Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળી ટાણે ધરતીપુત્રો પર આભ તૂટ્યું:જૂનાગઢ પંથકમાં કમોસમી વરસાદથી મગફળીના પાથરા તણાયા; ઘાસચારો બગડતાં ખેડૂતો બેહાલ

    11 hours ago

    જૂનાગઢ જિલ્લામાં દિવાળીના તહેવારો ટાણે જ વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની તમામ ગણતરીઓ ઊંધી વાળી દીધી છે. ખેતરોમાં લણણી કરીને રાખવામાં આવેલા તૈયાર પાક પર અચાનક માવઠું તૂટી પડતાં ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. કેશોદ તાલુકાના બાલાગામ, બામણાસા, પાળોદર અને અખોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવન સાથે ખાબકેલા એક ઇંચથી વધુ વરસાદના કારણે ખેતરોમાં રાખેલા મગફળીના પાથરા તણાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી ગયા હતા. મગફળી ઉપરાંત સોયાબીન અને જુવાર જેવા અન્ય પાકો પણ પલળી જતાં ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની છે. ‘મોંઘા ભાવનાં ખાતર-બિયારણનો ખર્ચ પણ માથે પડ્યો’ બાલાગામના ખેડૂત હરસુખભાઈ જોટવાએ પરિસ્થિતિ વર્ણવતાં જણાવ્યું હતું કે, બપોર બાદ આવેલા ભારે વરસાદે સમગ્ર પંથકમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખેતરોમાં મગફળીનું હાર્વેસ્ટિંગ પૂર્ણ થઈ ગયું હતું અને માત્ર ઉપાડવાની બાકી હતી, ત્યાં જ કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગયા વર્ષે પણ ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી ફટકો પડ્યો હતો અને આ વર્ષે જ્યારે પાક સંપૂર્ણ તૈયાર થયો ત્યારે કુદરતે ફરી માર માર્યો છે. મોંઘા ભાવના ખાતર, દવા અને બિયારણ લાવીને મહામહેનતે પકવેલો પાક બરબાદ થતાં ખેડૂતો આર્થિક સંકટમાં મુકાઈ ગયા છે. પશુઓનો ઘાસચારો સાવ નિષ્ફળ ખેડૂતોના જણાવ્યા મુજબ, પાકની સાથે પશુઓ માટેનો ઘાસચારો (ભૂકો) પણ પલળી જતાં મોટો આર્થિક ફટકો પડ્યો છે. હાલ બજારમાં ઘાસચારાનો ભાવ પ્રતિ વીઘા ₹5,000થી ₹6,000 ચાલી રહ્યો છે, જે હવે સંપૂર્ણપણે સડી જતાં પશુપાલકો અને ખેડૂતોએ પશુઓ માટે બહારથી ઘાસચારો ખરીદવો પડશે. આ ઉપરાંત સતત પાણી ભરાઈ રહેવાથી મગફળી કાળી પડી ગઈ હોવાથી તેની ગુણવત્તા ખરાબ થઈ ગઈ છે. જેથી સરકારી ટેકાના ભાવના નિયમોમાં પણ તે સ્વીકાર્ય ન રહે તેવી ભીતિ સેવાઈ રહી છે. સતત બે વર્ષની દિવાળી બગડતાં ખેડૂતોમાં આક્રોશ બાલાગામના અન્ય ખેડૂત રાજેશભાઈ ડાભીએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ખેતરોમાં ૯૯ ટકા તૈયાર પાક પલળી જતાં ૧૦૦ ટકા નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ માવઠાને લીધે ચાલુ વર્ષની દિવાળી તો બગડી જ છે, પરંતુ આવતા વર્ષે વાવણી માટે બિયારણની મગફળી પણ બમણા ભાવે ખરીદવી પડશે, જેના કારણે ખેડૂતો બે વર્ષ પાછળ ધકેલાઈ ગયા છે. આ વિસ્તારમાં પવનના કારણે જુવારનો પાક ઢળી પડ્યો છે અને સોયાબીન સાવ નિષ્ફળ ગયું છે. કમરતોડ નુકસાન સામે ઝઝૂમી રહેલા જગતના તાતે સરકાર સમક્ષ કોઈ પણ જાતના વિલંબ વિના વિશેષ ટીમો બનાવી નુકસાનીનો સર્વે કરાવી પૂરતું અને યોગ્ય વળતર ચૂકવવાની પ્રબળ માગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળની ખાડીમાં ચક્રવાત મુરાસુ બન્યું:3 નવેમ્બરે આંધ્રપ્રદેશના દરિયા કિનારે અથડાશે; એક અઠવાડિયામાં બીજું ચક્રવાત, ઓડિશાના બે જિલ્લામાં પૂર
    Next Article
    રાજકોટના શાપરમાં તોડબાજીનો પર્દાફાશ:GPCB અધિકારીના નામે પંચનાથ ઓટો પાસેથી ₹1 કરોડ માગી ₹1 લાખ પડાવનાર શખ્સ અને કંપનીનો કર્મચારી જેલભેગા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment