Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    15 જિલ્લાના 45 તાલુકા દુષ્કાળગ્રસ્ત છતાં સહાયથી વંચિત:4 જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કર્યા પણ 40થી 70% વરસાદની ઘટવાળા વિસ્તારોનું શું? ખેડૂત આગેવાનોની આંદોલનની ચીમકી

    2 days ago

    ગુજરાતમાં ઓછા વરસાદને પગલે રાજ્ય સરકારે માત્ર 4 જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતો માટે હેક્ટરદીઠ આશરે ₹8,500ની સહાય જાહેર કરી છે. જોકે આ 4 જિલ્લાઓ ઉપરાંત રાજ્યમાં 15 જિલ્લાના 45 તાલુકા એવા છે, જેમાં 40%થી લઈને 70% સુધી વરસાદની ઘટ છે છતાં સરકાર દ્વારા આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. જેમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં 70.12% વરસાદની ઘટ છે. આ ઉપરાંત વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકામાં 61.17%, જૂનાગઢ જિલ્લાના વથંલી તાલુકામાં 60.26%, મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં 55.52% અને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં 54.86% વરસાદની ઘટ હોવા છતાં સરકારે આ તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત વિસ્તારની યાદીમાંથી બાકાત રાખ્યા છે. ગુજરાત સરકારની સાથે સાથે જ રાજસ્થાન સરકારે પણ દુષ્કાળની જાહેરાત કરી છે. જો કે તેમણે 14 જિલ્લાના 80 તાલુકામાં દુષ્કાળ જાહેર કર્યો છે. જ્યારે ગુજરાતમાં તેનાથી વિપરિત 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. જે વાસ્તવિકતાથી દૂર છે, કારણ કે ગુજરાતના આ 4 જિલ્લા સિવાય 15 જિલ્લાઓના 45 તાલુકામાં દુષ્કાળની સ્થિતિ છે. જો તાલુકા વાઇઝ જાહેર કરવામાં આવે તો તેનું ચિત્ર વધુ સ્પષ્ટ સામે આવે. જ્યારે કોઈ જિલ્લામાં વધુ વરસાદ હોય પણ તેના જ ઘણાં એવા તાલુકા હોય જ્યાં વરસાદની મોટી ઘટ હોય. પરંતુ જિલ્લાના સરેરાશ વરસાદમાં જે ખેડૂત મુશ્કેલીમાં છે તે સહાયથી વંચિત રહી જાય છે. તો બીજી તરફ સરકારના આ નિર્ણય સામે ખેડૂત સંગઠનો અને આગેવાનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે સહાયની રકમ અપૂરતી ગણાવી છે. ખેડૂત નેતા પાલ આંબલિયાએ પણ સહાયના ધોરણ સામે સવાલો ઉઠાવી સરકારને નિર્ણય પર પુન:વિચાર કરવાની માગ કરી છે. આ ઉપરાંત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ઓછા વરસાદ છતાં બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર નહીં કરવા મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરી છે. વીઘાદીઠ ₹2,000ની સહાયથી બિયારણનો ખર્ચ પણ નહીં નીકળે: આર.કે. પટેલ ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે જણાવ્યું હતું કે, ભારતીય કિસાન સંઘે ઓછો વરસાદ પડ્યો હોય તેવા વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની માગ કરી હતી. ખેડૂતો પણ આ મુદ્દે સતત રજૂઆતો કરી રહ્યા હતા. તેના પરિણામે સરકારે ચાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરી સહાયની જાહેરાત કરી છે. જોકે, મોંઘવારીના સમયમાં વીઘાદીઠ માત્ર ₹2,000ની સહાય અપૂરતી છે. તેમણે જણાવ્યું કે, સરકાર આ સહાય NDRFના નિયમો હેઠળ આપતી હોવાનું કહે છે. ખેતીમાં બિયારણ પાછળ થતા ખર્ચને ધ્યાનમાં લઈએ તો આ રકમથી શું થઈ શકે તે સમજી શકાય છે. આ સહાય છે, નુકસાનનું સંપૂર્ણ વળતર નથી. 'બનાસકાંઠા-સાબરકાંઠાના બાકાત તાલુકાઓને પણ અછતગ્રસ્ત જાહેર કરો' આર.કે. પટેલે જણાવ્યું કે, ચાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરાયા હોવા છતાં રાજ્યના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ વરસાદની અછત છે. બનાસકાંઠા અને સાબરકાંઠાના કેટલાક તાલુકાઓમાંથી પણ ખેડૂતોના ફોન આવે છે કે તેમના વિસ્તારમાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં તેમને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. તેમણે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અપીલ કરતાં જણાવ્યું કે, જે વિસ્તારો બાકાત રહી ગયા છે ત્યાંના પ્રતિનિધિઓએ ખેડૂતોનો અવાજ બની સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ. ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવી એ જનપ્રતિનિધિઓની જવાબદારી છે. 'સ્થાનિક પરિસ્થિતિને કારણે ખેડૂતોને નુકસાન' તેમણે વધુમાં જણાવ્યું કે, અછત નક્કી કરતી વખતે માત્ર વરસાદના આંકડાને બદલે વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ અને ખેડૂતોને થયેલા વાસ્તવિક નુકસાનને પણ ધ્યાનમાં લેવું જોઈએ. ક્યાંક ઓછા વરસાદ છતાં પાણીની વ્યવસ્થાથી પાક બચી શકે છે, તો ક્યાંક વધુ વરસાદ હોવા છતાં સ્થાનિક પરિસ્થિતિને કારણે ખેડૂતોને નુકસાન થઈ શકે છે. તેથી આખા જિલ્લા કે તાલુકાને એકમ બનાવવાને બદલે જે ખેડૂતને વાસ્તવમાં નુકસાન થયું હોય તેને એકમ બનાવી સહાય આપવી જોઈએ. 40%થી ઓછો વરસાદ છતાં બનાસકાંઠાને અછતગ્રસ્ત જાહેર ન કર્યો: ગેનીબેન સાંસદ ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં ઓછા વરસાદનો મુદ્દો ઉઠાવતાં જણાવ્યું કે, સરકારે ચાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે, પરંતુ બનાસકાંઠામાં પણ 40% કરતાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. બનાસકાંઠા પશુપાલન માટે મહત્ત્વનો જિલ્લો છે. અહીંના લોકોની રોજગારીનો મુખ્ય આધાર ખેતી અને પશુપાલન છે. ઓછા વરસાદને કારણે ખેતીની સાથે પશુઓ માટે ઘાસચારા અને પાણીની સમસ્યા પણ ઊભી થઈ શકે છે. ગેનીબેને ખેડૂતો અને પશુપાલકો માટે ઘાસચારા તથા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા, અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક રાહતકામો શરૂ કરવા અને ખેડૂતોનાં ધિરાણના વ્યાજમાં માફી આપવા અથવા બેંક લોનની ચૂકવણીમાં એક વર્ષની રાહત આપવા માગ કરી છે. તેમણે નર્મદા નહેરનું જોડાણ અને ડેમોમાં પાણી હોવા છતાં ખેડૂતોને નહેરો તથા તળાવોમાં પૂરતું પાણી કેમ આપવામાં આવતું નથી તેવો સવાલ ઉઠાવી, પાણીની વ્યવસ્થા કરવાની પણ માગ કરી છે. પાલ આંબલિયાની નિર્ણય નહીં બદલાય તો આંદોલનની ચીમકી ખેડૂત નેતા પાલ આંબલિયાએ હેક્ટરદીઠ આશરે ₹8,500ની સહાયને ખેડૂતો સાથેની ‘ક્રૂર મજાક’ ગણાવી છે. તેમણે સરકારને સહાયના નિર્ણય પર પુનર્વિચાર કરવા જણાવ્યું છે. જો સરકાર નિર્ણયમાં ફેરફાર નહીં કરે તો 12 માર્ચે લડતનું રણશિંગું ફૂંકવાની ચીમકી પણ આપી છે. પાલ આંબલિયાના જણાવ્યા અનુસાર, અછતગ્રસ્ત વિસ્તાર જાહેર થયા બાદ ખેડૂતોને રાહત આપવા માટે પાકધિરાણ માફી, સાત કિલોમીટરની ત્રિજ્યામાં ઘાસચારા વિતરણ કેન્દ્રો, રાહતકામો શરૂ કરવા, પાંજરાપોળની વ્યવસ્થા, પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતા અને નોંધાયેલી ગૌશાળાઓમાં પશુદીઠ દૈનિક સહાય જેવા પગલાં લેવા જોઈએ. અગાઉ ખેડૂતોને પાક વીમા અને SDRF જેવી યોજનાઓ હેઠળ લાભ મળતા હતા. 'સહાયની રકમ વધારવા સાથે પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરો' ઓછા વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકારની સહાયની જાહેરાત બાદ હવે સહાયની રકમ વધારવા, બાકાત વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવા અને ખેતી તથા પશુપાલન માટે રાહતનાં પગલાં લેવાની માગ ઉઠી છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે માત્ર સહાયની જાહેરાત પૂરતી નથી. ખેડૂતોને વાસ્તવિક નુકસાનના આધારે મદદ મળે, પશુઓ માટે ઘાસચારો અને પાણી ઉપલબ્ધ થાય તથા લોનના બોજામાંથી રાહત મળે તે જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું- મુસ્લિમ દેશોએ એકજૂથ થવું જોઈએ:યુદ્ધ રોકવા તેહરાન પહોંચ્યા સાઉદી-પાકિસ્તાન-તુર્કી; ટ્રમ્પે ટૂંક સમયમાં હુમલો કરવાની ધમકી આપી હતી
    Next Article
    શું સીંગતેલના ભાવ વધશે:દ્વારકા અને પોરબંદર જિલ્લામાંથી મગફળી લગભગ ગાયબ; સીંગદાણા બીજે વપરાશે તો ડબ્બો ભડકે બળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment