Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:‘મ્યૂટ’ મોડ પર નૂતન વર્ષાભિનંદન: ઝૂમ બરાબર ઝૂમ

    2 days ago

    ધ્રુવ બોરીસાગર શુભેચ્છાઓ, આશ્વાસન અને વાયદાઓ - આપનાર અને મેળવનાર, બંનેને ખબર હોય છે કે આ વિવેક છે; પણ, માણસ વચ્ચે માણસ થઈને રહેવું હોય તો વિવેકી થવું પડે છે! આમ પણ માણસ હવે સામેવાળાને સારું લગાડવા ‘કરવું પડે’ એટલું જ કામ કરે છે. સગાં હોય એ વહાલાં હોતાં નથી અને વહાલાં હોય એ સગાં હોતાં નથી, એવા સગાં-વહાલાં સાથે બેસતા વરસે ઉજવણીમાં થતી પજવણી અને એના ઉકેલની વાત.. આપણા ઘરમાં ઘૂસીને ‘આ તો તમારે ત્યાં આવવું પડે એટલે આવ્યા’ અને ‘આજે તો રૂટમાં આવતા 5ને પતાવીને જ ઘરે જવું છે’ ડ્રાયફ્રૂટના મૂઠા ભરતા જાય અને આવું કહેતા જાય. યજમાનને થતી મૂંઝવણમાંથી મુક્તિ મેળવવા, ટેક્નોલોજીના જમાનામાં વિચાર આવ્યો કે બેસતા વરસનો શુભેચ્છા કાર્યક્રમ ઝૂમ મિટિંગ પર શરૂ કરી દેવાની જરૂર છે. (પરદેશમાં નવા વરસે ‘ઝૂમ બરાબર ઝૂમ’ હોય છે તો આપણે ગુજરાતમાં બે વારને બદલે એક વાર તો ‘ઝૂમ’ કરવાથી ગુનો નહીં બને!) ‘ઝૂમ’ પર શુભેચ્છા કાર્યક્રમના આયોજનથી મળનારી મુક્તિઓ... એકસાથે બધાં હાજર હોવાથી એકબીજાનાં ખોટાં ખોટાં વખાણ અને ગેરહાજરની ટીકા, તો કોઈકની ગતિ, પ્રગતિ અને અધોગતિની પંચાતમાંથી મુક્તિ મળશે! (જોકે શુભેચ્છા કાર્યક્રમ પત્યા પછી દેરાણી, જેઠાણી, નણંદના મોબાઈલ એન્ગેજ આવશે!) કોઈના પણ ઘરે જાય એટલે ‘માણસ માણસને કામ નહીં આવે તો બીજું કોણ આવશે?’ બસ આટલું બોલીને મહેમાન બેસતા વરસે યજમાનના ઘરે માણસાઈના દીવા પ્રગટાવે છે. માણસાઈ બધાંમાં ઠાંસી ઠાંસીને ભરી છે, એવા ઊભા થતા ભ્રમમાંથી મુક્તિ મળશે! તો વળી કોઈ મહેમાન આઠેય આંગળીએ સોનાની વીંટી, ગળામાં શર્ટની બહાર લટકતી સોનાની ચેઇન પહેરી, આઈ ફોન રમાડતાં રમાડતાં જીવનની લીલા, માયા, મમતા સંકેલવા પર ચર્ચા કરવા માંડે છે. માણસમાં બેસતા વરસે જ ખબર નહીં ક્યાંથી ડહાપણ આવી જાય છે? મહેમાનના ગયા પછી જીવનની ફિલોસોફી અને માણસની સાયકોલોજી વચ્ચે યજમાનને આવતા વૈરાગ્યમાંથી મુક્તિ મળશે! કેટલાક ટ્રમ્પ કુળના મહેમાન તો વળી યુદ્ધ રોકવાના ઉકેલ અને પડોશી દેશને આપવાના કરારા જવાબ શોધીને આવે છે. જો મહેમાનમાં જાગૃત ક્રાંતિકારી નાગરિક જન્મ લે તો જેમાં ફેરફારની નહિવત્ શક્યતા છે એવી તંત્ર વ્યવસ્થા, રસ્તાઓની હાલત, પડતા પુલ, રોજ બહાર આવતા સ્કેમ પર ચર્ચા કરે છે. આવી અલકમલકની વાતો સાંભળવામાંથી મુક્તિ મળશે! આવેલા મહેમાન સાથે પત્નીના મૃદુ અવાજ સાથે વિવેકથી ભરપૂર સંવાદ સાંભળીને આશ્ચર્યના માર્યા પતિનાં આંખ, નાક, કાન - ટૂંકમાં આખું મોઢું પહોળું થઈ જાય છે. આનાથી ચહેરાની તંગ થતી રેખાઓને રાહત રહેશે. પોતાના પિયરિયાં આવ્યા હોય ત્યારે પતિથી વાણી-વર્તનમાં થયેલી ચૂકથી પત્નીને પોતાના પેટમાં ઊપડેલી ચૂંક શાંત કરવા પિયરિયાં ગયા પછી પતિના આચરણ અંગે જે વર્ગો લે છે એમાંથી મુક્તિ મળશે! આ આયોજનથી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડપ્રેશરના દર્દીઓને સૌથી મોટી રાહત થશે. સામે ગોઠવેલા નાસ્તા-મીઠાઈ અને બાજુમાં બેઠેલી પત્ની, ઘડીક નાસ્તા-મીઠાઈ બાજુ, ઘડીક પત્ની બાજુ જોવામાં કોઈ વાતમાં એનો જીવ ચોંટતો નથી. એક પરણેલા પુરુષની દયા આ દુનિયામાં બીજા પરણેલા પુરુષને જ આવે છે એટલે યજમાન કહેવા પૂરતી મીઠાઈને સુગર ફ્રી કરી નાખે છે. અગ્નિની સાક્ષીમાં આવી અગ્નિપરીક્ષામાંથી મુક્તિ મળશે! ઝૂમ મિટિંગમાં ચહેરો તો દેખાવાનો હોવાથી બ્યૂટી પાર્લર (રંગરૂપ વર્ધક કેન્દ્ર)ના ખર્ચમાંથી મુક્તિ તો નહીં મળે પરંતુ, ઘટાડો ચોક્કસ થશે. માંડ એકાદ-બે વરસ સાથે રહીને અલગ રહેવા ગયાં હોય એ પણ સંયુક્ત કુટુંબની હિમાયત કરે ત્યારે તમને હસવું કે ન હસવું? એવી મૂંઝવણમાંથી મુક્તિ મળશે! કોઈના લાડકવાયાની સોફા પરની કૂદાકૂદ સાથે યજમાનનો જીવ પણ ઊંચો-નીચો થતો હોય છતાં, ‘છોકરાં તોફાન નહીં કરે તો કોણ કરશે?’ એમ કહી આંખ આડા કાન કરવામાંથી પણ મુક્તિ મળશે! આ વરસે તો મોડું થઈ ગયું, આવતા વરસે વિચારજો.... ‘ઝૂમ બરાબર ઝૂમ’ મહેમાન જો હમારા હોતા હૈ, વો હમારી જાન કા પ્યાસા હોતા હૈ. હોઠોં પે વખાણ રહેતા હૈ, જહાં દિલમેં બુરાઈ રહેતી હૈ, હમ ઉસ દેશ કે વાસી હૈ, જીસ દેશ મેં બાસી મીઠાઈ મિલતી હૈ. (આખા વરસમાં આ દિવસોમાં જ કેમ નકલી માવા, ઘી, તેલ પકડાય છે? આ વાત જ પચતી નથી!) આઈસ ક્યૂબ: વોટ્સએપ પર નવા વર્ષની શુભેચ્છાઓ આપવા પર પ્રતિબંધ લગાવવાની તાતી જરૂર છે. ઘરની ગેલેરી કરતાં મોબાઈલની ગેલેરી સાફ કરવામાં દેવ દિવાળી આવી જાય છે.
    Click here to Read More
    Previous Article
    ટૂંકી વાર્તા:અપહરણ
    Next Article
    અર્થાત્:શબ્દસૌંદર્ય; દીવો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment