્રાન્ઝિટ પોઇન્ટ કે હાઇડ આઉટ કહી શકાય. આરોપીઓની પૂછપરછમાં એ ખુલાસો થયો છે કે તેમને અહીં રોકાઇને આગળ જવાનું હતું. ગુજરાતમાં તેમના માટે ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ નથી પણ કનેક્ટિવિટી અને ડેવલપમેન્ટ છે. ઇન્ડસ્ટ્રિયલ એરિયા છે અને ત્યાં ટ્રાવેલ્સ ચાલે છે, ટ્રેન મળી રહે છે. બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ફાસ્ટ મૂવિંગ સિસ્ટમ છે એટલે તેઓ ગુજરાત આવે છે. છેલ્લા 2-3 કેસમાં તો ગુજરાતના અલગ અલગ શહેરોમાં ફરીને પછી અમદાવાદ આવ્યા. જે દિવસે અમદાવાદ આવ્યા ત્યારથી અમને ઇનપુટ મળ્યાં અને અમે વોચ રાખીને તેમને પકડી લીધા. *** ગુજરાતમાં છુપાવા માટે નાની નોકરી કરે લોરેન્સ ગેંગના આરોપીઓ ગુજરાત આવવા પાછળનું અન્ય એક કારણ જણાવતાં તેમણે કહ્યું, ગુજરાતમાં મિક્સ પોપ્યુલેશન છે. ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને બિઝનેસમાં નોન ગુજરાતીઓ પણ છે. જેથી આવા અપરાધીઓને એમ લાગે છે કે ગુજરાતમાં આવીને સરળતાથી તેમની સાથે ભળી જવાશે. ઘણા કેસમાં પોલીસને બતાવેલું આઇડી અસલી હોય છે પણ 3 કેસમાં નકલી આઇડી પણ નીકળ્યાં છે. ગુજરાત આવ્યા પછી ઘણા ગુનેગારો અમૂક દિવસો કે અઠવાડિયા માટે મોટાભાગે પરચૂરણ નોકરી કરે છે. જેમ કે કોઇ રિક્ષા ચલાવે કે કલરકામ કરે કે છૂટક મજૂરી કરે. ચાર રસ્તે ઊભા રહી જાય અને ત્યાંથી દૈનિક મજૂરી તરીકે નાની-નાની નોકરી શોધી લે છે. ગુજરાતમાં અર્બનાઇઝેશન અને મોડર્નાઇઝેશન વધારે છે એટલે પબ્લિક સાથે મિક્સ થવાની તેમને એક તક લાગે છે. જે બીજા રાજ્યોમાં થોડી મુશ્કેલ હોઇ શકે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન ઘણું સારૂં છે. જેથી આવા અપરાધીઓને એક જગ્યાએથી ક્રાઇમ કરીને બીજે ભાગવું હોય તો કનેક્ટિવિટી અને મોબિલિટીના કારણે આ રૂટ ઇઝી થઇ જાય છે. *** અહીં આવીને કોઇ ધમાલ નથી કરતા અહીં આવીને કેવી-કેવી સાવચેતી રાખે છે તેની વાત કરતાં DCP રાજિયાન કહે છે કે, આવા અપરાધીઓ ગુજરાતમાં કોઇ ગેરકાયદેસર પ્રવૃતિ નથી કરતા. તેમની પાસેથી લાયસન્સ પણ મળશે. ગુજરાતમાં દારૂબંધી છે એટલે આવા ગુનેગારો દારૂ પણ નથી પીતા. ગુજરાતમાં આવીને તેઓ કોઇ કાયદો નથી તોડતા. કોઇ સાથે ઝઘડો નથી કરતાં. આવી બધી કાળજી રાખે છે. આનો અર્થ એ કે ગુજરાતમાં આવીને તે ગુજરાતના કાયદા પાળે છે. ક્રાઇમ કર્યા પછી તેમને કહેવાય છે કે તમે અલગ-અલગ રહો. મોટા ગેંગસ્ટર એવા યુવાનોને રિક્રુટ કરે છે જે આર્થિક તંગીમાં હોય કે ડ્રગ્સના બંધાણી હોય. આ યુવાનો મોટાભાગે પંજાબ બાજુના હોય છે. સોશિયલ મીડિયાથી સંપર્ક કરીને તેમને ફસાવાય છે અને સોશિયલ મીડિયા થકી જ સૂચના આપીને તેમની પાસે ક્રાઇમ કરાવાય છે. આ બધા યુવાનો સંગઠિત નથી હોતા. આ અંગે તેઓ કહે છે કે, આવા ગુનેગારો ગેરમાર્ગે દોરાયેલા હોય છે. તેમને ફૂટ સોલ્જર (ચેસની રમતમાં જેને પ્યાદા તરીકે ઓળખાય છે તે) કહી શકાય. તેમની પીડા, પરેશાની અને ખરાબ પરિસ્થિતિના કારણે ગેંગ લીડર તેમનો દુરૂપયોગ કરે છે. તેમને કંઇ બહુ રૂપિયા પણ નથી મળતા, ખૂબ ઓછી રકમ મળે છે. જે હજારો રૂપિયામાં હોય છે, લાખોમાં પણ નથી હોતી. જે ખંડણી મગાય છે તેના થોડા ટકા રૂપિયા પણ આવા લોકોને નથી મળતા. બધી એજન્સીઓ એલર્ટ છે એટલે આવા ગુનેગારો પકડાઇ રહ્યાં છે. અમને ઘણા સારા લોકલ ઇનપુટ મળે છે. જેથી અમે આવા ગુનેગારોને પકડી શકીએ છીએ. ગુનેગારોની માનસિકતા સતત બદલાતી રહે છે. જેથી ક્રાઇમના ફોર્મ્સ પણ હંમેશા બદલાતા રહે છે. જેના કારણે બધી એજન્સીઓ એલર્ટ છે. *** નાની રકમ માટે મોટું જોખમ ખેડે લોરેન્સ સાબરમતી જેલમાં બંધ છે અને તેના સાગરિતો ગુજરાતમાંથી પકડાઇ રહ્યાં છે તો શું હવે લોરેન્સનું નેટવર્ક ગુજરાતમાં ઊભું થઇ રહ્યું છે? એ સવાલ ઊઠી રહ્યો છે. રિટાયર્ડ IPS રમેશ સવાણી આ અંગે કહે છે કે, બિશ્નોઇ ગેંગનો લીડર લોરેન્સ સાબરમતી જેલમાં છે. જેથી બની શકે કે તેના સાગરિતો અહીંયા તેનો સંપર્ક કરી શકે અને તેને મળી શકે અથવા સૂચનાઓની આપ-લે થઇ શકે. આ શક્યતાના કારણે ગુજરાતમાં આખું નેટવર્ક આવું બન્યું હોઇ શકે છે. તેમની વચ્ચે કોમ્યુનિકેશન થતું હશે એવું લાગે છે તો જ આખી ગેંગ સક્રિય થઇ હોઇ શકે. એવી પણ પૂરી શક્યતા છે કે જેલમાંથી પણ આ કોમ્યુનિકેશન થઇ રહ્યું છે. તેમણે આગળ કહ્યું કે, એવું નથી કે ગુજરાત આ અપરાધીઓ માટે સુરક્ષિત છે. ગુજરાતની પોલીસ પણ એલર્ટ છે. ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમની બાબતે આપણી ATS પણ બહુ આગળ છે. હું માનું છું કે આપણી ક્રાઇમ બ્રાન્ચ અને ATS સંગઠિત ગુનેગારોની પાછળ બરોબર પડેલી છે એટલે અહીંયા આવા ગુનેગારો માટે સ્વર્ગ છે એવું તો નથી પણ મને લાગે છે કે કદાચ કોમ્યુનિકેશનના કારણે અહીં આવી ગયા હોય અને કદાચ અહીંયા ફરતા હોય એવી પૂરી શક્યતા છે. તેમના રડારમાં આવા લોકો હોય જ છે. આવા ગુનેગારો નાની રકમ માટે કોઇપણ ક્રાઇમ કરવા તૈયાર થઇ જાય છે તેમ કહેતા રમેશ સવાણી જણાવે છે કે, ગેંગના નાના સાગરિતો 25 હજાર કે 50 હજારમાં સોપારી લે છે. વધુમાં વધુ લાખ કે 2 લાખ રૂપિયા માટે કોઇપણ કૃત્ય કરે છે કેમ કે તેમને રૂપિયાની જરૂર હોય છે. કોઇપણ ગુનેગારની લાઇફસ્ટાઇલ પૈસા ઉડાડવાની હોય છે. તેના પૈસા જુગારમાં, પ્રોસ્ટિટ્યૂશનમાં, ખાવા-પીવા કે બીજા મોજશોખમાં જ વપરાતા હોય છે એટલે તે હંમેશા ખાલી હોય છે. રૂપિયાની જરૂર પડે એટલા માટે આવા કામ કરવા તૈયાર થઇ જાય છે. *** સ્થાનિક ગુનેગારોની મદદથી મળે છે આશ્રય ગુનેગારોને પણ મોટી કંપનીઓની જેમ રૂપિયા માટેનો ટાર્ગેટ હોય છે આ અંગે તેઓ કહે છે કે, ગુનેગારો કરોડો રૂપિયાની ખંડણી લે છે જેથી કરીને તેમનું નેટવર્ક ચાલે. બીજા રાજ્યોમાંથી તેનું સંચાલન થાય છે. આવા સંજોગોમાં દેખાડા તરીકે એવું બને કે ગુજરાતમાં બેઠા-બેઠા પોતાના માણસો દ્વારા મહારાષ્ટ્રના કોઇ ફિલ્મ કલાકારને ધમકી આપે, પૈસા માગે અથવા તો તેને પર ફાયરિંગ કરાવે. ગેંગ પાસે સાવ સામાન્યથી લઇને હાઇ ફાઇ લેવલના માણસો પણ હોય છે. જેની પાસે જેવું કામ કરાવવું હોય તેવી આખી ટીમ હોય છે. જેને મારી રહ્યો છે કે જેના પર ફાયરિંગ કરી રહ્યો છે તે કોણ છે તેની ખબર પણ આવા ગુનેગારોને નથી હોતી. તેને ફક્ત પોતાના રૂપિયા સાથે નિસ્બત હોય છે. ગુજરાતમાં છુપાવા માટે સ્થાનિક ગુનેગારોના કોન્ટેક્ટ હોય છે તેમ જણાવતા સવાણીએ ઉમેર્યું કે, અહીં છુપાયા બાદ પ્લાનિંગ મુજબ અને સૂચના આવે પછી જ સાગરિતો કામ કરે ત્યાં સુધી તેને જે ટાર્ગેટ અપાયો હોય તેની રેકી કરે. આવા ગુનેગારો અહીં નોકરીમાં જોડાઇ જાય છે. ખાનગી કંપનીમાં ચોકીદાર તરીકે રહી જાય. તેમાં બીજું કંઇ વેરિફિકેશન પણ કરવાનું નથી હોતું. એકબીજાની ભલામણથી ઘણી સિક્યોરિટી કંપનીઓ ઓછા પગારે આવા માણસો રાખે છે. હોંશિયાર ક્રિમિનલ ક્રાઇમ કર્યા પછી સ્થળ છોડી દે છે જેથી કરીને પકડાવાની શક્યતા ઓછી થઇ જાય પણ અત્યારે સર્વેલન્સના સાધનો એટલા બધા આવી ગયા છે કે એ ક્રિમિનલ કોઇપણ રાજ્યમાં જાય તો પણ તેને શોધી શકાય છે. બિશ્નોઇ ગેંગ ભવિષ્યમાં ગુજરાત માટે ચેલેન્જ બની શકે તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું, દાખલા તરીકે એવું પણ બને કે કોઇ પ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર કે કોઇ પ્રસિદ્ધ લીડરની હત્યા થઇ જાય અથવા તો મોટી ખંડણી માગવામાં આવે. જેથી બને કે પોલીસ અને રાજ્યનું નામ ખરાબ થાય. જો કે હાલમાં બિશ્નોઇ ગેંગ આ હદે જઇ શકે તેવી સ્થિતિમાં નથી. છેલ્લે તેમણે જણાવ્યું કે, ભૂતકાળમાં ગુજરાતમાં બિઝનેસમેન્સ પર આવો ખતરો ઊભો થયો હતો પણ અત્યારે તો એવું લાગતું નથી કે ગુજરાતના કોઇ વેપારીને આવી રીતે કંઇ કરી શકે. ગુજરાતના વેપારીઓ મંત્રીઓ સાથે નજીકના સંબંધો ધરાવે છે એટલે કોઇ ક્રિમિનલ આવી ભૂલ કરે તેવું હું નથી માનતો. નહીંતર તેનો ખાતમો થઇ જાય. ક્રિમિનલનો કાંટો કાઢવો એ પોલીસ માટે સામાન્ય વસ્તુ છે. ટોપ લેવલના ક્રિમિનલને બરાબર પાઠ ભણાવી શકે તેવી સ્થિતિમાં તો આપણી ગુજરાત પોલીસ છે જ. હાલ પૂરતી તો ગુજરાત પોલીસની સતર્કતાએ આ ગેંગના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે પરંતુ બદલાતી ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના આ યુગમાં ક્રાઇમની નવી પેટર્નને રોકવી એ સુરક્ષા એજન્સીઓ માટે સૌથી મોટી કસોટી તો બની જ રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગ્રહોના સેનાપતિ મંગળનું રાશિ પરિવર્તન:મેષ સહિતની 5 રાશિઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર, જાણો કોનું ચમકશે ભાગ્ય અને કોણે રહેવું સાવધાન!
    Next Article
    મોદીએ એક જ રાતમાં ચોકઠાં ગોઠવ્યાં?:પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ગુજરાતના પૂર્વમંત્રીને મોટી જવાબદારીની ઓફર કરી; મોદી પોતાની જૂની કેબિનેટને મળતાં જ સોપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment