Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીના મીની વેકેશનમાં પ્રવાસન સ્થળો હાઉસફુલ:એકતાનગરમાં દોઢ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા, ગીરમાં સફારીની તમામ પરમિટ ફુલ તો દ્વારકાધીશના દર્શને જનમેદની ઉમટી

    6 hours ago

    દિવાળીના મીની વેકેશનમાં ગુજરાતનાં વિવિધ પ્રવાસન અને ધાર્મિક સ્થળોએ પ્રવાસીઓ તથા શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. એક તરફ એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રવાસન પ્રોજેક્ટો પ્રવાસીઓથી હાઉસફુલ બન્યા છે, તો બીજી તરફ સાસણ ગીરમાં સિંહ દર્શન માટે જંગલ સફારીની તમામ ઓનલાઇન પરમિટ ફુલ થઈ ગઈ છે. જ્યારે યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના પર્વે ભગવાન દ્વારકાધીશના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. રિસોર્ટ, હોટલ અને ટેન્ટસિટીમાં બુકિંગનો ધમધમાટ, સફારી માટે વેઇટિંગ અને ધાર્મિક સ્થળોએ શ્રદ્ધાળુઓની ભીડ સાથે ગુજરાતમાં પ્રવાસન અને આસ્થાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બે તસવીર એકતાનગરમાં પ્રવાસીઓનો ભારે ધસારો ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓ માટે એકતાનગર (કેવડિયા) ફરવા માટેનું સૌથી લોકપ્રિય સ્થળ બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના બાદ છેલ્લા 8 વર્ષમાં અહીં 3 કરોડથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે. ત્યારે ચાલુ દિવાળી વેકેશનમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. વેકેશનના પ્રથમ ત્રણ દિવસમાં જ દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ એકતાનગરની મુલાકાત લીધી છે. હોટલો, ટેન્ટસિટી અને રો-હાઉસમાં બુકિંગનો ધમધમાટ આ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટો પ્રવાસીઓથી હાઉસફુલ જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓના ભારે ધસારાને પગલે હોટલો, ટેન્ટસિટી અને રો-હાઉસમાં પણ બુકિંગનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. હોટલો અને ટેન્ટસિટીમાં વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે. રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. પ્રવાસીઓની અવરજવરમાં સરળતા રહે તે માટે એસ.ટી. વિભાગ દ્વારા વધારાની સ્પેશિયલ બસો પણ દોડાવાઈ છે. નવી એકતા ક્રૂઝ અને રેન ફોરેસ્ટ પ્રોજેક્ટ આકર્ષણનું કેન્દ્ર એકતાનગરમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપરાંત કુદરતી સૌંદર્યથી ભરપૂર 23થી વધુ નાના-મોટા પ્રવાસન પ્રોજેક્ટો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ વર્ષે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી નવી એકતા ક્રૂઝ અને રેન ફોરેસ્ટ સહિતના નવા પ્રોજેક્ટોનું લોકાર્પણ થયું છે જે પણ પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ગીર જંગલ સફારીની બે તસવીર ગીર જંગલ સફારીમાં ઓનલાઇન પરમિટની તમામ ટિકિટો ફુલ સાસણ ગીર જંગલ સફારી અને દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ ગીરમાં પ્રવાસીઓની સંખ્યા 50 હજારથી વધુ થઈ છે, જોકે, આવતીકાલથી પ્રવાસીઓની અવરજવરમાં હજુ વધારો થવાની શક્યતા છે. ગીર જંગલ સફારી માટે દરરોજ ત્રણ સ્લોટમાં આપવામાં આવતી 180 ઓનલાઇન પરમિટની તમામ ટિકિટો ફુલ થઈ ગઈ છે. આગામી 15 તારીખ સુધી મોટાભાગના સ્ટાર કેટેગરીના રિસોર્ટ, હોટલો અને ફાર્મ હાઉસમાં પણ બુકિંગ ફુલ થઈ ગયા છે. જંગલ સફારીમાં સિંહ દર્શન માટે પરમિટ ન મેળવી શકતા પ્રવાસીઓ હવે દેવળીયા સફારી પાર્ક તરફ વળી રહ્યા છે. ગીર જંગલ સફારીની એક પરમિટનો ચાર્જ રૂ.3,500 છે, જ્યારે દિવાળીના વેકેશન દરમિયાન દેવળીયા સફારી પાર્કની મુલાકાત માટે પ્રતિ વ્યક્તિ રૂ.190 પ્રવેશ ફી લેવામાં આવી રહી છે. ગીરમાં તમામ પ્રવાસીઓને જંગલ સફારીની પરમિટ મળી શકતી નથી. જેથી આવા પ્રવાસીઓ પોતાના બજેટ અને અનુકૂળતા મુજબ એકથી બે દિવસ ગીરમાં રોકાણ કરીને આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. હાલમાં ફાર્મ હાઉસમાં જમવા સહિતના રોકાણનું પેકેજ પ્રતિ વ્યક્તિ રૂ.1,500થી શરૂ થાય છે. જ્યારે હોટલોમાં એક રૂમનું ભાડું રૂ.3,000થી રૂ.7,000 સુધી છે. સારી કેટેગરીના રિસોર્ટમાં દિવાળીના મીની વેકેશન દરમિયાન રૂ.7,000થી રૂ.30,000 સુધીનું એક રૂમનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. રાત્રે રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં ધમાલ નૃત્યથી પ્રવાસીઓ ઝૂમી ઊઠે છે ગીરના પ્રવાસન સ્થળોએ દિવસ દરમિયાન સિંહ દર્શન અને પ્રકૃતિની મજા માણ્યા બાદ રાત્રે પ્રવાસીઓ માટે મનોરંજનના વિશેષ કાર્યક્રમો યોજવામાં આવે છે. મોટાભાગના રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં દરરોજ રાત્રે 'ધમાલ' નૃત્યનું આયોજન કરવામાં આવે છે. સાસણ, જાંબુર, માધુપુર સહિતનાં ગામોમાં વસવાટ કરતા સીદી આદિવાસી સમાજના યુવાનો પરંપરાગત ધમાલ નૃત્યમાં પારંગત છે. તેમના ઢોલના તાલે રજૂ થતું ધમાલ નૃત્ય પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની રહ્યું છે. આ નૃત્યમાં આગ સાથેની રોમાંચક કરતબ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. આ કરતબ દરમિયાન કલાકારો મોઢામાં ડીઝલ ભરીને તેને હવામાં ફુવારા સ્વરૂપે ફેંકે છે અને સાથે જ આગની જ્વાળાઓ પ્રજ્વલિત કરે છે. હવામાં ફેલાતી આગની જ્વાળાઓનું આ રોમાંચક દૃશ્ય જોઈ પ્રવાસીઓ દંગ રહી જાય છે અને કલાકારોને ઉત્સાહભેર વધાવી લે છે. ભાઈબીજના પર્વે દ્વારકાધીશના દર્શન માટે ભક્તો ઉમટ્યાં ભાઈબીજના પવિત્ર પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન માટે વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મંગળા આરતી સાથે જ મંદિરમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ઉમટેલા ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ, ભાઈબીજના પર્વની પરંપરા મુજબ ભાઈ-બહેનોએ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. વહેલી સવારથી જ ગોમતી ઘાટ પર શ્રદ્ધાળુઓની અવરજવર જોવા મળી હતી. દ્વારકામાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Sonia Gandhi Book:Kangana ने ऐसा क्या लिखा? Rajiv Gandhi का भी जिक्र! | Belonging: A Journey of Love
    Next Article
    રાજ્યમાં દિવાળી પર 5934 ઈમરજન્સી કેસ નોંધાયા:સામાન્ય દિવસોની સરખામણીએ 56.54 ટકાનો ઉછાળો, સુરતમાં આગના સૌથી વધુ 119 બનાવ, જુઓ જિલ્લા વાઇઝ કેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment