Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૂબકી:માત્ર તારીખિયું બદલાયું છે કે…...

    2 दिन पहले

    અમેરિકાનાં કવયિત્રી શાનિયા યુન્સ એમની એક કવિતામાં એવા સમયનું સપનું સાકાર થવાની રાહ જુએ છે, જેમાં ચારે તરફ પ્રકાશ હોય, ક્યાંય અંધકાર ન હોય અને જીવન આનંદ-ઉલ્લાસથી ધબકતું હોય. જીવનમાં અંધકારમય સમય આવે છે, પરંતુ એ કાયમી રહેતો નથી. સમય ખુદ પાસું બદલે છે અને અંધારી રાત પછી નવા પ્રભાતનો ઉદય થાય છે. શાનિયા એમની બીજી કવિતામાં અજવાળાનાં અલગ-અલગ, ક્યાંક વિરોધાભાસી રૂપો, વર્ણવે છે: ‘અજવાળું બહુ ભલું અને કોમળ હોય છે, વિવિધ સુગંધોથી મઘમઘે છે, અનેક રંગોથી ઝગમગે છે. ક્યારેક એ મૌન રહે છે તો ક્યારેક બહુ બોલકું બની જાય છે. ક્યારેક એનો સ્પર્શ ઠંડો લાગે, તો ક્યારેક ઉષ્માભર્યો. ક્યારેક ક્રૂરતાથી વર્તે છે, તો ક્યારેક માયાળુ લાગે છે. અજવાળું આપણો પ્રેમ છે, આપણો વિશ્વાસ છે. સાવધાન ન રહીએ તો એ નંદવાઈ પણ જાય છે. એ નવું પણ હોય અને જૂનું પણ હોય.’ પછી ઉમેરે છે, ‘અજવાળું આપણી મુક્તિ છે.’ માનવસ્વભાવમાં પણ અંધકાર અને અજવાળાનાં ઘણાં રૂપો છતાં થાય છે. કેટલાક લોકો સતત ઉદાસ રહે છે. એમના વાણી-વર્તનમાં અને ચહેરા પર ગમગીનીની અંધારી છાયા છવાયેલી રહે છે. એથી વિપરીત, કેટલાક લોકોને અકારણ પ્રસન્ન રહેવું ગમે છે. તેઓ જીવનની રોજિંદી ઘટમાળમાંથી રાહત મેળવવા પ્રકૃતિની ગોદમાં ફરવા નીકળી પડે છે. તેઓ પરમ શક્તિ પર શ્રદ્ધા ધરાવે છે. એમને નિજાનંદ માટે ગીતો ગાવાં ગમે છે. ક્યારેક તો પોતાને પણ ખબર ન હોય અને તેઓ ગણગણવા લાગે છે. કોઈ સાંભળનાર ન હોય, છતાં એ લોકો આસપાસની સૃષ્ટિને પોતાનાં ગીતો સંભળાવવાનો આનંદ માણે છે. વર્તમાન સમયમાં પ્રસન્ન રહેવું બહુ અઘરું છે. રોજ સવારે અખબારોમાં યુદ્ધ, આર્થિક મુશ્કેલીઓ, હિંસા, બળાત્કાર, કૌભાંડો જેવા સમાચારો પર નજર પડતાં જ મન ખિન્ન થઈ ઊઠે છે. વધતી જતી મોંઘવારી, સંબંધોમાં આવી ગયેલો તણાવ, માનવ-માનવ વચ્ચે વધતું અંતર, કોઈ અનિચ્છનીય ફોન કોલ કે અપ્રિય વ્યક્તિના આગમનથી દિવસ બગડી શકે છે. આવા સમયમાં પ્રફુલ્લિત રહેવું એ બનાવટી અને બિનજવાબદાર વર્તન જેવું લાગે છે. પ્રશ્ન થાય કે આટલું બધું ખોટું થઈ રહ્યું હોય ત્યારે કોઈ કેવી રીતે પ્રસન્ન રહી શકે? એનો જવાબ મહાન ફિલ્મકાર અને અભિનેતા ચાર્લી ચેપ્લિને વર્ષો પહેલાં આપ્યો છે. એમણે મૂંગી ફિલ્મોના સમયમાં હાસ્યની છોળો ઉડાડતાં-ઉડાડતાં માનવોની પીડાઓને કલાત્મક રીતે વ્યક્ત કરી છે. એમણે લગભગ બધી ફિલ્મોમાં એક રખડું માણસનું પાત્ર ભજવ્યું છે. એ માણસ ભૂખ્યો છે, વારંવાર અપમાનિત થતો રહે છે, દુનિયાએ હંમેશાં એને અન્યાય કર્યો છે. તેમ છતાં એણે એની ફિલ્મોમાં, હાસ્યના માધ્યમથી, માનવ હોવાની ગરિમાને ઊંચા આસને સ્થાપી આપી છે. ચાર્લી ચેપ્લિને આપણને શીખવ્યું છે કે જીવન ભલે માણસને સુખ-સગવડોથી વંચિત રાખે, પરંતુ એ આપણી પાસેથી પ્રસન્ન રહેવાનો હક છીનવી શકતું નથી. કુદરતી આપત્તિમાં ચારેકોર જોવા મળતાં તારાજીનાં દૃશ્યોની વચ્ચે અચાનક એવું એક દૃશ્ય દેખાઈ જાય છે કે થોડી પળો માટે વિનાશ પણ જાણે ભોંઠો પડે છે! એક પત્રકાર એક દેશમાં આવેલા ધરતીકંપનું રિપોર્ટિંગ કરવા ગયો હતો. એ ફરતો-ફરતો એક ગામમાં પહોંચ્યો. ચારે બાજુ ભગ્ન અવશેષોના ઢગલા પડ્યા હતા. લોકો એમનાં ખંડેર બની ગયેલાં ઘરોને શૂન્ય નજરે તાકી રહ્યા હતા અને એમની આંખોમાંથી ચોધાર આંસુ વહેતાં હતાં. આવાં દૃશ્યોની વચ્ચે પત્રકારે બધાંથી થોડે દૂર એક છ-સાત વર્ષના છોકરાને જોયો. એ આસપાસથી નાના પત્થરો ઉપાડી કશુંક બનાવતો હતો. પત્રકારે એને પૂછ્યું કે એ શું બનાવે છે. છોકરાએ જવાબ આપ્યો, ‘ઘર.’ પત્રકારે પૂછ્યું: તારાં મા-બાપ અને પરિવારના લોકો ક્યાં છે? છોકરાએ બાજુમાં ધસી પડેલા ઘરનો ઢગલો બતાવ્યો અને બોલ્યો, ‘અંદર છે. એ લોકો બહાર આવે તે પહેલાં હું આ ઘર બનાવી લેવા માગું છું.’ એ છોકરો પાગલ થઈ ગયો નહોતો, એની ઉંમરથી વધારે પુખ્ત અને સમજુ થઈ ગયો હતો. વિનાશની વચ્ચે પણ એણે આશા ગુમાવી નહોતી. સ્પેનના ફોટોગ્રાફર ઓમર હવાના કુદરતી આફતો, માનવીય સંઘર્ષો અને સામાન્ય લોકોના જીવનની કઠણાઇઓને સ્પર્શતી તસવીરો માટે જાણીતા છે. 2015માં નેપાળમાં વિનાશક ભૂકંપ આવ્યો ત્યારે એ કાઠમંડુમાં હતા. ભૂકંપ પછી જીવન સામાન્ય બનવા લાગ્યું ત્યારે શાળાઓ ફરી શરૂ થઈ. તે સમયે એમણે શાળાએ જતા એક નાના છોકરાનો ફોટો પાડ્યો હતો અને લખ્યું હતું, ‘આ છોકરાએ મને આશાનો અર્થ સમજાવ્યો.’ એ જ ભૂકંપમાં નેપાળની બે છોકરીઓએ પોતાનો એક-એક પગ ગુમાવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી ત્યારે બંનેની મુલાકાત થઈ. સાજા થવાની પ્રક્રિયામાં એમણે એકબીજાને હિંમત આપી. તે સમય દરમિયાન એમની મિત્રતા ગાઢ બની અને બંને એકમેકના સહારે ટકી જવા માટે સંઘર્ષ કરતી રહી. આ ઘટના દર્શાવે કે જીવનને ધરમૂળથી બદલી નાખે એવી પીડા સહન કરવા માટે કોઈનો સાથ જીવનભરનો સંગાથ બની શકે છે. દિવાળીના દીપ પ્રગટાવી લીધા છે. રંગોળી પૂરી લીધી છે. ઘરના પ્રવેશદ્વાર પર તોરણ બાંધી લીધાં છે. સુગર વધારે હોય છતાં મિષ્ટાન્નના સ્વાદ મમળાવી લીધા છે. આતશબાજીના ધડાકા શાંત પડવા લાગ્યા છે. પ્રવાસમાં ગયેલા લોકો ઘેર પાછા ફરવા લાગ્યા છે. લક્ષ્મીપૂજન પછી લાભપાંચમ સુધી શાંત પડેલું જીવન રફતાર પકડવા લાગ્યું છે. ફરી એ જ દોડધામ, એ જ પડકારો, એ જ ચિંતાઓ અને એ જ અનિશ્ચિતતાઓની વચ્ચે નવું વર્ષ જૂનું થવા લાગશે, પરંતુ તે પહેલાં આપણે જાતને પૂછી લેવું જોઈ કે નૂતન વર્ષની સવારે આપણે માત્ર જૂનું તારીખિયું બદલ્યું છે કે વર્તમાન અને આવનારા સમયને પણ બદલવા માગીએ છીએ?
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:માણસોએ મશીનથી ડરવું પડશે?
    Next Article
    માનસ દર્શન:પ્રણવસ્વરૂપ રામનામ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment