Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાંદલોડિયામાં ફ્લેટના બેઝમેન્ટમાં ઘૂસેલા સાપને રેસ્ક્યૂ કરવાને બદલે સળગાવી દીધો:અમદાવાદના ચાંદલોડિયામાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શનના ધજાગરા, આરોપી સામે કડક પગલાંની માગ

    10 hours ago

    અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં એક અત્યંત અરેરાટીભરી અને વન્યજીવો પ્રત્યેની ઘોર ક્રૂરતા દર્શાવતી ઘટના સામે આવી છે. ચાંદલોડિયા સ્થિત 'આરંભ ઝેસ્ટ' નામના રહેણાંક ફ્લેટના બેઝમેન્ટ પાર્કિંગમાં એક સાપ ઘૂસી જતાં સોસાયટીના રહીશોમાં ભારે ગભરાટ અને દોડધામ મચી ગઈ હતી. સાપ દેખાતાં જ મોટી સંખ્યામાં સ્થાનિકો પાર્કિંગ વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા. જોકે, આ સાપને સલામત રીતે પકડીને કુદરતી આવાસમાં મુક્ત કરવા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમ પહોંચે તે પહેલાં જ ફ્લેટમાં રહેતા એક સ્થાનિક શખ્સે તેને નિર્દયતાપૂર્વક મારી નાખ્યો હતો. રેસ્ક્યૂ કરવાને બદલે સાપને મારી ફ્લેટના મુખ્ય ગેટ બહાર સળગાવી દીધો બનાવની વિગતો મુજબ, ગઈકાલે રાત્રે આશરે નવેક વાગ્યાના સુમારે પાર્કિંગમાં સાપ હોવાની જાણ થતાં વાઇલ્ડ લાઇફ સ્નેક રેસ્ક્યૂઅર્સને જાણ કરવામાં આવી હતી. પરંતુ રેસ્ક્યૂ ટીમના સભ્યો સ્થળ પર પહોંચે તે પહેલાં જ ફ્લેટમાં રહેતા મનુભાઈ રબારી નામના વ્યક્તિએ સાપ પર જીવલેણ હુમલો કરી તેને મારી નાખ્યો હતો. માત્ર આટલેથી જ ન અટકતાં, તેણે ક્રૂરતાની તમામ હદો વટાવીને મરેલા સાપને આરંભ ઝેસ્ટ ફ્લેટના મુખ્ય પ્રવેશદ્વાર બહાર જાહેરમાં સળગાવી પણ દીધો હતો. વન્યજીવ પ્રેમીઓના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ વાયરલ થતાં ટીમ સ્થળ પર દોડી આ ઘટના બની તે સમયે અરણ્ય વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટ સાથે સંકળાયેલા ફરિયાદી પોતાના અંગત કામ અર્થે મકરબા વિસ્તારમાં હતા. તે દરમિયાન તેમના રેસ્ક્યૂ સંસ્થાના વોટ્સએપ ગ્રૂપમાં માહિતી મળી હતી કે ચાંદલોડિયામાં આરંભ ઝેસ્ટ ફ્લેટ બહાર સાપને મારીને સળગાવી દેવામાં આવ્યો છે. આ મેસેજ મળતાં જ જીવદયા પ્રેમીઓ અને રેસ્ક્યૂ ટીમના સભ્યો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થળ પર તપાસ કરતાં સાપને મારીને અગ્નિદાહ આપી દેવાયો હોવાનું સ્પષ્ટ જણાતાં રેસ્ક્યૂઅર્સમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો હતો. 112 કંટ્રોલ રૂમ મારફતે પોલીસને જાણ ઘટનાસ્થળે પહોંચેલા રેસ્ક્યૂ ટીમના સભ્યોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ 112 પર સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. કંટ્રોલ રૂમની વર્ધીના આધારે પોલીસ PCR વાન પણ સ્થળ પર આવી પહોંચી હતી. આ મામલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટીમના સભ્યો દ્વારા સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં મનુભાઈ રબારી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ સાપ જેવા અનુસૂચિત વન્યજીવની હત્યા કરવી અને તેને નષ્ટ કરવો એ બિનજામીનપાત્ર ગંભીર ગુનો હોવાથી આરોપી સામે આકરામાં આકરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે એવી માગણી ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    દરિયાઈ પ્રદૂષણ મામલે માછીમારોની સરકાર સમક્ષ રજૂઆત:માંગરોળના સોમનાથ ભવન ખાતે યોજાયો વિશેષ સેમિનાર, માછીમારોએ જેતપુરની કેમિકલ પાઈપલાઈન સહિતના વિવિધ પ્રશ્નો શાંતિપૂર્ણ રીતે સરકાર સમક્ષ રજૂ કરી યોગ્ય ઉકેલ લાવવા કરી અપીલ
    Next Article
    તાલાલા પંથકમાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ:આજે નવસારી-વલસાડ-ડાંગ-તાપી સહિત વિસ્તારોમાં માવઠાંની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment