Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દ સકળ પૃથ્વીના:સાત ખંડ, સાતસો ઈચ્છા

    2 दिन पहले

    અજયસિંહ ચૌહાણ દિવાળીની રજાઓ પૂરી થવામાં છે. ગુજરાતીઓના ધાડાં ભારતના અનેક રાજ્યોના પ્રવાસેથી પાછા વળી રહ્યાં છે. પ્રવાસ મનુષ્યને રોજબરોજની ઘટમાળમાંથી ઊંચકી એક જુદા વિશ્વનો પરિચય કરાવે છે. કાકાસાહેબ એટલે જ એને ‘જીવનની તાજગી’ કહે છે. કેટલાંક લોકો એવાં હોય છે જેમને માટે જીવન અને પ્રવાસ જુદા નથી. એવાં એક ગુજરાતી એટલે પ્રીતિ સેનગુપ્તા. અમેરિકાનિવાસી આપણાં આ લેખિકાએ દુનિયાના સાતેય ખંડો પર પોતાના પગલાંની છાપ પાડી છે; એટલું જ નહીં અનેક પ્રવાસપુસ્તકો લખી એ સંવેદનને શબ્દરૂપ આપ્યું છે. પ્રીતિ સેનગુપ્તાનાં અત્યાર સુધીમાં કુલ 50 પુસ્તકો પ્રગટ થયાં છે. પણ, આજે વાત કરવી છે એમના એક નોખા પુસ્તકની. એનું નામ છે: ‘સાત ખંડ, સાતસો ઈચ્છા’ (ઇ. સ. 2000). આમાં પ્રીતિ સેનગુપ્તાનાં કાવ્યો છે. કાવ્યોની આગળ વિશેષણ લગાડવું હોય તો પ્રવાસકાવ્યો. આ કાવ્યસંગ્રહ નોખો છે એનું કારણ પણ એ જ છે કે, અહીં વિશ્વના સાતેય મહાખંડનાં અનેક સ્થાનો પર લખાયેલાં કાવ્યો છે. પ્રવાસી તરીકે પ્રીતિ સેનગુપ્તા પૃથ્વી પર સાડા સાત ખંડ ગણે છે. એ ગણિત પાછળ એમનો ભાવ, સ્નેહ અને વિસ્મય છુપાયેલાં છે. એ કહે છે: ‘ઉચ્ચોત્તર આર્કટિક સમુદ્રનો પ્રસ્તાર તો એટલો વિસ્તૃત છે કે એને અડધો ખંડ તો ગણવો જ જોઈએ!’ એમણે સાતેય મહાખંડોમાં મુસાફરી તો કરી જ; તે પછી પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવ સુધી જવાનું સાહસ પણ કર્યું. ત્યારે એમને આ સમુદ્રનો અબાધિત વિશાળ વ્યાપ જોવા મળ્યો હતો. સંગ્રહની ભૂમિકામાં એ લખે છે: ‘મારા જીવનનો ઘણો લાંબો સમય વીત્યો છે અને જે મારા જીવનનો અંતરંગ અંશ બનીને રહેલી છે તે પ્રવૃત્તિ એટલે પથ-પરાયણતા. સ્થાનોને જોવામાં અને ચાહવામાં કેટલું બધું અંતર કપાયું - સમયના તેમજ પૃથ્વીના પથ પર’. ‘સાત ખંડ, સાતસો ઈચ્છા’માં દુનિયાનાં અનેક સ્થાનોનાં કાવ્યો છે પણ શરૂઆત તો ઘરના સંદર્ભે જ થાય છે. ‘અજાણ્યા ભાવ’માં એ લખે છે : ‘અજાણ્યા શહેરના સ્ટેશન પર/ નિયત સ્થળે જતા જનપ્રવાહની વચ્ચે/એકલી અટવાતી હોઉં;/નવી જગ્યાના નકશાની ગલીઓ પર/અચોક્કસ આંગળી ફેરવી/ રસ્તો શોધવા મથતી હોઉં;/ ભાંગ્યાતૂટ્યા ફ્રેન્ચ કે સ્પેનિશમાં/ સમજાવવા-સમજવાની/ ચેષ્ટા કરતી હોઉં;/મિત્રોની વચમાં-/ જાણીતી ગલીઓમાં-/ રોજિંદી ભાષામાં-/ મારી પોતાની સાથે પણ-/કોઈ વાર/ આવા ભાવ થાય છે.’ પ્રીતિ સેનગુપ્તા વારંવાર કહેતાં હોય છે કે જ્યાં જાય તે દરેક જગ્યા એમને ઘર જેવી જ લાગે છે; (એમનાં એક પુસ્તકનું શીર્ષક છે ‘ઘરથી દૂરના ઘર’) છતાં જે જીવનનું પ્રથમ સ્થાન છે તે તો ચિત્તમાં હંમેશાં અગ્રેસર જ રહે છે. આ સંગ્રહનાં કાવ્યોની વાત કરીએ તો ભારત પછી સૌથી પ્રિય ખંડ એશિયાનાં સ્થાનો, મધ્યપૂર્વ, આફ્રિકા, યુરોપ, ઑસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા અને અંતે સમગ્ર યાત્રાઓની પૂર્ણાહુતિ થાય છે પૃથ્વી પરના સાતમા મહાખંડ ઍન્ટાર્કટિકા પર. ચુંબકીય ઉત્તર ધ્રુવનું અભિયાન એ પછી થયું. ત્યાં તો ગાત્રો થીજી જાય એવી ઠંડી, ને બબ્બે હાથમોજાં પહેર્યાં હોય તોયે આંગળીઓ ઠરીને લાકડાં જેવી બની હોય. ત્યાં કશું લખાય નહીં, પણ એમણે ઘેર આવીને એ સાહસયાત્રાના અનુભવ ઉપર અંગ્રેજીમાં કેટલાંક કાવ્યો લખ્યાં અને બે ગીત ગુજરાતીમાં લખાયાં. એમાંના એક ગીતનું શીર્ષક છે – ‘ચિર-પ્રેમના સંવેદનનું ગીત’ કોઈ દરિયાને હૈયે જઈ ચાલ્યું પણ હોય, અને ડૂબે નહીં. કોઈ મઝધારે મન મૂકી મ્હાલ્યું પણ હોય, અને ભૂલે નહીં... ને છેલ્લે - કોઈ થોડું પામીને ઘણું ઝૂમ્યું પણ હોય, અને ઝૂરે નહીં. કોઈ એકલું યુગો સુધી જીવ્યું પણ હોય, અને હારે નહીં. એ ન્યૂયોર્ક શહેરની નદી હડસન માટેનું સૉનેટ લખે છે ત્યારે પણ એમની અંદર વહેતી નદીને ભૂલતાં નથી. અંતિમ બે પંક્તિઓમાં લખે છેઃ ‘અહો, અનુપમા રમા નયનરમ્ય સ્રોતસ્વતી, મહાનદ સુમંગલા ચ યમુના ચ ભાગીરથી...’ આ સંગ્રહમાં કેટલાંક સૉનેટ અને પરંપરિત લયનાં કાવ્યો સિવાય મોટાં ભાગનાં કાવ્યો અછંદસ છે. જુદાં જુદાં સ્થળો જુદી જુદી રીતે બોલાવતાં હોય. એ પ્રવાસોની અસર પણ જુદી. એથી એની અભિવ્યક્તિ પણ નિરાળી. સ્થાનો સાથે તાદાત્મ્ય એમનાં કાવ્યોમાં અનુભવાય. જુઓ: ‘અજાણ્યા લોકો છે, પણ મને જુગજુગાંતરથી જાણે છે. આ દેશમાં પ્રથમ વાર આવી છું, પણ હંમેશથી અહીં જ રહેલી છું. મંદિરોમાં બુદ્ધ, શિવ કે ઈશુ નથી- છે એક માનવ. ઘંટ વગાડતાં, એના નાદમાં હૃદયોની મૈત્રીના રણકાર છે.’ હવાઈ ટાપુ પરના એક સાગર-કિનારે મોજાં એટલાં ઊંચાં થઈ, ઢળી જઈ, ધસી આવતાં હતાં કે એ દૃશ્ય એમને ‘સાગરમંથન’ જેવું લાગેલું. પ્રીતિ સેનગુપ્તાનાં કાવ્યોની ભાષાનાં અનેક પરિમાણો છે. આટલાં વર્ષોના અમેરિકાનિવાસ પછી પણ એમણે લેખન અને બોલચાલ બંનેમાં ગુજરાતી ભાષાના રૂપને બરોબર સાચવ્યું છે. રોજબરોજના સાદા શબ્દોથી માંડીને તત્સમ સુધીના અનેક શબ્દો આ કાવ્યોમાં છે. અહીં કાવ્યગુણે બધી રચનાઓ ઉત્તમ છે એવું નથી. છતાં પૃથ્વી પરના સાતેય ખંડ પર કોઈ એક વ્યક્તિએ ભ્રમણ કરી કરીને, પોતાની અંતઃપ્રેરણા અને સ્થાન-પ્રેમને વશ થઈને લખેલાં કાવ્યોનો સંગ્રહ ગુજરાતીમાં તો વિરલ છે જ; અન્ય ભાષાઓમાં પણ અનન્ય હશે! કાવ્યસંગ્રહનાં શીર્ષક ‘સાત ખંડ, સાતસો ઈચ્છા’નું પગેરું એમની ભૂમિકામાં મળે છે. એ લખે છે ‘આટલું ફર્યા પછી પણ પ્રવાસી જીવને સંતોષ નથી, એની ઇચ્છાઓ પૂરી થઈ નથી. પૃથ્વી પર ખંડ ભલેને સાત હોય, અનેકાનેક સ્થાનો જોવાની અને ચાહવાની એની ઈચ્છાઓ સાતસો-કે સાત હજાર- હોઈ શકે છે.’ }
    Click here to Read More
    Previous Article
    સમયાંતર:લેખકોનું ગામ કેવું હોય?
    Next Article
    વૈશાખ મહિનો એટલે લગ્નોત્સવ:ઓથ વિનાનો આધાર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment