Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું સીંગતેલના ભાવ વધશે:દ્વારકા અને પોરબંદર જિલ્લામાંથી મગફળી લગભગ ગાયબ; સીંગદાણા બીજે વપરાશે તો ડબ્બો ભડકે બળશે

    2 days ago

    ગુજરાત સરકારે ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા. તેમાં દ્વારકા અને પોરબંદર મગફળીના ઉત્પાદન માટે વખણાય. અહીં દુષ્કાળ પડ્યો ને મગફળી થઈ નહીં. તેના કારણે સીંગતેલના ઉત્પાદનમાં પણ ફેર પડશે. 15 કિલો સીંગતેલનો ડબ્બો અત્યારે 3,000 રૂપિયાનો છે. આગળ જતાં ભાવ વધી શકે છે. પણ સિક્કાની બીજી બાજુ એ છે કે સીંગતેલમાં ભેળસેળ પણ થઈ રહી છે. મગફળીનું ઉત્પાદન કેટલું ઘટ્યું, સીંગતેલના ભાવ વધશે કે સ્થિર રહેશે, જાણીશું આજના ગુજરાત એક્સપ્લેનરમાં... સવાલ-1 : દુષ્કાળનું પેકેજ જાહેર કર્યું તેમાં ખેડૂતોને નુકસાન કેટલું? જવાબ : સરકારે 4 જિલ્લા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં દુષ્કાળ જાહેર કર્યો. સહાયની જાહેરાત કરી દીધી. પણ મોંઘવારી અને ખેડૂતોની આવક, આ બંને વચ્ચે એટલું મોટું અંતર છે. ખેડૂતોને નુકસાન થયું છે તેની સામે આ સહાય ચપટીક જ છે. સરકારે 2 હેકટર (12.5 વીઘા)ની મર્યાદામાં માત્ર 8500 આપવાની જ જાહેરાત કરી છે. આજે ખાતરની થેલી 2 હજાર રૂપિયાથી નીચે મળતી નથી. વાત મગફળીના ખેડૂતોની કરીએ તો તેમને સૌથી મોટો ફટકો લાગ્યો છે. મગફળીના ખેડૂતોની વાવણીનું ગણિત સમજાવતાં સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિએશનના પ્રમુખ કિશોરભાઈ વીરડિયા કહે છે, એક વીઘામાં મગફળી વાવવી હોય તો બે મણ બિયારણ જોઈએ. એક મણ બિયારણ 3500થી 4000 રૂપિયાનું થાય. બે મણના 7000થી 8000 થયા. તેને ટ્રેક્ટરથી વાવવાનું, ખાતર નાખવાનું, સિંચાઈનું પાણી આપવાનું આ બધો ખર્ચ અને મહેનત અલગ. એક વીઘે 7 હજારનું બિયારણ ને 2 હજાર ટ્રેકટરથી વાવવાના થાય એટલે વીઘે 9 હજારનો ખર્ચ થયો. તેની સામે વીઘા દીઠ સરકારે 1500 રૂપિયાની સહાયની જાહેરાત કરી. આમાં શું થાય? તેનાથી યે ખરી મહેનત મગફળી કાઢવાની છે. તેમણે દાખલો આપતાં કહ્યું કે, તમે છોકરાને એક રૂપિયાનો સિક્કો આપીને કહો કે જા બેટા, ચોકલેટ લઈ આવ. તો મોઢાં પર ઘા કરશે. ચોકલેટ માટે પણ ઓછામાં ઓછી 100ની નોટ માગશે. છોકરાંવ જો રૂપિયાની વેલ્યુ સમજતા હોય તો બિચારા ખેડૂતો નહીં સમજતા હોય? ટૂંકમાં, ગુજરાતમાં મગફળીની સ્થિતિ સારી નથી. સવાલ-2 :ગુજરાતમાં અત્યારે મગફળીની શું સ્થિતિ છે? જવાબ : દર વર્ષે એવું થાય છે કે ગુજરાતમાં એટલો ભરપૂર વરસાદ આવે કે મગફળીના ખેતરો તળાવ બની જાય. પાણી ભરાયેલાં રહે ને મગફળીનો પાક બગડી જાય અથવા ક્વોલિટી નબળી આવે. આ વખતે મગફળીને જોઈએ, તેટલો જ વરસાદ વરસ્યો. વધારે પડતું પાણી પડ્યું નહીં એટલે મગફળી સારા પ્રમાણમાં થઈ અને ક્વોલિટી પણ સારી ઉપજી. ગુજરાતમાં દિવાળી પહેલાં જ નવી મગફળીની ચિક્કાર આવક થવા લાગી. રાજ્યમાં દર વર્ષે 35-36 લાખ ટન મગફળીની આવક થતી હતી. આ વખતે 20% પાક ઓછો થશે તેવું એક સર્વેમાં કહેવાયું છે. ત્રણ સંસ્થાઓએ ગુજરાતમાં મગફળીના પાકનો સર્વે જાહેર કર્યો છે. લેટેસ્ટ સર્વે ધ સોલવન્ટ એક્સટ્રેકટર્સ એસોસિએસન (SEA)એ કર્યો હતો. આ સંસ્થાના સભ્યો સૌરાષ્ટ્ર-ગુજરાતના મગફળી ઉત્પાદક પ્રાંતોમાં ફર્યા હતા. તેઓ ખેડૂતો, ઓઈલ મીલો, ટ્રેડર્સ, બ્રોકરોનો અભિપ્રાય લેવાયો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ ઓછો પડવાના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે. સર્વેમાં સામે આવ્યું હતું કે વાવેતર 20.71 લાખ હેક્ટરમાં કરાયું હતું. સરેરાશ ઉતારો હેક્ટરે 1608 પ્રતિ કિલો મળ્યો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુલ 25.53 લાખ ટન ઉત્પાદન થશે. ગયા વર્ષે 31.32 લાખ ટન ઉત્પાદન હતું. ઉત્તર ગુજરાતમાં 7.81 લાખ હેક્ટરમાં ઉત્પાદન થશે જે ગયા વર્ષે 10.06 લાખ ટન હતું. જે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે તે દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ઉત્પાદનને ભારે ફકટો પડ્યો છે. દ્વારકામાં 4.61 લાખ ટન સામે ફક્ત 71 હજાર ટન મગફળી પાકશે. જ્યારે પોરબંદર જિલ્લામાં 2.13 ટન સામે 71 હજાર ટન મગફળી પાકશે. બંને જિલ્લામાં ઉતારો જોઈએ તો દ્વારકામાં પ્રતિ હેક્ટરે 375 કિલો અને પોરબંદરમાં પ્રતિ હેક્ટર 875 કિલો આવશે. ઓછા વરસાદની બૂમરાણ વચ્ચે ગયા વર્ષ કરતાં ખેડૂતોને આ વર્ષે મગફળીના સારા ભાવ મળી રહ્યા છે. સવાલ-3 : ઓછો વરસાદ છતાં સારા ભાવ કેમ મળે છે? જવાબ : એનું સૌથી મોટું કારણ એ છે કે આ વખતે એવા વિસ્તારો જ્યાં 50%થી વધારે વરસાદ વરસ્યો છે ત્યાં મગફળીનું ઉત્લાદન બહુ સારું થયું છે. કારણ કે અતિવૃષ્ટિ જેવો વરસાદ થયો નથી એટલે મગફળીમાં પાણીજન્ય રોગ થયો નથી. ક્વોલિટી સારી આવી છે. જ્યાં 50%થી ઓછો વરસાદ પડ્યો છે ત્યાં હાલત ખરાબ છે એટલે એટલો પાક ઘટ્યો છે પણ બાકીના ભાગમાં પ્રમાણમાં સારો પાક થયો છે. અત્યારે ખેડૂતોને મગફળીના ભાવ સારા મળે છે. ગયા વર્ષ કરતાં એક મણે (20 કિલોએ) 300-400 રૂપિયા વધારે મળે છે. ગયા વર્ષે મણના 1200-1300 મળતા હતા. આ વખતે 1600-1700 મળે છે. સરકારના ટેકાના ભાવ 1503 રૂપિયા છે. એટલે સરકાર ખેડૂતો પાસેથી એક મણ મગફળી ખરીદે તો 1503 રૂપિયા આપે. તેની સામે બજારમાં ભાવ ઊંચા છે એટલે ખેડૂતો સરકારને વેંચતા નથી. માનો કે વેંચે તો કાગળિયાની કડાકૂટ છે. પૈસા મોડા આવે. જફા ઘણી છે એટલે ખેડૂતો યાર્ડમાં જ પહોંચી જાય છે. ગયા વર્ષે સરકારે 18 લાખ ટન મગફળી ટેકાના ભાવથી ખરીદી હતી. અત્યારે આખા ગુજરાતમાં રોજની 3 લાખ ગુણી મગફળી યાર્ડોમાં પહોંચે છે. તેમાં સૌથી વધારે આવક ડીસા, પાલનપુર, પાથરાવાડા, ગોંડલ, મહુવા, રાજકોટના યાર્ડમાં છે. પાલનપુર માર્કેટ યાર્ડની જ વાત કરીએ તો જુદી જુદી જાતની મગફળીના ભાવ જુદા જુદા છે. જેમ કે 37 નંબર મગફળીના એક મણના 1450થી 1650, મીનાક્ષી મગફળીના1500 થી 1900 અને 24 નંબર મગફળીના1600 થી 2000 સુધી ભાવ છે. ગયા વર્ષે મગફળીના ભાવ મણના 1300 થી 1400 રૂપિયાની આસપાસ હતા જે આ વર્ષે વધીને 1500 થી 2000 સુધી પહોંચી ગયા છે. આ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે મગફળીનું કુલ વાવેતર અને ઉત્પાદન મર્યાદિત રહ્યું છે પરંતુ જે પણ ઉત્પાદન આવ્યું છે તેની ક્વોલિટી ખૂબ સારી છે અને બજારમાં તેની ડિમાન્ડ પણ ઘણી છે. મગફળી ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પહેલા નંબરે છે. ભારતના કુલ ઉત્પાદનના 40% ઉત્પાદન એકલા ગુજરાતમાં થાય છે. બીજા નંબરે રાજસ્થાન, પછી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, યુપી અને મહારાષ્ટ્ર છે. ભારતમાં તો ઉત્પાદન થાય જ છે પણ વિદેશથી પણ મગફળીની આયાત થાય છે. સવાલ-4 : શું ભારતમાં વિદેશથી પણ ખાદ્યતેલ આયાત થાય છે? જવાબ : એક રિપોર્ટ અનુસાર ભારતમાં 2.2 કરોડ ટન ખાદ્યતેલનો વપરાશ થાય છે, જેમાંથી 60 ટકા એટલે કે 1.5 કરોડ ટન ખાદ્યતેલ બીજા દેશોથી આયાત કરાય છે. સોલવેન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ નોંધ્યું છે કે ભારતમાં એક વ્યક્તિ વાર્ષિક 19 કિલો ખાદ્યતેલનો વપરાશ કરે છે, જેમાંથી 11 કિલો ખાદ્યતેલ બીજા દેશોથી આવે છે. ભારત મલેશિયા અને ઇન્ડોનેશિયાથી વાર્ષિક 80 લાખ ટન પામતેલની આયાત કરે છે. બ્રાઝિલ, આર્જન્ટિના અને અમેરિકાથી 35 લાખ ટન સોયાબીન તેલની આયાત કરે અને યુક્રેન, રશિયા અને આર્જન્ટિનાથી 20 લાખ ટન સૂરજમુખી તેલની આયાત કરે છે. જુલાઈ-2026માં પામ ઓઇલની આયાત અગાઉના મહિનાની સરખામણીએ આશરે 50% વધીને 730,965 મેટ્રિક ટન થઈ ગઈ, જે 2026માં સૌથી વધુ હતી. સોયાબીન તેલની આયાત 31% વધીને 498,881 ટન થઈ ગઈ, જે પણ 2026ની સૌથી વધુ છે. જ્યારે, સૂર્યમુખી તેલની આયાત આશરે 4% વધીને 251,639 ટન થઈ ગઈ. ખાદ્યતેલોની કુલ આયાત 33.3% વધીને 1.48 મિલિયન ટન થઈ ગઈ, જે સપ્ટેમ્બર 2025 પછીનું સૌથી ઊંચું સ્તર છે. ભારતમાં ગુજરાતમાં જ સીંગતેલનું ઉત્પાદન સૌથી વધારે થાય છે ને એ પણ સૌરાષ્ટ્રમાં પણ તેના ભેળસેળ સામે શંકા છે. સવાલ-5 : શું સીંગતેલના ભાવ વધશે, ભેળસેળનું ગણિત શું છે? જવાબ : સીંગતેલના ભાવ વધશે કે કેમ, તેના વિશે મગફળીના વેપારી ડાયાલાલ કેસરિયા કહે છે, SEAના સર્વેમાં જે મગફળીમાં 20% પાક ઓછો બતાવ્યો છે એ સાચું પણ એ ક્રશિંગ ક્વોલિટીના માલનો જ ખાંચો છે. 3000નો ડબ્બો 3500 સુધી જઈ શકે. ભાવ વધતાં વાર લાગશે. કાલ ને કાલ નહીં વધે પણ અત્યારે સીંગતેલ ભરવું હોય તો ભરી લેવાય. તેમાં ભૂલ નથી. જેને વરસ-દિવસનું સીંગતેલ ભરવું હોય તે અત્યારે ભરી શકે છે. પોરબંદર, જામનગર અને દ્વારકા આ ત્રણ જિલ્લામાં વરસાદના અભાવે G-20 પ્રકારની મગફળી ઓછી થઈ છે. આ એક જ જાતમાં ઓછો પાક થયો છે. G-20 એટલે ક્રશિંગ ક્વોલિટી કહેવાય. એવી મગફળી જેમાંથી તેલ નીકળી શકે. તેલ આપતી મગફળી જ આ વખતે ઓછી થવાની છે. એટલે તેલનો ભાવ ઊંચો રહેશે. G-24, G-37 મગફળીના ભાવ એટલા ઊંચા છે કે તેમાંથી તેલ કાઢવું સંભવ નથી. આ એક્સપોર્ટ માલ છે. સીંગતેલના ભાવ વધવાના બે ફેક્ટર છે. ખોળમાં તેજી થાય તો સીંગતેલમાં ઓછી તેજી થાય. ખોળમાં તેજી ન થાય તો સીંગતેલમાં તેજી થાય. સીંગતેલ સાથે સંકળાયેલા એક વેપારી તો ત્યાં સુધી કહ્યું કે, મગફળીની અત્યારે આવક છે પણ સારી ક્વોલિટીના કારણે ખારી સીંગ, ચેવડા-ચવાણામાં વધારે વપરાઈ જશે એટલે પીલાણ માટે ઓછી આવશે. અત્યારે 3 હજારનો ડબ્બો મળે છે પણ ધીમે ધીમે 3500 નહીં, 3800 અને 4000 સુધી પણ ભાવ પહોંચી શકે છે. અમારે ત્યાંથી અત્યારથી જ ઘણા લોકો વરસનું તેલ ભરવા લાગ્યા છે. સૌરાષ્ટ્ર ઓઈલ મિલર્સ એસોસિએશન (સોમા)ના પ્રમુખ કિશોરભાઈ વીરડિયા કહે છે, ગયા વર્ષની સીંગતેલની આખી પાઈપ લાઈન ખાલી છે. ગયા વર્ષે સીંગદાણા પલળીને ખરાબ થઈ ગયા હતા. અત્યારે જે મગફળી છે તે ખાવામાં યુઝ થઈ રહી છે. ખારી સીંગ, ચેવડા-ચવાણામાં વધારે ઉપયોગ થઈ ગયો છે. ક્રશિંગમાં તો મીલ શરૂ જ થઈ નથી. ક્રશિંગમાં કેટલા દાણા આવે તે મહત્વનું છે. આમ તો નહિવત જ આવશે. અમે પહેલાં સીંગદાણાના ત્રણ વિભાગ પાડતા હતા. અંદાજે 30 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોય તો તેમાંથી 10 લાખ ટન બિયારણ તરીકે વપરાય. તેને વાવી દેવાય. 10 લાખ ટન એક્સપોર્ટ થતું અને ફરસાણમાં જતું અને 10 લાખ ટન મગફળીનું પિલાણમાં તેલ નીકળતું. અમે પહેલાં વિભાગો કરતા હતા. પણ હવેના સંજોગોમાં ખબર નહીં પડે કે કેટલું ક્યાં જાય છે. અત્યારે ભાવ ડિફરન્સ ઘણો છે. હવે ચોઈસ કરનારા જ સીંગતેલ ખાય છે. લેવાવાળા સોનું ખરીદે છે. બાકીના ચાંદી ખરીદે છે. સીંગતેલમાં ય એવું છે. સૌરાષ્ટ્રમાં 400 ઓઈલ મિલ છે. અગાઉ તો 700- 800 મિલ હતી. નાની ઘાણીવાળા ગામડે ગામડે હોય, તેને મિલવાળા જોબ વર્ક આપે. તેના બદલે નાની ઘાણીમાંથી તેલ કાઢીને વેપલો કરવા લાગ્યા છે. તેને ટેક્સ ન ભરવો પડે, લાયસન્સ ન લેવું પડે, પરમિશન ન લેવી પડે... કોઈ ઝંઝટ નહીં. તે પણ ઓઈલ મિલોને નડી જાય છે. કિશોરભાઈ વીરડિયા આંખ ઉઘાડનારી વાત કરતાં કહે છે, વિદેશથી આવતું પામતેલ ક્યાં જાય છે તેનું વેરિફકેશન કરે તો ખબર પડે કે આયાતી પામતેલ જાય છે ક્યાં… કારણ કે ઓરિજીનલ સીંગતેલનો ડબ્બો 5 હજારમાં ય ન મળે. અત્યારે જે ભાવ ચાલે છે તેમાં ઓરિજીનલ સીંગતેલ કોઈને પોસાય જ નહીં. સીંગતેલના નામે એટલી ભેળસેળ થાય છે કે કોઈને રોકટોક નથી. જેને 'છેડા' છે તે લોકો એ જ બધું કરે છે. સીંગતેલમાં ભેળસેળ એટલું ચાલે છે કે સીંગતેલના ભાવ આસમાને જવાના ચાન્સ નથી. ઓરિજીનલ વેપારી બધા બંધ કરીને બેઠા છે. જેને ખોટું કરવું નથી તે મિલર્સો બંધ છે. ઈમ્પોર્ટ તેલનું વેરિફિકેશન કરો તો ખબર પડે કે આ તેલ જાય છે ક્યાં... ડબ્બા પર 'સીંગતેલ' લખ્યું હોય એટલે તમે સાચું માની લ્યો છો ને, બાકી અંદર શું છે તે તમને ખબર ન હોય. નાનામાં નાનો વેપારી હોય, જે ડબ્બો વેચતો હોય ત્યાં દરોડો પાડે કે આ ભેળસેળ કોણે કરી હશે... પણ જેણે ભેળસેળ કરી છે ત્યાં પહોંચી શકાય તેમ છે તો સરકાર કેમ નથી પહોંચતી?
    Click here to Read More
    Previous Article
    15 જિલ્લાના 45 તાલુકા દુષ્કાળગ્રસ્ત છતાં સહાયથી વંચિત:4 જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા પણ 40થી 70% વરસાદની ઘટવાળા વિસ્તારોનું શું? ખેડૂત આગેવાનોની આંદોલનની ચીમકી
    Next Article
    India's Market Leaders To Decode The New Samvat At NDTV Profit Ignite In Mumbai On 28 October

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment