Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલ કિલ્લા વિસ્ફોટથી બદનામ થયેલી અલ-ફલાહ યુનિવર્સિટીમાં શું બદલાયું:આતંકવાદી ડૉક્ટરનો રૂમ હજુ પણ સીલ, દાવો- વિદ્યાર્થીઓને નોકરી નથી મળતી

    3 days ago

    10 નવેમ્બર 2025ની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લાની સામે એક કારમાં બ્લાસ્ટ થયો હતો. NIAની તપાસમાં સામે આવ્યું કે આ એક આતંકી કાવતરું છે. તેના તાર હરિયાણામાં ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી સાથે જોડાયેલા મળ્યા. યુનિવર્સિટીની મેડિકલ કોલેજમાં કામ કરતા ત્રણ ડોક્ટરો પર કાવતરું ઘડવાનો અને તેમાં સામેલ હોવાનો આરોપ લાગ્યો. NIAએ ડૉ. ઉમર ઉન નબીને મુખ્ય આરોપી ગણાવ્યો, જે કાર બ્લાસ્ટમાં માર્યો ગયો. જ્યારે યુનિવર્સિટી પર તપાસ શરૂ થઈ, તો EDએ વાઈસ ચાન્સેલરની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી લીધી. માર્ચ 2026માં હરિયાણા સરકારે યુનિવર્સિટીનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો. ઘટનાના એક વર્ષ પછી અમે ફરી અલ-ફલાહ પહોંચ્યા. ગેટ પર પ્રાઇવેટ કંપનીના ગાર્ડ તહેનાત જોવા મળ્યા. અંદર માત્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકો અને દર્દીઓ જ જઈ શકે છે. અમે હોસ્પિટલ જવાની વાત કહીને અંદર પ્રવેશ્યા અને મેડિકલ કોલેજ તરફ ગયા. સ્ટુડન્ટ બોલ્યા- ડૉ. ઉમર ખૂબ ટેલેન્ટેડ હતા, આવું કરશે એવું વિચાર્યું નહોતું યુનિવર્સિટીમાં પ્રવેશવા પર ઘણા પ્રતિબંધો છે, પરંતુ અંદરની સ્થિતિ સામાન્ય જોવા મળી. મેડિકલ કોલેજની બાજુમાં હોસ્ટેલ છે. અમે જ્યારે શૂટ કરવાનું વિચાર્યું ત્યારે યુનિવર્સિટીના બાઉન્સર્સે રોકી દીધા. સ્ટુડન્ટ્સ અને પ્રશાસન સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, તો બાઉન્સર્સે ગેટની બહાર જવાનું કહ્યું. યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ સાથે વાત કરવાની સખત મનાઈ છે. બીજી તરફ, કોલેજ પ્રશાસન NIA તપાસનો હવાલો આપીને વાત કરવાની સીધી ના પાડી રહ્યું છે. યુનિવર્સિટીના ગેટની બહાર અમને MBBS ફાઇનલ યરના સ્ટુડન્ટ ઉબૈદ (બદલેલું નામ) મળ્યા. વાત કરવા માટે તૈયાર થયા, પરંતુ પોતાની ઓળખ છતી કરવા માંગતા નહોતા. તેઓ દિલ્હીના ઝાકિર નગરના રહેવાસી છે. ઉબૈદને લાલ કિલ્લા બ્લાસ્ટના મુખ્ય આરોપી ડૉ. ઉમરે ભણાવ્યા પણ હતા. તેઓ જણાવે છે, ‘યુનિવર્સિટીમાં ખૂબ જ ટેલેન્ટેડ ફેકલ્ટી છે. ડૉ. ઉમર પણ ખૂબ ટેલેન્ટેડ હતા. તેમણે MD કર્યું હતું. તેમને કોઈ કોન્સેપ્ટ સમજાવવા માટે પુસ્તકની પણ જરૂર પડતી નહોતી. જોકે, લાલ કિલ્લા પર જે કંઈ પણ થયું, તેનો અંદાજો કોઈને નહોતો. કોઈના મનમાં શું ચાલી રહ્યું છે, તે કોઈ સમજી શકતું નથી.’ 'અમારી કોઈ ભૂલ નથી, છતાંય ભોગવવું પડી રહ્યું છે પરિણામ' બ્લાસ્ટ પછી યુનિવર્સિટીની ખરડાયેલી છબીને લઈને ઉબૈદ ચિંતા વ્યક્ત કરે છે. કહે છે, ‘આની સૌથી વધુ અસર સ્ટુડન્ટ્સ પર પડી છે. અહીંથી અભ્યાસ પૂરો કરી ચૂકેલા કેટલાક સિનિયર્સને નોકરી શોધવામાં મુશ્કેલી પડી રહી છે. યુનિવર્સિટીનું નામ સાંભળીને જ તેમને રિજેક્ટ કરી દેવામાં આવ્યા. સ્ટુડન્ટ્સે આનું પરિણામ ઓછામાં ઓછા ચાર-પાંચ વર્ષ સુધી ભોગવવું પડશે. તમારે તે સ્તર પર તમારી કાબેલિયત સાબિત કરવી પડશે, જ્યાં યુનિવર્સિટીની છબીની કોઈ અસર ન થાય.’ MBBS થર્ડ યરની એક વિદ્યાર્થિનીએ જણાવ્યું, ‘બ્લાસ્ટ પછી અહીં ડરનો માહોલ હતો. હું પણ ભણતર છોડીને ઘરે જતી રહી હતી. મનમાં હતું કે બીજે ક્યાંક એડમિશન લેવાનો પ્રયાસ કરીશ. લગભગ 20 દિવસ પછી કોલેજ પાછા ફરવા માટે ફોન આવ્યો. કહેવામાં આવ્યું કે અભ્યાસ ચાલુ રાખો અને તપાસમાં સહયોગ કરો. હું ડરેલી હતી, પરંતુ એ ડરથી પાછી આવી ગઈ કે ક્યાંક મારું નામ પણ ફરાર લોકોમાં સામેલ ન કરી દેવાય.’ કેમ્પસની બહાર ચાની દુકાન પર મળેલા કબીર (બદલેલું નામ) કહે છે, 'હુમલામાં ડૉ. ઉમરનું નામ સામે આવ્યા પછી સમજાતું નહોતું કે કોના પર ભરોસો કરવો. આ લોકો સાથે ક્યારેક ક્લાસમાં, તો ક્યારેક ચા પર રોજ મુલાકાત થતી હતી. ક્યારેય એવું નહોતું લાગ્યું કે કેમ્પસમાંથી આટલું મોટું કાવતરું ચાલી રહ્યું છે.' પાછળના ગેટ પર મળેલા થર્ડ યરના સ્ટુડન્ટ સાહિલ (બદલેલું નામ) કહે છે, 'બ્લાસ્ટના કાવતરા પછી લાગ્યું હતું કે અમારું કરિયર બરબાદ થઈ ગયું. જોકે હરિયાણા સરકારે કોલેજનો વહીવટ સંભાળતા જ કોલેજ છોડીને ગયેલા સ્ટુડન્ટ્સ અને પ્રોફેસરો પાછા ફરવા લાગ્યા. હવે કોલેજનો માહોલ પહેલા જેવો થઈ ગયો છે.' 'હવે કોલેજના માહોલમાં કોઈ સમસ્યા નથી, એટલે જ એડમિશન લીધું' અલ-ફલાહ યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનનો દરજ્જો મળેલો છે. આ અંતર્ગત 50% સીટો લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત છે. જોકે, અહીં તમામ ધર્મો અને સમુદાયોના સ્ટુડન્ટ ભણી રહ્યા છે. આ વર્ષે અહીં MBBSની 200 સીટો ખાલી હતી, જે સંપૂર્ણ ભરાઈ ગઈ. અમે MBBSના ફર્સ્ટ યરના સ્ટુડન્ટ મોહમ્મદ સમીર સાથે વાત કરી. તે ડે-બોર્ડર છે, જ્યારે તેના મોટાભાગના મિત્રો હોસ્ટેલમાં રહે છે. લાલ કિલ્લા બ્લાસ્ટમાં યુનિવર્સિટી સાથે જોડાયેલા લોકોનું નામ સામે આવવા અંગે સમીર કહે છે, ‘એડમિશન પહેલાં મનમાં દ્વિધા હતી. જોકે હું લોકલ છું, એટલે યુનિવર્સિટીની વાસ્તવિક સ્થિતિની ખબર હતી કે અહીં એવી કોઈ મોટી મુશ્કેલી નથી. એટલે એડમિશન લઈ લીધું.’ તેઓ યુનિવર્સિટીની ખરડાયેલી છબીની અસર પડવાની આશંકા નહિવત્ માને છે. સમીર કહે છે કે જો એવું હોત, તો અહીં એડમિશન જ કેમ લેત. પ્રશાસન પણ કોઈ વસ્તુને લઈને અમને રોકતું નથી. ઘરવાળાને પણ કોઈ ડર નથી. સારી કોલેજ છે, માહોલ સારો છે, એટલે જ અહીં એડમિશન લીધું છે.’ સમીરને પૂછવામાં આવ્યું કે શું તેમના પરિવાર કે અન્ય સ્ટુડન્ટ્સને આ ઘટનાને કારણે કોઈ પ્રકારની મુશ્કેલી પડી રહી છે, તો તેણે આ વાતનો ઇનકાર કર્યો. યુનિવર્સિટીની બહારના દુકાનદારો બોલ્યા- 3 મહિના મુશ્કેલીમાં વીત્યા, હવે બધું બરાબર છે અલ-ફલાહ યુનિવર્સિટીની બહાર ચા-નાસ્તાની અને મેડિકલની કેટલીક દુકાનો પણ છે. અહીં લગભગ ત્રણ વર્ષથી મેડિકલ શોપ ચલાવી રહેલા શાહીન (બદલેલું નામ) કેમેરા સામે આવવાનું ટાળે છે. તેઓ જણાવે છે, ’બ્લાસ્ટની ઘટના પછી બે-ત્રણ મહિના સુધી વેપાર પર અસર પડી હતી. હવે કોઈ મુશ્કેલી નથી.’ ત્યાં જ યુનિવર્સિટીની સામે ચાની લારી ચલાવતા એક દુકાનદારે જણાવ્યું કે બ્લાસ્ટનો આરોપી ડૉ. ઉમર મારી દુકાનેથી સિગારેટ ખરીદતો હતો. દર મહિને 10થી 15 હજાર રૂપિયાનું બિલ બનતું હતું. તે મોબાઈલથી પેમેન્ટ કરતો હતો. આ જ લેવડદેવડને કારણે હું તપાસના ઘેરામાં આવી ગયો હતો. પોલીસે ઘણી વાર પૂછપરછ કરી હતી. દુકાનદારના જણાવ્યા મુજબ, ઉમર મોટાભાગે નશામાં જણાતો હતો. એક ચા સાથે 3થી 4 સિગારેટ પી જતો હતો. જોકે, ક્યારેય અન્ય કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોઈ નહોતી. યુનિવર્સિટી અને મેડિકલ કોલેજની સ્થિતિ પૂછવા પર કહે છે, ‘હોસ્પિટલમાં હવે ઓછા દર્દીઓ જ આવે છે. સ્ટાફનું પણ બહાર નીકળવાનું બહુ ઓછું થઈ ગયું છે. ચારે તરફના ગેટ બંધ રહે છે. કેટલાક નવા પ્રોફેસર પણ આવ્યા છે.’ OPDમાં દર્દીઓ નથી, ઈમરજન્સી વોર્ડ પણ ખાલી જોવા મળ્યો અલ-ફલાહ યુનિવર્સિટી પ્રશાસનના જણાવ્યા મુજબ, કોલેજમાં અભ્યાસ રાબેતા મુજબ ચાલુ છે. કેટલાક ફેકલ્ટી ચોક્કસપણે કોલેજ છોડીને ચાલ્યા ગયા, પરંતુ તેમની જગ્યાએ નવા લોકોની નિમણૂક કરી દેવામાં આવી છે. તપાસમાં જે ત્રણ પ્રોફેસરોના નામ સામે આવ્યા, તેમની ઓફિસ અને કેમ્પસમાં આવેલું નિવાસસ્થાન હજુ પણ સીલ છે. કેટલાક કર્મચારીઓએ ઓફ ધ રેકોર્ડ એવું પણ જણાવ્યું કે લોકો ડરના કારણે હોસ્પિટલ નથી આવી રહ્યા. અમે સતત ત્રણ દિવસ હોસ્પિટલનો તાગ પણ મેળવ્યો. પહેલા દિવસે સરકારી રજા હતી, લાગ્યું એટલે જ OPDમાં દર્દીઓ નથી. ઈમરજન્સી વોર્ડ પણ લગભગ ખાલી હતો, જોકે સ્થળ પર ડોક્ટર હાજર હતા. વર્કિંગ ડે પર સતત બે દિવસ સુધી ચકાસણી કર્યા પછી પણ સ્થિતિ લગભગ આવી જ જોવા મળી. મેડિકલ કોલેજમાં બાળકનો ઈલાજ કરાવવા આવેલા શકીલ મેવાતના ટિકરી ખેડા ગામના રહેવાસી છે. તેઓ કહે છે કે બ્લાસ્ટ પછી યુનિવર્સિટીનું નામ ખરાબ થવું ખોટું છે. અમે તો અહીં નજીકના જ રહેવાસી છીએ. આખું મેવાત અહીં જ ઈલાજ કરાવવા આવે છે. જે અલગ-અલગ જગ્યાએ સમાચારો આવી રહ્યા છે, તે બધું પાયાવિહોણું છે. અહીં બધું સરસ છે.’ બ્લાસ્ટ પછી બે વખત ઈલાજ કરાવવા આવી ચૂકેલા તાવડૂના ફરીદ કહે છે, ‘આના વિશે જેવું સાંભળ્યું હતું, તેવું કંઈ જ નથી. ઘટના પછી બે વાર અહીં આવી ચૂક્યો છું.’ NIAએ 13 લોકોને આરોપી બનાવ્યા, ઉમરનું બ્લાસ્ટમાં મોત NIAએ લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં 14 મે 2026ના રોજ 10 આરોપીઓ વિરુદ્ધ લગભગ 7,500 પાનાની ચાર્જશીટ દાખલ કરી. જેમાં મુખ્ય આરોપી ડૉ. ઉમર ઉન નબીનું નામ પણ છે, જેનું બ્લાસ્ટમાં મોત થઈ ગયું હતું. અન્ય 9 આરોપીઓમાં આમિર રાશિદ મીર, જાસિર બિલાલ વાની, મુઝમ્મિલ શકીલ, આદિલ અહમદ રાથર, શાહીન સઈદ, મુફ્તી ઈરફાન અહમદ વાગે, સોયબ, બિલાલ નસીર મલ્લા અને યાસિર અહમદ ડાર સામેલ છે. ત્યારબાદ જૂન 2026માં NIA એ અન્ય ત્રણ લોકો વિરુદ્ધ સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી. જેમાં જામીર અહમદ આહંગર, તુફૈલ અહમદ ભટ્ટ અને ફરાર આરોપી મુઝફ્ફર અહમદ ઉર્ફે ફરાઝ ઉર્ફે ઝફરના નામ સામેલ હોવાનું જણાવાયું. NIAના જણાવ્યા મુજબ, આ મોડ્યુલે કથિત રીતે યુનિવર્સિટી કેમ્પસ અને આસપાસના વિસ્તારોમાં વિસ્ફોટકોનું ટેસ્ટિંગ કર્યું હતું. સરકારે યુનિવર્સિટીનો વહીવટ સંભાળ્યો, IASની નિમણૂક હરિયાણા સરકારે અલ-ફલાહનો વહીવટ પોતાના હાથમાં લઈ લીધો છે. આ વર્ષે ૧૯ માર્ચે સિનિયર IAS અધિકારી અમિત અગ્રવાલને યુનિવર્સિટીના પ્રશાસક બનાવવામાં આવ્યા. JC બોસ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. અજય રંગાને અલ-ફલાહના વાઇસ ચાન્સેલર પણ બનાવી દેવાયા. એક્ઝામ કંટ્રોલર, રજિસ્ટ્રાર અને ફાઇનાન્સ વિભાગમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ઓગસ્ટ 2026માં હરિયાણા સરકારે વિધાનસભામાં એ પણ સ્પષ્ટ કર્યું કે અલ-ફલાહ યુનિવર્સિટીનું નામ બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. NIA આતંકી કાવતરા સાથે જોડાયેલી તપાસ કરી રહી છે. જ્યારે ED મની લોન્ડરિંગ અને જમીન સાથે જોડાયેલા કેસની કાર્યવાહી કરી રહી છે. આ ઉપરાંત યુનિવર્સિટીની માન્યતા, નાણાકીય વ્યવસ્થા અને વહીવટી કામકાજની પણ તપાસ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિકસિત ભારત માટે સહિયારા પ્રયાસો જરૂરી:સુખપર (રોહા) ખાતે સાંસદ દ્વારા સ્નેહમિલન યોજાયું
    Next Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- રોકાણકારોએ નફારૂપી વેચવાલી તરફ વલણ અપનાવ્યું:આ સ્થિતિ બજારમાં સ્પષ્ટ દિશાના અભાવ અને વધતી અસ્થિરતા દર્શાવે છે

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment