Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માનસ દર્શન:પ્રણવસ્વરૂપ રામનામ

    2 दिन पहले

    તુલસીએ સીતા-રામજીની વંદના કરી ત્યારે પહેલાં જગજનની જાનકીજીને યાદ કર્યાં. ત્યાં પણ ‘ઉપનિષદ’નો જ ક્રમ સચવાયો, ‘માતૃદેવો ભવ.’ જનકની પુત્રી, જગતની માતા અને કરુણાનિધાનની અતિપ્રિયા. કન્યા જનકની, માતા જગતની, પ્રિયા જગદીશની. ત્રણ સ્વરૂપો છે. માતૃશરીરની સ્થાપના થાય તેમાં ત્રણ રૂપો બતાવ્યાં છે. એ મા જાનકીના ચરણને હું વિનવું છું, જેની કૃપાથી મને નિર્મળ બુદ્ધિ પ્રાપ્ત થાઓ. મને એવું લાગે છે કે બુદ્ધિ આપણા બધાં પાસે છે, પણ વિશુદ્ધ નથી. આટલી જ તકલીફ છે! મારી દૃષ્ટિએ મૂલ્યાંકન કરું તો અત્યારના કાળમાં બુદ્ધિ નષ્ટ નથી થઈ, પણ ભલભલાંની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે! બુદ્ધિ તો કેટલી બધી છે! ક્યાં ને ક્યાં વાયુયાનો જાય છે! કેટલી કેટલી નવી ટેક્નોલોજી આપણા હાથમાં આવી રહી છે! બુદ્ધિ નષ્ટ નથી થઈ, પણ અમુક ક્ષેત્રમાં બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે. એનું શુદ્ધિકરણ મા જાનકીની કૃપાથી જ થઈ શકે તેમ તુલસી કહે છે. સીતા-રામજીની વંદના કરી પછી બોતેર પંક્તિઓમાં, પૂર્ણાંકમાં, નવ દોહામાં તુલસીદાસજીએ રામનામનો મહિમા ગાયો; રામનામની વંદના કરી છે. બધા જ સંતોનો મત છે, પુરાણકારોનો પણ મત છે કે કળિયુગમાં ઈશ્વરપ્રાપ્તિનું અથવા તો પરમાનંદપ્રાપ્તિનું, બ્રહ્માનંદપ્રાપ્તિનું સરળ, સુગમ, બધાં માટે સુલભ કોઈ સાધન હોય તો તે છે પરમાત્માનું નામ. તલગાજરડાની ભૂમિ એ નામની ભૂમિ છે. તલગાજરડાના ટીંબે માઈક ન હતાં ત્યારે દર વર્ષે નવ દિવસની રામધૂન બેસતી. અહીં નામનો મહિમા બહુ થયો છે તેનો મને આનંદ છે. તુલસી કહે, પરમાત્માનાં ઘણાં નામો છે. એમાં રઘુવીરનાં અનેક નામ રઘુનાથ, રાઘવ, રાજીવલોચન, રઘુપુંગવ, પણ એમાં જે રામનામ છે તેની વિશેષ વંદના કરું છું. જે અગ્નિ, સૂર્ય અને ચંદ્રનું મૂળ કારણ છે. રામ ન હોય તો સૂરજમાં ઉષ્ણતા ન હોય. રામ ન હોય તો ચંદ્રમાં શીતળતા ન હોય. રામ ન હોય તો અગ્નિમાં તેજસ્વિતા ન હોય. આ બધાંનું કેન્દ્રબિંદુ રામ છે. આ શાસ્ત્રીય રીતે પણ સિદ્ધ થયેલું છે. રામનામ પ્રણવસ્વરૂપ છે. તલગાજરડું સાંકડું નહીં થાય. તમારા જે ઈષ્ટદેવ હોય તેનું નામ લો. કૃષ્ણ, શિવ, દુર્ગા, ખોડિયાર મા, મેલડી મા, સિકોતર મા, બુદ્ધ, મહાવીર, જે-તે ગ્રૂપો હોય એમણે પોતાના મંત્રો કાઢ્યા હોય તે હોય; ઈસ્લામ ધર્મમાં માનતા હોય તે અલ્લાહનું નામ લે, શું ફરક પડે? પણ જવાબદારી સાથે કહું છું, બીજાં નામ નિમ્ન છે એવું નહીં, પણ રામનામ મહામંત્ર છે. હું નથી કહેતો, ભગવાન શંકર એમ કહે છે કે રામનામ મહામંત્ર છે. મહામંત્ર જોઈ જપત મહેસૂ. કાસીં મુકુતિ હેતુ ઉપદેસૂ. ‘રામ’ એ નામ પણ છે અને મહામંત્ર પણ છે. આપણે કોઈ શબ્દને મહામંત્ર કહી દઈએ તો આપણી નિષ્ઠા માટે બરાબર, પણ એમાં આપણું કંઈ ઊગે નહીં! શાસ્ત્ર કહેતું હોય તો સાચું. આ તો ત્રિભુવન મહાદેવ બોલ્યા છે, પછી તો સવાલ જ નથી. રામતત્ત્વ ગજબ છે! એક બગીચામાં કેટલાય પ્રકારનાં ફૂલો હોય, એ બધાં જ ફૂલની પોતાની આગવી ઓળખ હોય છે, પણ એ બધાં જ ફૂલોમાં શિરમોર કોઈ ફૂલ હોય, અસંગ હોય તો તે છે કમળનું ફૂલ. એક અમૃતનું સરોવર મારો રાઘવ છે. તેમાં કેટલાંય કમળો ખીલ્યાં છે. ‘શ્રી કૃષ્ણ: શરણં મમ.’ એ મહામંત્ર છે. ‘રામ’ મહામંત્ર છે. ‘ૐ નમ:શિવાય’ મહામંત્ર છે, ‘ૐ ભૂર્ભવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યમ્’ ગાયત્રીમંત્ર મહામંત્ર છે. મંત્ર ગમે તે ન હોઈ શકે. એમાં આપણા લેબલો ન ચાલે! ગામડામાં ગમે ત્યાં જાઓ તો ‘રામ-રામ’ કરે બધાં. આવકાર અને વિદાય બંને જેમાં સમાહિત છે. રામતત્ત્વને પકડી રાખજો. હું રામને ગાઉં છું એટલા માટે નહીં. મોરારિબાપુ એટલો સાંકડો ન હોઈ શકે. સાંકડો થાય તો અમારી સમાધિઓ લાજે! મહામંત્ર ઠાકોરનું નામ છે. મૂળ તત્ત્વ છે એ મારે કહેવું જોઈએ. બાકી તમે જેનું નામ લો, મુબારક. વડલો ઉનાળામાં પણ લીલો મટતો નથી. અક્ષયવટના મૂળમાં કોણે પાણી પાયાં છે? હજી એમ ને એમ ચાલે છે. જય સિયારામ, જયશ્રી કૃષ્ણ, હરિઓમ, નમ:શિવાય, હરહર મહાદેવ, આને મહામંત્ર કહેવાય. જે નામમાં નિષ્ઠા હોય એને ભજજો, પણ રામનામને કાપશો નહીં. બધાં પ્રભુનાં નામ છે. રામનામનો મહિમા ગોસ્વામીજીએ ખૂબ જ ગાયો છે! (સંકલનઃ નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com
    Click here to Read More
    Previous Article
    ડૂબકી:માત્ર તારીખિયું બદલાયું છે કે…...
    Next Article
    'સૌની દિવાળી રંગીન ને મારી કેટલી ફિક્કી!':'ઇન્સ્ટા પર ફેસ્ટિવલ સેલિબ્રેશનના ફોટા જોઈને દુઃખ થાય છે'; 'તહેવારો પત્યાં ત્યારથી ઉદાસ રહું છું, શું કરું?'

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment