Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દરવાજો ખુલ્લો હતો ને બેડરૂમમાં હતી લાશ:પ્રતિષ્ઠિત સોસાયટીમાંથી સોનાની બંગડીઓની લૂંટ, કોણ હતું અસલી કાતિલ?

    5 days ago

    તારીખઃ 7 જૂન, 2025 સમયઃ સવારે અંદાજે 9:30 વાગ્યે સ્થળઃ વૃંદાવન સોસાયટી, સંખારી રોડ, પાટણ ગુજરાતમાં ગરમીથી લોકો તોબા પોકારી ગયા હતા અને હવે ચોમાસાના આગમનના દિવસો ગણાઇ રહ્યાં હતા. આવામાં દરરોજની જેમ નીતાબેન શાંત અને પ્રતિષ્ઠિત ગણાતી વૃંદાવન સોસાયટીમાં આવેલા 68 વર્ષના ગોદાવરીબેનના બંગલામાં ગયા. આજે નીતાબેન પોતાના સમય કરતાં અડધા કલાક મોડા હતા. બંગલામાં પ્રવેશતાં જ તેમને થોડી નવાઇ લાગી કેમ કે દરરોજ ઘરના મુખ્ય દરવાજા પર લગાવેલી લોખંડની જાળીને આંકડિયો મારેલો રહેતો પણ આજે આંકડિયો નહોતો મારેલો, ફક્ત જાળી એમનેએમ બંધ કરેલી હતી. લોખંડની જાળી પછી બીજો એક લાકડાનો દરવાજો હતો, એ દરવાજો પણ ખુલ્લો હતો. બન્ને દરવાજામાંથી નીકળીને નીતાબેન ઘરના ડ્રોઇંગ રૂમમાં પહોંચ્યા અને જોયું તો ત્યાં ગોદાવરીબેન નહોતા. હવે નીતાબેને બેડરૂમ તરફ નજર ફેરવી. બેડરૂમનો દરવાજો ખુલ્લો પડ્યો હતો એટલે તેમને કંઇક વિચિત્ર લાગ્યું. નીતાબેને બેડરૂમમાં જઇને જોયું તો ગોદાવરીબેન બેડની નીચે જમીન પર સૂતેલી હાલતમાં પડ્યા હતા. તેમના નાકમાં સૂકાઇ ગયેલું લોહી હતું. આ દૃશ્ય જોઇને નીતાબેન ડરી ગયા. તે તરત બંગલાની બહાર દોડ્યા અને બૂમાબૂમ કરી મૂકી. તેમણે સૌથી પહેલાં ગોદાવરીબેનના ઘરની સામે રહેતાં જયશ્રીબેનને બોલાવ્યા. આ દરમિયાન સોસાયટીના અન્ય સભ્યો પણ બહાર દોડી આવ્યા અને બૂમાબૂમ કરવા પાછળનું કારણ પૂછ્યું. *** ગળા પર કાપાના નિશાન નીતાબેને બંગલામાં અંદર જે દૃશ્ય જોયું તેનું વર્ણન બધા સામે કર્યું. આ સાંભળીને બધા ગોદાવરીબેનના બંગલામાં ગયા. કદાચ ગોદાવરીબેનની તબિયત બગડી હશે તેવું માનીને લોકોએ તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો પણ ગોદાવરીબેન ઉઠ્યા નહીં. લોકોએ ધ્યાનથી જોયું તો ગોદાવરીબેનના ગળાના ભાગે કાપા પડેલા દેખાતા હતા. હવે આ ઘટના અનેક શંકા ઉપજાવા લાગી હતી એટલે સોસાયટીના રહીશોએ બીજું કંઇ કરવાને બદલે પાટણના જ મોટીસરા વિસ્તારમાં રહેતા ગોદાવરીબેનના સગાંને જાણ કરી હતી. આના પછી 108માં પણ ફોન કર્યો હતો. થોડી જ વારમાં સાયરન વગાડતી એમ્બ્યુલન્સ વાન ગોદાવરીબેનના ઘરે આવી પહોંચી હતી અને ગોદાવરીબેનને પાટણ જનરલ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ દરમિયાન સોસાયટીના લોકોએ ગોદાવરીબેનના સગાંને ફોન કરીને પાટણ જનરલ હોસ્પિટલ આવી જવા કહી દીધું હતું. જેથી તેના સગાં હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં ગોદાવરીબેનની સ્ટ્રેચર પર હતા. ગળાના અને દાઢીના નીચેના કંઇક વાગ્યું હોય તેવું નિશાન હતું. ડૉક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ પાટણ પોલીસને પણ કરાઇ હોવાથી પોલીસની એક ટીમ હોસ્પિટલ પહોંચી હતી. ગોદાવરીબેન મૃત જાહેર થયા બાદ તેમનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. જેમાં ડૉક્ટરે જણાવ્યું કે ગળું દબાવવાના કારણે ગોદાવરીબેનનું મોત થયું છે. આ સાથે જ હવે એ સ્પષ્ટ થઇ ગયું હતું કે ગોદાવરીબેનની હત્યા થઇ છે, તેમને પડી જવાથી કે વાગવાથી ઇજા નહોતી પહોંચી. આ હત્યા કોણે કરી એ સવાલ સાથે શરૂ થયો પોલીસ તપાસનો ધમધમાટ. *** પોલીસની તપાસમાં આગળ શું થયું એ જાણતા પહેલાં થોડા ફ્લેશ બેકમાં જઇએ. જે ઘરમાંથી ગોદાવરીબેનની લાશ મળી ત્યાં તેઓ એકલાં રહેતાં હતા. સવાર-સાંજ આજુબાજુના પાડોશીઓ સાથે વાતચીત કરીને દિવસો પસાર કરતાં હતા. ઘણીવાર સગાં-સંબંધીઓ તેમના ઘરે અવરજવર કરતાં હતા. બાકી તો પાડોશીઓ જ પહેલાં સગાં જેવી સ્થિતિ હતી. ગોદાવરીબેન પાડોશીઓ સાથે હળીમળી ગયા હતા. મોટી ઉંમર હોવાથી ગોદાવરીબેન ઘરકામ કરી નહોતા શકતા એટલે નીતાબેનને ઘરકામ માટે રાખ્યા હતા. નીતાબેન દરરોજ સવારે 9 વાગ્યે આવીને કચરા-પોતા અને વાસણ ધોવાનું કામ કરી જતાં. જો ક્યારેક ગોદાવરીબેનની તબિયત સારી ન હોય તો નીતાબેન તેમને રસોઇ પણ કરી આપતા. ગોદાવરીબેન દરરોજ નીતાબેન પાસે દૂધની એક થેલી મગાવતા. જે દિવસે ગોદાવરીબેનનો મૃતદેહ મળ્યો તેના આગલા દિવસે તેમણે નીતાબેનને કહ્યું હતું કે- નીતા, આવતીકાલે સવારે તું દૂધની થેલી લઇને ના આવતી. દૂધની થેલી લાવવાની ના પાડવી અને ગોદાવરીબેનની હત્યા થવી. શું આ બંને વચ્ચે કોઈ મોટું અને ખતરનાક કનેક્શન હતું? આ સવાલે પોલીસનું મગજ ચકરાવે ચઢાવી દીધું હતું. જેનો જવાબ મેળવવા પોલીસ મથી રહી હતી. દરમિયાન પ્રાથમિક તપાસમાં ખૂલ્યું કે, અગાઉ ગોદાવરીબેન તેના પતિ ગોવિંદભાઇ પરમાર સાથે પાટણના જ મોટીસરામાં પોતાના પિતાના મકાનમાં રહેતાં હતા. પતિનું અવસાન થયા બાદ પણ તેઓ ત્યાં એકલાં જ રહેતાં હતા. હત્યાના બે મહિના પહેલાં જ તેઓ વૃંદાવન બંગલોમાં રહેવા આવ્યા હતા. અહીં સગાં-સંબંધીઓ ખબર અંતર પૂછવા આવતા હોવાથી કામવાળા નીતાબેન પણ તેમાંના કેટલાક લોકોને સારી રીતે ઓળખતા હતા. *** સોનાની નવી બંગડીઓ ક્યાં ગઇ? પોલીસે જ્યારે બંગલાની ખૂણે-ખૂણે તપાસ કરી ત્યારે હાથ લાગી એક ડાયરી. આ ડાયરી ગોદાવરીબેનની લાઇફલાઇન જેવી હતી. જેમાં તેઓ રોજબરોજનો હિસાબ અને વાતો નોંધતા હતા. હત્યાના આગલા દિવસે ગોદાવરીબેને એ ડાયરીમાં એક એવી નોંધ કરી હતી જેનાથી પોલીસને આખા કેસમાં મહત્વનો સાબિત થાય તેવો એક ક્લૂ મળવાનો હતો. 6 જૂને ગોદાવરીબેને ડાયરીમાં સોનાની બંગડી ખરીદીને સોનીને 39 હજાર રૂપિયા આપ્યા હોવાની નોંધ કરી હતી. ડાયરીમાંથી પોલીસને સોનીનું કાર્ડ પણ મળ્યું હતું. પોલીસે સોનીને ફોન કરીને પૂછ્યું તો જાણવા મળ્યું કે, ગોદાવરીબેને જૂનું સોનું પાછું આપીને નવી બંગડીઓ ખરીદી હતી અને ઉપરની 39 હજાર રૂપિયાની વધારાની રકમ પણ ચૂકવી હતી. જ્યારે ગોદાવરીબેનની લાશ મળી ત્યારે તેમના હાથમાં કોઇ બંગડી પહેરેલી નહોતી. ઘરમાં પણ ક્યાંય બંગડી નહોતી. આ પરિસ્થિતિ એ બતાવતી હતી કે કોઇએ લૂંટના ઇરાદે ગોદાવરીબેનની હત્યા કરી છે એટલે પોલીસે તેમની ભત્રીજી પ્રજ્ઞાબેન સોલંકીની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો. સ્થાનિક પોલીસ પાસે વધુ પડતું કામ હોવાથી તે ઝીણવટભરી અને સતત તપાસ ચાલુ ન રાખી શકે જેથી રાજ્યના DGP એ શહેર અને ગ્રામ્ય કક્ષાએ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) બનાવેલી છે. આ એજન્સીઓ આવા ગંભીર પ્રકારના ગુના બને એટલે તેની તપાસમાં લાગી જતી હોય છે. ગોદાવરીબેનની હત્યાના કેસમાં પણ આવું જ થયું. પાટણ LCBએ આ કેસની તપાસમાં ઝૂકાવ્યું. PI રાકેશ ઉનાગરે તપાસનો દૌર સંભાળ્યો. મૃતક સિનીયર સિટીઝન હોવાથી પોલીસના માથે માછલાં ધોવાતાં હતા. જેથી પોલીસ પર કોઇપણ ભોગે જલ્દીમાં જલ્દી આરોપીને પકડવાનું પ્રેશર પણ હતું. આ હત્યા કોઇ અજાણ્યા શખ્સે લૂંટના ઇરાદે કરી હતી કે પછી આની પાછળ કોઇ નજીકની જ વ્યક્તિ સામેલ હતી? પોલીસની તપાસમાં એવો કયો ચોંકાવનારો ચહેરો સામે આવ્યો જેને જોઇને ખુદ ખાખી પણ દંગ રહી ગઇ? એ જાણવા માટે જુઓ ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો આવતીકાલનો બીજો એપિસોડ.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સમાં 100 અંકથી વધુનો ઘટાડો:નિફ્ટી પણ 50 અંક નીચે, એનર્જી અને IT શેરોમાં વધુ વેચવાલી
    Next Article
    ખંડેરાવ માર્કેટ પાસે બે દુકાનમાં આગથી દોડધામ:બે ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબુ મેળવ્યો, શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment